અથવા અને/પિત્તળની ચામડીનો બોદો રણકાર...

પિત્તળની ચામડીનો બોદો રણકાર

ગુલામમોહમ્મદ શેખ



પિત્તળની ચામડીનો બોદો રણકાર
ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.
વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ
ઉપર લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે.

રાત હળવે હળવે
દિવસોનાં શ્વેત શબોને રંગે છે,
પણ ચામડીનાં છિદ્રો પુરાતાં નથી,
ઊલટાનાં પર્વત-ઝરણાંની જેમ ઝમ્યા કરે છે.
મોતના પવનો
રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી, ઓગળે છે.
ટાવરના કાંટા પર સમયની અવળસવળ જાંઘો ઘસાય છે.
કૂતરાં ભસે છે.
નદીની રેતીમાં સૂતેલા લોકો પર
ઊંઘની કબરો ચણાય છે.
બાવળની કાંટ્યમાં
મરતા મકોડાના ખોળિયામાંથી નીકળી
હિજરાતો હિજરાતો
કોઈ પેગમ્બરનો જીવ પાછો વળે છે.
કૂતરાં ભસ્યા કરે છે.

જૂન, ૧૯૬૧
અથવા