ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વીરરસ

From Ekatra Wiki
Revision as of 12:14, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



વીરરસ : વીરરસનો સ્થાયી ભાવ ઉત્સાહ છે. વીરતા ઉત્તમ પુરુષોની પ્રકૃતિ છે અને ઉત્સાહાત્મક છે. તે અસંમોહ, નિશ્ચય, નીતિ, વિનય, બલ, પરાક્રમ, શક્તિ, પ્રતાપ તથા પ્રભા વગેરે વિભાવોથી ઉત્પન્ન થાય છે. ઉત્સાહ સર્વ કાર્યોમાં સત્વરતા આણનારી માનસિક વૃત્તિ છે. સર્વ ઇન્દ્રિયોના પ્રહર્ષને પણ વીરરસ કહેવામાં આવ્યો છે. વીરરસ ઉપર નોંધ્યું તેમ, ઉત્તમ પાત્રમાં હોય છે. સુવર્ણવર્ણી હોય છે અને એના દેવતા ઇન્દ્ર છે. આલંબન શત્રુ હોય છે અને એની ચેષ્ટાઓ ઉદ્દીપન વિભાવ છે. સહાયકની શોધ અનુભાવ છે. અને ધૈર્ય, ગતિ, ગર્વ, સ્મૃતિ, તર્ક, રોમાંચ વગેરે એના સંચારી ભાવો છે. વીરસના ચાર ભેદ છે : દાનવીર, દયાવીર, યુદ્ધવીર અને ધર્મવીર. આ ચારે પ્રકારોમાં આલંબન ઉદ્દીપન ભિન્ન ભિન્ન હોય છે, પણ સ્થાયી ભાવમાં તો કોઈ ફેર પડતો નથી. દાનવીરમાં યાચક આલંબન છે, અને દાતા પણ આલંબન છે. યાચકની વિનંતિઓ-કાકલૂદીઓ ઉદ્દીપન છે. વિનયશીલ વ્યવહાર, દયાર્દ્ર વક્તવ્ય, દાતાની દાનમાં આપવાની વસ્તુ પરત્વેની અનાસક્તિ ઇત્યાદિ અનુભાવો છે. દયાવીરમાં યંત્રણાઓ સહન કરી રહેલો માનુષી કે અમાનુષી નાયક આલંબન છે, અને જેના હૃદયમાં સહાનુભૂતિ કે કરુણા છે તે પણ આલંબન છે. વ્યથિત-પીડિત વ્યક્તિના કરુણ ચિત્કારો કે વિલાપો, શોકભર્યા નિ :શ્વાસો વગેરે વિભાવો છે. સહાય માટે દોડવું, આપત્તિમાં ફસાએલી વ્યક્તિને છોડાવવી, આશ્વાસનનાં વચનો, આત્મવિલોપન માટેની તત્પરતા વગેરે અનુભાવો છે. પ્રસ્વેદ, રોમાંચ અને ક્યારેક મૂર્ચ્છા વગેરે સાત્ત્વિક ભાવોને પ્રસ્તુત કરે છે. યુદ્ધવીરમાં યુદ્ધ કરતો નાયક આલંબન અને તેનો શત્રુ પણ આ યુદ્ધવીરરસનું આલંબન છે. શત્રુનાં ઉદ્ધત વચનો તેની યુયુત્સા વગેરે ઉદ્દીપન છે. પરસ્પરનાં ઉદ્દામ વક્તવ્યો, લડાઈ માટેની તૈયારી, શસ્ત્રાસ્ત્રોનો ચમકાર, ભેરીનાદો વગેરે અનુભાવો છે. અત્યંત દર્પ, ક્રોધ, અસૂયા વગેરે સંચારી ભાવો છે. ધર્મવીરમાં ‘કર્તવ્યનું પાલન કરવું અને અકર્તવ્યથી દૂર રહેવું’ આ સિદ્ધાન્તનું પાલન કરવામાં દાખવવામાં આવતી વીરતા હોય છે. ધર્મ કે કર્તવ્ય પણ આલંબન છે. ધાર્મિક ગ્રન્થોનું શ્રવણ શાસ્ત્રોક્ત વિધિનું શ્રવણ, ગુરુઓનો ઉપદેશ આ સર્વ ઉદ્દીપન વિભાવ છે, જે ઉત્સાહને જાગૃત કરે છે. આત્મબલિદાનનો પ્રયત્ન, સ્વાર્થનો ત્યાગ, પ્રતિજ્ઞા વગેરે અનુભાવો છે. ધૈર્ય, મતિ, ગર્વ વગેરે સંચારી ભાવો છે. આમ વીરરસના ચાર ભેદ પાડવામાં આવ્યા છે. પણ શૃંગારરસની જેમ તેના પણ અનેક ભેદ પડી શકે તેમ છે. જો નાયક વચનપાલનનો આગ્રહી હોય તો, સત્યવીરરસ પણ ભેદ પડી શકે. એ જ પ્રમાણે પાંડિત્ય-વીર પણ ભેદ હોય જેમાં પાંડિત્ય માટેનો ઉત્સાહ દર્શાવવામાં આવે છે. જે તે પ્રકાર પ્રમાણે યોગ્ય વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોનું સંયોજન કરવામાં આવે. વિ.પં.