અધીત : પ્રમુખીય પ્રવચનો - ૧/મધ્યકાલીન સાહિત્યમાં શૃંગારરસ

From Ekatra Wiki
Revision as of 09:27, 7 April 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''૭. મધ્યકાલીન સાહિત્યમાં શૃંગારરસ'''</big></big></center> <center><big>'''પ્રેમશંકર હ. ભટ્ટ'''</big></center> {{Poem2Open}} શ્રી મમ્માટાચાર્યે ‘કાવ્યપ્રકોશ’માં કાવ્ય, નાટક, પ્રબંધ વગેરેમાં નિરૂપિત થતા આઠ રસો ગણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૭. મધ્યકાલીન સાહિત્યમાં શૃંગારરસ
પ્રેમશંકર હ. ભટ્ટ

શ્રી મમ્માટાચાર્યે ‘કાવ્યપ્રકોશ’માં કાવ્ય, નાટક, પ્રબંધ વગેરેમાં નિરૂપિત થતા આઠ રસો ગણાવ્યા છે : शृंङ्गार, हास्य, करुण, रौद्र, वीर, भयानकाः बोभत्साद्भुत संज्ञौ चेत्यष्टौ नाट्ये रसाः स्मृताः || શૃંગાર, હાસ્ય, કરુણુ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ આઠ રસો, ને તેમાં શાંત રસ-જો તેને રસ ગણી ને ઉમેરીએ તો-નવ રસોમાંથી હું આજે આપની સમક્ષ શૃંગારરસનુ, અને તે પણ આપણા મધ્યકાલીન સાહિત્યમાં શૃંગારરસનું આલેખન કઈ રીતે થયું છે તેની ચર્ચા કરવા ઇચ્છું છું. શૃંગારરસની પસંદગી, મમ્ટાચાર્યના શ્લોકમાં તેનું સ્થાન પહેલું છે તે માટે નહિ અથવા આચાર્ય અભિનવગુપ્તે આને નિશ્ચિતક્રમ કહ્યો છે- શૃંગારને રસરાજ ગણ્યો છે–તે માટે નહિ, પરંતુ આપણા મધ્યકાલીન સાહિત્યમાં બહુધા તે રસનું જ મુખ્યત્વે નિરૂપણ થયું છે તે માટે કરું છું. શૃંગારરસના મુખ્ય બે ભેદો છે, સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર. વિપ્રલંભ શૃંગારના અભિમાનનિમિત્તક વિપ્રલંભ, વિરહનિમિત્તક વિપ્રલંભ, ઈર્ષ્યાહેતુક વિપ્રલંભ, પ્રવાસહેતુક વિપ્રલંભ એવા પાંચ પ્રભેદો પણ પડે છે, અને કાવ્યપ્રકાશના ચોથા ઉલ્લાસમાં તેના રસભર સુંદર શ્લોકો તથા દાખલાઓ પણ મમ્મટાચાર્યે આપ્યા છે તેની ઝીણી વિગતમાં ઊતરવાનું અત્રે પ્રસ્તુત નથી. આપણા મધ્યકાલીન સાહિત્યનો મુખ્ય કવિ–આદિકવિ નહિ– નરસિંહ મહેતા છે. જોકે આપણા મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન સંશોધક શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ તેને આદિકવિ માન્યો છે – ‘અંગ્રેજીમાં આદિકવિ હોમર કહેવાય છે, સંસ્કૃતમાં વાલ્મીકિ, તેમ ગુજરાતીમાં નરિસંહ મહેતાને તે પદ પ્રાપ્ત થયું છે.’૧ –એવાં વચનોબુહત્કાવ્યદોહન'ના સંપાદનનો પ્રારંભ કરતી વેળા, લખીને. પણ નરસિંહ મધ્યકાલીન સાહિત્યનો મુખ્ય કવિ જ ગણાય, આદિકવિ નહિ. આ નરસિંહ મહેતાએ ‘વસંતનાં પદ’, ‘શૃંગારમાળા’, ‘શ્રીકૃષ્ણજન્મ સમાનાં પદ’, ‘બાળલીલા’, ‘ભક્તિજ્ઞાનનાં પદ’, ‘ચાતુરી છત્રીસી’, ‘ચાતુરી ષોડશી’, ‘સુરતસંગ્રામ’ વગેરે કૃતિઓ ઉપરાંત ‘ગોવિંદગમન’ અને ‘સામળદાસનો વિવાહ’ નામની બે રચનાઓ-જેને કેટલાક વિદ્વાનો આખ્યાન ઢબની રચનાઓ ગણે છે–રચી છે. આ બધી રચનાઓમાં નરસિંહ શૃંગારનું નિરૂપણ ખુલ્લું અને થોડું પ્રાકૃત કહેવાય તે રીતે કરે છે. તેથી જ કદાચ શ્રી મુનશીએ, ‘His taste is often loud and vulgar' એમ તેના વિશે કહ્યું જણાય છે; અને ઉમેર્યું છે કે, He lacks the delicacy of Miran, the intensity of Surdas, the classic dignity of Tulsidas.૨ શ્રી મુનશીનાં બે વિશેષણો સાથે કરતા, નરસિંહના - loud અને vulgar tase'ના નમૂના તો ઘણા મળે છે, તેમાંથી ‘સુરતસંગ્રામ’નું એક પદ ટાંકું છું : મર્દના કારણે, ગર્દમાં ધારણે દર્દમાં તારુણી મર્દ હરતા; રદ દંશે મળી, હૃદમાં જાતા વળી, મોદ મનમાં ધરી કુચ પકડતા. હરખ આઘાતથી, નખના પાતથી, લખલખાવી લલી લાખવેળા; ચર્ણ ધરી ધર્ણમાં, વર્ણ કે કર્ણમાં, શર્ણમાં છે કોઈ હર્ણ વેળા. હસ્તદ્વય નાખીને, મસ્તપણું દાખીને, વસ્ત અલભ્ય સમસ્ત લૂટે; રુંભને રોળીને, ચુંભને ચોળીને, દૂભવી કુંભ લઈ કુંભ ફૂટે. પકડી ઉછાળતા, ઝકડીને ઝાળતા, કકડીને કાઢતા હકડી હાકે. દાસ નરસૈંયાને, ત્રાસથી સાંઈને, હાસ કરી નાથતા નાથ નાકે.’૩

‘શૃંગારમાળા'નું એક ખીજું પદ૪ જુઓ: સેજ સમારું, નાના વિધની, રેણી રંગભર રમવા રે; પીન પયોધર, પ્રગટ થયો નેહ, વહાલાને ભેટ કરવા રે; પ્રેમ ધરીને મહારો વહાલો, હું લઈ ત્યાં વધાવું રે; ‘દીવડીઓ અજવાળી મહેલ', શણગારે સોહાવું રે. મરકલડે! કરી મારા ઉર પર, સુંદર વરને આણું રે; અળવે શું આલિંગન આપી, જેમ જાણું તેમ માણુ` રે. સઈયર માંહે સફરાણી થાઉં, વહાલે વહાલો ભજતાં રે; ભણે નરસૈંયો વહાલો વશ થયો, શું કરશે દુરીજન લવતાં રે.’ નરસિંહ મહેતાએ અને આપણાં મીરાં દયારામાદિ અન્ય ભક્ત- કવિઓએ, શ્રીકૃષ્ણ પરમાત્મા પ્રત્યેના પોતાના ભક્તિભાવને વ્યક્ત કરવા, શૃંગારની પરિભાષાના, સાંસારિક શૃંગારભાવના એક વાહન કે માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે; અને તેમાંય નરિસંહ તો ‘ગોપી’– ભાવે શ્રીકૃષ્ણની ભક્તિ કરે છે તેવું અર્થઘટન જ આ શૃંગારની કોઈ કોઈ વાર તો જુગુપ્સાપ્રેરક—શ્રી મુનશીએ જેને loud and vulgar’ કહી છે તે સ્થૂળતાને સહ્ય બનાવે છે. મીરાંબાઈમાં હું માનું છું કે નરસિંહ કરતાં ઊંચી કોટિની કવિતા આપણને મળે છે. આમ છતાં મીરાંબાઈએ પણ શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ તો ગોપીભાવે જ કરી છે, પોતે શ્રીકૃષ્ણની પ્રેયસી કે પરિણીતા હાય તે રીતે : વરમાળા ધરી ગિરિવર વરની, છૂટે છેડે ફરીએ રે, રાણાજી! વર તો ગિરિધર વરને વરીએ, સુણોને, લાજ કોની ધરીએ! લાજ કોની ધરીએ, રાણા! કોના મલાજા કરીએ રે! રાણાજી! વર તો ગિરિધર વરને વરીએ. પરંતુ મીરાંબાઈ કોઈ સંસારી જીવ પ્રત્યે નહિ, સ્વયં શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમભક્તિનો અર્ધ્ય ધરે છે. ફારસી સૂફીકવિઓ ઈશ્વરને માશૂક ગણીને ભક્તિભાવ વ્યક્ત કરે છે : આપણા સંતકવિઓએ ઈશ્વરને પોતાનો આશક—સ્વામી માન્યો છે, તેથી જ, મીરાં પોતાને ‘પ્રેમદીવાની’, ‘વિરહવ્યાકુળા’ અને ‘હિરની લાડલી’ માને છે; ‘પ્રેમની પ્રેમની, પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની–' એમ કહે છે. આમ કહેતાં તેને કશો સંકોચ નથી થતો, કારણ પોતાના આરાધ્ય દેવની સાથે એક થવા, તેનામાં પૂર્ણપણે જાતને વિંગલિત કરીને ભેળવી દેવા, તે માનુષી ભાવના પ્રેમની ઉત્કટ અવસ્થા વર્ણવવા વપરાતી સાંસારિક શૃંગારની પરિભાષાનો ઉપયોગ કરે છે. ગૃહવધૂ તરીકે, પત્ની તરીકે જે સાંસારિક પ્રેમ તેણે પોતાના પતિ પ્રત્યે દાખવવા જોઈતો હતો, તે તેણે અલૌકિક, લોકોત્તર, ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણ પ્રત્યે દાખવ્યો. નરસિંહ મહેતાની રચના ‘ગોવિંદગમન’માં નવનારી કુંજરનું વર્ણન આવે છે. શ્રીકૃષ્ણને ગોપીઓ કુંજમાં રાસ રમવા લઈ જવા ઇચ્છે છે: કુંવરજી કુંજમાં લેઈ જાઊં, રુંભન, ચુંબન, અધરામૃત લેશે.! શ્રીકૃષ્ણ કહે છે કે મને પગે વાગ્યું છે, અને હાથી હોય તો. તે પર બેસીને આવું. રાધાએ તુરત જ હાથીની રચના કરી : ‘ગોપીઓ કહે હાથી જ જોઈએ, લ્યો હરિ આ રહ્યો હાથી રે; રાધાએ રચના કરી સુંદર, કીધો સખી જે સાથે રે; ચાર સખી ચાર પાદ થઈ, બે ઉદર હામે સૂતી રે; પેટ પોલ કરવા બબે બાજુ, એમ એક એક તા ખૂતી રે; પૃષ્ટ ભાગને પૂંછડું થઈ, ચંદ્રભાગા જે નારી રે; હરિને કેહે હસ્તી હુઓ, બિરાજીએ મુરલી ધારી રે; કૃષ્ણ કેહે નાસા રહિત ગજ, એનાં દશન વદન કીયાં રે; કુંભસ્થળ રહિત ગજ નિરખી, પ્રસન્ન થાય હિયાં રે; એમ કહી રાધા ગઈ ઉપર ખાલી જગાએ સૂતી ચતી રે; છૂટી વેણી શુંઢાકાર બની રહી, અર્ધ હસ્ત દંતુશળવતી રે, ચૂડા રુડા દાંત ચૂડ દીસંતા, સ્વવદન તે મુખનુ મૂળ રે; કુંભસ્થલને સ્થાનક કુચ એ, હસ્તી ગંડસ્થલથી અતિ સ્થૂળ રે, આ પદમાં વાચ્યાર્થ જ જોવાનો નથી, પરંતુ તેમાં ઉપયોગમાં લેવાયેલા રૂપકનો અર્થ ઘટાવીએ તો જ કવિને જે અભિપ્રેત છે તે ભક્તિભાવનું રાધાકૃષ્ણના પ્રેમના ભાવનું નિરૂપણ આપણને સમજાશે. ચાર પાદ રૂપે ચાર ગોપી, ઉદર ઠામે છે, બન્ને બાજુએ બે, પૂંછડા રૂપે ચંદ્રભાગા, એમ નવનારીરૂપી કુંજર એટલે કે, નવધા ભક્તિનો સમૂહ હરિને આકર્ષવા અસમર્થ નીવડે છે. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીના શબ્દોમાં દશમી પ્રેમસમાધિરૂપ રાધા શિખરસ્થાને ચડી ત્યારે જ હરિ તે ઉપર ચડ્યા.’પ આપણે ભરઉનાળે, સૂકી નદીમાં વીરડા ગાળીએ છીએ ત્યારે પ્રથમ પાણીનો મેલો ડહોળો સ્રોત ધસી આવે છે. નરસિંહ-મીરાંની ભક્તિવાણીના શૃંગારનું ઉપર-પણ તેવું જ છે. આ નીરને આછરવા દઈએ તો ખીલોરી કાચ જેવાં એ જળ સ્વચ્છ લાગે છે. નરસિંહ મીરાંનાં પદોમાં વાચ્યાર્થ ને ભેદીને તેમાં વપરાયેલાં રૂપોનાં અસલી સ્વરૂપોને ઓળખીએ તો સમજાશે કે આ પદોમાં સ્થૂળ સાંસારિક શૃંગારના ભાવોની અભિવ્યક્તિ નથી. પરબ્રહ્મ, ઈશ્વર, ઇષ્ટદેવ, સચરાચરમાં ધબકતું મહાચૈતન્ય જે કહો તે, તેની સાથે ભળીગળી જવાની અદમ્ય આકાંક્ષા જ તેમાં અભિવ્યક્ત થયેલી છે. મધ્યકાલીન કવિઓએ તેને-આપણે જેને ભક્તિ કહીએ છીએ-કવિ-ધર્મ ગણ્યો છે. ‘આ કવિઓએ જે અર્થમાં ભક્તિ શબ્દને ગાયો આરાધ્યો છે તેનો પૂરેપૂરો ભાવાર્થ, અંગ્રેજીમાં વપરાતા Prayer, Worship કે Devotion જેવા શબ્દોથી પૂરેપૂરા વ્યંજિત થતો નથી. શ્રી ગોવર્ધનરામે બહુ સરસ રીતે કહ્યું છે તેમ God is neither man mor woman, and yet he is both for he is all and everywhere. Man was, therefore, taught to begin with forming human ideas of God, until his love grew abstract and his mind was abstracted from human things. Did man want to speak to God as to his own friend and brother? Did woman want to talk her little things to Him as to her mother or to her child? Did she want to open her heart to Him as to her husband and to pour her love on Him? The new religion supplied all these wants, and in every case man and woman found God exactly as He or She wanted Him to be.'૬ નરસિંહ–મીરાંના અને અન્ય મધ્યકાલીન કવિઓના પણ ભક્તિશૃંગારને યોગ્ય રીતે સમજવા, મૂલવવા માટે શ્રી ગોવર્ધનરામના આ શબ્દ ચાવીરૂપ છે. હવે હું શૃંગારને હાસ્ય, કરુણાદિ અન્ય રસો સાથે કેવો સંબંધ છે, અને કસબી કવિ શૃંગારનો અન્ય રસને પુષ્ટ કરવા કેવી રીતે ઉપયોગ કરે છે તેની થોડીક ચર્ચા કરું. આપણા મધ્યકાલીન પ્રમુખ કવિઓમાંના એક, કવિ પ્રેમાનંદે જુદા જુદા રસોને મુખ્ય સ્થાને રાખી આખ્યાનો લખ્યાં છે. ‘નળાખ્યાન’ કરુણરસનું, ‘મામેરું' હાસ્યનું, તેમ ‘ઓખાહરણ’ શૃંગારરસનું તેનું શ્રેષ્ઠ આખ્યાન ગણાય છે. ‘ઓખાહરણ’માં કવિએ ઓખાને જે સ્વપ્ન આવે છે તેનું વર્ણન કર્યું છે તેમાં શબ્દે શબ્દે શૃંગારરસ નીંગળે છે : ‘સુખ નિદ્રા કરે છે બાળા, તપ તપી ઊઠે વ્રેહજ્વાળા; વ્રેહની જ્વાળાનો તાપ ન સમે, ઘણા દોહ્યલા દિવસ નિર્ગમે. સમય સંજોગ સૂર્યને અસ્તે, કુચમર્દન કરે છે સ્વહસ્તે; અધર કરડે ચુંબન દે ઘેલી, બેઉ ચરણ હદે પર મેહેલી, લડથડતી આવે હીં.ડી ચિત્રલેહાને પાડે ભુજ ભીડી; સૂતાં સજ્જાએ એકઠાં વળગી, સૈયરને ન કરે અળગી.

સૂતી સ્વામી સ્વામી કરતાં, થાવા લાગ્યાં સ્વપ્નાંતર ત્યાં; થઈ સ્વપ્ને ઓખા આનંદી, વરને મળ્યો છે વ્રેહનો ફંદી. મંડપ મનુષ્ય ભરાયો ખચખચી, દીઠી નૌતમ ચોરી રચી; એક સ્વામી તે રૂપે રસાળો, તેની સાથે મળ્યો હથેવાળો. * બેઠાં શય્યાએ શ્યામા ને સ્વામી, એવું સ્વપ્ન તે પ્રેમદા પામી; વાપ્યો વામાને વ્રહનો રોગ, સ્વપ્ને પામી સુખ સંભોગ. રતિસંગ્રામ કરે છે નિઃશંક, ગ્રહી અધરે દેતી ડંખ; ટૂટ્યો હાર, વછૂટી મેખલા, રમે રતિ સુખ આસન કળા.’ પ્રેમાનંદના આ સ્વપ્નવર્ણનમાં’ સ્થૂળ અને સાંસારિક શૃંગારનું જ વર્ણન છે. નરસંહ–મીરાંની જેમ પટંતરે તેમાં ભક્તિનુ નામનિશાન પણ નથી. પરંતુ કવિ આવર્ણનને આગળ ચલાવતા ચલાવતા પ્રથમ કરુણ અને પછી હાસ્યની સરહદે શ્રોતાઓને દોરી જાય છે. સ્વપ્ન ઊડી ગયું, પણ તેને સત્ય માની, ઓખા તો ‘થરથર ધ્રૂજે ને કાંઈ નવ સૂઝે, રુવે છે આંસુડાં ઢાળી રે.’ રડતાં રડતાં સ્વામીવિરહના દુઃખને સહવા કરતાં દેહને પાડી નાખવાનું પસંદ કરે છે : કરે કાલાવાલા, મનોરથ ડાલા, ઠંણઠણતી દે છે સમરે; તમારે હસવું, મ્હારે રોઈ મરવું, ધીરજ રાખું ક્યમ રે. આપી સંભોગસુખ, પછી દેવું દુઃખ, મારી નિર્બળ કર્મની રેખા રે; અતીશે મા તાણો, દયા મન આણો, તમને બાપના સમ, દ્યો દેખા રે. જુઓ પ્રીત તપાસી, હું હું દાસી, દંડ દ્યો અપરાધ સારું. રે; કરો સ્નેહ, કે વ્હાલા તજુ દેહ, અતિ ઘણું તે નહિ વારું રે. મિટે મિટ માંડો, ને ખટપટ છાંડા, ન બોલો તો કંઠે નાખું વહાડી રે;' —આમાં વિરહનિમિત્તક વિપ્રલંભ શૃંગાર નહિ, કરુણરસ જ~ શૃંગારનો આલંબન તરીકે ઉપયોગ કરીને-કવિએ નિરૂપ્યો છે. આ શૃંગારરસને જ કવિ, હવે કરુણમાંથી હાસ્યના ઘરમાં લઈ જાય છે. ઓખાની હાલત ‘જળ વિના તલપે મીન’ જેવી છે. ચિત્રલેખા, ઓખાએ સ્વપ્નમાં જોયેલા રૂપવર્ણન સાંભળી, તેનું ચિત્ર દોરવા પ્રયત્ન કરે છે. ખૂબ આકૃતિઓ દોર્યાં પછી શ્રીકૃષ્ણનું, પ્રદ્યુમ્નનું તે છેવટે અનિરુદ્ધનું ચિત્ર દોરે છે. ચિત્રલેખાએ લખી દેખાડયો, કાગળમાં અનિરુદ્ધ, મુગટ ભમર પર વદન સુધાકર, નેત્ર બે અંબૂજ; ઘેલી ઓખા ધાઈને ભેટી, કાગળને ભરી ભૂજ. ધન્ય ધન્ય નાથજી, હાથ ગ્રહીને, ન મૂકીએ તે બીડી સારું; હૃદય અબળાનું હોય કાચું, કુણુ ગજ્જૂ છે મારું. ના ના બોલો મારા સમ છે, લાજો છો શા માટે; ચિત્રલેહા કહે ન હોય સ્વામી, વળગ્યામાં કાગળ ફાટે.'૮ ચિત્રલેખાના—આ પંક્તિઓના અનુસંધાનમાં જ કવિએ દોહરા- વેલા શબ્દો કાગળ ફાટે કામની, ચિત્રલેહા બોલી વાણી રે;' હાસ્યનું ‘ઘર’ છે. શૃંગારની સરહદને આલિંગીને પડેલો હાસ્યનો સીમાડો છે, ચિત્રલેખાનું ટૂંકું, મર્માળું, અર્થગર્ભ વેણુ ‘વળગ્યામાં કાગળ ફાટે’, કવિની લાઘવોક્તિ યોજવાની આવડતનું દર્શન કરાવે છે. તેમાં રહેલા લોકબોલીનો લહેકો પણ આકર્ષક છે. બહુરૂપી જેમ જુદા જુદા વેશ ધારણ કરે તેમ અહીં શૃંગારને જ જાણે વેશપલટો કરાવીને કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. ‘નળાખ્યાન'માં દમયંતીના સ્વયંવરનું વર્ણન કવિએ કર્યું છે તેમાં સ્વયંવરમાં એકત્ર થયેલા રાજાનાં ચિત્રમાં–દરેકેદરેકના ચિત્રમાં-દમયંતીને પરણવાના કોડ ભર્યા છે. સ્વયંવરમાં પોતે રૂપાળા દેખાય તે માટે તેએ શૃંગારની સામગ્રી સર્જે છે : રાતમાં શીખે ચાતુરી ચાલ, રખે વીસરી જાતા કાલ. સર્વને દમયંતીનુ ધ્યાન, પ્રાણી માત્ર વર. નહિ કો જાન; વર થઈ બેઠા પ્રાણી માત્ર, સમાં કર્યાં છે વરવાં ગાત્ર * ઘરડા થયા નાના વર, વત્તાં કરાવતાં વાગ્યા છર; તનમન કન્યાને અર્પણ, આગળથી નહિ ટાળે દર્પણ. જેના મુખમાંહે નહીં દંત, તેને પરણવાનું ચંત; જોશીની પ્રણિપત્ય કરી, દેખાડે હાથ ને જન્મોતરી. જો દમયંતી મુને પરણે, તો જોશી હું લાડુ ચરણે.’૯ આ પંક્તિઓમાં, રતિ જેનો સ્થાયી ભાવ છે તે શૃંગારનું નિરૂપણ છે કે હાસ્યનું? કે બન્નેનુ? ને કવિએ શૃંગારહાસ્યના અદ્ભુત મિશ્રણમાંથી મનુષ્યહૃદયમાં રહેલા કામભાવને, કેવો ઉપહાસપાત્ર બનાવ્યો છે? કવિના કટાક્ષનુ ભાજન રાજાઓ નથી, મનુષ્યહૃદયમાં રહેલી કામવૃત્તિ છે. આ પ્રક્રિયાને આપણે ‘રસસંક્રાન્તિની કલા’, ‘વિવિધ રસોની ફૂલગૂંથણી’ વગેરે જેવાં સસ્તાં, ચલણી નામો આપ્યાં છે, પણ ખરી રીતે તેમાં રસસંક્રમણ–રસનો હાથબદલો–એક રસના ‘ઘર’માંથી બીજા રસના ‘ઘર’માં સંચરણ નથી. ભેાં શૃંગારની છે; બીજ, ખાતર, પાણી, આબોહવા શૃંગારનાં છે. એ શૃંગારરસના છોડ ઉપર જ કવિએ કુશળ માળીની જેમ માવજત કરીને એ વિવિધરંગી પુષ્પો એકી સાથે ખીલવ્યાં છે; એક ડાળે જ બે વિવિધવર્ણા, વિવિધ રસગધવાળાં ફૂલ મહોરાવ્યાં છે. મધ્યકાલીન કવિઓના છેલ્લા પ્રતિનિધિ ગણાતા દયારામે પોતાનાં પદ અને ગરબીઓમાં શૃંગારરસનું જે નિરૂપણ કર્યું છે તે વાંચીને આપણને ફારસી કવિ હાફેઝ યાદ આવે. આપણા કવિઓએ ઈશ્વરની ભક્તિ ગોપીભાવે, પોતાને ઈશ્વરની પ્રિયતમા ગણીને કરી છે. ફારસી કવિએ ઈશ્વરને માશૂક માનીને, ને પોતે આશક હોય તે રીતે માનુષી શૃંગારિક ભાવો અને લીલાઓનું વર્ણન કરી, ભક્તિનું ગાન ગાય છે : સૂફીશાસ્ત્રની પણ એવી આજ્ઞા છે કે સૂફીએ પ્રિયાને રાજી રાખવા, તેનો મેળાપ કરવા જેટલો પ્રયત્ન કરવો પડે છે તેનાથી વધુ ભગીરથ પ્રયત્ન ઈશ્વરની સાથે સંયોગ સાધવા તેને માશૂક ગણીને—કરવો. હાફેઝના કાવ્યસંચય ‘દીવાને હાફેઝ'માં પ્રગટ થયેલી છસો ઉપરાંતની ગઝલોમાં, ઉપરના સિદ્ધાંતને ચરિતાર્થ કરતી, સાંસારિક શૃંગારની ચેષ્ટાઓ-લીલાઓ, લૌકિક ભાષામાં જ થયેલી છે. આમ છતાં, માશૂક એટલે ઈશ્વર, શરાબ એટલે ભક્તિ, આશક એટલે ચુસ્ત ભક્ત તેવો અર્થ ઘટાવતાં, આ ગઝલોના અર્થ પર નવો જ પ્રકાશ પડે છે. દયારામે કૃષ્ણ અને રાધાની તથા અન્ય ગોપી અને કૃષ્ણની પ્રેમચેષ્ટા આવી જ લૌકિક ભાષામાં વર્ણવી છે, પરંતુ ભાષા લૌકિક છે, તેમાં વ્યક્ત થયેલો પ્રેમભાવ લૌકિક કે સ્થૂળ નથી; અલૌકિક છે, સૂક્ષ્મ છે, પરમાત્મા પ્રત્યેનો છે તે સમજવાની ચાવી દયારામનાં જ પદો-ગરબીઓમાં મળે છે. ‘જિવ જાણી લે. જાર પ્રીત જુગદીશ વિના નવ સારી; મન માની લે, પૂછી જો અનુભવી હોય જે નરનારી.’ કવિએ જ કહ્યું છે કે ‘જાર પ્રીત’ ઈશ્વર જોડે જ ધારણ કરવી. સંસારી પ્રીતનો આમાં સંભવ જ નથી. સ્ત્રીઓ માટે તો- એટલે કે સ્ત્રી પ્રત્યેની પ્રતીતિ માટે તો તેણે તેનાથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો છે : જે કોઈ જનકલ્યાણ ચાહો, તે સ્ત્રીની સંગત તજજો રે, દુ:ખદરિયો, પાપપૂતળી શાણા સમજી ભજો રે.’ સ્ત્રીને ‘દુઃખદરિયો’, ‘પાપપૂતળી' કહી છે. બીજી એક જગ્યાએ તેણે સ્ત્રીઓને શણગારેલી તરવાર સાથે સરખાવી છે : તરવાર સરખી તરુણી, શણગારી દીસે સારી ઉપર અનુપમ રૂપ મનોહર, અંતરમાં હત્યારી.’ “સ્ત્રી એ જ મોટી મોહની રે, બીજુંં સૌ. એની હેઠ; પહોંચેલાને પણ પાડે પલકમાં, છેલ્લી સીઢિ લગી ઠેઠ.’ આવાં અનેક પદ્યમાં તેણે સ્ત્રીસંગતનો બહુ સ્પષ્ટ તિરસ્કાર દર્શાવ્યો છે. દયારામનું લખેલું મીરાંચરિત્ર’ છે; તેમાં પણ મીરાંબાઈ ઉદેપુર ત્યજીને ગોકુળમાં આવી વસ્યાં ત્યારે બનેલા એક પ્રસંગનું વર્ણન પણ ઉપરની હકીકતનું સમર્થન કરે તે પ્રકારનું જ કવિએ કર્યું છેઃ ‘મીરાંબાંઈ આવ્યાં વૃંદાવનમાં રે, પ્રેમે નીરખ્યા શ્રીવ્રજરાય; શ્રી જમુના પયપાન કર્યું ને કરી જીવા ગોંસાઈને શિક્ષાય. હરિજન જાણ્યું, મીરાં મળવાનું કહાવ્યું; તેણે કહાવ્યું. ના જોઉં સ્ત્રીનું મુખ; મીરાં કહે સારું થયું સવારૂં મુજને, પર પુરુષ જોએથી દુખ, આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણપુરુષ છે એક; વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છે, તેમાં ધન્ય તમારો વિવેક.’ વૃંદાવન જેવા ધામમાં વસીને પણ તમો તમારી જાતને પુરુષ સમજો છે? તમારી વિવેકશક્તિ વિશે શું કહેવું? પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ એ એક જ પુરુષ. બીજા તમામ સ્ત્રીપુરુષ. સૌ તેની ગોપીઓ એ વાત પણ તમને નથી સમજાઈ? ધન્ય તમારા વિવેક!’ મીરાંબાઈના જીવા ગોંસાઈ પ્રત્યેનો કવિ દયારામે આલેખેલો આ કટાક્ષ, તે પોતે પોતાનાં પદોમાં, લૌકિક શૃંગારની પરિભાષા દ્વારા, માનુષી ભાવાના આલેખન દ્વારા, લોકોત્તર એવા શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ, પોતાને તેની ગોપી-એટલે ભક્ત–સમજીને કરે છે તે હકીકતને પુષ્ટિ આપે છે, ભક્તિસાહિત્યનો આ પ્રકારનો ઉદ્ભવ, શૃંગારની પરિભાષામાં ભક્તિ વ્યક્ત કરવાની રીત અને પ્રણાલિકા શાથી ઉત્પન્ન થયાં? શ્રી મુનશી તેનાં ચાર કારણો આપે છેઃ (૧) જ્યારે વનમાં ઉલ્લાસને પૂરેપૂરું સ્થાન ન મળતું હોય (૨) જ્યારે ત્યાગની ભાવના શારીરિક વિલાસને ડામી દે (૩) જ્યારે જ્ઞાનવૃત્તિનું પ્રાબલ્ય ક્ષણભંગુર જીવનની વાસનાનો સંતોષ શરમભર્યો લેખે (૪)અને જ્યારે શારીરિક નિર્બળતા કે પ્રણયીના અભાવથી સ્વાભાવિક વૃત્તિને ઝોક ન મળે ત્યારે તે વૃત્તિ ભક્તિનું સ્વરૂપ લે છે.૧૦ શ્રી મુનશી તા ખ્રિસ્તી ધ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક સાહિત્યમાં પણુ ત્યાગે કચરેલા હ્રદયના પ્રણયરસ ભક્તિરૂપે મેહાર પડતા૧૧ જુએ છે. બૃહદારણ્યક ઉપનિષદ 'માં ચોથા અધ્યાયમાં મોક્ષનું સ્વરૂપ કેવું હોય તેનું વર્ણન કરવામાં આવ્યુ છે; ‘એ સ્વરૂપમાં એને નથી કશી ઇચ્છા થતી, નથી પાપ વળગતુ કે નથી બીક લાગતી. જેમ પ્રિય સ્ત્રીના ગાઢ આલિંગનમાં પડેલા માણસને બહારની કે અંદરની વાતની ખબર પડતી નથી તેમ આ આત્મા જ્યારે પરમાત્મા સાથે ગાઢ ભેટ્યો હોય ત્યારે તેને બહારની કે અંદરની કશી વાતની ખબર પડતી નથી.'૧૨ ઋગ્વેદના મન્ત્રોમાં પણ મનોવૃત્તિને પતિ તરફ આકર્ષાતી પત્ની અને દિયર તરફ પ્રેમભાવે જોતી ભાભી સાથે સરખાવવામાં આવી છે. આ દૃષ્ટાંતાથી આપણે અવશ્ય એમ કહી શકીએ કે આમાં મુનશી કહે છે. કે તે ત્યાગે કચરેલા હૃદયના પ્રણયરસનું જ ભક્તિમાં રૂપાંતર થાય છે' તેમ કહેવું યથાર્થ નથી. ઊલટાનું, કહેવું હોય તો એમ કહેવું ઘટે કે ભક્તિ જેવા સૂક્ષ્મ, અલૌકિક, અમાનુષી કે દિવ્ય ભાવને, અનુભવગમ્ય અને દગ્ગોચર બનાવવા, કવિએ દૃષ્ટાંતો, પ્રતીકો, રૂપકાદિ અલંકારા યોજીને પોતાની રચનાઓ મુક્તકંઠે ગાઈ છે-રચી છે. સુપ્રસિદ્ધ અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટનું એક વિધાન આ સંદર્ભમાં યાદ કરવા જેવું છે. “There are many other things I have found myself saying about poetry, but the chiefest of these is that it is metaphor, saying one thing and meaning another, saying one thing in terms of another, the pleasure of ulteriority. Poetry is simply made of metaphor... Every poem is a new metaphor inside or it is nothing...and there is a sense in which are all poems are the same old metaphor always.’ રોબર્ટ ફ્રોસ્ટના કવિકર્મના અને કાવ્યાનુભૂતિના નિષ્કર્ષ રૂપ આ વચનોના પ્રકાશમાં આપણે શું પ્રાચીન, શું મધ્યકાલીન કે શું અર્વાચીન કવિતા નામના તમામ પદાર્થને મૂલવીએ.

૨૧મું સંમેલન

ટીપ
૧. બૃહત્ કાવ્યદેહન’ ભા. ૧, પ્રસ્તાવના પૃ. ૧૧.
૨. Gujarat And its Literature' p. ૧૪૮ (First Edition).
૩. ‘સુરતસંગ્રામ’ પદ ૪૩મું, નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ', પૃ. ૧૦૭૮.
૪. શૃંગારમાળા 'પદ્મ ૨૨મું
૫. ‘કવિ દયારામનો અક્ષરદેહ'. પૃ. ૭૨, ગો. મા. ત્રિપાઠી.
૬. Classical Poets of Gujarat,' P. ૧૦–૧૧, G. M. Tripathi.
૭. ‘ઓખાહરણ’, બૃહત્ કાવ્યદેહન, ભાગ. ૧ પૃ. ૫૦.
૮. ‘ઓખાહરણ’; બૃહત્ કાવ્યદોહન, ભા. ૧; પૃ. ૫૫
૯. ‘નળાખ્યાન’, બૃહત્ કાવ્યદેાહન, ભા. ૧, પૃ. ૧૫૦
૧૦. ગુજરાતી સાહિત્ય ખંડ પમા,' મધ્યકાલીન સાહિત્યપ્રવાહ, પૃ. ૨૭૯
૧૧. ‘ગુજરાતી સાહિત્ય ખંડ ૫મો,' મધ્યકાલીન સાહિત્ય પ્રવાહ, પૃ. ૨૮૦
૧૨. ‘બૃહદારણ્યક ઉપનિષદ,’ અધ્યાય ચોથો, ૨૧.