અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પાંચ – હાઈસ્કૂલમાં

પાંચ – હાઈસ્કૂલમાં

હરિભાઈની બદલી અડાજણ ગામે થઈ. અડાજણથી છોકરાઓ સુરત ચાલતા જઈ આવી શકે એમ હતું તેથી હરિભાઈએ જૂનાગઢમાં ભણતા મહાદેવ તથા બંને ભત્રીજાઓને અંગ્રેજી ચોથું ધોરણ પૂરું કર્યા પછી અડાજણ બોલાવી લીધા.

સુરતને સામે કાંઠે તાપીકિનારે આવેલું અડાજણ ગામ આજે તો સુરતના એક પરા જેવું થઈ ગયું છે. પણ આજથી નેવુ વર્ષ પહેલાં જ્યારે મહાદેવ પિતા સાથે અડાજણ રહેવા આવ્યા ત્યારે તે એક સ્વતંત્ર ગામડું હતું. મોટા ભાગની વસ્તી ખેડૂતોની. પટેલ મહોલ્લામાં હરિભાઈને ઘર ભાડે મળ્યું હતું. અડાજણ ગામનાં મોટા ભાગનાં ઘરો આજે પાકાં થઈ ગયાં છે. ઘણાં બે માળનાં પણ છે. ત્યારે મકાનો માટીનાં અને નળિયાં દેશી હતાં. માટીથી ખૂબ ટીપીટીપીને થાપીને ભીંત બનાવેલી એટલે ભીંતો સહેજે સો વરસ ટકે એવી તો હતી જ. આજે મકાનોમાં ઈંટ, ચૂનો, સિમેન્ટ, સ્ટીલ ને ક્યાંક ક્યાંક આરસની લાદીઓ આવી ગઈ છે. ત્યારે વાંચવા સારુ દિવેલના અને સામાન્ય વપરાશ સારુ કેરોસીનના દીવા હતા. આજે વીજળીના ગોળા અને ટ્યૂબલાઇટોનો ઝળહળાટ છે. ત્યારે સૌ પોતપોતાના ઘરનો રાંધેલો ચોખ્ખો ખોરાક ખાતાં. આજે મુખ્ય મુખ્ય સડકો પર ખાવાની દુકાનો ને વીશીઓ કે રેસ્ટોરાં થઈ ગયાં છે. ત્યારે પરોઢિયે ઊઠીને લોકો પ્રભાતિયાં ગાતાં. આજે દિવસ-રાતની પરવા કર્યા વિના લાઉડ-સ્પીકરોનાં ભૂંગળાંઓ જૂનીનવી ફિલ્મોનાં ગાણાં ગાય છે. ત્યારે મકાનોના મોભ પર નારિયેળ કે આંબા-આસોપાલવનાં તોરણો બંધાતાં. આજે ઠેરઠેર ટેલિવિઝનનાં ઍન્ટેના આકાશને જાણે પોતાના પંજામાં લેવા મથતાં હોય એમ આંગળાં પહોળાં કરીને ઊભાં છે. ત્યારે ગામના સુંદર તળાવમાં નિશાળિયાઓ ઉપરથી ભૂસકા મારી મોજથી તરતા. આજે એ તળાવ ચોમાસું વીતતાં મેલા પાણીથી ગંધાય છે. ત્યારે ગામની આસપાસ આંબાવાડિયાં હતાં અને વેંગણ, પાપડી, તુવેર ખેતરોમાં જ પાકતાં. આજે ખેતરોથી માંડીને નદીકાંઠા સુધી ઝૂંપડપટ્ટીઓ છે, ત્યારે ઘરોમાં રાચરચીલું ઓછું હતું, આજે ઘણાં ઘરોમાં ડાઇનિંગ ટેબલો અને સોફાસેટ્સ છે. હરિભાઈ શિક્ષક તરીકે જે ઘરમાં રહેતા તે જગ્યાએ આજે શ્રી બાબુભાઈ મગનભાઈ પટેલ રહે છે. જૂના મકાનની જગ્યાએ હવે આધુનિક સગવડોવાળું નવું મકાન ઊભું છે. એ મકાનની સામેના કસનભાઈ રેવાભાઈના ઘરમાં આઝાદીની લડત વખતે સરદાર વલ્લભભાઈ પટેલ કેટલાક દિવસ રહી ગયેલા એમ ગામલોકો યાદ કરે છે. હરિભાઈ આ સ્થળે રહેલા એ વાત શ્રી બાબુભાઈ એમના પિતા પાસે સાંભળેલી વાતને આધારે કહે છે.

અડાજણથી સુરત ત્રણે કિશોરો નદીને કાંઠે પહેલાં ખેતરોમાં થઈને જતા. હોપ પુલ પરથી નદી પાર કરતા. ૧૯૦૩થી ૧૯૦૬ સુધી એટલે અગિયારથી ચૌદ વરસના થયા ત્યાં સુધી સુરતની હાઈસ્કૂલમાં૧ ભણ્યા. પાછળથી અમદાવાદમાં જેમણે સ્વતંત્ર હાઈસ્કૂલ કાઢેલી તે શ્રી જીવણલાલ દીવાન ત્યારે સુરત હાઈસ્કૂલમાં ગણિતશિક્ષક હતા. શિયાળામાં અડાજણથી સુરત ચાલતા પહોંચતાં મોડું થઈ જતું એટલે દીવાન માસ્તર ગામડિયા વિદ્યાર્થીઓને બાંકડા પર ઊભા રાખતા. મહાદેવ મૂંગે મોંએ બાંકડે ઊભો થઈ જતો. થોડા દિવસોમાં જ દીવાનસાહેબે નવા નિશાળિયાનો નમ્ર સ્વભાવ પારખી લીધો અને એ પણ જોયું કે ભણવામાં એ ખૂબ તેજસ્વી હતો. એટલે આઠદસ દિવસમાં જ બાંકડા પર ઊભા રાખવાનું બંધ થયું. આ જ હાઈસ્કૂલમાં મહાદેવના બીજા એક શિક્ષક ચંદ્રવદન મુનશી હતા. પાછળથી અમદાવાદમાં એમની પાસે ભણેલા વિદ્યાર્થીઓ જેમ દીવાનસાહેબના ઇતિહાસના વર્ગનાં વખાણ કરતાં થાકતા નહીં, તેમ મહાદેવ પણ એ દિવસોને યાદ કરી દીવાનસાહેબના ભૂમિતિના શિક્ષણનાં વખાણ કરતા.

મહાદેવને રમતગમત કે નાટકચેટકમાં રસ નહોતો. ભણવામાં એનું ચિત્ત એકાગ્ર રહેતું. હરિભાઈ પોતે જ ઉત્તમ શિક્ષક હતા એટલે લાડકા દીકરાના શિક્ષણ વિશે એમણે ચીવટ રાખેલી. હરિભાઈના પોતાના અક્ષર સુંદર હતા. મહાદેવના અક્ષર પણ સુંદર અને સુવાચ્ય થાય એની એમણે કાળજી રાખેલી. દીકરો કોઈ દિવસ લેસન કર્યા વિના હાઈસ્કૂલમાં ન જાય તેની તેઓ કાળજી રાખતા. જોકે મહાદેવને પોતાને જ ભણવાનું એટલું ગમતું કે લેસન કરવામાં એ ચૂકે એવું ભાગ્યે જ બનતું. હાઈસ્કૂલમાં પ્રવેશ કરવાને લીધે મહાદેવની જ્ઞાનક્ષિતિજોનો પણ વિસ્તાર થવા માંડ્યો. શાળા અને સમાજજીવનની અવનવી ઘટનાઓમાં પણ તે રસ લેતો. અને તેથી જ મૅટ્રિક થયા પછી, એકાદ વર્ષે, કૉલેજના પ્રીવિયસના વર્ગમાં હતો ત્યારે ૧૯૦૭માં, સુરત શહેરમાં ભરાયેલ મહાસભાના તોફાની અધિવેશનમાં પણ મહાદેવ પંદર વર્ષની ઉંમરે હાજરી આપી આવેલો. આજના તરુણોને કદાચ રાષ્ટ્રીય મહાસભા જેવી મોટી સંસ્થાના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપવાને સારુ પંદર વરસ બહુ કાચી ઉંમર લાગે પણ મહાદેવ કૉલેજમાં ભણતો હોશિયાર વિદ્યાર્થી હતો. રાષ્ટ્રીય પ્રશ્નો વિશે એની આંખ ઊઘડવા માંડી હતી અને એનું આંતરમન અધ્યાત્મ અને રાજકારણ બંને તરફ આકર્ષાઈ રહ્યું હતું એ આપણે વીસરવું ન જોઈએ. અધ્યાત્મના સંસ્કાર ગળથૂથીમાંથી જ આવેલા અને દેશભક્તિના સંસ્કાર હાઈસ્કૂલમાંથી શરૂ થયા એમ કહીએ તો ચાલે. હાઈસ્કૂલકાળ દરમિયાન મહાદેવને સુરતના એક આગેવાન જ્ઞાતિબંધુ શ્રી દયાળજીભાઈ નાનુભાઈ દેસાઈ જોડે સંપર્ક થયો. વર્ષો પછી સરદાર વલ્લભભાઈ પટેલે તેમની વીરતા, દેશભક્તિ અને ત્યાગવૃત્તિ જોઈને તેમને ‘સુરતના સિંહ’ કહ્યા હતા. દયાળજીભાઈના સંપર્કથી મહાદેવની નજર સહેજે દેશના પ્રશ્નો તરફ ખેંચાઈ હશે. એમની પાસે જ પ્રથમ તેણે વિવેકાનંદ સાહિત્યનો પરિચય કેળવેલો, જે કૉલેજકાળ દરમિયાન રામકૃષ્ણ પરમહંસ વિશેના તમામ સાહિત્યના ઊંડા અભ્યાસમાં પરિણમ્યો હતો.

૧૯૦૫માં બંગાળમાં સ્વદેશી આંદોલન પુરજોશમાં ચાલ્યું ત્યારે રાષ્ટ્રીય આંદોલનની અસર સુરત સુધી પહોંચેલી, તેર વર્ષના મહાદેવે તે કાળમાં અર્થ થતો હશે તે અર્થમાં સ્વદેશીનો આગ્રહ રાખેલો અને પોતાના સહાધ્યાયીઓને પણ સ્વદેશી વાપરવાનું કહેતો.

હાઈસ્કૂલના શિક્ષણનો કાળ કિશોરઅવસ્થા અને તારુણ્યપ્રવેશનો કાળ હતો. આ કાળ કોઈ પણ વ્યક્તિને સારુ અત્યંત મહત્ત્વનો પુરવાર થાય એવો છે. તો મહાદેવ જેવા કોમળ હૃદયના સંવેદનશીલ, તેજસ્વી કિશોર સારુ તે નિર્ણાયક થઈ રહે એમાં નવાઈ શી? આ સંદર્ભમાં અડાજણ ગામનો એક માઠો અનુભવ મહાદેવને મોઢે જ શ્રી નરહરિભાઈએ સાંભળેલો તે નોંધવા લાયક છે.

‘ગામમાં કેટલુંક વાતાવરણ અતિશય અસંસ્કારી અને મલિન હતું, તેના થોડા છાંટા ઊડ્યા વિના ન રહ્યા. જમીન બહુ ઉપજાઉ અને લોકો શહેરમાં શાકભાજી અને દૂધ વેચે એટલે બે પૈસા કમાય પણ ખરા. પણ એ ધનની સાથે શહેરના નજીકપણાને લીધે શહેરના સડા પણ ગામમાં આવેલા. કોઈ કોઈ છોકરા તો શહેરમાં જઈને બગડી આવે અને જાણે મોટું પરાક્રમ કરી આવ્યા હોય એમ એની વાતો કરે. એક પર બીજી કરવાની, બૈરાને કાઢી મૂકવાની, એવી બધી વાતો પણ સાંભળવાની મળે. પોંકની મોસમમાં સુરતથી સહેલાણીઓ પોંક ખાવા આવે તેઓ સાથે શહેરનો કંઈક ગંદવાડ લાવે. આ બધું તે વખતે મહાદેવ પૂરું સમજેલો નહીં પણ તેની અસર કુમળા મન ઉપર પડ્યા વિના ન રહે. એક વખત તો એક છોકરાએ મહાદેવને રાતે કોઈ છોકરી પાસે લઈ જવાનું ગોઠવ્યું. ઉનાળાના દિવસ એટલે ફળિયામાં ખાટલા નાખી બધા સૂઈ રહે. પેલો છોકરો મહાદેવને બોલાવવા આવ્યો. પણ રાતે ઊઠીને જવાની મહાદેવની હિંમત ન ચાલી. “મને તો ઊંઘ આવે છે, હું તો નહીં આવવાનો.” એમ કહીને મહાદેવે પેલા છોકરા સાથે જવાની ના પાડી. આમ હિંમતને અભાવે બચવા પામ્યા. … આ અને બીજી કેટલીક વાતો દુ:ખ સાથે યાદ કરીને મહાદેવે (મને) કહેલું, “આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાધરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ.” ’

મહાદેવને આમ ઈશ્વરકૃપા અને પાપભીરુતાએ એકથી વધુ પ્રસંગોએ બચાવી લીધેલો. વિનોબાજીએ એક વખત કાર્યકર્તાઓની સભામાં વેદનું કોઈ વચન ટાંકીને કહ્યું હતું કે માણસના દોષો છેવટે તો ગુણ:છાયા હોય છે. મહાદેવનો એ સંકોચ અને એની ભીરુતા એને પાપથી બચાવનાર ગુણ બની જતા હતા.

નોંધ:

૧. આજની સોરાબજી હાઈસ્કૂલ.