સ્વાધ્યાયલોક—૩/વિકટર હ્યુગો

From Ekatra Wiki
Revision as of 16:44, 28 April 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિક્ટર હ્યુગો

વિકટર હ્યુગો એટલે સર્વતોમુખી પ્રતિભા. અંગત જીવન, જાહેર જીવન, સાહિત્ય જીવન — એકસાથે ત્રણ સ્તરે સમાંતર એમની પ્રતિભા સક્રિય હતી. ત્રણે સ્તરના જીવનમાં વિપુલતા અને વિવિધતા હતી. એક જ લેખમાં ત્રણે સ્તરનાં જીવનનું આલેખન કરવું અશક્ય છે. એથી આ લેખમાં અંગત જીવન તથા જાહેર જીવનનું અને ભવિષ્યમાં ‘વિકટર હ્યુગોની સાહિત્યસૃષ્ટિ’ કે એવા કોઈ શીર્ષકથી અન્ય સ્વતંત્ર લેખમાં સાહિત્ય જીવનનું આલેખન કરવાનો ઉપક્રમ છે. ૧૯૮૨ના સપ્ટેમ્બરની ૨૫મીએ સવારના અગિયારેક વાગ્યે પૅરિસમાં પાંથેઓંમાં વિકટર હ્યુગોની સમાધિ સમક્ષ ઊભો હતો ત્યારે મૃત્યુની ક્ષણે એમનો અંતિમ ઉદ્ગાર ‘Je vois de la lumiere noire’(ઝ વ્વા દ લા લુમિએર ન્વાર) — ‘હું કાળું અજવાળું જોઉં છું.’ અને મૃત્યુશય્યા પરથી રચી હતી તે એમની અંતિમ કાવ્યપંક્તિ‘C’est ici le combat du jour et de la nuit’ (સેતિસિ લ કોંબા દ્યુ ઝુર એ દ લા નુઈ) — ‘અહીં જ છે દિવસ અને રાત્રિ વચ્ચેનો સંઘર્ષ’ તથા મૃત્યુના ત્રણ દિવસ અગાઉ જ નોંધપોથીમાં એમની અંતિમ નોંધ ‘Aimer, c’est agir’(એઈમે, સેતાજિર) — ‘ચાહવું, એ તો છે સક્રિય થવું’ — આ ત્રણેનું એકસાથે સહજ સ્મરણ થયું હતું. એમાં હ્યુગોના જીવનનું સારસર્વસ્વ પ્રગટ થાય છે: સંઘર્ષ, સંઘર્ષ ને સંઘર્ષ, સર્વદા સંઘર્ષ, સર્વત્ર સંઘર્ષ. અનેક દ્વન્દ્વો અને દ્વૈતો, વક્રતાઓ અને વિરોધાભાસોથી સભર અને સમૃદ્ધ એવું એમનું જીવન અને કવન છે. હમણાં જ જોઈશું તેમ, જાણે જન્મ પૂર્વે જ હ્યુગોનું આ ભાગ્યનિર્માણ હતું. વળી, હ્યુગોને આત્માની અમરતામાં શ્રદ્ધા હતી. એથી એમની સમાધિ સમક્ષ ઊભો હતો ત્યારે મૃત્યુ પછી પણ એમનો આત્મા સતત સંઘર્ષમાં જ મચ્યો હશે, રચ્યોપચ્યો હશે અને હંમેશાં રહેશે એનું પણ સહજ સ્ફુરણ થયું હતું.

અંગત જીવન
 

વિકટર હ્યુગોનો જન્મ ૧૮૦૨ના ફેબ્રુઆરીની ૨૬મીએ ઉત્તરપૂર્વ ફ્રાંસમાં બેસાંસોંમાં ૧૭મી સદીના એક જર્જરિત મકાન ૧૪૦, ગ્રાંદ ર્‌યુમાં. પિતા લેઓપોલ્દ હ્યુગો અને માતા સોફી ત્રેબુશે. માતાપિતાને ત્રણ સંતાનો, ત્રણે પુત્રો: આબેલ, યુજેન અને વિકટર (ફ્રેન્ચ ઉચ્ચાર વિક્તોર). એમાં વિકટર સૌથી નાના. મોટું માથું ને નાનો દેહ. જીવશે નહિ એવી માતા સિવાય સૌને ચિંતા થાય એટલી નિર્બળતા. એકલા, અટૂલા ને ઉદાસ. માતાનો વિયોગ થાય તો એકાંતમાં ક્યારેક આંખમાં આંસુ હોય એવી સંવેદના. પછીથી જીવનભર અદ્ભુત શારીરિક સંપત્તિ અને અસાધારણ માનસિક શક્તિ છતાં વચમાં વચમાં એ જ આ સંવેદના અને અંતિમ વર્ષોમાં એ જ આ નિર્બળતા. પિતા લોરેનના અને માતા બ્રેતાન્યનાં. એથી જન્મથી જ હ્યુગોની નસોમાં પરસ્પર વિરોધી લોહીનું મિશ્રણ. પિતાને લગ્ન પૂર્વે લુઈસ બ્વુઆં સાથે તથા લગ્ન પછી કૅથેરિન થોમસ સાથે અને માતાને લગ્ન પછી વિકટર લાહોરી સાથે લગ્નેતર સંબંધો છતાં બન્ને પુત્રવત્સલ. પિતા પ્રજાસત્તાકવાદી અને માતા રાજાવાદી. એથી હ્યુગોને જીવનભર લગ્નેતર સંબંધો, વાત્સલ્ય અને પરસ્પર વિરોધી વિચારધારાઓનો વારસો. આમ, જન્મ પૂર્વે જ સંઘર્ષ એ એમનું ભાગ્યનિર્માણ હતું. એમને માતા પ્રત્યે પક્ષપાત અને પિતા પ્રત્યે પૂર્વગ્રહ. પિતા કાઉન્ટ અને જનરલ, એનો એમને ગર્વ; પણ જનરલ તરીકે એ શત્રુઓ પ્રત્યે ક્યારેક ક્રૂર અને પતિ તરીકે પત્ની પ્રત્યે ક્યારેક કઠોર, એનો એમને રોષ. એમણે ‘લે મિઝેરાબ્લ’માં પિતા પરથી ‘લ બ્રિગાં દ લા લ્વાર’નું પાત્ર રચ્યું છે એમાં એમની આ દ્વિધા પ્રગટ થાય છે. પિતા કાઉન્ટ અને જનરલ, માતાપિતા વચ્ચે વ્યક્તિત્વનો વિસંવાદ અને બન્નેને લગ્નેતર સંબંધો. એથી પિતા મોટે ભાગે અન્ય સ્ત્રી સાથે ઈટલી કે સ્પેનમાં હોય અને માતા સંતાનો સાથે પૅરિસમાં હોય. હ્યુગોનો જન્મ પૅરિસમાં ન થયો પણ એમના જીવનનો મોટા ભાગનો સમય પૅરિસમાં ગયો. એમણે નોંધ્યું છે, ‘પૅરિસ મારા આત્માની જન્મભૂમિ છે.’ ૧૮૦૩માં લગભગ બે વર્ષની વયે માતા તથા બે મોટા ભાઈની સાથે પ્રથમ વાર પૅરિસમાં વસ્યા. પછી એમને પિતા સાથે ૧૮૦૭માં ઈટલીમાં અને ૧૮૧૧માં સ્પેનમાં લગભગ એક એક વરસ વસવાનું થયું. જોકે ૧૮૧૪માં નાપોલેઓંના પરાજય પછી પિતાના જનરલ તરીકેના પ્રવાસોનો અંત આવ્યો પછી એ પૅરિસમાં સ્થિર થયા. આમ, એમનું શૈશવ એ એમના જીવનનો સૌથી વધુ અસ્થિર અને અસ્તવ્યસ્ત સમય હતો. એથી ક્યારેક ઘરમાં, ક્યારેક શાળામાં તો ક્યારેક ઘરશાળામાં એમનું અનિયમિત અને મોટે ભાગે અનૌપચારિક શિક્ષણ થયું. ૧૮૧૨માં માતાના સાન્નિધ્યમાં ઘરમાં શિક્ષણનો અનુભવ અત્યંત સુખદ હતો. પણ ૧૮૧૧માં સ્પેનમાં અને ૧૮૧૪થી ૧૮૧૮ પૅરિસમાં ઘરશાળામાં શિક્ષણનો અનુભવ એટલો જ દુઃખદ હતો. ૧૮૧૪માં માતા પ્રત્યેના વૈરને કારણે પિતાએ એમને માતાથી દૂર કર્યા હતા અને ફોઈના ઘરમાં વસાવ્યા હતા અને પછી ૧૮૧૮ લગી ઘરશાળામાં શિક્ષણનો પ્રબંધ કર્યો હતો. અને રોજના માત્ર બે સુની જ ખીસાખરચી આપી હતી. ઇટલીના પ્રવાસમાં ત્યાંની પ્રકૃતિનો અને સ્પેનના પ્રવાસમાં ત્યાંની પ્રજાની પ્રકૃતિનો અનુભવ અને સ્પૅનિશ ભાષાનો અભ્યાસ એમનાં સર્જન — કાવ્યો, નાટકો (‘હેર્નાની’, ‘રુઈ બ્લા’), નવલકથાઓ, પ્રવાસવર્ણનો — માં અને જીવનમાં પ્રેરણારૂપ હતો. પિતાની ઇચ્છા કે એ વકીલ કે ઇજનેર થાય એથી એમણે મનેકમને લીસે લુઈ-લ-ગ્રાંમાં કાયદાનો અને એકોલ પોલીતેકનિકમાં પ્રવેશ માટે ગણિત અને ડ્રૉઇંગનો અભ્યાસ કર્યો હતો. જોકે આ સમયમાં જ એમણે કવિ થવાનો નિર્ણય કર્યો હતો અને કાવ્યો કરવાનો પણ આરંભ કર્યો હતો. વળી આ સમયમાં જ એમણે ચિત્રો કરવાનો પણ આરંભ કર્યો હતો. પછીથી બ્લૅઈકની જેમ નોંધપાત્ર ચિત્રકાર પણ થયા. આરંભથી જ એમનામાં અદ્ભુત નિરીક્ષણશક્તિ અને અસાધારણ સ્મરણશક્તિ હતી. ૧૭૯૭માં પૅરિસમાં લેઓપોલ્દ અને સોફીનું લગ્ન થયું પછી થોડાક જ દિવસમાં ત્રેબુશે કુટુંબના મિત્ર પિએર ફુશેનું આન આશલિન સાથે લગ્ન થયું ત્યારે લેઓપોલ્દે કહ્યું, ‘તમને પુત્રી થવી જોઈએ અને મને પુત્ર થવો જોઈએ. તો આપણે એ બન્નેનાં લગ્ન કરાવશું.’ ત્યારે એમને જાણ ન હતી કે અજાણે પણ એમણે સત્ય ઉચ્ચાર્યું હતું. ૧૮૦૩ના નવેમ્બરની ૨૮મીએ પૅરિસમાં ફુશે દંપતીને પુત્રી આદેલનો જન્મ. વિકટર ત્યારે પૅરિસમાં. એથી આદેલના જન્મથી જ વિકટરને એમનો પરિચય. ૧૮૧૩થી વિકટર આદેલના પડોશી. એથી હવે પરિચય જ નહિ પણ મૈત્રી. અને ૧૮૧૮થી તો મૈત્રી જ નહિ પણ પરસ્પર પ્રેમ. આ સમયમાં લેઓપોલ્દ અને સોફી વચ્ચે વધુ ને વધુ અંતર અને અંતે ૧૮૧૮માં એમનો લગ્નવિચ્છેદ. એથી વિકટર સમેત ત્રણે પુત્રો સોફીની સાથે. ૧૮૧૪માં નાપોલેઓંના પરાજય પછી લેઓપોલ્દ નિવૃત્ત, અરધી આવક અને અપયશ આદિને કારણે એમને લેઓપોલ્દની નહિવત્ આર્થિક સહાય. ૧૮૨૦માં અકસ્માત્ જ વિકટર અને આદેલનો ગુપ્ત પ્રેમસંબંધ પ્રગટ થયો ત્યારે ફુશે દંપતી અને સોફીએ એનો અસ્વીકાર કર્યો. પછી વિકટર આ આઘાતને અતિક્રમી જવા માટે તરત જ એક વરસ લગી રાતદિવસ લેખનકાર્યમાં રચ્યાપચ્યા રહ્યા. ૧૮૨૧માં એમણે આદેલ સાથે ગુપ્તપણે હળવા-મળવાનો અને પત્રવ્યવહાર કરવાનો આરંભ કર્યો. વળી એક રાત માટે આદેલ સાથે ગાંધર્વલગ્ન કરવાનો અને બીજે દિવસે આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો. આ સમયમાં સોફીના જીવનમાં કપરી આર્થિક કટોકટી એટલે દેવું કરીને પણ ત્રણે પુત્રોનો નિર્વાહ કર્યો. વિકટર સમેત સમગ્ર કુટુંબે સુથારી આદિ કારીગરીનું કામ કર્યું. (સોફીના પિતા ઉત્તરજીવનમાં સુથાર હતા). અતિપરિશ્રમને કારણે ૧૮૨૧માં પુત્રોના સાન્નિધ્યમાં સોફીનું ન્યુમોનિયાથી અચાનક અવસાન થયું. એકાદ માસમાં જ લેઓપોલ્દે કૅથેરિન થોમસ સાથે પુનર્લગ્ન કર્યું. વિકટર હવે અત્યંત અકિંચન અને એકલવાયા. ‘લે મિઝેરાબ્લ’માં મારિયુસના પાત્રમાં એમણે એમની આ અકિંચન અવસ્થાનું કરુણ નિરૂપણ કર્યું છે. આ સમયમાં આદેલને વિકટરથી દૂર કરવા ફુશેકુટુંબ પૅરિસથી પચાસ માઈલ દૂર દ્રમાં વસ્યું હતું. આ સમયમાં વિકટર પાસે માત્ર ત્રણ જ ખમીસ હતાં અને ખીસામાં પ્રવાસખર્ચના ૨૫ ફ્રાં પણ ન હતા. એથી પેરિસથી દ્ર ચાર દિવસ પગે ચાલીને આદેલને મળવા ગયા ત્યારે અકિંચન અને એકલવાયા વિકટર પ્રત્યે અનુકંપાને કારણે ફુશેદંપતીએ લગ્નનો સ્વીકાર કર્યો. પછી લેઓપોલ્દે પણ વકીલ કે ઇજનેર નહિ પણ કવિ થવાના નિર્ણયનો તથા આજીવિકા માટે અર્થોપાર્જન કરવાની શરતે લગ્નનો પણ સ્વીકાર કર્યો. તરત જ વિકટરે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઓદ એ પોએસી દિવેર્સ’ પ્રગટ કર્યો. એમાંથી ૭૫૦ ફ્રાંનો પુરસ્કાર તથા રાજા લુઈ ૧૮મા કાવ્યોથી પ્રસન્ન થયા એથી એમની દ્વારા ૮૦૦ ફ્રાંનો અંગત પુરસ્કાર અને ૧,૨૦૦ ફ્રાંનું વર્ષાસન — એની સહાયથી અંતે ૧૮૨૨માં વિકટરે આદેલ સાથે લગ્ન કર્યું. લગ્ન તો થયું પણ લગ્નનો કોઈ આનંદ ન થાય એવું લગ્ન થયું. લગ્નની પૂર્વે માતાનું અવસાન, પિતાનું પુનર્લગ્ન, પોતાની અકિંચનતા અને એકલતા. આટલી કરુણતા ઓછી હોય તેમ લગ્ન પછી તરત જ અન્ય કરુણતા. મોટા ભાઈ યુજેન પણ કવિતા કરે અને ગુપ્તપણે આદેલના પ્રેમમાં. એમને વિકટરની ભારે ઈર્ષ્યા. એથી લગ્નના દિવસની સાંજે જ યુજેનની માનસિક અસ્થિરતા. વિકટરને એનો ભારે આઘાત થયો. એથી જીવનભર વિકટરમાં અપરાધવૃત્તિ. સૌથી મોટા ભાઈનું નામ આબેલ એટલે પોતે કેઈન છે એવી ગ્રંથિ. પછી ૧૮૨૩થી યુજેન પાગલખાનામાં અને ૧૮૩૭માં ત્યાં જ એમનું અવસાન. એથી વિકટરે વારંવાર કાવ્યો, નાટકો, નવલકથાઓમાં યુજેન પરથી અનેક પાત્રોનું સર્જન કર્યું અને એમ જીવનભર સાંત્વન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. લગ્નને એક દાયકો થાય તે પૂર્વે જ હ્યુગોના લગ્નજીવનનો અંત આવ્યો. લગ્નજીવનમાં આરંભનાં આઠ વર્ષોમાં જ હ્યુગોને પાંચ સંતાનો. એમાં પ્રથમ સંતાન પુત્ર લેઓપોલ્દનો જન્મ ૧૮૨૩માં. ત્રણ જ માસ પછી એનું અવસાન. પછી ચાર સંતાનો ઃ પુત્રી લેઓપોલ્દિન (દિદિન, ૧૮૨૪), પુત્ર શાર્લ (શાર્લો, ૧૮૨૬), પુત્ર ફ્રાંસ્વા-વિક્તોર (તોતો, ૧૮૨૮) અને પુત્રી આદેલ (દેદે, ૧૮૩૦). આમ, આદેલને લગ્નજીવનના આરંભનાં જ આઠ વર્ષોમાં પાંચ પ્રસૂતિથી લગ્નજીવન પ્રત્યે નિર્વેદ અને નિરુત્સાહ. હ્યુગોના આ ઉદ્રેક અને ઉન્માદથી એમની પ્રત્યે અવજ્ઞા અને અવસાદ. વળી, આ સમયમાં ૧૮૨૮માં આદેલની માતા આન ફુશેનું અવસાન. હ્યુગોમાં હાસ્ય અને હળવાશનો અભાવ. આદેલમાં રસિકતા અને કાવ્યરુચિનો અભાવ. એથી બન્નેના વ્યક્તિત્વમાં વિસંવાદ. પરિણામે ૧૮૩૦માં આદેલને હ્યુગોના પરમ મિત્ર કવિ સેંત-બવ સાથે લગ્નેતર સંબંધ થયો. પત્ની અને મિત્રના આ દ્રોહથી હ્યુગોના અહમ્‌ પર ભારે આઘાત થયો. તત્કાલ તો એમણે પતિ અને પ્રેમી વચ્ચે પસંદગી માટે આદેલને વિનંતી કરવાનું પણ વિચાર્યું. પછી સેંત-બવને દ્વંદ્વયુદ્ધ માટે આહ્વાન આપવાનું પણ વિચાર્યું. ૧૮૩૬માં હ્યુગો અને સેંત-બવ વચ્ચે અબોલા અને ૧૮૩૭માં બન્નેની મૈત્રીનો અંત. આ સમયમાં આદેલ અને સેંત-બવના સંબંધમાં પણ પ્રતિક્રિયા અને ૧૮૩૭માં બન્નેના સંબંધનો પણ અંત. (જોકે આયુષ્યના અંત લગી આદેલ અને સેંત-બવ વચ્ચે મિત્ર તરીકેનો સંબંધ હતો તથા ૧૮૪૪થી હ્યુગો અને સેંત-બવ વચ્ચે મિત્ર તરીકે સંબંધ પુનર્જીવિત થયો હતો.) પછી ૧૮૩૮માં આદેલને અલ્પ સમય — બેએક વરસ — માટે કવિ-નવલકથાકાર થેઓફિલ ગોતિયે સાથે પણ લગ્નેતર સંબંધ હતો. આમ, ૧૮૩૦ પછી આદેલ અને હ્યુગોના પતિ-પત્ની તરીકેના સંબંધનો અંત અને આદેલને બે લગ્નેતર સંબંધો છતાં તેમણે લગ્નવિચ્છેદ કર્યો ન હતો. બન્ને એમનાં સંતાનો પ્રત્યે માતાપિતા તરીકે અત્યંત વત્સલ. એથી જીવનભર આદેલે માતા તરીકેના એમના ધર્મનું પૂર્ણપણે પાલન કર્યું હતું. સંતાનો દ્વારા આયુષ્યના અંત લગી આદેલ અને હ્યુગોનો ભાઈ-બહેન સમો સંબંધ, મિત્ર તરીકેનો સંબંધ રહ્યો હતો. ૧૮૫૧થી હ્યુગો પૅરિસમાંથી નિર્વાસિત થયા ત્યારે આદેલને પૅરિસથી દૂર અન્યત્ર જીવન નીરસ અને નિઃસાર છે એવો અનુભવ. એથી એ મોટે ભાગે પૅરિસમાં વસ્યા હતા. જોકે અવારનવાર હ્યુગોને હળવામળવાનું અને એમની સાથે વસવાનું પણ થયું હતું. ૧૮૬૮માં ગેર્ન્સીમાં હ્યુગોના સાન્નિધ્યમાં એપોપ્લેકસીથી આદેલનું અવસાન થયું ત્યારે હ્યુગોએ આદેલની કબર પર મિતાક્ષરી વાક્ય અંકિત કર્યું હતું ઃ ‘આદેલ, વિકટર હ્યુગોનાં પત્ની.’ ૧૮૩૦માં આદેલને સેંત-બવ સાથે લગ્નેતર સંબંધ થયો ત્યાં લગી હ્યુગોને એક પણ લગ્નેતર સંબંધ હોય એમ માનવું અશક્ય છે કારણ કે એમ માનવાને એક પણ પ્રમાણ પ્રાપ્ત થયું નથી. પણ ત્યાર પછી હ્યુગોના લગ્નેતર સંબંધો, આયુષ્યના અંત લગી અસંખ્ય સંબંધો, એની સંખ્યા તો સ્વયં હ્યુગો પણ ન આપી શકે એટએટલા વિપુલ અને વિવિધ સંબંધોનો ઇતિહાસ એ જગતભરમાં એક અનન્ય અને અત્યંત આશ્ચર્યકારક એવો ઇતિહાસ છે. ૧૮૩૦માં આદેલનો સેંત-બવ સાથેનો સંબંધ અને એ કારણે હ્યુગોને આઘાત અને યાતના — આ સંદર્ભમાં ૧૮૩૩માં હ્યુગોને જુલિએત દ્રુએ સાથે લગ્નેતર સંબંધ થયો. જુલિએતનો જન્મ ૧૮૦૬માં ફુજેરમાં. અસલ નામ જુલિઆંન ગોવાં. નાનપણથી અનાથ. મામા રને દ્રુએએ પાલન કર્યું. એથી નવું નામ જુલિએત દ્રુએ. ૧૮૧૬થી પૅરિસમાં. ૧૮૨૫માં શિલ્પી પ્રાદિએ સાથે સંબંધ. ૧૮૨૬માં પ્રાદિએથી પુત્રી કલેરનો જન્મ. પ્રાદિએની પ્રેરણાથી અભિનેત્રી તરીકેનો વ્યવસાય. આર્થિક કારણે રૂપજીવિની જેવું જીવન. પછી એકસાથે અન્ય ચાર પુરુષો સાથે સંબંધ. એથી વૈભવવિલાસનું જીવન. પ્રેમશાસ્ત્ર — બલકે કામશાસ્ત્રમાં પારંગત. ૧૮૩૩માં હ્યુગોએ ‘લુક્રેસ બોર્ઝિઆ’ નાટકનું વાચન કર્યું ત્યારે જુલિએતનો પ્રથમ પરિચય. એ નાટકમાં જુલિએતે પ્રિન્સેસ નેગ્રોનીનું ગૌણ પાત્ર ભજવ્યું. જુલિએત અભિનેત્રી તરીકે સામાન્ય પણ પૅરિસની એક સર્વાંગસુન્દર સ્ત્રી તરીકે અસામાન્ય. અત્યંત રસિક, કાવ્યરુચિ પણ અસાધારણ. આદેલથી તદ્દન વિરોધી એવું વ્યક્તિત્વ. પંદર જ દિવસમાં હ્યુગોને જુલિએત સાથે સંબંધ થયો. એમણે જુલિએત માટે ‘મારી તુદોર’ નાટક રચ્યું. એમના આગ્રહથી જુલિએતને મુખ્ય પાત્ર આપવામાં આવ્યું. નાટક નિષ્ફળ ગયું. એમના આગ્રહથી જુલિએતે અન્ય સૌ સંબંધોનો ત્યાગ કર્યો. ત્યારથી જુલિએત આયુષ્યના અંત લગી, પચાસ વરસ લગી, હ્યુગો પ્રત્યે એકનિષ્ઠ. ૧૮૩૪માં હવે આવક નહિવત્ અને પ્રવૃત્તિ નહિ. મૂલ્યવાન વસ્ત્રો ગીરો મૂકીને ગુજરાન કર્યું અને હ્યુગોના સેક્રેટરી તરીકેના કાર્યનો આરંભ કર્યો. હ્યુગોની ભલામણથી થેઆત્ર ફ્રાંસેમાં નિયુક્તિ. વાર્ષિક ૩૦૦૦ ફ્રાંની આવક. ભૂતકાળમાં આભૂષણો-અલંકારો, વૈભવવિલાસની સામગ્રી ઉધાર વસાવી હતી. એથી હવે લેણદારોની ઉઘરાણી. આ ત્રાસ અને ભીંસને કારણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. અંતે પોતાને ૨૦૦૦૦ ફ્રાં (આજના મૂલ્ય પ્રમાણે ૬૦૦૦૦૦ ફ્રાં)નું દેવું છે એવો હ્યુગો સમક્ષ એકરાર કર્યો. હ્યુગોએ દેવું ચૂકવવાની જવાબદારીનો સ્વીકાર તો કર્યો પણ સાથે એવો રોષ કર્યો કે જુલિએત બ્રેતાન્ય ચાલ્યાં ગયાં. હ્યુગો પણ બ્રેતાન્ય ગયા. બન્નેને ભૂલનું ભાન થયું. પરસ્પરને કદી આઘાત ન આપવાની પ્રતિજ્ઞા સાથે બન્ને પૅરિસ પાછાં આવ્યાં. પછી હ્યુગોના આગ્રહથી જુલિએતનું સાધ્વી જેવું સાદું, સરલ, સંયમી જીવન. ૧૮૩૫માં હ્યુગોએ ‘આન્જેલો’ નાટક રચ્યું. થેઆત્ર ફ્રાંસેએ એ ભજવ્યું. જુલિએત એમાં સવેતન અભિનેત્રી છતાં એમણે ગૌણ ભૂમિકા પણ આપવામાં ન આવી એથી સ્વમાની જુલિએતે રાજીનામું આપ્યું. ૧૮૩૮માં હ્યુગોએ જુલિએત માટે ‘રુઈ બ્લા’ નાટક રચ્યું. એમાં જુલિએતને મુખ્ય ભૂમિકા આપવાની હતી પણ ઈર્ષ્યાને કારણે આદેલે એના દિગ્દર્શકને જુલિએતની વિરુદ્ધ ખાનગીમાં પત્ર લખ્યો. એથી જુલિએતને ભૂમિકા આપવામાં ન આવી ત્યારે અભિનેત્રી તરીકે જુલિએતની કારર્કિદીનો અંત આવ્યો. હવે નિર્વાહ માટે એ સંપૂર્ણપણે હ્યુગોને અધીન હતાં. હ્યુગો એમનો ત્યાગ કરે તો શું ? સ્વમાનનું શું ? પોતાની અને પુત્રી કલેરની સલામતીનું શું ? આ પ્રશ્નોના ઉત્તર રૂપે હ્યુગોએ કદી જુલિએતનો ત્યાગ ન કરવાનું અને કલેરનું દત્તક પુત્રી હોય તેમ હંમેશ પાલન કરવાનું વચન આપ્યું. જુલિએત ઉપરાંત અસંખ્ય સ્ત્રીઓ સાથે હ્યુગોને અલ્પકાલીન કે દીર્ઘકાલીન સંબંધો. ૧૮૩૭માં ઑપેરાની નૃત્યકાર લિસોં સમેત અનેક અભિનેત્રીઓ, લેખિકાઓ, શ્રીમંત સન્નારીઓ; ૧૮૪૪માં લેઓની દોને સમેત અનેક અભિનેત્રીઓ, સાહિત્યની વિદ્યાર્થિનીઓ; ૧૮૪૭માં રૂપજીવિની એસ્થર ગીત્રોં અને ‘le plus beau corps de Paris’(પેરિસનો સુન્દરતમ દેહ) એવી આલિસ ઓઝી; ૧૮૪૮થી ૧૮૫૦માં અભિનેત્રી જોસેફિન ફાવિલ, કવયિત્રી લુઈસ કોલે, શ્રીમંત સન્નારી રોજે દ જતેત, ઉમરાવ સ્ત્રી દયુ વાલોં, સીલ્વાની પ્લેસી, હેલેન ગોસાં, નાથાલી રનુ, લોર દેસ્પ્રે, રાશેલ, અનેક રૂપજીવિનીઓ અને દાસીઓ સમેત, જુલિએતે નોંધ્યું છે તેમ, ૨૦૦થી વધુ સ્ત્રીઓ; ૧૮૫૬માં ફાની, જુલીઆ, કોંસ્તાંસ, એવા, મારિઆન, રોસાલી, કોએલિના આદિ દાસીઓ; ૧૮૬૯માં તેરેસ, ૧૮૭૦માં એલિસ, ૧૮૭૧માં નિરાશ્રિત વિધવા મારી મેર્સિએ અને અનેક અનામી સ્ત્રીઓ, પુત્રી આદેલની હબસી સહપ્રવાસિની સેલિન બા; ૧૮૭૨માં જગપ્રસિદ્ધ અભિનેત્રી સારા બેર્નાર, કવિ ગોતિએની પુત્રી જુડિથ, જેઈન એસ્લેર, યુજેની ગીનો, ઝેલી રોબેર્ત, આલ્બેર્તિન સેરાં સમેત અનેક અભિનેત્રીઓ, લેખિકાઓ, શ્રીમંત સન્નારીઓ; ૧૮૭૩માં જુલિએતની સહાયક બ્લાંશ; ૧૮૭૮માં અનેક દાસીઓ; ૧૮૭૯માં આદેલ ગાલ્વા, લેઓની દ વિત્રાક — અસંખ્ય સ્ત્રીઓ સાથે સંબંધો. ૧૮૭૮માં ગેર્ન્સીમાં વેશ્યાઓના વિસ્તાર રયુ દે કોર્નેમાં જવાનું પણ વિચાર્યું હતું. પણ જુલિએતના ઉગ્ર વિરોધને કારણે એમ કર્યું ન હતું. આયુષ્યના અંતિમ વર્ષમાં ત્યાશીની વયે ૧૮૮૫ના જાન્યુઆરીની ૧લી પછી આઠેક સંબંધો, અંતિમ સંબંધ એપ્રિલની પમીએ એમ એમણે નોંધપોથીમાં નોંધ્યું છે. હ્યુગોના મોટા ભાગના સંબંધો અલ્પકાલીન. પણ લેઓની દોને અને બ્લાંશ સાથેના સંબંધો દીર્ધકાલીન. એથી એમનું ગભીર અને ગંભીર સ્વરૂપ હતું. લેઓનીનો જન્મ ૧૮૨૧માં. સુંદર ફૅશનેબલ સન્નારી, ૧૮૪૦માં ચિત્રકાર બિઆર સાથે લગ્ન. ત્રણેક માસમાં જ બિઆરથી એક પુત્રી. ૧૮૪૨માં હ્યુગોને લેઓનીનો પ્રથમ પરિચય. ૧૮૪૩માં હ્યુગોની પરમ પ્રિય પુત્રી લેઓપોલ્દિનનું અવસાન. હ્યુગોને એનો વજ્રપાત જેવો આઘાત. જુલિએત સાથેના સંબંધને એકાદ દાયકો થયો હતો. જુલિએતનું સૌંદર્ય પણ કંઈક મ્લાન. આ સંજોગોમાં ૧૮૪૪માં હ્યુગોને લેઓની સાથે સંબંધ થયો. ૧૮૪૫માં એક વહેલી સવારે બિઆરની સૂચનાથી પોલીસે હ્યુગો અને લેઓનીને એમના શયનખંડમાં કઢંગી હાલતમાં પકડી પાડ્યાં. લેઓનીને કેદ કર્યાં. હ્યુગો ત્યારે ‘ફ્રાંસના ઉમરાવ’ હતા. એનું એમને રક્ષણ. એથી પોલીસ એમને કેદ કરી શકી નહિ. પણ બિઆરે એમના પર વ્યભિચારનો કેસ કર્યો. તરત જ રાજા લુઈ-ફિલિપની દરમ્યાનગીરીને કારણે બિઆરે કેસ પાછો ખેંચ્યો. એકાદ માસમાં જ લેઓનીએ બિઆર સાથે લગ્નવિચ્છેદ કર્યો. એ જેલમાંથી મુક્ત થયા. ૧૮૪૯માં લેઓનીએ જુલિએતનો ત્યાગ કરવાનો હ્યુગોને આગ્રહ કર્યો. હ્યુગોએ એનો અસ્વીકાર કર્યો. એથી ૧૮૫૧માં લેઓનીએ હ્યુગોના પ્રેમપત્રો જુલિએતને મોકલી આપ્યા. એ ક્ષણ લગી જુલિએતને આ સંબંધની જાણ ન હતી. એથી એમને ભારે આઘાત થયો. આખો દિવસ આંખમાં આંસુ સાથે પૅરિસના રસ્તાઓ પર રખડ્યાં-રઝળ્યાં. હ્યુગોની ક્ષમાયાચના પછી પણ એમણે લેઓની અને પોતાની વચ્ચે પસંદગીનો નિર્ણય કરવા માટે હ્યુગોને આગ્રહ કર્યો. પસંદગીનો પ્રશ્ન જ ન હતો. હ્યુગો માટે જુલિએતની પસંદગી ન કરવાનું અશક્ય હતું. પણ સ્વયં વિધાતાએ જ અંતિમતાપૂર્વક નિર્ણય કર્યો. પાંચેક માસમાં જ રાજકીય કારણે હ્યુગો ફ્રાંસમાંથી નિર્વાસિત થયા. જુલિએત સાથે ગયા. આરંભમાં હ્યુગોએ લેઓનીને પત્રો અને નિર્વાહ માટે પૈસા મોકલવાનો વ્યવહાર પણ કર્યો. પણ ૧૮૫૨માં લેઓનીને તો હ્યુગોની સાથે થવું હતું. પણ આદેલની દરમ્યાનગીરીને કારણે એ શક્ય થયું ન હતું. એથી ૧૮૫૧ પછી હ્યુગો અને લેઓનીનું કદી મિલન થયું નહિ. બ્લાંશનો જન્મ ૧૮૪૯માં. જુલિએતના મિત્ર લાંવેંદંપતીએ પૅરિસમાં એમનું પાલન કર્યું. સુશિક્ષિત, કવિતાપ્રેમી, સુન્દર અક્ષર અને શુદ્ધ જોડણી. એથી ૧૮૭૨માં જુલિએતે હ્યુગોનાં લખાણોની નકલ કરવામાં પોતાને સહાયક થાય એ હેતુથી ગેર્ન્સીમાં આમંત્રણ આપ્યું. સુન્દર દેહ સાથે શીલ પણ એટલું જ સુદૃઢ. એથી હ્યુગોને બ્લાંશ સાથે સંબંધ થાય એ વિશે જુલિએતને કોઈ ભય કે શંકા નહિ. છતાં ૧૮૭૩માં હ્યુગોને બ્લાંશ સાથે સંબંધ થયો. હ્યુગોએ એમને ‘આલ્બા’ એવું લાડકું નામ આપ્યું. થોડાક માસમાં જ બ્લાંશે જુલિએત સમક્ષ આ સંબંધ વિશે એકરાર કર્યો, અને પોતે વિવાહિતા છે એથી હવે પૅરિસ જશે અને લગ્ન કરશે એવું વચન આપ્યું. હ્યુગોએ પણ પોતે આ સંબંધનો ત્યાગ કરશે એવું વચન આપ્યું. બ્લાંશ પૅરિસ ગયાં પછી એકાદ માસમાં જ હ્યુગો અને જુલિએત પણ પૅરિસ ગયાં. હ્યુગોએ બ્લાંશને એક ઘરમાં વસાવ્યાં અને લગભગ રોજ એમને ઘરે ગયા. બે જ માસમાં શંકાને કારણે ખાનગી ગુપ્તચર દ્વારા જુલિએતે આ સંબંધ વિશેનું સત્ય શોધ્યું. એ પૅરિસમાંથી બ્રસેલ્સ ચાલ્યાં ગયાં. હ્યુગોનો જાણે જીવ ચાલ્યો ગયો. હ્યુગોએ ઠેર ઠેર તાર દ્વારા ત્રણ દિવસની શોધાશોધ પછી પત્તો મેળવ્યો અને વિનંતી મોકલી પછી જુલિએત પૅરિસ પાછાં આવ્યાં. ત્યારે હ્યુગોના જીવમાં જીવ આવ્યો. એ પછી પણ હ્યુગોનો બ્લાંશ સાથેનો સંબંધ એવો ને એવો જ હતો. અંતે જુલિએતની સમજાવટથી ૧૮૭૯માં બ્લાંશે લગ્ન કર્યું. એ લગ્નથી એમને ત્રણ સંતાનો. છતાં દુઃખી અને નિરાશ. ૧૮૮૩માં જુલિએતના અવસાન પછી હવે હ્યુગો પોતાની સાથેનો સંબંધ પુનર્જીવિત કરશે એ આશાએ એમણે હ્યુગોનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. ૧૮૮૪માં બ્લાંશ પોતે હ્યુગોને ઘરે આવ્યા. પણ હ્યુગોના મંત્રીએ એમને પ્રવેશ ન આપ્યો. છેક ૧૯૦૯માં બ્લાંશનું અવસાન થયું. આદેલને હ્યુગોના આ અસંખ્ય સંબંધોની ઈર્ષ્યા ન હતી. પણ જુલિએત સાથેના સંબંધની ભારે ઈર્ષ્યા હતી. કારણ કે એ ચિરકાલીન સંબંધ હતો. વળી, હ્યુગોના જીવનમાં જુલિએત પત્નીથી પણ કંઈક વિશેષ અને આ સંબંધ લગ્નથી પણ કંઈક વિશેષ. જોકે ૧૮૬૮માં આદેલ અને જુલિએત પરસ્પરના આમંત્રણથી પરસ્પરના ઘરે અતિથિ થયાં હતાં. અને એમ અંતે બન્ને વચ્ચે સુખદ સુમેળ થયો હતો. જુલિએતને પણ હ્યુગોના આ અસંખ્ય સંબંધોની ઈર્ષ્યા ન હતી, પણ લેઓની અને બ્લાંશ સાથેના સંબંધોની ભારે ઈર્ષ્યા હતી. કારણ કે એ દીર્ઘકાલીન સંબંધો હતા અને પોતાના સંબંધને હાનિરૂપ હતા. હ્યુગોના અસંખ્ય સંબંધોમાં જુલિએત સાથેનો સંબંધ અનન્ય હતો. એ એમનો સર્વપ્રથમ સંબંધ અને સર્વશ્રેષ્ઠ સંબંધ, ચિરકાલીન સંબંધ. આ સંબંધ માટે જુલિએતે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. હ્યુગોને આ સંબંધ પૂર્વે એક પણ સંબંધ નહિ પણ આ સંબંધ પછી અન્ય અસંખ્ય સંબંધો, જુલિએતને આ સંબંધ પૂર્વે પાંચ સંબંધો પણ આ સંબંધ પછી અન્ય એક પણ સંબંધ નહિ. જુલિએતમાં હ્યુગોના આ અસંખ્ય સંબંધને સહન કરવાનું બળ હતું. જોકે હ્યુગોને આ અસંખ્ય સંબંધો થાય એના મૂળમાં જુલિએત હતાં. કામશાસ્ત્રમાં પારંગત એવાં જુલિએતે જ હ્યુગોના સર્વપ્રથમ સંબંધમાં જ જીવનભર આટઆટલા સંબંધો થાય અને છતાં સંતોષ ન થાય એટએટલો પ્રેમોદ્રેક હ્યુગોમાં પ્રગટ કર્યો હતો. જુલિએત હ્યુગોનાં રહસ્યમંત્રી, અંગરક્ષક અને કોષાધ્યક્ષ પણ હતાં. ૧૮૫૧માં પૅરિસમાં ક્રાંતિના સમયમાં ટોળાની વચ્ચે હ્યુગોને પગલે પગલે પાછળ પાછળ ગયાં હતાં. જરૂર હોત તો તોપના ગોળાની વચ્ચે પણ જાત. પોતાના જાનને જોખમે હ્યુગોના જાનનું જતન કર્યું હતું. હ્યુગોના માથા માટે ઇનામ જાહેર થયું હતું અને એમને પકડવાના હતા ત્યારે જુલિએતે એમને મિત્રોનાં ઘરોમાં સંતાડ્યા હતા અને મિત્ર લાંવેંના નામનો પાસપોર્ટ કઢાવીને ફ્રાંસમાંથી ભગાડ્યા હતા. ૧૮૫૧થી ૧૮૭૦ અને ૧૮૭૧માં હ્યુગો નિર્વાસિત હતા ત્યારે જુલિએત પણ એમની સાથે નિર્વાસિત હતાં. જીવનભર મોટે ભાગે અલગ અલગ ઘરોમાં રહેવાનું થયું હતું પણ લગભગ રોજ મળવાનું થયું હતું. બન્નેએ ફ્રાંસ અને જર્મની, ઇટલી આદિમાં સાથે ૧૭ પ્રવાસો કર્યા હતા. જુલિએતે હ્યુગોને લગભગ ૧૭૦૦૦ પત્રો લખ્યા હતા. જીવનભર જુલિએતે હ્યુગોનાં એકેએક લખાણ — હજારો પાનાં અને લાખો પંક્તિઓની નકલ કરવાનું અને હસ્તપ્રતોનું રક્ષણ કરવાનું કાર્ય કર્યું હતું. જુલિએતના અવસાન પૂર્વે પોતાનું અવસાન થાય એ ભય અને શંકાથી ૧૮૮૧માં હ્યુગોએ જુલિએતને જીવનનિર્વાહ માટે ૧૨૦૦૦૦ ફ્રાં (આજના મૂલ્ય પ્રમાણે ૨૪૦૦૦૦૦૦ ફ્રાં)ની ભેટ આપી હતી. ૧૮૮૩માં કૅન્સરથી હ્યુગોના સાન્નિધ્યમાં જુલિએતનું અવસાન થયું. પછી જુલિએતના વિરહના શોકથી હ્યુગોનો દેહ અને આત્મા મૃતઃપ્રાય થયો હતો. આ ઉદાર હૃદયની, વિશાળ હૃદયની અદ્ભુત સ્ત્રીનો પ્રેમ એ હ્યુગોને સર્વશ્રેષ્ઠ અંજલિ છે. હ્યુગોએ પણ અનેક પત્રો અને નોંધોમાં જુલિએતને વારંવાર ભવ્ય સુંદર અંજલિ અર્પી છે. ૧૮૮૩માં સંબંધની સુવર્ણજયંતી સમયે એમણે જુલિયેતને પોતાની છબિ ભેટ આપી હતી, એની પર એમણે નોંધ્યું હતું, ‘પ્રેમનાં પચાસ વરસ, કેવું સુન્દર લગ્ન !’ હ્યુગોએ કહ્યું હતું, ‘સ્ત્રીઓને મારું અનિરુદ્ધ આકર્ષણ થાય છે.’ એ તો સ્પષ્ટ છે. પણ સ્ત્રીઓ પણ કહી શકી હોત, ‘હ્યુગોને અમારું અનિરુદ્ધ આકર્ષણ થાય છે.’ પણ હા, એ સ્ત્રીઓ સુન્દર, આકર્ષક અને યુવાન હોવી જોઈએ; પરિણીત હોય તો પતિથી વિભક્ત હોવી જોઈએ; પછી ભલે એ શ્રીમંત હોય કે ગરીબ હોય, શિક્ષિત હોય કે અભણ હોય. આયુષ્યના અંત લગી એમનું પૌરુષ સજીવન અને સક્રિય હતું. હ્યુગોને વિશે અવશ્ય કહી શકાય કે આ સંબંધોએ એમની સિસૃક્ષાને સક્રિય કરી હતી, એમની પ્રતિભાને પ્રવૃત્ત કરી હતી. ૧૮૮૨માં ૮૦ વર્ષના હ્યુગો એક દાસી સાથે શય્યામાં હતા ત્યારે ૧૪ વર્ષનો પૌત્ર જૉર્જ અકસ્માત શયનખંડમાં પ્રવેશી ગયો ત્યારે હ્યુગોએ એને કહ્યું હતું, ‘જો, જગત જેને પ્રતિભા કહે છે તે આ !’ હ્યુગોને એમના દીર્ઘ આયુષ્ય દરમ્યાન કુટુંબના લગભગ એકેએક સભ્ય — માતા, પિતા, બન્ને ભાઈ, પત્ની, ત્રણે પુત્રો, એક પુત્રી, એક પૌત્ર, એક જમાઈ, એક પુત્રવધૂ, પત્નીનાં માતાપિતા, અપરમાતા, દત્તક જેવી પુત્રી અને જુલિએતનાં અવસાનો — કુલ ૧૭ અવસાનો — ના સાક્ષી થવાનું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. નાની પુત્રી આદેલ અંગ્રેજ અફસર પિન્સનના અંધ પ્રેમમાં. એથી એમણે ગૃહત્યાગ કર્યો. અમેરિકામાં પિન્સન સાથે કાલ્પનિક લગ્ન કર્યું. પછીથી વિન્સન પરિણીત છે એમ જાણ્યું એટલે પાગલ અવસ્થામાં પૅરિસ પાછાં આવ્યાં. પછી હ્યુગોએ એમને પૅરિસના પાગલખાનામાં સારવાર માટે વસાવ્યાં. ત્યાં છેક ૧૯૧૫માં એમનું અવસાન થયું. મોટા પુત્રની વિધવા આલિસે પુનર્લગ્ન કર્યું હતું. નાના પુત્ર નિઃસંતાન હતા. મોટા પુત્રને ત્રણ સંતાનો ઃ ૧૮૬૭માં પ્રથમ પુત્ર જૉર્જનો જન્મ અને ૧૮૬૮માં એનું અવસાન. ૧૮૬૮માં પુત્ર જૉર્જનો જન્મ અને ૧૮૬૯માં પુત્રી જાંનનો જન્મ. ૧૮૭૩ લગીમાં કુટુંબના લગભગ એકેએક સભ્યનું અવસાન થયું. પછી અંતિમ વર્ષોમાં હ્યુગો જુલિએત ઉપરાંત આ બે બાળકો — પૌત્ર જૉર્જ અને પૌત્રી જાંનની સાથે બાળકની જેમ જીવ્યા હતા અને એમના સાન્નિધ્યમાં જ અવસાન પામ્યા હતા. અંતિમ વર્ષોમાં એમની સાથે ખેલવુંકૂદવું, હરવુંફરવું, ભણવુંભણાવવું એ જ એમનો એક માત્ર આનંદ, બાલવત્ આનંદ હતો. હ્યુગો ૬૦ વર્ષ પૅરિસમાં, ૨૦ વર્ષ નિર્વાસિત તરીકે બ્રસેલ્સ, જર્સી અને ગેર્ન્સીમાં અને ૩ વર્ષ પ્રવાસોમાં રહ્યા. પૅરિસમાં એ એક પછી એક ૨૦ ઘરોમાં રહ્યા. એમાંથી ૧૮૭૦ લગીમાં એ જે ૧૫ ઘરોમાં રહ્યા હતા તેમાંથી લગભગ બધાં ઘરો કોમ્યુનની હિંસાને કારણે નાશ પામ્યાં હતાં. ૧૮૩૨થી ૧૮૪૮ લગી ૧૬ વર્ષ એ પૅરિસમાં મોંઘા ભાડાના મકાન ૬, પ્લાસ રૉયાલમાં બીજે માળે રહ્યાં. અહીં એમણે અનેક નામી-અનામી — દ્યુક અને દ્યુશેસ દોર્લેઆં, લામાર્તિન, લુઈ નાપેલેઓં આદિ અતિથિઓનું સ્વાગત કર્યું હતું. અસંખ્ય સંબંધોની સગવડ માટે એક ખાનગી દાદર અને એક ખાનગી ખંડની વ્યવસ્થા કરી હતી. આજે આ મકાનમાં એમના જીવન અને સાહિત્ય અંગેની સામગ્રી સાચવવામાં આવી છે અને એમનું સ્મારક ‘મ્યુઝે વિકતોર હ્યુગો’ રચવામાં આવ્યું છે. ૧૮૫૬થી ૧૮૭૦ લગી ૧૫ વર્ષ એ ગેર્ન્સીમાં પોતાની માલિકીના મકાન ‘હોતવિલ હાઉસ’માં રહ્યા. આ મકાનમાં પણ એમણે દાસીઓના શયનખંડની બાજુમાં જ પોતાના શયનખંડની વ્યવસ્થા કરી હતી. આ મકાન માટે હ્યુગોએ સ્વહસ્તે બધું જ રાચરચીલું રચ્યું હતું અને ઠાઠમાઠથી ઘરને શણગાર્યું હતું. આજે આ રાચરચીલું ‘મ્યુઝે વિક્તોર હ્યુગો’માં સાચવવામાં આવ્યું છે. હ્યુગોએ ૬૦ પ્રવાસો કર્યા હતા, જુલિએત સાથે ૧૫, કુટુંબીજનો સાથે ૧૨ અને બાકીના એકલા. એમાંના મોટા ભાગના પ્રવાસો ફ્રાંસમાં અને બાકીના ઇટલી, સ્પેન, જર્મની, ઇંગ્લૅન્ડ, બેલ્જિયમ, હોલૅન્ડ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં. આ પ્રવાસો એમના જીવન અને સાહિત્યને પ્રેરણારૂપ હતા. હ્યુગોએ પુરસ્કાર તરીકે લાખો (આજના મૂલ્ય પ્રમાણે કરોડો) ફ્રાંની કમાણી કરી હતી. છતાં જીવનભર એ કરકસરથી જીવ્યા હતા. કુટુંબીજનોને પણ કરકસરથી જીવવાની ફરજ પાડી હતી. નાનપણમાં ગરીબાઈનો અનુભવ અને કુટુંબીજનો — પત્ની, પુત્રો — અને જુલિએતમાં કમાણી કરવાની બુદ્ધિશક્તિનો અભાવ અને પોતાનું અકાળ અવસાન થાય તો એમનું શું થાય એ ચિંતાને કારણે આ કરકસર. સૌને એકસામટી નહિ પણ મહિને મહિને નિર્વાહની રકમ આપે, મહિનાને અંતે હિસાબ તપાસે-ચકાસે, ખોટો ખર્ચ થયો હોય તો ઠપકો આપે એવી કરકસર. એમણે એમની મૂડીનું કાળજી અને કુનેહપૂર્વક રોકાણ કર્યું હતું. પાગલ મોટા ભાઈ યુજેન, પાગલ નાની પુત્રી આદેલ તથા ત્રણ કુટુંબો — પત્ની તથા બે પુત્રો, જુલિએત તથા ક્લેર અને લેઓની — ના નિર્વાહની જવાબદારી સંપૂર્ણપણે અદા કરી હતી. ૧૮૮૧માં વસિયતનામું કર્યું એમાં પાગલ પુત્રી આદેલને વર્ષે ૮૦૦૦ ફ્રાં, પુત્રવધૂ આલિસને વર્ષે ૧૨૦૦૦ ફ્રાં, ગરીબોને ૪૦૦૦૦ ફ્રાં અને પૌત્ર જોર્જ તથા પૌત્રી જાંનને બાકીની બધી મિલકત વારસામાં આપવાની વ્યવસ્થા કરી હતી. દોલત હોવા છતાં એ અમીર નહિ, રોમેન્ટિક હોવા છતાં એ બોહેમિયન નહિ, એ બુર્ઝ્વા. એમનું મધ્યમ વર્ગનું માનસ અને વર્તન. વ્યવહાર, રહેણીકરણી — એમની સમગ્ર જીવનશૈલી બુર્ઝ્વા. આ કરોડપતિનો મૃતદેહ ગરીબો માટેની શબવાહિનીમાં સમાધિસ્થાન પર ગયો હતો. હ્યુગોને ૮ નાનીમોટી માંદગીઓ આવી હતી. એમાં ૧૮૭૫માં બે કલાક માટે સ્મૃતિલોપ અને ૧૮૭૮માં પક્ષઘાતનો હળવો હુમલો, પણ એકે ગંભીર માંદગી નહિ. જીવનભર રાતના ૪ કલાકની ઊંઘ. એમાંયે ક્યારેક ઊંઘમાં કાવ્યપંક્તિ સૂઝે ને ઊંઘ ઊડી જાય. રોજ ૨૦ કલાકની પ્રવૃત્તિ. એમાં સવારના ૪-૬ કલાકનું લેખન. એ લેખન પણ સ્વહસ્તે તૈયાર કર્યું હતું તે ઉપરથી સપાટ એવા ઊંચા ટેબલ પર ઊભા ઊભા કરે. વળી ખૂબ સમય અને શક્તિ સંબંધો સાચવવામાં જાય. એમનામાં અદ્ભુત અને આશ્ચર્યજનક શારીરિક અને માનસિક શક્તિ હતી. હ્યુગોને આત્માની અમરતામાં અને ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા. આરંભમાં એ કૅથલિક. પણ પછીથી ધર્મસંસ્થાઓ અને ધર્મગુરુઓમાં શ્રદ્ધા નહિ. ૧૮૪૩માં લેઓપોલ્દિનના અવસાન પછી ૧૮૪૭માં પૅરિસમાં અને ૧૮૫૩થી ૧૮૫૫ જર્સીમાં એમણે મૃતાત્માઓ સાથે સંવાદ અને અનુસંધાન કરવાનો પ્રયોગ કર્યો હતો. ૧૮૮૧માં વસિયતનામું કર્યું ત્યારે એમાં નોંધ્યું કે ધર્મસંસ્થાઓએ અને ધર્મગુરુઓએ ઈશ્વરનું કે મનુષ્યજાતિનું કશું ભલું કર્યું નથી માટે કોઈ ધર્મગુરુએ એમના અવસાન સમયે પ્રાર્થના કરવી નહિ અને અવસાન પછી અંતિમ વિધિ કરવી નહિ. એક વાર કોઈએ એમને પૂછયું, ‘ધર્મના સંદર્ભમાં તમે શું છો ?’ ત્યારે એમણે કહ્યું હતું, ‘મુક્ત વિચારક’. હ્યુગો ફ્રેન્ચ રોમેન્ટિકસિઝમના પ્રતીકરૂપ, પર્યાયરૂપ હતા. અંગત જીવન અને જાહેર જીવનના સંદર્ભમાં એમનામાં ભારે અહમ્‌ હતો. એમનો મુદ્રાલેખ હતો ઃ ‘એગો હ્યુગો’. એ એમણે એમના મકાનની ભીંત પર લખાવ્યો હતો. ૧૮૮૧માં હ્યુગોની ૮૦મી જન્મજયંતી એક રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઊજવવામાં આવી હતી. એમના આવન્યૂ દિલોમાં એક વિજયતોરણ રચવામાં આવ્યું. (પછીથી ટૂંક સમયમાં જ એ આવન્યૂને ‘આવન્યૂ વિક્તોર હ્યુગો’ નામ આપવામાં આવ્યું હતું. પછી અનેક પત્રો ‘વિક્તોર હ્યુગોને, એમના આવન્યૂમાં, પૅરિસ’ એવા સરનામે આવ્યા હતા.) આ ઉત્સવમાં રાજ્યને સહભાગી કરવા રાષ્ટ્રપ્રમુખ આગલી સાંજે અભિનંદન આપવા આવ્યા. ફ્રાંસનાં અનેક ગામોમાંથી પુષ્પો અને પ્રતિનિધિઓ પાઠવવામાં આવ્યા. શાળા-કૉલેજોમાં સજાઓ માફ કરવામાં આવી. ફેબ્રુઆરીની તીવ્ર ઠંડીમાં એક બાજુ જૉર્જ અને બીજી બાજુ જાંન અને વચમાં પોતે નાનકડા ઘરના બીજા માળની ઉઘાડી બારીએ લોકોનાં અભિનંદન ઝીલવા માટે સવારથી સાંજ લગી ઊભાં રહ્યાં. ઘરની સામે રસ્તા પર પુષ્પોનો જાણે નાનકડો ટેકરો રચાયો હતો. એમને અભિનંદન આપવા માટે ૬૦૦૦૦૦ શુભેચ્છકો આવ્યા હતા.

જાહેર જીવન
 

૧૮૦૯માં છેક નાનપણમાં જ લાહોરીએ હ્યુગોને મંત્ર પઢાવ્યો હતો ઃ ‘Avant tout, la liberte’ (આવાં તુ, લા લિબર્તે) — બીજું બધું પછી, પહેલી સ્વતંત્રતા. લાહોરીને નાપોલેઓં વિરુદ્ધ ષડ્યંત્ર રચવા માટે વિદ્રોહી તરીકે જેલ અને ફાંસીની સજા કરવામાં આવી હતી. લાહોરી ત્યારે પડોશમાં ગુપ્તવાસમાં. હ્યુગો એમની કરુણતાના સાક્ષી. ૧૮૦૭માં ઇટલીમાં અને સવિશેષ તો ૧૮૧૧માં સ્પેનમાં એ પ્રદેશોની સ્વાતંત્ર્યપ્રિય પ્રજાઓએ પોતાની માતૃભૂમિ પર વિદેશી ફ્રેન્ચ સૈન્યની ઉપસ્થિતિ અસહ્ય હતી એથી એનો પ્રબળ પ્રતિકાર કર્યો, ત્યારે અનેક વિદ્રોહી નાગરિકોના મૃતદેહ ઝાડ પર લટકાવવામાં આવ્યા હતા. હ્યુગો ત્યારે પિતા સાથે એ પ્રદેશોમાં. એથી એ આ પ્રજાઓની સાહસિકતા અને સ્વાતંત્ર્યપ્રિયતાના સાક્ષી. ‘મોંનાંફાંસ’ (મારું શૈશવ, ૧૮૨૩) કાવ્યમાં આરંભે જ એમણે બે પંક્તિ રચી છે ઃ ‘મારા અજંપ આત્મામાં યુદ્ધનાં સ્વપ્નો છે. હું કવિ ન થયો હોત તો સૈનિક થયો હોત.’ નાનપણમાં નાપોલેઓં અને પિતા પ્રત્યે મિશ્ર પ્રતિભાવ. નાપોલેઓં ક્રૂર સમ્રાટ અને પિતા ક્રૂર જનરલ એટલે અનાદર, પણ નાપોલેઓં વીરપુરુષ અને પિતા કાઉન્ટ એટલે આદર. હ્યુગોને બન્નેના પ્રતિસ્પર્ધી થવાનું, બન્નેથીયે વધુ મહાન થવાનું સ્વપ્ન. ૧૮૧૬માં એમણે એમની પ્રસિદ્ધ નોંધપોથીઓ લખવાનો આરંભ કર્યો ત્યારે પ્રથમ જ નોંધ્યું હતું ઃ Je veux etre Chateaubriand ou rien’(ઝ વ એત્ર શાતોબ્રિઆં ઉ રિઆં) — થવું તો શાતોબ્રિઆં, નહિ તો કંઈ નહિ. ૧૮૧૪માં વોટર્લૂના પરાજય પછી ફ્રાંસનું ગૌરવ નષ્ટ થયું હતું. પછી શાતોબ્રિઆં એ ગૌરવના એકમાત્ર પ્રતીક. એથી જીવનમાં અને કવનમાં શાતોબ્રિઆં એમનો આદર્શ. રાજા લુઈ ૧૮માએ હ્યુગોને ૧૮૨૦માં દ્યુક દ બેરીની હત્યા પરના કાવ્ય માટે, ૧૮૨૨માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઓદ એ પોએસી દિવેર્સ’ માટે અને ૧૮૨૨માં પ્રથમ નવલકથા ‘હાં દિસલાંદ’ માટે પારિતોષિક અને વર્ષાસન આપ્યું. ૧૮૨૫માં રાજા લુઈ ૧૮માના અવસાન પછી હ્યુગોનું ‘શેવાલિએ દ લા લેજિઓં દોનર’ તરીકે બહુમાન કરવામાં આવ્યું. રાજા શાર્લ ૧૦માના રાજ્યાભિષેક પ્રસંગે રેંસ જવાનું આમંત્રણ આવ્યું ત્યારે ત્યાં ઉપસ્થિત થયા અને એ પ્રસંગ પર કાવ્ય રચ્યું. ૧૮૨૧માં નાપોલેઓંનું સેન્ટ હેલેનામાં નિર્વાસિત કેદી તરીકે અવસાન થયું એથી હવે એ શહીદ. વળી, ત્રીજા દાયકામાં યુરોપમાં ફ્રાંસનું ગૌરવ નષ્ટ થયું હતું એથી ૧૮૨૬માં હ્યુગો રાજાવાદી નહિ પણ અલ્પ સમય માટે સામ્રાજ્યવાદી, બોનાપાર્તવાદી. ૧૮૨૭માં એમણે નાપોલેઓંને અંજલિ રૂપે નાટક ‘ક્રોમવેલ’ તથા પૅરિસમાં નાપોલેઓંના સ્મારકરૂપ ‘લા કોલોન દ લા પ્લાસ વાંદોમ’ પર સ્તોત્ર રચ્યું. ૧૮૨૯માં રાજા શાર્લ ૧૦માએ હ્યુગોના નાટક ‘મારિઓં દ લોર્મ’માં રાજા લુઈ ૧૩માનું પાત્રાલેખન રાજાશાહીને જોખમરૂપ હતું એથી એ નાટક પર પ્રતિબંધ મૂક્યો અને બદલામાં વર્ષાસન આપ્યું ત્યારે હ્યુગોએ એનો ગૌરવપૂર્વક અસ્વીકાર કર્યો. ૧૮૩૦માં જુલાઈ ક્રાંતિના સમયે બુર્બોં રાજા શાર્લ ૧૦માને પદભ્રષ્ટ અને નિર્વાસિત કરવામાં આવ્યા પછી હ્યુગોએ પ્રજાસત્તાકનો પક્ષ ન કર્યો. કારણ કે ફ્રાંસ હજુ પ્રજાસત્તાક માટે પરિપક્વ ન હતું એવી એમની પ્રતીતિ હતી અને ક્રાંતિમાં હિંસા, ક્રૂરતા અને અવ્યવસ્થા હતી. એમણે રાજાવાદનો પક્ષ કર્યો અને બુર્બોં રાજાના પિતરાઈ ભાઈ દ્યુક દોર્લેઆંનો, લુઈ-ફિલિપનો બુર્ઝ્વા રાજા, નાગરિક રાજા તરીકે સ્વીકાર કર્યો. અલ્પ સમયના સામ્રાજ્યવાદનો, બોનાપાર્તવાદનો ત્યાગ કર્યો અને જુલાઈ રાજાવાદ, બંધારણીય રાજાવાદનો સ્વીકાર કર્યો અને ‘ઝન ફ્રાંસ’ (યુવાન ફ્રાંસ) પર સ્તોત્ર રચ્યું. ૧૮૩૨માં રાજા લુઈ-ફિલિપે હ્યુગોના નાટક ‘લ ર્વા સામ્યુઝ’માં રાજા ફ્રાંસ્વા ૧લાનું પાત્રાલેખન રાજાશાહીના ઉપહાસરૂપ હતું એથી એ નાટક પર પ્રતિબંધ મૂક્યો અને બદલામાં વર્ષાસન આપ્યું ત્યારે હ્યુગોએ ગૌરવપૂર્વક એનો અસ્વીકાર કર્યો. હ્યુગોના આદર્શરૂપ શાતોબ્રિઆંની સિદ્ધિનો ક્રમ હતો ઃ કવિ, આકાદેમી ફ્રાંસેસના સભ્ય, ઉમરાવ, રાજદૂત અને પ્રધાન. ૧૮૩૦ લગીમાં તો હ્યુગોએ યુવાન ફ્રાંસના સર્વશ્રેષ્ઠ રોમેન્ટિક કવિ અને કવિકુલગુરુનું પદ સિદ્ધ કર્યું હતું. એથી હવે આકાદેમી ફ્રાંસેસનું સભ્યપદ સિદ્ધ કરવું રહ્યું. ૧૮૩૬માં બે વાર અને ૧૮૪૦માં એક વાર એમ કુલ ત્રણ વાર પરાજય પછી ૧૮૪૧માં સભ્યપદ માટેની ચૂંટણીમાં એમનો વિજય થયો. ૧૮૩૭માં ઉમરાવ થવાની દિશામાં પ્રથમ પગલા રૂપે પિતા કાઉન્ટ હતા એથી પોતાને માટે પણ ‘લ વિકોંત હ્યુગો’ એવો પ્રયોગ કરવાનો આરંભ કર્યો. તરત જ એમનું ‘ઓફિસિએ દ લા લેજિઓં દોનર’ તરીકે બહુમાન કરવામાં આવ્યું. આ સમયમાં એમને દ્યુક અને દ્યુશેસ દોર્લેઆં સાથે મૈત્રી હતી. દ્યુશેસના હૃદયમાં કવિ તરીકે એમને માટે લગભગ પ્રેમ જેવો ભાવ. એથી ભવિષ્યમાં એ ફ્રાંસનાં રાજા-રાણી થાય તો પોતે કવિ-પ્રેમી-પ્રધાન થાય એવું એમને સ્વપ્ન. પણ ૧૮૪૨માં અકસ્માતમાં દ્યુકનું અવસાન થયું. એથી એ સ્વપ્ન લગભગ નષ્ટ થયું. છતાં ભવિષ્યમાં દ્યુશેસ ફ્રાંસનાં રાણી થાય તો પોતે પ્રધાન થાય એવી એમને આશા હતી. ૧૮૪૫માં એ પેર દ ફ્રાંસ (ફ્રાંસના ઉમરાવ) તરીકે નિયુક્ત થયા. ૧૮૪૮ના ફેબ્રુઆરીની ૨૨મીએ ક્રાંતિનો આરંભ થયો. પછી ૨૩મીએ એ જાતતપાસ માટે પ્લાસ દ લા કોંકોર્દ પર ટોળાની વચ્ચે ધસી ગયા. ૨૪મીએ રાજા લુઈ-ફિલિપને પદભ્રષ્ટ અને નિર્વાસિત કરવામાં આવ્યા. કવિમિત્ર લામાર્તિને પ્રજાસત્તાકનો પક્ષ કર્યો. પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. લામાર્તિનના પ્રમુખપદે કામચલાઉ સરકાર રચવામાં આવી. ત્યારે પ્રજાસત્તાક ઇષ્ટ કે શક્ય નથી એવી હ્યુગોની પ્રતીતિ હતી. એથી એ પ્લાસ રોયાલ અને પ્લાસ દ લા બાસ્તિય પર ટોળાની વચ્ચે ધસી ગયા. એની સમક્ષ દ્યુશેસ દોર્લેઆંનો ફ્રાંસનાં રાણી તરીકે સ્વીકાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારે એમના લમણા પર બંદૂક તાકવામાં આવી અને ‘ફ્રાંસના ઉમરાવ મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર સાથે ટોળાએ એનો રોષપૂર્વક અસ્વીકાર કર્યો. ૨૫મીએ એ પ્લાસ દ વિલ પર ટોળાની વચ્ચે ધસી ગયા. લામાર્તિન એમના ઘરે ગયા. પ્રથમ એમને એમના વિસ્તારના મેયર તરીકે અને પછી પ્રધાન તરીકે નિયુક્ત કરવાની ઑફર આપી. હ્યુગોએ બન્નેનો સિદ્ધાન્તપૂર્વક અસ્વીકાર કર્યો. તરત જ ૧૮૪૮ના એપ્રિલમાં કૉન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીની ચૂંટણી યોજવામાં આવી. એમાં લામાર્તિનનો વિજય અને હ્યુગોનો પરાજય થયો. પણ પછી જૂનમાં પૂરક ચૂંટણીમાં રૂઢિચુસ્તોના મતથી હ્યુગોનો વિજય થયો. પ્રજાસત્તાકવાદીઓએ બેકાર કામદારો માટે રાષ્ટ્રીય કાર્યશાળાઓનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે આવી કાર્યશાળાઓથી બેકાર કામદારો બેજવાબદાર ન બની જાય એ હેતુથી એમના જ હિતમાં એમણે એનો વિરોધ કર્યો. જૂનની ૨૪મીએ સમગ્ર પૅરિસમાં તોફાન થયું. હ્યુગો વળી ટોળાની વચ્ચે ધસી ગયા. એમણે હિંસાનો વિરોધ કર્યો. તોફાનીઓને તોફાન બંધ કરવાનો અનુરોધ કર્યો. સૈન્યે બળનો ઉપયોગ કર્યો અને તોફાન શમી ગયું. પણ તોફાનીઓએ હ્યુગોના ઘર-૬, પ્લાસ રોયાલ — પર હુમલો કર્યો. થોડાક જ દિવસોમાં કુટુંબની સલામતી ખાતર ૧૬ વર્ષના વસવાટ પછી હ્યુગોએ એ ઘર ખાલી કર્યું. એસેમ્બ્લીમાં એમણે બળનો ઉપયોગ કરવા માટે સૈન્યનો અને સેનાપતિનો વિરોધ કર્યો. એમના વક્તવ્યનો કોઈ પક્ષ પર પ્રભાવ ન હતો. એથી એમણે બે પુત્રો અને બે શિષ્યોની સહાયથી ‘લેવેનમાં’ સામયિકનો આરંભ કર્યો. ક્રાંતિના સમયે નાપોલેઓં બોનાપાર્તના ‘ભત્રીજા’ લુઈ નાપોલેઓં ઇંગ્લૅન્ડમાં નિર્વાસિત હતા તે ફ્રાંસ પાછા આવ્યા હતા. કૉન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બ્લીની ચૂંટણીમાં અને પછી લેજિસ્લેટિવ એસેમ્બ્લીની ચૂંટણીમાં એમનો વિજય થયો હતો. એથી હવે પ્રજાસત્તાકના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઉમેદવાર હતા. એ હ્યુગોના ઘરે ગયા. એમણે ભૂતકાળમાં ‘ગરીબી હઠાવો’ પર પુસ્તિકા લખી હતી. હ્યુગો એમનાથી પ્રભાવિત થયા. એમણે ‘લેવેનમાં’માં લુઈ નાપોલેઓં માટે પ્રચાર કર્યો. ચૂંટણીમાં લામાર્તિનનો પરાજય થયો. લુઈ નાપોલેઓંનો ૫૫૦૦૦૦૦ની જંગી બહુમતીથી વિજય થયો. એ પ્રમુખ થયા. ૧૮૪૯ના મેમાં લેજિસ્લેટિવ એસેમ્બ્લીની ચૂંટણીમાં રૂઢિચુસ્તોના મતથી હ્યુગોનો વિજય થયો. આ સમયમાં પૅરિસમાં યુરોપની શાંતિપરિષદ હતી. હ્યુગો એના પ્રમુખ હતા. લુઈ નાપોલેઓંએ પોપ અને રોમન પ્રજાસત્તાક વચ્ચેના સંઘર્ષમાં પ્રપંચ અને વચનભંગ કર્યો ત્યારે હ્યુગોએ એસેમ્બ્લીમાં અને એમના સામયિકમાં એનો ઉગ્ર વિરોધ કર્યો. લુઈ નાપોલેઓંએ મર્યાદિત મતાધિકારના પ્રસ્તાવ દ્વારા દસ વરસ માટે સત્તા ધારણ કરવાનું બંધારણીય ષડ્યંત્ર રચ્યું. હ્યુગોએ ઉગ્ર ભાષામાં વિરોધ કર્યો ઃ શું ? આપણે વિરાટ નાપોલેઓંનો સ્વીકાર કર્યો હતો એટલે હવે આ વેંતિયા નાપોલેઓંનો પણ સ્વીકાર કરવો ?’ ષડ્યંત્ર નિષ્ફળ ગયું. ‘લેવેનમાં’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હ્યુગોના પુત્રો અને શિષ્યોને કેદની સજા કરવામાં આવી. લુઈ નાપોલેઓંએ પોલીસ અને સૈન્ય દ્વારા કાયમને માટે સત્તા ધારણ કરવાનું ષડ્યંત્ર રચ્યું. હ્યુગોએ તરત જ ‘લાવેનમાં દ્યુ પ્યુપ્લ’ નવા સામયિકનો આરંભ કર્યો. એમણે સરકાર વિશે લખ્યું ઃ ‘આ સરકાર એટલે પોલીસ સર્વત્ર અને ન્યાય ક્યાંય નહિ’. ૧૮૫૧ના ડિસેમ્બરની ૨જીએ લુઈ નાપોલેઓંએ કુ દે’તા કર્યો. પૅરિસની પ્રજા નિષ્ક્રિય હતી. હ્યુગો પોર્ત સેં માર્તાં પર ટોળાની વચ્ચે ધસી ગયા. ‘બંધારણ ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર કર્યા. પ્રજાને પ્રતિકાર કરવાનો અનુરોધ કર્યો. દસ જ વાક્યમાં ‘પ્રજાને ઉદ્બોધન’ પ્રગટ કર્યું ઃ ‘લુઈ નાપોલેઓં દ્રોહી છે, ધાડપાડુ છે. એણે બંધારણનું ખૂન કર્યું છે, વચનભંગ કર્યો છે. પ્રજાએ એના ધર્મનું પાલન કરવું, પ્રજાના પ્રતિનિધિઓએ અગ્રેસર થવું…’ હ્યુગો હવે પ્રજાસત્તાકવાદી. પ્રજાસત્તાકવાદી નેતાઓની પ્રતિકાર સમિતિની રચના કરવામાં આવી. હ્યુગોને પકડવાનો પ્રયત્ન થયો. એમના માથા માટે ઇનામ જાહેર થયું. ૩જીએ પ્લાસ દ લા બાસ્તિય પર ઉગ્ર ઉદ્બોધન કર્યું. પછી રોજ ટોળાની વચ્ચે ધસી ગયા. ૨જીથી ૧૧મી લગી નવ રાત માટે એમને બે મિત્રોનાં ઘરોમાં આશ્રય આપવામાં આવ્યો. ૧૧મીએ એ જુલિએતના મિત્ર લાંવેંના પાસપોર્ટની સહાયથી ગાર દ્યુ નોરથી પૅરિસમાંથી બ્રસેલ્સ ચાલ્યા ગયા. તરત જ ફ્રાંસમાંથી નિર્વાસિતોની કાયદેસરની યાદીમાં હ્યુગોનું નામ જાહેર કરવામાં આવ્યું. જોકે એ પૅરિસની બૅંકમાંથી પુરસ્કારની જમા મૂડીમાંથી ૩૦૦૦૦૦ ફ્રાં અને પૅરિસના ઘરમાંનું રાચરચીલું સરકાર જપ્ત કરે એ શંકાથી એનું લીલામ કરાવ્યું એની આવકની રકમ ૧૫૦૦૦ ફ્રાં બ્રસેલ્સ મંગાવી શક્યા. એક જ મહિનામાં એમણે લુઈ નાપોલેઓં વિરુદ્ધ પુસ્તિકા લખી. એના પ્રકાશનથી બેલ્જિયમની સરકારને મૂંઝવણમાં મૂકવાની ઇચ્છા ન હતી. વળી બ્રસેલ્સમાં નિર્વાસિતોની સાથે હળવામળવાની એમની પ્રવૃત્તિ હતી. એથી બેલ્જિયમની સરકાર એમને નિર્વાસિત કરે એવી શકયતા હતી. એથી એ બ્રસેલ્સમાંથી સ્વેચ્છાએ બ્રિટિશ ખાડીમાં ઇંગ્લૅન્ડની હકૂમત નીચેના ટાપુ જર્સી પર સેન્ટ હેલિએર ચાલ્યા ગયા. સમુદ્રતટ પર એક નાનકડા એકાન્ત ઘર — મૅરિન ટૅરેસ–માં વસ્યા. ‘નાપોલેઓં લ પતી’ (વેંતિયો નાપોલેઓં) પુસ્તિકાનું પ્રકાશન કર્યું. એની ૧૦૦૦૦૦૦ નકલ પ્રગટ કરવામાં આવી. ફ્રાંસમાં ૭૮૦૦૦૦૦ની જંગી બહુમતીથી ‘ઉદારમતવાદી’ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી. લુઈ નાપોલેઓં ત્ર્વાના નામથી ‘ઉદારમતવાદી’ સમ્રાટ થયા. લુઈ નાપોલેઓં વિરુદ્ધ કટાક્ષકાવ્યોનો સંગ્રહ ‘લે શાંતિમાં’ (શિક્ષાઓ) પ્રસિદ્ધ કર્યો. જર્સીમાં પણ એમણે સતત નિર્વાસિતોનો પક્ષ કર્યો. ફાંસીની સજાનો અને ફ્રાંસ–ઇંગ્લૅન્ડ મૈત્રીકરારનો વિરોધ કર્યો એથી એમને જર્સીમાંથી નિર્વાસિત કરવામાં આવ્યા. એ નિકટના જ અંગ્રેજ હકૂમત નીચેના નાનકડા ટાપુ ગેર્ન્સીમાં સેન્ટ પીટર પોર્ટમાં ચાલ્યા ગયા. અહીં એમણે એમના સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘લે કૉંતાંપ્લાસિઓં’ (ચિન્તનો)ના પુરસ્કારની રકમ ૨૦૦૦૦ ફ્રાંમાંથી ગેર્ન્સીમાં માલિકીની મિલકત હોય તેને નિર્વાસિત ન કરી શકાય એવો કાયદો હતો એથી એક મોટું મકાન ‘હોતવિલ હાઉસ’ ખરીદ્યું. ૧૮૫૯માં ફ્રાંસમાં નાપોલેઓંએ શરતી માફીની જાહેરાત કરી ત્યારે હ્યુગોએ ‘જ્યારે સ્વતંત્રતા ફ્રાંસમાં પાછી ફરશે ત્યારે જ હું પણ પાછો ફરીશ’ એવી પ્રતિજ્ઞા સાથે એનો અસ્વીકાર કર્યો. ૧૮૬૯માં એમણે ‘લ રાપેલ’ સામયિકનો આરંભ કર્યો. એ જ વરસમાં ફ્રાંસમાં નાપોલેઓંએ ફરી શરતી માફીની જાહેરાત કરી ત્યારે પણ એમણે એનો અસ્વીકાર કર્યો. વળી એ જ વરસમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં યુરોપની શાંતિપરિષદ હતી. હ્યુગો એના પ્રમુખ હતા. ૧૮૭૦માં જર્મનીએ ફ્રાંસ સાથે યુદ્ધ કર્યું. હ્યુગોએ મહાન ધર્મસંકટનો અનુભવ કર્યો. આ ક્ષણે ફ્રાંસ પાછા ફરવું કે નહિ ? પ્રતિજ્ઞાનું શું ? રાષ્ટ્રધર્મનું શું ? એમણે ફ્રાંસ પાછા ફરવું એવો નિર્ણય કર્યો. પણ ફ્રાંસ પહોંચે તે પૂર્વે જ નાપોલેઓંનો સદાંમાં પરાજય થયો અને એ કેદ થયા. બીજે દિવસે એ પૅરિસ પહોંચે તે પૂર્વે જ પ્રજાસત્તાકની જાહેરાત કરવામાં આવી. આમ, પ્રતિજ્ઞાનું પાલન આપોઆપ થયું. એમણે રસ્તામાં કહ્યું, ‘મેં ૧૯ વર્ષથી આ ક્ષણની પ્રતીક્ષા કરી છે.’ રાતના ૯-૩૫ વાગ્યે એ ગાર દ્યુ નોર આવ્યા ત્યારે આંખમાં હર્ષની અશ્રુધારા, પણ ફ્રાંસના પરાજયને કારણે હૃદયમાં વેદના હતી. સ્ટેશન પર લાખો લોકોએ એમનું સ્વાગત કર્યું. એમની સમક્ષ એમણે ચાર ભાષણો કર્યા. એમણે કહ્યું, ‘૧૯ વર્ષના દેશવટાનું તમે મને સાટું વાળી આપ્યું.’ એ ક્ષણે આકાશમાં રાત્રિના અંધકારમાં વાદળ અને વીજળીનું ભારે તોફાન મચ્યું હતું. ફ્રાંસમાં કામચલાઉ સરકાર રચવામાં આવી. એમાં એમનો પ્રમુખ તરીકે સ્વીકાર થશે એવું એમણે કલ્પ્યું હતું. પણ એમ ન થયું. કોમ્યુને એમને વિરોધપક્ષના નેતા થવાની ઑફર આપી. નવો પક્ષ સ્થાપવાનું સૂચન પણ થયું. આ ક્ષણે કામચલાઉ સરકારને હાનિ ન થાય એ હેતુથી એમણે બન્નેનો અસ્વીકાર કર્યો. એમણે કહ્યું, ‘હું કંઈ જ નથી.’ એનો અર્થ હતો, ‘હું કંઈ જ કરીશ નહિ.’ એમણે જર્મન પ્રજાને પૅરિસ પર આક્રમણ ન કરવાનો અનુરોધ કર્યો. કોમ્યુને કામચલાઉ સરકારને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો. હ્યુગોને નવી સરકારના પ્રમુખ થવાની ઑફર આપી. એનો એમણે અસ્વીકાર કર્યો. જર્મન સૈન્યે પૅરિસને ઘેર્યું. ૧૮૭૧ના જાન્યુઆરીની ૨૯મીએ ફ્રાંસની શરણાગતિ પછી યુદ્ધવિરામ થયો. ૧૮૭૧ની રાષ્ટ્રીય એસેમ્બ્લીની ચૂંટણીમાં હ્યુગોનો વિજય થયો. પૅરિસમાં કોમ્યુનના ભયથી એસેમ્બ્લી બોર્દોમાં ભરવામાં આવી હતી. પ્રથમ બેઠકમાં ‘વિક્ટર હ્યુગો ઝિન્દાબાદ’ના સૂત્રોચ્ચાર થયા. એ વામમાર્ગીઓના પ્રમુખ થયા. જર્મની સાથે અપમાનજનક સંધિમાં આલ્સાસ અને લોરેનના પ્રદેશો જર્મનીને સુપરત કરવાનો પ્રસ્તાવ થયો. હ્યુગોએ એનો ઉગ્ર વિરોધ કર્યો. પણ વામમાર્ગીઓએ વિરોધ ન કર્યો. હવે પછી એસેમ્બ્લી વેર્સાઈમાં ભરવાનો પ્રસ્તાવ થયો. હ્યુગોએ એનો વિરોધ કર્યો. પણ કોઈએ એનો વિરોધ ન કર્યો. ઇટલીના મહાન નેતા ગૅરિબાલ્ડીએ યુદ્ધમાં ફ્રાંસને સહાય કરી હતી એથી એમનો એસેમ્બ્લીની ચૂંટણીમાં વિજય થયો હતો. પણ એ પરદેશી છે એટલે એમની ચૂંટણી રદ કરવાનો પ્રસ્તાવ થયો. હ્યુગોએ એનો ઉગ્ર વિરોધ કર્યો. ત્યારે તો કોઈ એમને સાંભળવા પણ તૈયાર ન હતું. એથી એમણે રાજીનામું આપ્યું. એમણે ફરીથી સ્વેચ્છાએ નિર્વાસિત થવાનો નિર્ણય કર્યો. રાતે એમના ઘર પર ટોળાએ હુમલો કર્યો. એ બોર્દોમાંથી બ્રસેલ્સ ચાલ્યા ગયા. હવે પૅરિસમાં કોમ્યુને કબજો કર્યો. કોમ્યુનને સંધિ અને એસેમ્બ્લી બન્નેનો ભારે વિરોધ હતો. શત્રુની હાજરીમાં ફ્રેન્ચ પ્રજા પાલે દ વેર્સાઈ અને ઓતેલ દ વિલમાંથી પાગલની જેમ પરસ્પરની હત્યા કરવામાં રચીપચી હતી. હ્યુગો બે વિરોધી પક્ષો વચ્ચે સુમેળ કરવામાં નિષ્ફળ ગયા હતા. મેની ૧૦મીએ સંધિ પર સહી કરવામાં આવી. બ્રસેલ્સમાં અનેક નવા નિર્વાસિતો — કોમ્યુનાર — આવ્યા. સૌને હ્યુગોએ એમના ઘરમાં આશ્રય આપ્યો. રાતે એમના ઘર પર ટોળાએ હુમલો કર્યો. ‘વિકટર હ્યુગો મુર્દાબાદ’ના સૂત્રોચ્ચાર કર્યા. બેલ્જિયમની સરકારે હ્યુગોને બેલ્જિયમમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો. એ બ્રસેલ્સમાંથી લુકઝમ્બુર્ગ ગયા. ત્યાંથી પૅરિસ પાછા ફર્યા. ત્યારે કોમ્યુને પાલે દે ત્વીલેરી અને ઓતેલ દ વિલનો નાશ કર્યો હતો. ‘લ રાપેલ’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એમણે કહ્યું, ‘હવે મારી કોઈ કિંમત નથી.’ ૧૮૭૧માં અને ૧૮૭૨માં ચૂંટણીમાં એમનો પરાજય થયો. ‘લ રાપેલ’નું પુનઃ પ્રકાશન કર્યું. ૧૮૭૩માં લુઈ નાપોલેઓંનું અવસાન થયું. એસેમ્બ્લી કોમ્યુનારને માફી આપવાનો પ્રસ્તાવ મંજૂર કરવા તૈયાર ન હતી એથી હ્યુગોએ ચૂંટણીમાં ઉમેદવાર થવાનો અસ્વીકાર કર્યો. ૧૮૭૪માં ‘લ રાપેલ’ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ૧૮૭૬માં સેનેટની ચૂંટણીમાં એમનો વિજય થયો. એ વામમાર્ગીઓના નેતા થયા. સેનેટમાં માફીનો પ્રસ્તાવ મંજૂર ન થયો. ૧૮૭૭માં એસેમ્બ્લીમાં પ્રજાસત્તાકવાદીઓની બહુમતી હતી. છતાં માફીનો પ્રસ્તાવ મંજૂર ન થયો. અંતે ૧૮૮૦માં એ મંજૂર થયો. હ્યુગોની આ અંતિમ મહાન સિદ્ધિ હતી. ૧૮૮૧માં ૮૦મી જન્મજયંતીના રાષ્ટ્રીય ઉત્સવ પછી એમણે સેનેટમાં પ્રવેશ કર્યો ત્યારે સૌ સભ્યોએ ઊઠીને એમનું અભૂતપૂર્વ એવું ભવ્ય સ્વાગત કર્યું. હ્યુગો એમના આસન પર બેસી ગયા પછી પ્રમુખે કહ્યું, ‘પ્રતિભાપુરુષ એમના આસન પર બેસી ગયા છે. સેનેટે એમનું સ્વાગત કર્યું છે.’ પછી જ સૌ સભ્યો એમના આસન પર બેસી ગયા. હ્યુગોનું આ અંતિમ મહાન બહુમાન હતું. ૧૭૮૩થી ૧૮૭૧ એકાદ સદીનું પૅરિસ એ આસમાની-સુલતાનીનું નગર હતું. આ સમયને ‘પૅરિસની મહાન સદી’ એવું નામ આપવામાં આવ્યું છે. હ્યુગો અનેક વિગ્રહો, આંતરવિગ્રહો, ક્રાંતિઓ તથા સાત રાજકીય પરિવર્તનોના સાક્ષી હતા. એ પૂર્વજીવનમાં મુખ્યત્વે રાજાવાદી અને ઉત્તરજીવનમાં મુખ્યત્વે પ્રજાસત્તાકવાદી હતા. એ ન્યાય અને વ્યવસ્થાના આગ્રહી હતા. રાજાવાદમાં વ્યવસ્થા હતી પણ ન્યાય ન હતો, પ્રજાસત્તાકવાદમાં ન્યાય હતો પણ વ્યવસ્થા ન હતી. એથી એ બન્ને એમને સંપૂર્ણપણે સ્વીકાર્ય ન હતા અને એ બન્નેને એ સંપૂર્ણપણે સ્વીકાર્ય ન હતા. આમ, હ્યુગોનું રાજકારણ એ કવિનું રાજકારણ એટલે કે રાષ્ટ્રકારણ હતું. હ્યુગો રાજકીય પુરુષ કે મુત્સદ્દી ન હતા. એ મુક્ત મનુષ્ય હતા. જાહેર જીવનમાં એ મહત્ત્વાકાંક્ષી હતા પણ સત્તાકાંક્ષી ન હતા. એ જીવનભર શાસકો, શોષકો, વિજેતાઓ, સરમુખત્યારોના વિરોધી અને શાસિતો, શોષિતો, પરાજિતો, દલિતો, પતિતો, પીડિતો, તિરસ્કૃતો, બહિષ્કૃતો, નિર્વાસિતોના પક્ષકાર. એથી અંતે એ પ્રજાસત્તાકના પ્રતીકરૂપ, પર્યાયરૂપ હતા. આજે ફ્રાંસ જો ૧૧૬ વર્ષથી પ્રજાસત્તાક હોય તો એમાં હ્યુગોનાં કાર્યો અને કાવ્યોનું નાનુંસૂનું અર્પણ નથી. વસિયતનામું કર્યું ત્યારે ગરીબોને ૪૦૦૦૦ ફ્રાંની ભેટ દ્વારા મૃત્યુની ક્ષણે અને પોતાના મૃતદેહ માટે ગરીબો માટેની શબવાહિનીની ઇચ્છા દ્વારા મૃત્યુ પછી પણ એમણે ગરીબોનું સ્મરણ કર્યું હતું. ‘લે મિઝેરાબ્લ’ નવલકથાના તો આજે પણ પીડિતોનું મહાકાવ્ય છે. ૧૮૮૫ના મેની ૨૨મીએ પૌત્ર જોર્જ અને પૌત્રી જાંનના સાન્નિધ્યમાં ન્યુમોનિયાથી એમનું અવસાન થયું. એ ક્ષણે પૅરિસમાં ગાજવીજ સાથે બરફનું તોફાન થયું. તરત જ સેનેટ અને ચેમ્બરનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું. રાષ્ટ્રીય શોક મનાવવામાં આવ્યો. મેની ૩૧મીની આખી રાત એમનો મૃતદેહ દર્શન માટે આર્ક દ ત્રિઓંફ પર પ્રદર્શિત કરવામાં આવ્યો. એ રાતે પૅરિસ ઊંઘ્યું ન હતું. બીજે દિવસે સવારે એમની સ્મશાનયાત્રાના સમયે એમને પ્રજાનો જે પ્રેમ અને આદર પ્રાપ્ત થયો તે આજ લગી પૅરિસમાં અન્ય કોઈને — નાપોલેઓં બોનાપાર્ત સુધ્ધાંને — પ્રાપ્ત થયો નથી, રોમમાં કોઈ રોમન સમ્રાટને પણ પ્રાપ્ત થયો ન હતો. એમના અસ્ત સાથે જાણે એક સમગ્ર યુગનો અસ્ત થયો. સાદી, કાળી ગરીબો માટેની શબવાહિનીમાં એમનો મૃતદેહ અને એની ઉપર સફેદ ગુલાબના માત્ર બે ગુચ્છ — આર્ક દ ત્રિઓંફથી પ્લાસ દ લા કોંકોર્દ અને ત્યાંથી પાંથેઓં — એમની સ્મશાનયાત્રામાં ૨૦૦૦૦૦૦ યાત્રિકો હતા.

૧૯૮૭


*