અથવા અને/જેરામ પટેલનાં રેખાંકનો

જેરામ પટેલનાં રેખાંકનો

ગુલામમોહમ્મદ શેખ






આંબલીઓની માયાજાળમાં સપડાયેલી
ચીબરીઓની ચિચિયારીઓ,
અને એથી દૂરના એકાન્ત મહાલયમાં પડતા પડઘાથી
તૂટતી એની છતની પાંસળીઓ,
માંસલભુજાયુક્ત વૃક્ષની નબળી આંખોમાં ચન્દ્રના ટુકડા
અને વેરાનમાં રેલાતી, રવડતી, ભૂલી પડેલી ક્ષિતિજો.
એને આંબતા કોઈ દશાનન પ્રાણીનો
ઈશ્વરને દ્વન્દ્વ માટે ખુલ્લો પડકાર.
જંગલો બાંધી સંતાયેલો
હીરની દોરી સમો લિસ્સો પાશવી સૂનકાર.




દશેદિશ વ્યાપી રહ્યો તપ્ત, તીખો સૂનકાર.
પ્રાચીન પૃથ્વી જર્જરિત થઈ મરી
તેની કબરોના રહ્યા અવશેષ માત્ર અહીંતહીં
અસ્તવ્યસ્ત છરકા.
અને
ક્યારનો પ્રગટેલો આ સહસ્રબાહુ સૂનકાર વિસ્તરે, વ્યાપે,
બફાયેલ ચામડી જેવો સફેદ એનો સ્પર્શ.
આ શીતલ, સ્પષ્ટ, માનુષી, ભયાવહ, તથાગત સૂનકાર.
પશુઓનાં પાંસળાંમાં પ્રસરી રહ્યો
પ્રફુલ્લિત અંધકાર
અને માનવી-હીણાં ખંડિયેરોમાં આનંદતો
પારદર્શક, નકશીદાર સૂનકાર.




આ પૃથ્વીનાં બધાં લુપ્ત પ્રાણીઓ
વૃક્ષના મૂળનો આકાર ધારણ કરી
જે દહાડે પાંખ વિના ઊડ્યાં
તે દહાડાની એકલતાનો હિજરાટ સળગે છે
કટકે કટકે મારા બાહુમાં
અને ટપકે છે
ટીપે ટીપે મારે આંગળે.

મે, ૧૯૬૩
અથવા