અથવા અને/મીનમૂર્તિ

મીનમૂર્તિ

ગુલામમોહમ્મદ શેખ



પકડતાં જ સરી
ઝણઝણાટી શી ઊપડી, ખરી ગઈ
નિશ્ચેત ઊભાં જળ સમી આંખમાં
ક્ષણેકમાં રતિરંભણો ભજવાઈને થીજી ગયાં.
ફરી પાછું બધું
ગોઠવાયું
ઊડી ગયેલો હાથ પાછો ફર્યો ખભે
આંખ ઊતરી બેઠી ડોળે
(હમણાં હણી તે ચચરતી ચીસ જીભે વળી)
તને જતી જોતાં
વિશ્વ વાયુ થયું
ઊડ્યું ને ગોરંભ્યા કર્યું

ચાર આંખે, બાર હસ્તે, અઢાર આંગળે
ક્ષણું આ પળને
ભીંસું તને
કરડું, કરાંઝું, ત્રાડું
ભોગરત ભૂંડ શો
આમ જ થયો’તો
પશુપાત
જ્યારે મત્ત વાનર
બે ઘરની છત વચ્ચે
વીર્ય વાટે વાનરીને ઊંચકી રહ્યો અધ્ધર.
પછી તો લીમડો લીલોઘૂમ
લળી પડ્યો’તો
છતમાંથી આકાશ નીતરી ગયું’તું
હવામાં બહેકી હતી ભૂરાશ તૂરાશ
પ્હો ફાટ્યા પહેલાં પ્રસર્યો’તો
પ્રકાશ પ્રકાશ

૧૯૮૭
અને