અથવા અને/સ્વજનને પત્ર

સ્વજનને પત્ર

ગુલામમોહમ્મદ શેખ


(નીલિમા, સમીરાને)

હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલાં
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઇટિંગ રૂમના બારણાનો ફરી ધ્રૂજતો આગળિયો.

મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોનાં શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશાં જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે).
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.

૧-૧૧-૧૯૭૩
અથવા