ચૈતર ચમકે ચાંદની/વરસાદ પડે છે મનની માટીમાં

From Ekatra Wiki
Revision as of 09:47, 11 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વરસાદ પડે છે મનની માટીમાં

સાચે જ મોર બોલી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના વિજ્ઞાનભવનની આસપાસ ગાઢી વૃક્ષરાજી સાથે બાવળ, બોરડી અને કેર-કંથેરની ઝાડીઓ છે. બોટનિકલ ગાર્ડન્સ અને એક વખતની યુનિવર્સિટીનો નર્સરીનો વિસ્તાર અડોઅડ છે. મોરના રહેણાંકનો એ આદર્શ વિસ્તાર બની ગયો છે. યુનિવર્સિટીના અતિથિગૃહના પ્રાંગણમાં અને બાજુના અધ્યાપક-નિવાસોમાં મોર નિર્ભય થઈને ચણવા આવે છે અને મફત ન ચણાય એમ માનતા હોવાથી કદાચ કળા પણ બતાવતા જાય છે. બાળકોના હાથમાંથી પણ ચણ નિરાંતે લેતા હોય છે અને વચ્ચે વચ્ચે પોતાના મેઘગંભીર અવાજથી આખા વાતાવરણને ભરી દેતા હોય છે.

ગુજરાત યુનિવર્સિટીની મુદ્રામાં કળા કરતો મોર અંકિત છે, એટલે રાષ્ટ્રીય પંખી તરીકે મોરનું ગૌરવ જે હોય તે, એ ગુજરાત યુનિવર્સિટીનું પણ આરાધ્ય પંખી છે. એ હકથી કેટલા બધા મોર અમારે ત્યાં અભયારણ્યમાં રહેતા હોય તેમ રહે છે. યુનિવર્સિટીમાં ‘સરસ્વતી’ વસતી ન હોય, એનું આ વાહન મોર તો વસે છે.

અન્ય ઋતુઓમાં પણ આ મોર ટહુકા કરે છે કે કળા પણ કરે છે, પણ અત્યારે તો ઉપર આકાશમાં મેઘગર્જના અને નીચે યુનિવર્સિટી કૅમ્પસની વૃક્ષરાજીમાંથી મોરની પ્રતિ ગર્જના અને એવા ટહુકા કે ઉન્મત્ત મેઘને પણ એની નોંધ લેવી પડે. આ મેઘભીની ઋતુમાં મોરના અવાજમાં જે ભીનાશ અનુભવાય છે, તે અન્ય ઋતુઓમાં નહિ, મેઘથી મેદુર આકાશ થઈ ગયું હોય, અને વનરાજી શ્યામ બની ગઈ હોય એવે વખતે મનમાં ગીતગોવિંદનો પ્રથમ શ્લોક ગણગણતા હોઈએ ત્યાં મેઘના સ્વાગતકૃત્યના ભાગ તરીકે મોરનો કેકારવ થયો. તેમાં ભળ્યો કોયલ અને પપીતાનો તીવ્ર સ્વર. .

આખો લોક બદલાઈ ગયો. વિજ્ઞાનભવનના પરિસરમાં ચાલતાં લાગ્યું કે અત્યારે રઘવાયું બની દોડતું બરાડતું ભોં ભોં કરતું અમદાવાદ નગર મિથ્યા છે, અવાસ્તવિક છે. વાસ્તવિક છે તો માત્ર આ – આ મેઘ, આ મોર, આ ભીની સાંજ. લૅન્ડસ્કેપ જ નહિ, આપણો ‘ઇન્સ્કેપ’ પણ બદલાઈ ગયો.

જોઉ છું તો ત્રણ-ચાર મોર પોતાની અનુપમ નૃત્યછટા બતાવી રહ્યા છે. મને ત્યાંથી પસાર થનારને ધ્યાનમાં લેતા નથી. હું ક્ષણેક ઊભો રહી તેમના કલાપની શોભા જોઈ રહું છું! એક મોરનું ધ્યાન ગયું, એ સભાન થયો, કદાચ શંકિત પણ થયો હશે તો તેની કળા ક્ષણેક મારી સામે જોતા રહી ચાલુ રાખી ને પછી એવા વળાંક સાથે સંકેલી લીધી કે ખભે પડેલા ખુલ્લા કેશને છટાથી કોઈ રમણી હાથમાં સંકેલી હળવો વળ ન આપતી હોય!

આ જ તો દુઃખ છે. આપણને લાગે કે આપણે કોઈ નવી ઉપમા કે સરખામણી શોધી રહ્યા છીએ. પણ પછી તરત જ ખબર પડે કે કાલિદાસે આવી ઉપમા દોઢ હજાર વર્ષ પહેલાં આપી દીધી છે. ઉર્વશીની રતિક્રીડા વખતે વિખરાયેલા ફૂલગૂંથેલા કેશપાશની મોરના પિચ્છકલાપ સાથે સરખામણી કરી કાલિદાસનો પુરુરવા કહે છે કે, ઉર્વશીના એ કેશપાશ આગળ મોરનો કોઈ ‘ક્લાસ’ નહિ. લગભગ એના જ શબ્દો (કિં કરોતિ એષ બર્હિ: – ઉર્વશીના કલાપ આગળ મોર બિચારો શું કરી શકે!)

જોકે વર્ષાઋતુના આગમટાણે તો કાલિદાસથી છુટકારો આમેય મુશ્કેલ છે. એ કવિ આતંકવાદીની જેમ આપણાં મનને કબજામાં લઈ લે છે. આપણે જાણે કહીએ કે કવિરાજ, આ દોઢબે હજાર વર્ષ પહેલાંની કોઈ ઉજ્જયિની નગરી નથી, જ્યાં પ્રાતઃકાલે શિપ્રા નદી પરથી વહેતા ઠંડા પવનો પ્રિયતમની જેમ મીઠા શબ્દોમાં ખુશામત કરતા હોય. આ તો જેમાં વર્ષના અનેક માસ રેત વહે છે એવી સાબરમતીને તીરે આવેલું આધુનિક ઔદ્યોગિક નગર અમદાવાદ છે. તોય જાણે એ કહેશે, ભલેને, પણ માણસનું મન તો એ જ છે. પ્રેમ, વેદના, વિરહનો અનુભવ તો એ જ છે. એ બદલાતો નથી, સનાતન છે, જેવી સનાતન છે – ભારતની વર્ષાઋતુ.

વિદેશીઓ તો કહે છે કે, ભારતમાં બે જ ઋતુઓ છે – Summer and High Summer, એટલે ઉનાળો અને અધિક ઉનાળો. એ લોકોને શી ખબર પડે કે આ દેશ માટે વર્ષાઋતુ – ચોમાસુ – એ શી વસ છે. જેમ હિમાલય ભારતની ઓળખાણ છે, જેમ ગંગા ભારતની ઓળખાણ છે, એમ ચોમાસું ભારતની ઓળખાણ છે. ભારતીય સંસ્કૃતિની – સાહિત્યની ચેતનાની ઓળખાણ છે. વરસાદ તો આખી દુનિયામાં પડે છે, પણ ભારતમાં વરસાદની ઋતુનો જેવો મહિમા છે તેવો ભાગ્યે જ દુનિયાના બીજા ભૂભાગમાં હશે. ભારત કૃષિપ્રધાન દેશ છે, એ તો એક કારણ છે જ અને કદાચ એ કારણે આપણા લોકજીવનમાં, ધર્મજીવનમાં, સાંસ્કૃતિક જીવનમાં વર્ષા કેન્દ્રમાં છે. ચોમાસું ભારતીય ચિત્તને અનન્ય રીતે સ્પર્શે છે. એટલે જે કવિઓને આપણે હજારો વર્ષથી હૃદયમાં સ્થાન આપ્યું છે, તે આદિકવિ વાલ્મીકિ કે કવિ કાલિદાસ વર્ષાપ્રેમી કવિઓ છે.

વરસાદ પડવો તે કોઈ ભૌગોલિક ઘટનામાત્ર નથી. સમુદ્રનાં જળની સૂર્યના તાપે વરાળ થઈ તેનાં વાદળાં બની તે ઠંડાં પડતાં વળી પાણી રૂપે ધરતી પર વરસે છે તે ખરું, પણ કવિ અમીય ચક્રવર્તી કહે છે કે – ‘વૃષ્ટિ પડે મનેર માટિતે’ વરસાદ (ધરતી પર જ નહિ) મનની માટીમાં વરસે છે. વાલ્મીકિ ભલે એક સમયમાં દસ્યુ રહ્યા હશે, પણ આ વાત બરાબર જાણે છે કે વૃષ્ટિ મનની માટીમાં પણ પડે છે. કાલિદાસ એ જાણે છે કે વૃષ્ટિ મનની માટીમાં પણ પડે છે, રવીન્દ્રનાથ પણ એ વાત જાણે છે, ભારતીય કવિઓ જાણે છે, આ કવિઓને વરસાદ પડવો તે કોઈ ભૌગોલિક ઘટના નથી. એટલે વાલ્મીકિએ વર્ષાનું સીધુંસાદું વર્ણન નથી કર્યું. એમણે સીતાના વિરહથી સંતપ્ત રામને મુખે વર્ષાનું વર્ણન કરાવ્યું – આકાશમાં મેઘ, એમાં ચમકતી વીજળી – એટલે રાવણની ગોદમાં છટપટાતી બિચારી સીતા – ‘સ્ફુરંતી રાવણસ્યાઙ્‌કે વૈદેહીવ તપસ્વિની.’ વિરહી રામને એવું લાગ્યું.

તુલસીદાસ જેવા સંયમી કવિએ પણ મર્યાદાપુરુષોત્તમ રામ પાસે કહેવડાવ્યું કે, ‘આકાશમાં ઘોર મેઘગર્જનાઓ થાય છે અને પ્રિયા વિનાનો હું વ્યાકુળ બની જાઉં છું.’
ઘન ઘમંડ ઘન ગરજત ઘોરા

પ્રિયાહીન ડરપત મન મોરા |

વાલ્મીકિના રામ તો માણસ છે. માલ્યવાન પર્વત પર ચોમાસું ઊતરતું જોઈ સીતાના વિરહથી વ્યગ્ર બની ગયા. વર્ષા આમેય મનને વ્યાકુળ કરે છે, કારણ વિના વ્યાકુળ કરે છે – એવું ભલે કહીએ, પણ વ્યાકુળતાનું કારણ છે – વિરહ. કદાચ આ જન્મનો નહિ, તો જન્માન્તરનો પ્રેમ, ખબર ન પડે તેમ ચિત્તને બેચેન કરે છે. ભલે ને ઇષ્ટજન બાજુમાં જ હોય.

વાલ્મીકિના વારસ કાલિદાસે બરાબર એવી વાત કરી છે કે, આકાશમાં અષાઢના મેઘને જોતાં સુખી માણસો પણ ‘અન્યથાવૃત્તિ’ થાય એટલે કે અસુખ અનુભવે, વ્યગ્ર બની જાય તો એકબીજાને ગળે વળગવા ઇચ્છતાં અને દૂર રહેલાં લોકોની તો શી દશા? વર્ષામાં વિરહનો બોધ સંયોગી-વિયોગી સૌને થાય, કેમ કે ‘વરસાદ પડે છે મનની માટીમાં.’

કાલિદાસે ઋતુસંહારમાં છ ઋતુઓનું વર્ણન કર્યું – એ ખરેખર ભારતીય ઋતુઓ છે, આપણે પામી શકીએ. તેમાં તેમનો પક્ષપાત વસંત માટે રહ્યો લાગે. ‘સર્વ પ્રિયે ચારુતર વસંતે’ – હે પ્રિયે, વસંતમાં બધું વધારે રમણીય બની જાય છે. એ કવિએ શાકુન્તલમાં ગ્રીષ્મઋતુને આગળ કરી. હિમાદ્રિની તળેટીમાં કણ્વાશ્રમ પાસે થઈ વહેતી માલિનીની કુંજોમાં દુષ્યંત શકુન્તલાનો પ્રેમ ગ્રીષ્મની અલસ બપોરોમાં મહોર્યો હતો.

તે ભલે. પણ કાલિદાસે જે ઋતુનો ‘મનની માટી’માં અનુભવ કર્યો છે, તે ઋતુ છે વર્ષા. એ માટે આખું ‘મેઘદૂત’ એમણે રચ્યું. ‘મેઘદૂત’ જેણે કદી વાંચ્યું નથી એવો કોઈ પણ શિક્ષિત ભારતીય, કંઈ નહિ તો, આટલી તો અર્ધપંક્તિ કાલિદાસની બોલવાનો –‘આષાઢસ્ય પ્રથમ દિવસે…..’

ચોમાસું બેસવા પહેલાં બેસી જાય છે જેઠમાં જ, પણ આ દિવસોમાં આકાશમાં મેઘ જોઈ સાચે જ ચિત્તની અન્યથા વૃત્તિ થઈ જાય અને પછી સહારો કાલિદાસનું મેઘદૂત. જેમ મોર અન્ય ઋતુઓમાં બોલી શકે, પણ એનો સજલ કંઠ તો વર્ષાઋતુમાં જ ખૂલે, તેમ મેઘદૂત કોઈ પણ ઋતુમાં વંચાય, પણ એ વર્ષામાં વાંચવા માટે છે. ત્યારે આપણે જે જાણી શકતા નથી જે આપણને શું થાય છે – તેની આ કવિ ખબર પાડે છે. સૂકાં પાંદડાં નીચે દટાઈ ગયેલા આપણા જ પ્રેમની આપણને ભાળ આપે છે.

તેમાં આ મોર, એનો અદ્ભુત છટાથી સંકેલાતો કલાપ અને વળી દૂરથી સંભળાતો અન્ય મયૂરોનો કેકારવ. હોઠ પર મેઘદૂતની પંક્તિઓ આવવા લાગી

‘કશ્ચિત્ કાન્તાવિરહગુરુણા સ્વાધીકારાત્પ્રમત્ત….’

કોઈ એક શાપિત વિરહી યક્ષે રામગિરિ પર્વત પર આવી નિવાસ કર્યો…..

કોઈ પૂછે કે કવિ કાલિદાસના મેઘદૂતમાં એવી તો શી વાત આવે છે કે એનો અષાઢે અષાઢે આટલો બધો મહિમા કરો છો – અમને એ વાત કરો.

તરત મૂંઝવણમાં તો જરૂર પડી જવાય. કેમ કે ‘વાત’ જેવું તો એમાં કંઈ છે નહિ, વારતા કહેવાની સંભાવના જરૂર હતી, કદાચ માંડીને કહી શકાત, પણ કાલિદાસ તો માત્ર એક જ શ્લોકમાં એક લાંબા વાક્યમાં વાતનો નિર્દેશ કરી આપણને અનુમાન કરતા રાખી આગળ વધી જાય છે. ભારે સંયમી.

એટલા કે પોતાના કાવ્યના નાયકનું નામ પણ ન આપ્યું. આધુનિકતાવાદી વાર્તાકારો ઘણી વાર પોતાના નાયકનું નામ આપતા નથી. ‘એ’ કે ‘તે’થી ચલાવી લે છે. કાફ્કા જેવા ‘કે.’થી ચલાવી લે. નાયકને અનામ રાખવા જેટલો કાલિદાસ ‘આધુનિક’ ન ગણાય? એટલું જ નહિ, ‘ઘટનાતત્ત્વનો લોપ’ કરવાની બાબતે પણ આધુનિક છે!

મેઘદૂતના પહેલા શ્લોકમાંથી કથાતત્ત્વ ધરાવતું જે મુખ્ય વાક્ય બને છે તે છે – ‘કોઈ એક યક્ષે રામગિરિના આશ્રમોમાં નિવાસ કર્યો.’

કોઈ એક યક્ષ… કશ્ચિત્ યક્ષઃ તે કોણ હતો? યક્ષ છે એટલે માનવયોનિનો તો જીવ નથી, પણ એ શાપિત યક્ષ છે. શાપ કોણે આપ્યો? કોઈ ઋષિમુનિએ નહીં પણ જેને ત્યાં એ ચાકરી કરતો હતો તે માલિકે. માલિકો તો સજા કરે, પણ આ માલિક શાપ આપે છે. યક્ષે ચાકરીના કામમાં પ્રમાદ સેવ્યો હતો. ચાકરીના કામમાં પ્રમાદ સેવવા માટે શાપ મળતા હોય તો આજકાલ કોઈ બાકી ના રહે. વળી આજકાલ તો સેવકો માલિકને શાપ નહીં તો ગાલિપ્રદાન તો કરવાના અધિકારી છે. કોણ હતો યક્ષનો માલિક અને શો હતો એનો પ્રમાદ?

મેઘદૂતના આ પહેલા શ્લોકમાં માલિકના નામનોય નિર્દેશ મળતો નથી. પણ પછી આગળ ઉપર કાવ્ય વાંચીએ એટલે ખબર પડે છે કે એ માલિક તો છે ધનનો સ્વામી કુબેર, જે હિમાલયમાં કૈલાસની ગોદમાં વસેલી અલકાનગરીનો અધિપતિ છે.

આ અલકાનગરી આપણે માટે તો જાણે સ્વપ્નનગરી, ત્યાં આંખમાં આંસુ આવે તો માત્ર આનંદનાં જ. ત્યાં તાપ છે તો માત્ર વિરહનો, જે પ્રિયજન આવી મળતાં પાછો શમી જાય છે. ત્યાં કલહો છે, પણ માત્ર પ્રેમકલહો છે, અને અવસ્થા છે માત્ર યૌવનની. અલકાનગરીમાં કોઈ વૃદ્ધાવસ્થાને પામતું નથી.

અલકાનગરીમાં કલ્પવૃક્ષ છે, એટલે જે માગો તે મળે. ત્યાં વૈભવ અપરંપાર છે. હીરામાણેક-મોતી તો કોઈ વિસાતમાં નથી. ત્યાંની કન્યાઓ સોનાની કે રેતમાં મણિ સંતાડીને શોધવાની રમત રમે છે. એટલે પછી સોના-ચાંદી હીરામોતીનાં ઘરેણાં એ પહેરતી નથી, ઉબકાઈ ગઈ છે એવાં ઘરેણાંથી એટલે એ પહેરે છે ફૂલોનાં આભરણો. અલકાનગરીમાં બધી ઋતુનાં ફૂલો બધો વખત મળે. એટલે અલકાનગરીની રમણીઓ હાથમાં લીલાં કમળ રાખે છે. (પ્રિયજનને પ્રેમજન્ય રોષમાં પ્રહાર કરવામાં એનો ઉપયોગ થઈ શકે.) અલકલટમાં કુંદ (મોગરા)ની કળીઓ ગૂંથે છે. લોધ્રવૃક્ષમાંથી સ્રવતી શ્વેત રજથી (એટલે કે આજની ભાષામાં ‘પાઉડર’થી) પોતાના મુખની શોભાને વધારે ઉજ્જવળ બનાવે છે. અંબોડામાં તાજું ખીલેલું કુરબક (લાલ જાસૂદ) ધારણ કરે છે અને કાનમાં પહેરે છે શિરીષનાં ફૂલ, તો સેંથીમાં દામણી તરીકે કદંબનું ફૂલ રાખે છે – વાચ્યાર્થમાં ફૂલવંતીઓ.

પણ પહેલા શ્લોકમાં આ બધી વાત નથી. અલકાનગરીની વાત આવતાં હું જરા ભટકી ગયો. જોકે એ શ્લોકમાં એનો પણ નિર્દેશ નથી. આ તો વાતના તંતુ માટે મેં નિર્દેશ કર્યો કે યક્ષનો શાપ આપનાર એનો માલિક અલકાપતિ કુબેર હતો.

આપણને કૌતુક થાય કે યક્ષનો એવો તે શો વાંક હતો? કાલિદાસે તો કંઈ જ કહ્યું નથી. બસ વાંક આવ્યો, પછી કેટલાક વિદ્વાનોએ શોધી કાઢ્યું કે યક્ષને કુબેરના બાગની રખેવાળીનું કામ સોંપેલું હતું. કુબેરને પણ ફૂલો બહુ પ્રિય હતાં. ધનની તો એને સ્પૃહા જ શાની હોય? હવે એવું બન્યું હશે કે યક્ષ પોતાને ઘેર પ્રિયતમાની ગોદમાં હશે ને ત્યાં બાગમાં ઇન્દ્રનો હાથી ઐરાવત પેસી ગયો અને બાગને નુકસાન કર્યું. ફૂલછોડ ઉખાડી નાંખ્યાં. કુબેર ગુસ્સે થયા. પત્નીપ્રેમને લીધે તે ફરજમાંથી બેદરકાર રહ્યો. એટલે એને પત્નીથી છુટ્ટા પાડીને દૂર દક્ષિણમાં રામગિરિ પર્વત પર દેશવટો આપ્યો, સજા તરીકે નહીં – શાપ તરીકે. આવા દેશવટાને દેવયોનિમાં જન્મેલો યક્ષ ગાંઠે નહીં. કેમ કે એ તો ગમે ત્યાંથી ગમે ત્યાં જઈ શકે. શાપથી યક્ષને પ્રાપ્ત દિવ્યશક્તિઓ પણ હરી લીધી, કુબેરે યક્ષને મહિમાભ્રષ્ટ કર્યો.

આ પણ કુબેર થોડા દયાળુ હતા. આ શાપ તેમણે માત્ર એક જ વર્ષની મુદતનો આપ્યો હતો. એક વર્ષ પછી પાછો યક્ષ અલકાનગરીમાં પુનઃસ્થાપિત થઈ શકવાનો હતો, પણ એક આખું વર્ષ? વર્ષના બાર માસ – એક માસના ત્રીસ દિવસ, એક દિવસની કેટલી બધી ઘડીઓ – એક ઘડી પણ જેના વિના ચેન ના પડે એવી પ્રિયતમાથી આટલો બધો ‘સમય’ દૂર રહેવાનું? પ્રિયતમા પ્રત્યે એટલી આસક્તિ હતી કે ફરજ માટે પણ બેદરકાર રહેતો, પરંતુ હવે નિરૂપાય હતો. એટલે શાપ તો માત્ર એક જ વરસનો હતો, પણ એને માટે તો આજીવન દેશવટા જેવું હતું.

કેટલાક વિદ્વાનો કહે છે કે યક્ષને કુબેરે બગીચાની રખેવાળી નહીં પણ રોજ સવારે પૂજા માટે તાજાં કમળો લાવવાનું કામ સોંપ્યું હતું. રાતે મોડે સુધી ઉજાગરાને કારણે યક્ષને વહેલી સવારમાં પ્રિયતમાની સોડમાંથી ઊઠવાનું ગમતું નહીં, તે રાત્રે કમળ લાવી રાખતો અને પછી બીજે દિવસે આપી આવતો. યક્ષના આ વ્યવહારની ખબર કુબેરને પડી અને એના પર ગુસ્સે થયા અને શાપ આપ્યો. બન્ને પ્રસંગોમાં મુદ્દાની વાત એ છે કે યક્ષને પ્રિયતમાની સોબત છોડીને જવું ગમતું નહિ એવા યક્ષને એક વર્ષની મુદતનો શાપ પણ બહુ ભારે પડી ગયો. પણ શાપ એટલે શાપ. યક્ષને અલકાનગરીની સરહદો છોડી નીકળી જવું પડ્યું. તે ઠેઠ દક્ષિણમાં રામગિરિ પર્વતે (આજની નાગપુરની પાસેની રામટેક પહાડી, તે રામગિરિ એવું પંડિતો માને છે.).

પર્વતનું નામ રામગિરિ. એટલે કે રામ આ પર્વત ઉપર આવ્યા હશે. આવ્યા હશે એટલું નહીં, રહ્યા પણ હશે. રામગિરિ પર્વત ઉપર છાયાદાર મોટાં વૃક્ષોવાળા આશ્રમો હતા અને હતાં સ્વચ્છ પાણીનાં અનેક જળાશયો.

કાલિદાસે જેમ પર્વત સાથે રામનો નિર્દેશ કર્યો તેમાં આ જળાશયોના સંદર્ભમાં જાનકીનો. આ જળાશયનાં પાણી પવિત્ર છે. તો કેવી રીતે? જનકતનયાના સ્નાન કરવાથી. રામગિરિ આશ્રમોનાં જળાશયોમાં જાનકી સ્નાન કરતી અને એથી એ જળ પવિત્ર બનેલાં છે. યક્ષ એવી પાવન ભૂમિ પર પોતાનો શાપ પૂરો કરવા વસી રહ્યો છે. અહીં બહુ બહુ તો રામ કે જાનકીનું સ્મરણ એનું સંગી હશે.

કવિએ કહ્યું નથી કે યક્ષ રામગિરિ પર આવી શું કરતો હતો.

તેમણે તો માત્ર એટલું કહ્યું કે એ પર્વત પર પત્નીથી વિખૂટા પડેલા એ કામીએ જેમતેમ કરીને કેટલાક (આઠ) મહિના કાઢ્યા. દૂબળો એટલો પડી ગયો કે કોણી પરથી કડું સરકી જવા લાગ્યું. ત્યાં તો :

– આષાઢસ્ય પ્રથમ દિવસે પર્વતને ભેટી રહેલા હાથીના મદનિયા જેવા પ્રેક્ષણીય મેઘને એણે જોયો. બસ પછી થઈ રહ્યું. આ છે ભારતના ચોમાસાનો પ્રભાવ. આઠ મહિના કાઢ્યા, પણ હવે આ ચોમાસાના ચાર મહિના કાઢવા અઘરા છે. કદાચ પોતે તો એ પણ સમય પસાર કરશે, પરંતુ ત્યાં અલકાનગરીમાં વિરહિણી-પ્રિયા જ્યારે મેઘને જોશે તો એ જીવી નહિ જ શકે.

એક ગામના પાદરમાં એક પ્રવાસી પોકે ને પોકે રડવા લાગ્યો. ગામલોકો ભેગા થયા. રડવાનું કારણ પૂછ્યું. એણે આકાશમાં અષાઢનાં વાદળ બતાવ્યાં. રોતાં રોતાં બોલ્યો – ‘હું તો અહીં હજુ રસ્તામાં છું અને મારી પત્ની આ વાદળાં જોઈ જરૂર મરી ગઈ હશે.’

લોકોએ કહ્યું – ‘તેં કેમ એવું માન્યું કે એ મરી ગઈ હશે?’

પ્રવાસીએ કહ્યું – ‘આ વાદળાંને જોઈને એ જીવતી રહી હોય તોયે મારે શું કામની? કેમ કે તો તો મારે માટે પ્રેમ જ નહીં હોય.’

અષાઢમાં આકાશમાં મેઘ જોઈ વિરહીઓને આવું થાય છે – એની વાત કવિઓએ બહુ બહુ રીતે કરી છે.

યક્ષ પણ વ્યાકુળ બની ગયો મેઘદર્શનથી. પોતાના ખ્યાલ કરતાં વિરહિણી પત્નીના ખ્યાલથી. અહીંથી આ મેઘ હવે ઉત્તરે અલકા ભણી જશે. મેઘને જોતાં પ્રિય પત્નીનું હૃદય પડી ભાંગશે. કોઈ પણ રીતે એના પ્રાણ ટકે એ માટે મારી કુશળતાના સમાચાર એને પહોંચાડવા જોઈએ.

સમાચાર કોની સાથે મોકલે? પોતાનો મહિમા તો ભ્રષ્ટ થયો છે, એટલે જઈ શકે એમ નથી. તો? આ મેઘ હિમાલય ભણી જ – અલકા ભણી જ જાય છે. તો એની સાથે જ સંદેશો મોકલું તો? બસ, એ વિચાર આવતાં જ તાજાં ખીલેલાં કુટજનાં ફૂલોનો અર્ઘ્ય આપી મેઘનું વિરહી યક્ષે સ્વાગત કર્યું. પછી?

પછી મેઘ સાથે સંદેશો મોકલ્યો.

વાત એમ જ છે, પણ એટલું કહીને અટકી જઈએ તો કાવ્યની અને કવિની હત્યા જ થાય. કોઈ એક યક્ષના વિરહનું આ કાવ્ય જનજનના ચિરવિરહનું કાવ્ય છે. ભારતીય સંસ્કૃતિ અને સૌંદર્યનું પણ કાવ્ય છે. એમાં કાલિદાસની કવિતાનો જાદુ છે.

મેઘદૂત વાંચતાં આપણને ક્યારેક થાય કે આપણે જ છીએ એ અનામી શાપિત યક્ષ, અલકામાંથી નિર્વાસિત અને ક્યારેક થાય કે એ આપણે જ છીએ સંદેશાવાહક આકાશચારી મેઘ.

૩,૧૦-૭-૯૪