અથવા અને/બપોરની ઊંઘનો સ્વાદ અનેરો હોય છે....

બપોરની ઊંઘનો સ્વાદ અનેરો હોય છે....

ગુલામમોહમ્મદ શેખ



બપોરની ઊંઘનો સ્વાદ અનેરો હોય છે.
એ રાત્રિનિદ્રા જેવી પરિપક્વ હોતી નથી,
પણ કાચા ખરી પડેલા ફળ જેવી કઠણ હોય છે.
બપોરની ઊંઘના ફળને
હું મારા તળના કોઈ અંધારખૂણે લઈ જઈ કરડું છું.
પહેલા પ્રયત્ને એ મારા હાથમાંથી છૂટી, દડી જાય છે
પણ આખરે મારો પંજો એને પકડી પાડે છે.
એકાદ ઝાપટમાં તો હું એને ઉઝરડી નાખું છું.
એ ઉઝરડામાં
પ્રવેશ કરીને
હું હિંસક પશુનું ભક્ષ્ય સાથેનું તાદાત્મ્ય ભોગવું છું.
અને બપોર ભાંગતાં,
નિદ્રા પરિપક્વ થઈ ફૂટે એ ક્ષણે
કયામતના ન્યાયથી અસંતુષ્ટ
વિશ્વકાય પશુમાનવ જેવો
પૃથ્વીને કરડી જવા દાંત ભેરવું છું.

૧૯૬૨
અથવા