અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોકસાહિત્યમાં બારમાસી

From Ekatra Wiki
Revision as of 01:36, 25 April 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


૧૫.
૧૫. બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોકસાહિત્યમાં બારમાસી
ડૉ. પ્રભાશંકર તેરૈયા

સૌપ્રથમ તો ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના ૪૧મા અધિવેશનનું પ્રમુખપદ આપવા માટે આપનો સહુનો – ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના સર્વે સભ્ય અધ્યાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કશા જ બંધારણ વગર આટલાં વર્ષોથી જે કામગીરી થઈ છે એનો હું સાક્ષી છું. વિચારપૂર્વકનાં આયોજનો કરીને પૂરી નિષ્ઠાથી જે જે અધ્યાપકોએ સંઘમાં યોગદાન આપ્યું છે એ તમામને પણ હું આ પ્રસંગે સ્મરું છું. પરમ શ્રદ્ધેય માંકડસાહેબથી માંડીને છેક હમણાં સુધી સક્રિય જયંતભાઈ કોઠારી અને એ પછી પણ સંઘને વિશેષ ક્રિયાન્વિત કરનાર મંત્રીઓની એક આગવી પરંપરામાંથી કેટલાનો નામોલ્લેખ કરવો? સંઘને ચૈતન્યશીલ રાખવામાં પાયામાં પડેલા આ કાર્યકર્તાઓ પરત્વે પણ હું આ પ્રસંગે મારી આભારની લાગણી પ્રગટ કરું છું. યુ.જી.સી.ના કોઈ પરિસંવાદમાં કે અન્ય સાહિત્યિક સંસ્થાઓમાં અધ્યક્ષપદેથી વ્યાખ્યાન આપવાનું બને એના કરતાં પણ આ સંઘના અધ્યક્ષપદેથી વ્યાખ્યાન આપવાનું બને એને હું મારા જીવનનું પરમ સદ્ભાગ્ય સમજું છું અને એટલે મારી પૂર્વેના ચાલીસેય પ્રમુખોને સાદર વંદન કરીને હું મારા આજના વક્તવ્ય ઉપર આવું છું.

સીમારેખા અને અભિગમ

આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવા માટે મેં જે વિષય પસંદ કર્યો છે તેની સીમારેખા તેમ જ તેમાં અપનાવેલ અભિગમ અને પદ્ધતિ વિશે થોડી ભૂમિકારૂપ વિગતો પ્રારંભમાં જ આપી દઉં. આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોની જે એક સુદીર્ઘ પરંપરા છે એમાંનાં બારમાસી અને અન્ય બે-ત્રણ સ્વરૂપો તો લોકસાહિત્ય, કંઠસ્થ-પરંપરાના સાહિત્ય અને અર્વાચીન સાહિત્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે; એટલું જ નહીં, પરંતુ. મધ્યકાળ પૂર્વેના સાહિત્યમાં પણ આ સ્વરૂપો પ્રયોજાતાં હતાં. આપણે ત્યાં અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એનાં ઉદાહરણો મળે છે. શાર્લોટે બૉદવીલે એમના બારમાસા ઇન ઇન્ડિયન લિટરેચર નામના પુસ્તકમાં સંસ્કૃત સાહિત્યના સંદર્ભો આપી પ્રાચીન ઋતુકાવ્યોની પરંપરા ભારતીય ભાષાઓમાં કઈ રીતે પ્રવહનમાન રહી છે એની વિગતે સમીક્ષા, ઉદાહરણો આપીને કરી છે. આવી સુદીર્ઘ પરંપરા ધરાવતા અને લગભગ અખિલ ભારતીય ગણાવી શકાય એવા આ બારમાસી સ્વરૂપની કેટલીક ખાસિયતો ચર્ચવાનો તથા ગુજરાતી લોકસાહિત્યમાંથી પ્રાપ્ત થતી બારમાસી રચનાઓ વિશે મારાં નિરીક્ષણો આપવાનો એમ બે મુદ્દાઓ પ્રસ્તુત કરવાનો મારો ઉપક્રમ છે. આપણે ત્યાં આ વિષયે થયેલા કાર્ય ઉપર આછો દૃષ્ટિપાત કરવાનો ઉપક્રમ પણ મેં મારા વક્તવ્યમાં જાળવ્યો છે, તેથી વ્યાખ્યાનના પ્રારંભે હું એ વિગતો રજૂ કરીશ. એ રીતે મારું વક્તવ્ય બારમાસી સ્વરૂપ સંદર્ભે ગુજરાતીમાં થયેલી કામગીરી, બારમાસી સ્વરૂપને આગવું વ્યક્તિત્વ અર્પતી ખાસિયત લાક્ષણિકતાઓ અને લોકસાહિત્યમાં પ્રાપ્ત થતી બારમાસીઓનું મૂલ્યાંકન એમ ત્રણ ભાગમાં વિભાજિત છે. મારા વક્તવ્ય ઉપર આવું એ પહેલાં મારી અભ્યાસસામગ્રીની સીમારેખાનો નિર્દેશ કરી દઉં.

અભ્યાસસામગ્રીનો પરિચય

આપણે ત્યાં બારમાસી સ્વરૂપમાં થયેલી ચર્ચા માટે મેઘાણી, પ્રોફે. મંજુલાલ મજમુદાર, ડૉ. ચંદ્રકાંત મહેતા. ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રો. અનંતરાય રાવળ વગેરેના પ્રકાશિત ગ્રંથોમાંની અને આ સિવાયની વિવિધ સામયિકોમાંની સામગ્રીને પણ મેં અભ્યાસ માટે સ્વીકારી છે. બારમાસી પરંપરા પર વિચાર્યું છે. શાર્લોટેની સ્વરૂપચર્ચા પણ જોઈ છે. લોકસાહિત્યમાંની બારમાસીઓના અભ્યાસ માટે મેઘાણી-સંપાદિત રઢિયાળી રાત' ભાગ-૨, ‘લોકસાહિત્યમાં ઋતુગીતો', લોકસાહિત્ય સમિતિ દ્વારા સંપાદિત ૧થી ૧૪ મણકાઓ અને પુષ્કરભાઈ-સંપાદિત ‘પ્રીતના પાવા' જેવા ગ્રંથોને ખપમાં લીધા છે. સામગ્રીના સંચય પછી એને તપાસીને લોકસાહિત્યની ગણાવી શકાય એવી જ બારમાસીઓને અભ્યાસ માટે પસંદ કરી છે, ચારણી પરંપરાની અને કોઈ મધ્યકાલીન કવિની કે અન્ય નામછાપવાવાળી રચનાઓને મેં મારા સ્વાધ્યાયમાં સમાવિષ્ટ કરી નથી.

(૧) પુરોગામીઓનું કાર્ય
‘લોકસાહિત્યમાં ઋતુગીત’(ઈ. સ. ૧૯૨૯)

તેમાં ઝવેરચંદ મેઘાણીએ રાધાકૃષ્ણવિષયક અને મિત્રવિરહના મરસિયારૂપની ચારણી બારમાસીઓ, લોકસાહિત્યની બારમાસીઓ અને દોહાસ્વરૂપમાં રચાયેલી બારમાસીઓ ઉપરાંત પંજાબી, હિન્દી અને બંગાળી ભાષાની બારમાસીઓ પણ આપી છે. પ્રારંભે બારમાસીના સ્વરૂપની વિશિષ્ટતાઓ નિરૂપી છે. એમાં બારમાસી કાવ્યો સમગ્ર ભારતમાં રચાયાં હોવા પાછળનો સાંસ્કૃતિક, સામાજિક સંદર્ભ પ્રસ્તુત કરતાં નોંધ્યું છે, “કેવળ સૌરાષ્ટ્રના સાહિત્યમાં અથવા લોકસાહિત્યમાં જ વર્ષાઋતુ અગ્રપદે દીપે છે એમ નથી. આખાયે ભારતવર્ષની એ ખાસિયત છે; કારણ એ છે કે, શરદ, હેમંત, શિશિર અને ગ્રીષ્મ જેવી અન્ય ૠતુઓ તો કશા મહાન પરિવર્તન વિના એક્બીજાની અંદર શાંતિથી સરી જાય છે; જ્યારે વર્ષાઋતુ તો પ્રચંડ પરિવર્તનની ઋતુ છે. એનું આગમન કોઈ દિગ્વિજયી રાજેન્દ્રના આગમન સરીખું છે. ઘડીમાં સોનેરી તડકે તપતો તેજોમય ઉઘાડ, તો ઘડીમાં કાળો ઘોર મેઘાડમ્બર; ઘડીમાં સૂકી ધરતી, તો ઘડી પછી ધોધમાર વહેતાં પાણી; નિષ્કલંક નીલ આકાશના અંતઃકરણ પર ઓચિંતી વાદળીઓ અને વીજળીઓનો ઉન્મત્ત ઝાકઝમાળ નાટારંભ; મૃગજળે સળગતાં મેદાનોમાં વળતા જ પ્રભાતે રેશમ ામાં તરણાંની લીલી તૃણ-ચૂંદડીનું આચ્છાદન : એ સર્વે દૃશ્યો વર્ષાને મહાન પરિવર્તનની ૠતુ બનાવે છે. અન્ય ૠતુઓને એક જ જાતની સાંગોપાંગ સંપત્તિ કાં ટાઢ ને કાં તાપ; પણ વર્ષો તો સૌમ્ય તેમ જ રૌદ્ર બંને સ્વરૂપે શોભતી; ક્યાંક મરક મરક મુખ મલકાવતી તો ક્યાંક ખડખડ હસતી; ક્યાંક જંપીને વિચારમગ્ન બેઠેલી તો ક્યાંક ચીસો ને પછાડા મારી વિલાપ કરતી; ક્યાંક મેઘધનુષ્યના દુપટ્ટા ઝુલાવતી તો ક્યાંક કાળાં ઘન-ઓઢણાંના ચીરેચીરા કરીને પવનમાં ફરકાવતી આ બધું આપણા દેહપ્રાણને હલમલાવી નાખે ને આપણા ભીતરમાં પોતાની મસ્તીના પડઘા જગાવે. એના આઘાત અગોચર ન રહી શકે. વસંતની રાતી કૂંપળો તો કોઈ ઝીણી નજરે જોનારો જ જોઈ શકે; ઉનાળાનો તાપ એકસરખો અને નિઃશબ્દે નિરંતર તપ્યા કરે; શિયાળાની શીત પણ મૂંગી ને ઊર્મિહીન કો સાધ્વી શી સૂસવે; વર્ષાનું સ્વરૂપ એવું નથી. એ તો જોનાર કે ને જોનાર સર્વેને હચમચાવી મૂકે. માટે જ સંસ્કૃત સાહિત્યમાં પણ ‘મેઘદૂત' જેવું કાવ્ય ‘આષાઢસ્ય પ્રથમ દિવસે'થી મંડાયું છે. અલકાપુરીનો પ્રિયા-વિયોગી યક્ષ અન્ય ૠતુઓ તો ખાસ કશી અસર વિના વટાવી ગયો પરંતુ અષાઢના પ્રથમ દિવસે પ્રકૃતિનું જે સંક્ષુબ્ધ સ્વરૂપ એણે નિહાળ્યું; તેણે એના અંતરમાં ઘરનાં સ્મરણો જગાવ્યાં, ઊર્મિનું ઉદ્દીપન કર્યું ને કાવ્ય ખળખળાવ્યું. (પૃષ્ઠ : ૧૨-૧૩)
એમનું આ નિરીક્ષણ ઘણું સાચું છે. આ ઉપરાંત તેમણે નોંધ્યું છે કે, બારમાસીઓમાં લોકમનોભાવોનું નિરૂપણ પણ કેન્દ્રસ્થાને હોઈને એ બારમાસીઓ હૃદયસ્પર્શી બની છે. તુલનાત્મક દૃષ્ટિબિંદુએ આ સ્વરૂપનો અભ્યાસ કરવાની અઢળક સામગ્રી મેઘાણીએ કેટલાં વર્ષો પૂર્વે આપણી સમક્ષ ધરી દીધેલી!

ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો’ (ઈ. સ. ૧૯૫૪)

તેમાં પ્રોફેસર મંજુલાલ મજમુદારે બારમાસીના સ્વરૂપનું ખૂબ જ વિગતે મૂલ્યાંકન કર્યું છે. સામગ્રીનું વિષય પ્રમાણે વિભાજન, પછી અંતે મૂલ્યાંકન અને એમાંથી ઊપસતી સ્વરૂપગત ખાસિયત તેમણે દર્શાવી હોઈ એમનું આ કાર્ય અત્યંત મહત્ત્વનું છે. પ્રારંભે ઋતુકાવ્યની પરંપરાને નોંધી છે અને પછી બારમાસી સ્વરૂપની વિશિષ્ટતાઓ તારવીને એનાં પ્રેરક પોષક પરિબળો તથા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને નજર સમક્ષ રાખીને સ્વરૂપની ચર્ચા કરી છે. બારમાસીને ફાગ, ગરબી, રાસ વગેરે સાથે તુલનાવીને પણ બારમાસીની સિદ્ધિ-મર્યાદાને તારવી છે. આમ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અને સમીપવર્તી સાહિત્યસ્વરૂપોને અનુષંગે તેમણે બારમાસી સ્વરૂપ અંગે વિગતે પોતાનો સ્વાધ્યાય પ્રસ્તુત કર્યો છે. તેમનાં નિરીક્ષણો પણ ઘોતક છે. એ જોઈએ : “લોકસંગીતમાં જેમ દંપતીજીવન ગવાયું છે અને કૌટુંબિક જીવન જેમ લગ્નગીતોમાં ઊતર્યું છે તે જ રીતે, સ્નેહજીવનનો શૃંગારરસ પણ તેટલી જ તીવ્રતાથી, છતાં એક પ્રકારની અદબથી ‘બારમાસી' દ્વારા ગવાયો છે. એ શૃંગાર ગવાયો છે કવિના પોતાના જીવન વિશે, પણ ચડી ગયો છે રાધા-કૃષ્ણના નામે. ગુજરાતનો જનસમાજ આનંદ કે શોકના ઊભરા ઠાલવવા રામાયણ, મહાભારત કે ભાગવત જેવામાંથી પૌરાણિક કથાનકોનો આશ્રય લેતો હતો અને લે છેઃ લગ્નનાં ગીતોમાં કૃષ્ણ-રુક્મિણી, રામ-સીતા, ઈશ્વર-પાર્વતી, અનિરુદ્ધ-ઉષા વગેરેની વિવાહકથાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સીમંતનાં ગીતો, પ્રદ્યુમ્નની પત્ની રતિ કે કૃષ્ણભગિની સુભદ્રાને વિશે ગવાય છે. જનોઈમાં રાધા અને કૃષ્ણ, અને શોકનાં ગીતોમાં ઉત્તરા અને અભિમન્યુ એ પ્રમાણે જૂનાં લોકપ્રિય પાત્રો દ્વારા ગુજરાતનો સુંદરીસમાજ પોતાના હરખશોકનાં ગીતો ગાય છે અને રાચે છે. તે જ પ્રમાણે વિરહનાં ગીતોમાં રાધાકૃષ્ણને વિશે રચના થઈ છે; અને બારમાસના કુદરતી ફેરફારો, ખાનદાન, પહેરવેશ વગેરેના સપ્પરમા દિવસે થતાં સ્મરણ – એ બધાનાં બાહ્ય કલેવરમાં કવિએ પોતાના વિરહથી ઝૂરતો પ્રાણ પૂર્યો હોય છે. (પૃષ્ઠ : ૨૭૬)
આગળ ઉપર તેઓ નોંધે છે કે : ‘‘વિયોગનાં કાવ્યો લોકરુચિને અનુકૂળ હોવાથી તેની લોકપ્રિયતા આપોઆપ વધતી રહે એમાં આશ્ચર્ય નથી. કારણ કે, સૌ કોઈ વિરહી, પોતાને કૃષ્ણ અથવા ગોપીને સ્થાને મૂકી દઈને પોતાના હૃદયનો ઊભરો ‘હૈયાવરાળ’કાઢી શકતો. સરખાવો :

“ગોપી-ઉદ્ધવ સંવાદ રે, બાંધ્યા છે બારે માસ;
શીખે, ગાશે ને સાંભળશે, તેની રાધાવર પૂરશે આશ.”

વળી સરખાવો (દયારામ ‘ઋતુવર્ણન') :

દયારામ ષૠતુ કથી, શ્યામ-વિરહને વ્યાજે;
રાધાકૃષ્ણ એકરૂપ છે, લીલા ભક્તને કાજે.'

તેથી જ કૃષ્ણ-ગોપી, નેમિ-રાજુલ કે એવાં કોઈ સમાજમાં આદર પામેલાં પાત્રનું આલમ્બન લેવામાં આવતું. (પૃષ્ઠ : ૨૭૬) “બારમાસનું સાહિત્ય એકલું ગુજરાતમાં જ છે એમ નથી. ઉત્તર હિન્દુસ્તાન તેમ જ બંગાળમાં પણ કેટલીક સમાન પરિસ્થિતિને લીધે આવું સાહિત્ય અસ્તિત્વમાં આવેલું છે. વિરહિણી પ્રિયતમા પ્રત્યેક માસની ઋતુલીલા નિહાળી, પરદેશ ગયેલા પતિને યાદ કરે છે; અથવા તો વિપત્તિમાં પડેલી અબળા પોતાનાં ન સહેવાતાં વીતકો, આવી રચના દ્વારા વ્યક્ત કરે છે; અને ગીત ગાનાર સુંદરીસંઘને વિચારમાં લીન કરી દે છે. બાર માસનું આ સાહિત્ય જ્યાં સુધી સ્ત્રીહૃદયમાં લાગણી છે ત્યાં સુધી લોકપ્રિય અને ચિરંજીવ રહેશે; અને તેમના જીવન-મર્મને સ્પર્શ કરી, તેમના હૃદયના તારને છેડ્યા કરશે.’’ (પૃષ્ઠ : ૨૭૭) ‘‘પ્રોષિતભર્તૃકાઓને માટે ક્યો વિષય પ્રિય હોઈ શકે? તેથી જ કૃષ્ણ-ગોપીનો અને નેમિ-રાજુલનો વિરહ ગાયો એ તેમને મન આશ્વાસન થઈ પડતું. (પૃષ્ઠ : ૨૭૫) ‘બારમાસીના સાહિત્યના ઉદ્ભવ સાથે તે સમયના સામાજિક જીવનને ઘણો નિકટનો સંબંધ છે. એ કાળે પરદેશ જતા પુરુષોના લાંબા પ્રવાસોને લીધે, વિયોગાવસ્થામાં ઝૂરતાં સ્ત્રી-પુરુષોની સંખ્યા બહુ વધારે હતી, તેથી એ પ્રવાસો વિયોગની પ્રબળ વેદનાના પ્રેરક હતા. અને તે પછીના પુનર્મિલનના આનંદો પણ એવી આવેશભરી વાણી વાટે પ્રગટ થતા હતા. સંસારની રસિક ભોગવિલાસની સામગ્રી હોવા છતાં, રમણીઓ એમનાં જીવતરના રસ મૂલવનાર રસિક સ્વામી વિના એ સામગ્રીથી ખિન્ન થતી. એમના નિ:શ્વાસો - છેલછોગાળો હોય તો મૂલવે, ડોલરિયો દરિયા-પાર; મોરલી વાગે છે.’ વળી –

હાથ રંગીને દે'ર! શું રે કરું? એનો જોનારો પરદેશ:
મેંદી રંગ લાગ્યો રે!'

એવી લોકગીતોની લીટીઓમાં જણાય છે. ‘આ રત આવી, ને નાથ! આવજો' – એવા મેઘસંદેશા પણ રમણીહૃદય દ્વારા મોકલાતા. તે સમયના પ્રવાસ, નોકરીને અંગે કેટકેટલા લંબાતા તેનું મનોવેધક ચિત્ર નીચેનાં લોકગીતોમાં પડેલું છે :

લીલી ઘોડી પાતળિયો અસવાર;
કે અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ.

એટલે, વિરહદશાની દુઃખદ અને અકથ્ય વેદનાથી અસ્વસ્થ બનેલી પત્નીએ –

ઝાલી ઝાલી ઘોડલિયાની વાગ કે
અલબેલો ક્યારે આવશે રે લોલ?’

પરદેશ ખેડવા નીકળી પડતો નવજુવાન પરદેશની અનિશ્ચિતતા સૂચવતો ઉત્તર દે છે.

ગણજો ગોરી પીપળિયાનાં પાન રે,
એટલે ને દહાડે અમે આવશું રે લોલ!'

યુવાન આમ બોલ્યો તો ખરો; પણ એના ઉદ્ધત હૃદયમાંયે સ્નેહની સુંવાળી જગા નહોતી એમ નહીં. મહાભારત યુદ્ધમાં રણે ચઢતાં અભિમન્યુને રોકી ઊભેલી ઉત્તરાસમી નવયૌવનાનો સ્નેહ, આખરે એને ભીંજવે છે, એની આંખ ભીની થાય છે અને એનાથી બોલી જવાય છે :

ગોરી મોરી! આવડલો શો નેહડો?
કે આંખમાં આંસુ બહુ ઝરે રે લોલ!' '

(પૃષ્ઠ : ૨૭૩)
સ્વરૂપગત, વિશિષ્ટતાઓ નોંધવા ઉપરાંત પ્રો. મજમુદારનું બીજું મહત્ત્વનું કાર્ય સામગ્રીને વર્ગીકૃત કરીને વિભાજિત કરીને એનું મૂલ્યાંકન કર્યું છે એ છે. તેમણે જૈનધારા, જ્ઞાનમાસની ધારા, લોકકથાની અંતર્ગત પ્રસ્તુત થયેલી બારમાસી, લોકગીતની બારમાસી, ચારણી બારમાસી અને મરસિયા બારમાસી, આવી બધી ધારાઓનાં ઉદાહરણો આપી, પરિચય કરાવેલો છે. છંદોબંધ, વિષયમાં પ્રવેશેલું નાવીન્ય અને રસસ્થાનોને પણ તેમણે ચીંધી બતાવ્યાં છે. આ બધાં કારણે પ્રોફે. મંજુલાલ મજમુદારની બારમાસી સ્વરૂપવિષયક ચર્ચા અત્યંત મહત્ત્વની છે.

‘ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન’ (૧૯૫૪)

પ્રોફે. અનંતરાય રાવળે બારમાસી સ્વરૂપનો અછડતો પરિચય આપ્યો છે અને આ કાવ્યને ઋતુકાવ્યના પ્રકારમાં સમાવિષ્ટ કર્યું છે. (પૃષ્ઠ : ૧૩૪)

‘મધ્યકાળના સાહિત્યપ્રકારો' (૧૯૫૮)

ડૉ. ચંદ્રકાંત મહેતાએ મધ્યકાલીન સાહિત્યસ્વરૂપોની કૃતિઓની લાક્ષણિકતાઓ નોંધતા જઈને જે તે સ્વરૂપોનો પરિચય કરાવ્યો છે. એમણે બારમાસી સ્વરૂપ- વિષયે અલગ રીતે પ્રકરણ પાડીને વિગતો દર્શાવી નથી; પરંતુ પવિષયક ત્રણ પ્રકરણો(પૃ. ૫૫થી)માં તથા પદમાળા ૧૮૪થી ૨૨૪માં યથાસ્થાને વિષયસામગ્રી અને સાંપ્રદાયિક ધારાની વાત કરતી વખતે જે તે વિષયસામગ્રી અને સાંપ્રદાયિક ધારામાં રચાયેલી બારમાસીઓનો પરિચય પ્રસ્તુત કરેલો છે. તેમની ત્રુટક ત્રુટક રીતે કહેવાયેલી બારમાસી વિષયક મહત્ત્વની વિગતોમાંથી મહત્ત્વના અંશો જોઈએ : ‘રૂપકનો પ્રકાર જેમ જૈન, જૈનેતર બધા કવિઓમાં પ્રચલિત હતો. તેવો જ બીજો પ્રચલિત પ્રકાર, મહિના, વા૨ અને તિથિનો હતો. શૃંગારરસની ચર્ચા કરતાં મહિનાના સાહિત્ય વિશે વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે, એટલે અહીં તો માત્ર એ વિશે એટલું જ કહેવાનું, કે કારતક મહિનાથી, ચૈત્રથી કે અષાઢથી, ગોપીની કૃષ્ણ માટેની, ભીલડીની શંકર માટેની, રાજેમતિની નેમિનાથ માટેની કે દેવીભક્તોની દેવી માટેની, કે ગણપતરામના મહિનામાં છે તેમ શિષ્યની ગુરુ માટેની વિરહવેદનાના આલેખનથી શરૂઆત થતી. આવાં બારમાસીનાં વિપ્રલંભનાં કાવ્યો હિંદી સાહિત્યમાં પણ છે અને તેમાં પણ રાધાકૃષ્ણની બારમાસી હોય છે. બંગાળી સાહિત્યમાં પણ આવી બારમાસીનો પ્રકાર છે. બિહારના સાહિત્યમાં પણ બારમાસીનું સ્વરૂપ છે. આ બારમાસીનાં કાવ્યો મોટે ભાગે તો ઋતુવર્ણનનાં જ કાવ્યો છે. એમાં પ્રત્યેક મહિને થતા ૠતુના ફેરફારો વર્ણવાતા અને એને આધારે વિરહવેદનાની ઉત્તરોત્તર વધતી જતી તીવ્રતા કે ઉત્કટતા આલેખાતી. અર્થાત્ પ્રકૃતિતત્ત્વોનો એમાં ઉદ્દીપન વિભાવ તરીકે ઉપયોગ થતો. સાથે સાથે સમાજજીવનની રહેણીકરણીમાં માસે માસે જે ફેરફાર થતો તે પણ એમાં દર્શાવી શકાતો. આમ પ્રકૃતિવર્ણન અને સમાજજીવન એ બેનો આશ્રય લઈને વિરહની વેદનાનો ઉત્તરોત્તર વિકાસ દર્શાવાતો. જ્યાં દરેક માસની વિરહવેદનાનું નિરૂપણ જુદા જુદા પદમાં થઈ આવે છે તેની ચર્ચા હવે પછીના પદમાળાના પ્રકરણમાં કરી છે. એટલે અહીં તો માત્ર શૃંગાર રસની ચર્ચા કરતી વખતે એમાં જે સમાવિષ્ટ કરી શકાયાં નથી એવાં જ બારમાસીનાં પદો લીધાં છે. વલ્લભ ભટ્ટના અંબાજીના મહિનામાં ભક્ત માતાજીના વિરહથી શોકવ્યાકુળ છે. એ માતાને મળવા તલસે છે. જોકે, એ પદની પરિભાષા શૃંગારની છે પણ બીજી રીતે કહીએ તો એમાં માતૃપ્રેમની ભાવના છે. એટલે શૃંગાર એ રસ નથી પણ ભાવ છે. બીજાં બારમાસીનાં પદોની જેમ એના વિરહમાસની શરૂઆત કાર્તિકથી થાય છે. (પૃષ્ઠ : ૧૬૨-૧૬૩)
હકીકતે આ બારમાસી પ્રેમલક્ષણા ભક્તિના ઉદાહરણરૂપ છે. વળી માત્ર વિરહ કે શૃંગાર એ જ બારમાસી કવિતાનું લક્ષણ નથી; ભક્તમાળાની બારમાસીનાં લક્ષણો અલગ રીતે નોંધવાથી આ બધું સ્પષ્ટ થઈ શકે. તેઓએ ખૂબ જ ઉચિત રીતે નોંધ્યું છે કે, ‘ગણપતરામે જ્ઞાનની બારમાસી ગાઈ છે. (‘કાવ્યદોહન' ભાગ-૮, પૃ. ૭૩૭) એમાં એણે બ્રહ્મજ્ઞાન આપનાર ગુરુનું માહાત્મ્ય ગાયું છે. ઉત્તરોત્તર ગુરુએ આપેલા જ્ઞાનથી જીવનો ક્રમે ક્રમે વિકાસ થતો ગયો તે દર્શાવ્યું છે. કાવ્યની શરૂઆત ગુરુસ્તુતિથી જ થાય છે...આ દર્શાવે છે કે, બારમાસીનો પ્રકાર કેટલો પ્રચલિત અને લોકપ્રિય હોવો જોઈએ કે મૂળ વિરહગીત માટે યોજાયેલા આ પ્રકારનો, પછી બધા રસો માટે અને જાત-જાતના વિષયો માટે ઉપયોગ થવા લાગ્યો. (પૃષ્ઠ ૧૬૫-૧૬૬)
આમ બારમાસી સ્વરૂપનું વિરહગીત તરીકેનું મૂળભૂત તત્ત્વ તેમણે ખૂબ જ ઉચિત રીતે બતાવ્યું છે. તેમણે લોકગીતમાંની બારમાસી વિષયે નોંધ્યુ છે : ‘લોકગીતોમાં પણ વિરહની બારમાસી મળે છે. એમાં ગ્રામજીવનનું વસ્તુ હોવા છતાં પાત્રોનાં નામ રાધા કે રુક્મિણિ ને કૃષ્ણ રાખ્યાં છે. (પૃષ્ઠ : ૧૬૬)
અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત સામગ્રીને કારણે તેમણે આટલું સીમિત વિધાન કર્યું છે. હકીકતે લોકસાહિત્યમાં જે બારમાસીઓ પ્રાપ્ત થાય છે એ જોતાં માત્ર રાધા કે ડ્રિમિણ નહીં પણ સીતા, પાર્વતી પણ એમાં નિરૂપાયાં છે. એમાં કૌટુંબિક જીવનની વિગતો પણ કેન્દ્રસ્થાને હોય છે. તેમણે જૈનધારાની બારમાસીની પણ વિશદ સમીક્ષા કરી છે. બારમાસીવિષયક પ્રાપ્ત થયેલી સામગ્રીનું વિશ્લેષણ અને એને પદ સાથે સાંકળી લઈને ડૉ. મહેતા દ્વારા થયેલા મૂલ્યાંકનમાંથી બારમાસીને અલગ કાવ્યપ્રકાર તરીકે તેઓ સ્વીકારતા હોય એવું પ્રતિબિંબિત થાય છે. એમના ગ્રંથનું આયોજન એ જ રીતનું છે. અહીં પદ નામના ત્રણ પ્રકરણમાં ભજન, થાળ, આરતી, ફાગુ, બારમાસી, સંવાદકાવ્યો, રૂપક મહિના, તિથિવારનાં કાવ્યો એમ વિવિધ પ્રકારને સાંકળી લીધા છે; પરંતુ એમણે ગરબા-ગરબી માટે અલગ ચર્ચાનું આયોજન કર્યું છે!

‘પ્રાચીન મધ્યકાલીન બારમાસી સંગ્રહ' (૧૯૬૪)

ડૉ. શિવલાલ જેસલપુરાના ગ્રંથની પ્રસ્તાવના નિમિત્તે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ બારમાસી કાવ્યની લાંબી પરંપરા બતાવવી અને એમાંની સમાન વિષયની અવનવી અભિવ્યક્તિ કે પરંપરાને પોતીકી રીતે પ્રસ્તુત કરવાની પ્રતિભાશક્તિનું દર્શન કર્તાએ કઈ રીતે કરાવ્યું છે, એ તપાસવું એવી અપેક્ષા અભ્યાસીઓ માટે નોંધી છે. તેઓએ નોંધ્યું છે કે, ‘રચનાશૈલીની દૃષ્ટિએ જુદા જુદા સમયની અને કર્તાની કૃતિઓ સરખાવવા જેવી છે. કયા માસથી વર્ણનનો પ્રારંભ કરવો તે અંગે ઠીક ઠીક વિવિધતા જોવા મળે છે. તેવું જ વર્ણનના વિસ્તાર અને વિગતોની બાબતમાં પણ છે.' (પૃષ્ઠ : ૬)
ડૉ. શિવલાલ જેસલપુરાએ બારમાસીના સ્વરૂપ વિષયે તેમના ગ્રંથમાં કશી વિગતો નોંધી નથી; પરંતુ ૨૯ જેટલી જૈન પરંપરાની બારમાસી, હસ્તપ્રતોને આધારે સંપાદિત કરીને તે કૃતિ અને કર્તાવિષયક વિગતો, પ્રારંભે મૂકી છે. એમાંથી જૈન પરંપરાની બારમાસી – નેમિ-રાજુલ, સ્થૂલિભદ્ર-કોશા-કથાનક, ગુરુ વ્યક્તિત્વ કે કોઈ ધાર્મિક પ્રસંગવિધિને કેન્દ્રમાં રાખીને બારમાસી રચાય છે. વર્ણનો, વિરહ અને વૈરાગ્ય ભાવબોધ કરાવવાની આવડત અને પ્રાસાનુપ્રાસ તરફ અંગુલિનિર્દેશ કરીને જૈન બારમાસીઓની ખાસિયતો એમણે નિર્દેશી છે. એક ધારાની (જૈન ધારાની) મહત્ત્વની બારમાસીઓ તેમણે એકસાથે પ્રસ્તુત કરીને તુલનાત્મક અભિગમથી અભ્યાસ કરવાની શ્રદ્ધેય સામગ્રી જુદી પાડી હોઈ એનું ઘણું મહત્ત્વ છે. તાજેતરમાં છેલ્લા બે-એક વર્ષમાં પ્રકાશિત થયેલ ડૉ. બળવંત જાનીના ચારેક અભ્યાસ-લેખોનો પણ અત્રે ઉલ્લેખ કરવો રહે. મેઘાણીએ માત્ર આઠ બારમાસીને આધારે ચારણી બારમાસીનું સ્વરૂપ ‘લોકસાહિત્યમાં ઋતુગીતો'માં ઉદાહરણો સાથે દર્શાવેલું એ પછીની કુલ બાવીસ ચારણી બારમાસીઓને નજર સમક્ષ રાખીને એમણે ‘ચારણી બારમાસીનું સ્વરૂપ', ‘સરસ્વતીપુત્ર', ઈ. સ. ૧૯૯૦, વર્ષ-૧, અંક-૧માંના લેખમાં દર્શાવ્યું છે. ઉપરાંત કંઠસ્થ પરંપરાની બારમાસીઓનાં સ્વરૂપ વિશે પણ એક લેખ (‘ઊર્મિનવરચના’ જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૦ના અંકમાં) પ્રકાશિત થયો છે, જેમાં લોકસાહિત્ય અને સંતસાહિત્યથી આ મુખપાઠપરંપરાનું સાહિત્ય કઈ રીતે અલગ તરી આવે છે એ દર્શાવ્યું છે. દયારામની કૃષ્ણવિષયક ચાર બારમાસીઓની વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપસંદર્ભે તુલનાત્મક અભિગમથી મૂલ્યાંકન કરતો તેમનો એક લેખ પણ પ્રકાશિત થયો છે. ‘કૃષ્ણચરિત્રનો મધ્યકાલીન સાહિત્ય અને લોકસાહિત્યમાંની બારમાસીઓમાં વિનિયોગ' નામનો નિબંધ ગુજરાતી સાહિત્ય અકાદમીના પરિસંવાદ નિમિત્તે તૈયાર થયો છે, જેમાંથી કૃષ્ણના ચરિત્રની કેવી વિગતો કઈ રીતે પ્રસ્તુત થઈ છે એ બધું નિરૂપીને પરંપરાનું અનુસંધાન દર્શાવી તેમાં નવા ઉન્મેષો પણ તારવી આપ્યા છે. આપણે ત્યાં આજ સુધી લોકસાહિત્યની બારમાસીઓને નજર સમક્ષ રાખીને પૂર્ણ કહી શકાય એવો સ્વાધ્યાય હજુ થયો નથી. એ કારણે મને આ વિષયમાં રસ જાગ્યો. કનુભાઈ જાની, જશવંત શેખડીવાળા, જયમલ પરમાર વગેરે મુરબ્બી મિત્રો સાથે વિમર્શ કરીને આ વિષયે સ્વાધ્યાય કરવાનો નિર્ધાર કરેલો.

(૨) બારમાસી : એક સ્વાયત્ત સ્વરૂપ

મારા વક્તવ્યમાં બીજો મુદ્દો એ છે કે, બારમાસીને એક આગવા સાહિત્યસ્વરૂપ તરીકે કયા કારણે ઓળખાવી શકાય? એ અંગેનાં મારાં તારણો અને નિરીક્ષણો પણ પ્રસ્તુત કરવાનો ઉપક્રમ મેં રાખ્યો છે, તેથી હવે એ વિષયક વિગતો પ્રસ્તુત કરીશ. બારમાસીનું કાવ્યસ્વરૂપ લાંબી પરંપરા ધરાવે છે. લોકસાહિત્ય, કંઠસ્થપરંપરાનું પદસાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય એમ બધે એ સતત પ્રયોજાતું રહેલું કાવ્યસ્વરૂપ છે. એટલે સ્વાભાવિક છે કે એમાં સમયાનુક્રમે અનેક પરિવર્તનો આવ્યાં હોય. તેમ ભિન્ન ભિન્ન સમયાનુક્રમમાં ભિન્ન ભિન્ન સર્જકોએ આ અત્યંત પ્રચલિત કાવ્યસ્વરૂપને પોતાની રીતે આગવો વળોટ-વળાંક આપેલ જણાય છે. મહિનાઓનો વિનિયોગ તમામ બારમાસીઓમાં છે, પણ એ મહિનાઓના ક્રમમાં ફેરફારો થતા રહ્યા છે, એ ફેરફારો પાછળ કંઈ ને કંઈ કારણ પણ જણાયું છે. એમને માત્ર જુદું પાડવા માટે મહિનાઓનો ક્રમ જુદો મુકાયો છે એવું નથી. વિરહના ભાવને આલેખતા મહિનાઓ બહુધા અષાઢથી આરંભાયા છે તો જૈન-પરંપરામાં જ્યારે દીક્ષા લીધી હોય એ મહિનાથી આરંભ થયો છે. જ્ઞાનમાર્ગી બારમાસીઓમાં બહુધા, કારતકથી આસો એમ નિરૂપણ છે. વાર્તાઓની અંતર્ગત જે મહિનાઓ છે એમાં પણ જે વિરહનો ભાવ હોય તે અષાઢ કે ફાગણથી શરૂ થાય છે. માત્ર મહિનાઓનો વિનિયોગ એ જ બારમાસી એમ એક વ્યાપક રૂપની વિભાવના બાંધી શકાય; પણ હકીકતે મહિનાના વિનિયોગથી કંઈ બારમાસી કવિતા ન સર્જાય. સર્જકની પોતાની અનુભૂતિને ઢાળવા માટેનું એક માળખું ખોખું તે આ બારમાસી છે. એટલે આ તો તેનું બાહ્ય સ્વરૂપ થયું અને એને કારણે એ અન્ય સ્વરૂપોથી, ખાસ તો ફાગુથી જુદું પડે છે, અને અંતે એક સ્વાયત્ત સ્વરૂપ તરીકેની ઓળખ ધારણ કરે છે. બારમાસીઓમાં મહિનાઓનો વિનિયોગ એને સ્વાયત્તતા અર્પનારું ઘટક છે; પણ એના આંતરિક સ્વરૂપમાં જે વારાફેરા આવતા રહ્યા છે એનું વિગતે અવલોકન કરતાં જણાયું છે કે, અન્ય સાહિત્યસ્વરૂપોથી પ્રભાવિત થતાં થતાં આ સ્વરૂપે તત્કાલીન સમીપવર્તી સાહિત્યસ્વરૂપોનો પ્રભાવ પણ ઓછેવત્તે અંશે ઝીલ્યો છે. આ પ્રભાવ એવી રીતે ઝિલાયો છે કે, એને કારણે સમીપવર્તી સાહિત્યસ્વરૂપથી ભિન્ન રહીને એ પોતાનું સ્વાયત્ત એવું સ્વરૂપ જાળવી રાખે એ છે. બારમાસી અત્યંત લોકપ્રિય હશે તો જ એ આટલી વિપુલ માત્રામાં રચાઈ હોય. તેમ ભિન્ન ભિન્ન ધારાના સર્જકોએ એને અપનાવી હોય. આ સ્વરૂપ આમ જૈન અને જૈનેતર એમ ઉભય ધારાના સર્જકોએ અપનાવ્યું. એ આટલો લાંબો સમય ટકી શક્યું એનું કારણ તે સતત પરિવર્તનશીલ રહ્યું છે એ હોઈ શકે. એની સ્વાયત્તતા ન અળપાય એ રીતે એમાં પરિવર્તન આવ્યા કર્યું છે. અન્ય સમીપવર્તી સાહિત્યસ્વરૂપોની સાથે સરખાવવાથી આ વાત સ્પષ્ટ થશે. ફાગુ જેવા વિરહ અને શૃંગારના ભાવો મહિનાઓના માધ્યમથી બારમાસીમાં પ્રયોજાયેલા છે. પરિણામે ફાગ ખેલવાના પ્રસંગ-યુક્ત બારમાસીઓ પણ મળે છે. એમાં ફાગ ખેલ્યાની ક્રિયા અને એ નિમિત્તે શૃંગારનું નિરૂપણ થયેલું હોય છે. અહીં છે નર્યું સંવેદન અને એને જન્માવતી ક્રિયાઓ; તેમ છતાં એ ફાગુ ન બની રહેતાં બને છે બારમાસી. સંવેદનમૂલક, વર્ણનપ્રધાન બારમાસી ફાગુ નથી બની જતી, એનું સ્વાયત્ત સ્વરૂપ જાળવી રાખે છે એ કારણે આ સ્વરૂપમાં માત્ર વિરહભાવ અને એને પોષક પરિબળરૂપ માત્ર પ્રિય પાત્રનો વિયોગ નહીં પણ, પ્રિયની અનુપસ્થિતિમાં અન્ય જ્યારે ફાગ ખેલતા દૃષ્ટિગોચર થાય ત્યારે એનો ઘેરો પ્રત્યાઘાત, અહીં પાત્રનાં ચિત્તમાં કેવો પડે તેનું નિરૂપણ થાય છે ત્યારે અહીં વિરહિણીના વિરહને તીવ્ર બનાવનાર તત્ત્વ તરીકે પણ ફાગુની વિષયસામગ્રીનો વિનિયોગ થયેલો જણાય છે. પદમાં પણ સંવેદનમૂલક ભાવ ક્યારેક હોય છે. આવા પદસમૂહની પદમાળાથી પણ બારમાસી જુદી પડી છે. પદમાળામાં એક ભાવ ભિન્ન ભિન્ન પદમાં જુદી રીતે પ્રયોજાયેલો હોય છે અને ભાવ દૃઢ બનતો હોય છે, જ્યારે બારમાસીમાં પ્રત્યેક મહિનાના ભાવને પદસ્વરૂપમાં ઢાળીને બાર કે તેર પદના સમૂહ-સ્વરૂપની બારમાસી પણ મળે છે. પણ તેમ છતાં પણ પાંચ-છ કડીમાં એક મહિનાના ભાવને વિગતે આલેખતી બારમાસી પદમાળાથી નોખી તરી રહે છે. એમાં પ્રત્યેક મહિનાને એની તાસીરને અનુરૂપ, અનુકૂળ એવા ભિન્ન ભિન્ન ભાવો હોય છે. તેથી તેમાં મહિનો બદલાતાં ભાવ પણ બદલાય છે. પદમાળામાં આમ બનતું નથી. તેથી તે પદમાળા ન બની રહેતાં બારમાસી બની રહે છે. માત્ર વર્ણનો અને સંવેદનો જ બારમાસીમાં હોય છે એવું નથી. એમાં સ્પષ્ટ રૂપના કથાનકનો વિનિયોગ હોય એવી બારમાસી પણ મળે છે; પણ તેમ છતાં આ બારમાસીઓ ગીતકથા કે કથાગીત બની જતી નથી. અહીં આછા કથાનકથી અથવા એકાદ પ્રસંગને અનુષંગે મહિનાઓના માધ્યમથી પ્રસંગને વર્ણવવામાં આવે છે. એમાં સંઘર્ષનું તત્ત્વ ઓછું હોય છે. એક પ્રસંગમાંથી અવનવા પ્રસંગો સર્જાય તથા એમાંથી કથા રચાય એવું એમાં બનતું નથી. જ્યારે ગીતકથામાં તો કેન્દ્રસ્થાને કથા જ હોય છે. બારમાસીમાં કથાનક માત્ર ભાવને પોષક પરિબળ સ્વરૂપે જ પ્રવેશેલું હોય છે. સર્જકનો આશય કથા કહેવાનો નથી પણ એને અનુષંગે ભાવને દૃઢ કરવાનો હોય છે. બારમાસી આમ એનાં સમીપવર્તી સાહિત્યસ્વરૂપોથી નોખી તરી રહે છે. તેમાં વિવિધ પ્રકારના ભાવોને ઉપકારક બને એવી રીતે સંવેદનનું તત્ત્વ કથન ને વર્ણન દ્વારા પ્રયોજાયેલ હોય છે. પણ એ જ્ઞાનમાર્ગી ધારાની બારમાસીમાં તો સંવેદન-વર્ણન કે કથન કંઈ જ પ્રયોજાયેલું હોતું નથી. નરી જ્ઞાનચર્યા જ પ્રયોજાયેલી હોય છે, તેમ છતાં એ બને છે બારમાસી. આમ પ્રેમભક્તિ દ્વારા, જ્ઞાનમહિના દ્વારા અને લોકરંજન દ્વારા સર્જકોએ બારમાસીને એક સ્વરૂપ તરીકે સ્વીકારીને એમાં પોતાને અભિપ્રેત વિષયો આલેખેલા છે, છતાં એની સ્વાયત્તતા અળપાઈ નથી એ મને આ સ્વરૂપની વિશિષ્ટતા લાગી છે. બારમાસીઓની અભિવ્યક્તિઓનું સ્વરૂપ અનોખું છે. અહીં ક્યાંક કથન છે, તો ક્યાંક નર્યું વર્ણન છે અને એમાંથી ભાવ ઉદ્ઘાટિત થાય છે. ક્યાંક સંવાદોના માધ્યમથી, તો ક્યાંક સ્વગતોક્તિના માધ્યમથી ભાવને પ્રગટાવવામાં આવે છે. આમ કથન, વર્ણન, સંવાદ કે સ્વગતોક્તિ એમ ચારેક પ્રકારની ૨ીતિમાંથી કોઈ ચોક્કસ રીતિને બારમાસીમાં ખપમાં લેવામાં આવે છે. આ જ રીતિથી અન્ય સાહિત્ય-સ્વરૂપો પણ રચાયેલાં જ હોય છે. તેમ છતાં અહીં જે વર્ણન કે કથન છે એ બારમાસીના ભાવને પોષક રૂપનું વર્ણન- કથન છે અને સંવાદ કે સ્વગતોક્તિ છે એ આંતરસંઘર્ષને વાચા આપનાર પરિબળ તરીકે હોય છે, જે બારમાસીને કલાત્મક પરિમાણ અર્પનારાં તથા સ્વાયત્તતા અર્પનારાં ઘટકો બની રહે છે. લોકસાહિત્યમાંજે બારમાસીઓ છે એમાં પણ નરી વર્ણનાત્મક કે કથનાત્મક એમ ઉભય પ્રકારની બારમાસીઓ સાંપડે છે. મહિનાઓને ક્યાંક એકાદ કડીમાં તો ક્યાંક બે-ચાર કે પાંચ-છ કડીમાં પણ ઢાળવામાં આવેલ છે. આમ, એ બારમાસીઓ પણ એકંદરે મધ્યકાલીન પરંપરાના અનુસંધાનરૂપની જ આ ધારાની બારમાસીઓ છે. અહીં લોકમાનસ પડઘાતું સંભળાય છે. લોકના ગમા-અણગમા, આનંદ-દુઃખના ભાવો, કૌટુંબિક પાત્રસૃષ્ટિને આધારે કે પછી કૃષ્ણ-રાધા કે રામ-સીતા જેવાં લોકચિત્તમાં સ્થિર પાત્રોને આધારે અભિવ્યક્તિ પામ્યા હોય છે. રાધા-કૃષ્ણ અહીં આલેખાયાં છે. એમાં નર્યા. પૌરાણિક પ્રસંગો નથી, પરંતુ માનવજીવનની ગતિવિધિ ને માનવચરિત્રોને આધારે એ રચાયેલ છે. લોકસાહિત્યવિષયક બારમાસીમાં પૌરાણિક ચરિત્રોનાં માધ્યમ વડે અભિવ્યક્તિ આપવામાં આવી છે એમ કહી શકાય. એના પ્રકારો આ વિષયની બારમાસીની વિગતે રસલક્ષી સમીક્ષા કરતાં જોઈશું. આમ મધ્યકાલીન ગુજરાતીની કે લોકસાહિત્યની જે બારમાસીઓ જોઈ એમાં ભિન્નતા હોવા છતાં એ બની રહે છે તો બારમાસી જ. માત્ર મહિનાઓના બાહ્ય-વિનિયોગને કારણે નહીં પણ એમાંના આંતરિક ઘટકો અન્ય સમીપવર્તી સાહિત્યસ્વરૂપોની કક્ષાના હોવા છતાં જુદા પડે છે એ કારણે એ અલગ અને અનોખી એવી બારમાસી જ બની રહે છે. વિવિધ સમીપવર્તી સાહિત્યસ્વરૂપોની કક્ષાની વિષયસામગ્રી અને અભિવ્યક્તિનું સ્વરૂપ સ્વીકારીને પણ બારમાસી કાવ્યપરંપરાને સમૃદ્ધ કરનારી આ બધી કૃતિઓ છે અને એ કારણે હકીકતે સ્વરૂપ સમૃદ્ધ થયું છે કે વિકસ્યું છે એમ કહી શકાય એવું મને જણાયું છે. મારા આ સ્વાધ્યાયમાં બારમાસીઓના એકત્રીકરણ માટે મુદ્રિત બારમાસીઓનું ચયન કરવાનું આયોજન વિચારેલું. એટલે લોકસાહિત્યવિષયક ‘લોકસાહિત્યમાળા’ના ૧થી ૧૪ મણકાઓ, ઉપરાંત ઝવેરચંદ મેઘાણી, પુષ્કર ચંદરવાકર, ખોડીદાસ પરમાર અને અન્યનાં સંપાદનોમાંથી બારમાસીઓ એકત્ર કરેલી. પછી એ બધી બારમાસીઓના અભ્યાસ કરીને સમાન બારમાસીઓને બાદ કરીને બચેલી સત્તાવીશ બારમાસીઓનો અભ્યાસ અત્રે પ્રસ્તુત કરેલ છે. અહીં આથી લોકસાહિત્યમાળાના ૧થી ૧૪ મણકાઓ, ‘રઢિયાળી રાત, ભાગ-૨’ અને ‘લોકસાહિત્યનાં ઋતુગીતો' એમ ત્રણ સંપાદનોમાંથી લોકસાહિત્યની કુલ ૨૭ બારમાસીઓ અહીં વિષયસામગ્રી પ્રમાણે વિભાજિત કરીને નવો ક્રમ આપીને સંકલન રૂપે મૂકી છે. મારા અભ્યાસમાં મેં આ બારમાસીઓનાં માત્ર શીર્ષક જ નિર્દેશ્યાં છે. પ્રત્યેક બારમાસીઓની નીચે એનો ગ્રંથસંદર્ભ અને પૃષ્ઠાંક પણ કૌંસમાં મૂક્યા છે. આ અભ્યાસીઓને સામગ્રી સુલભ થાય એવો એની પાછળ શુભાશય . છે. અને માટે બારમાસીઓના સંપાદકો-પ્રકાશકો પરત્વે ઋણસ્વીકારભાવ પ્રગટ કરું છું.

ઉદાહ્યત બારમાસીઓની ક્રમિક યાદી, ગ્રંથસંદર્ભ સાથે
ક્રમ ઉદાહ્યત બારમાસીનું શીર્ષક
૧. વાલા
૨. રાધિકાના મહિના
૩. વ્હાલાજી
૪. લાલજીના મહિના ૫. સાંભળ સાહેલી
૬. વિનતિ
૭. વૈરાગના મહિના
૮. કૃષ્ણના મહિના
૯. કૃષ્ણના મહિના
૧૦. જમના જવા દો પાણી રે!
૧૧. મહિના
૧૨. રમવા આવો ને રે!
૧૩. આવો હરિ!
૧૪. બાર મહિના
૧૫. રાધાવિરહ-૧
૧૬. રાધાવિરહ-૨
૧૭. આણાં
૧૮. નંદલાલના મહિના
૧૯. એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો
૨૦. રામદે ઠાકોર અને ઠકરાણાંના બારમાસ
૨૧. આણાં મેલજો
૨૨. કણબીનાં દુઃખ
૨૩. મહિના
૨૪. મહિના
૨૫. તુલસીની બારમાસી
૨૬. ગોવિંદ હાલરું
૨૭. શ્રવણનું લોકગીત
ગ્રંથસંદર્ભ
૧. રઢિયાળી રાત-૨, પૃ. ૧૨૭, ૧૨૮
૨. ગુજરાતી લોકસાહિત્યમાળા, પૃ. ૩૩૫, ૩૩૬, ૩૩૭
૩. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૪૭, ૩૪૮
૪. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૩૩, ૩૩૪
૫. લોકસાહિત્યમાળા મણકો-૧૩, પૃ. ૧૮૪, ૧૮૫, ૧૮૬
૬. રઢિયાળી રાત-૨, પૃ. ૧૩૯, ૧૪૦
૭. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૩૭, ૩૩૮, ૩૩૯
૮. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૩૯, ૩૪૦, ૩૪૧
૯. ગુજ. લો.સા.માળા, પૃ. ૧૦૪, ૧૦૫
૧૦. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૩૧ રઢિયાળી રાત-૨, પૃ. ૧૩૪, ૧૩૫, ૧૩૬
૧૧. રઢિયાળી રાત-૨, પૃ. ૧૩૭, ૧૩૮, ૧૩૯
૧૨. લોકસાહિત્યમાળા મણકો-૧૩, પૃ. ૧૬૬, ૧૬૭
૧૩. લોકસાહિત્યમાળા મણકો-૬, પૃ. ૮૫, ૮૬
૧૪. લોકસાહિત્યમાળા મણકો-૬, પૃ. ૮૭, ૮૮
૧૫. રઢિયાળી રાત-૨, પૃ. ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪
૧૬. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૪૧, ૩૪૨, ૩૪૩
૧૭. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૪૩, ૩૪૪, ૩૪૫
૧૮. ગુજ. લો.સા.માળા, પૃ. ૩૪૮, ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૨, ૩૫૩
૧૯. લોકસાહિત્યમાં ઋતુગીતો-૨, પૃ. ૭૪, ૭૫
૨૦. લોકસાહિત્યમાળા મણકો-૯, પૃ. ૨૫૭, ૨૫૮, ૨૫૯
૨૧. લોકસાહિત્યમાળા મણકો-૭, પૃ. ૧૭૮, ૧૭૯
૨૨. લોકસાહિત્યમાળા મણકો-૭, પૃ. ૮૬, ૮૭
૨૩. લોકસાહિત્યમાળા મણકો-૫, પૃ. ૫૪, ૫૫
૨૪. ગુજ. લો.સા.માળા, પૃ. ૧૪૫, ૧૪૬ લોકસાહિત્યમાળા મણકો-૧૨, પૃ. ૨૨૩, ૨૨૪

લોકસાહિત્યની ઉપર નિર્દેશેલી સત્યાવીશ બારમાસીઓને એની વિષયસામગ્રીના સંદર્ભે રાધા-કૃષ્ણવિષયક, સામાજિક સંદર્ભવિષયક તેમ જ પ્રકીર્ણ એવા ત્રણેક વિભાગમાં વિભાજિત કરીને એનું વિશ્લેષણ અત્રે કર્યું છે.

‘(૧)

આ બારમાસીઓમાં બહુધા વિરહના ભાવને અને સામાજિક સંદર્ભોને પણ વણી લેવાયેલ જોવા મળે છે. માનવચિત્તમાં ઊઠતા ભાવોને સહજ રૂપની અભિવ્યક્તિ સાંપડી છે. એની પદાવલિમાં રોજબરોજની ભાષા છે, ક્યાંક વ્યાકરણના નિયમોને નેવે મૂકીને, ક્યાંક સીધેસીધું – સણસણતું પરખાવી દઈને તો ક્યાંક હૃદયની વેદનશીલતાને નરી સરળતા અને નિર્દોષતાથી, રજૂઆત થઈ છે. આ જેવી છે તેવી નિર્વ્યાજ ‘અપોલિશ્ડ’ પદાવલિઓએ મારા જેવા અનેકોને મુગ્ધ કર્યા છે. કેટલીક બારમાસીઓ કે એની પદાવલિઓ તો આજ સુધી કંઠસ્થ પરંપરામાં આપણે ત્યાં ટકી રહી છે. એમાં ઘૂંટાયેલું કવિત્વ ન હોત તો ભાવકના સ્મૃતિગગનમાં આજ સુધી એના ગડગડાટનું અનુરણન્ પડઘાયા કરતું ન હોત.

‘(૨)

આપણે ટૂંકમાં ‘તમામ બારમાસીઓ'ના વિષયગત અને અભિવ્યક્તિગત સૌંદર્યને જોઈએ. રાધા-કૃષ્ણવિષયક બારમાસીઓના જૂથમાંની બારમાસીઓ મોટે ભાગે રાધા-કૃષ્ણના વિરહભાવને લક્ષે છે, પરંતુ કેટલીક એ નિમિત્તે કુટુંબજીવનના ભાવોને પણ તાકે છે. માગશરે મથુરા ભણી ગયેલા કાન કારતકે ઘેર આવ્યા ત્યાં સુધીનો પ્રત્યેક મહિનાઓનો આલેખ આપતી ‘વાલા!' શીર્ષકની બારમાસીમાં નાયિકાની વિરહાવસ્થા તારસ્વરે વ્યક્ત થઈ છે. પોષ મહિને શોષમાં મુકાયેલી ને રોષમાં ફરતી ગોપીની તીવ્રતમ વ્યથા વ્યક્ત થઈ છે ફાગણમાં

વાલા! ફાગણ હોળી હૈયે બળે રે,
દીનાનાથ ગોત્યા ક્યાંય નવ મળે રે!'

હોળીના સામાજિક પ્રસંગની સાથે જ હૈયામાં બળતી હોળી અને એને પરિણામે પેદા થતી હૈયાની બળતરાના સાહચર્યથી અહીં, નાયિકાનો વેદનાગર્ભ વિયોગ સુપેરે વ્યક્ત થયો છે. એવી જ રીતે કૃષ્ણના મથુરાગમનને પરિણામે સર્જાયેલી રાધાની વિરહવ્યાકુલ મન:સ્થિતિ, ‘રાધિકાના મહિના'માં વેધક રીતે વ્યક્ત થઈ છે. એમાંયે -

કે ભાદરવો ભલી પેર ગાજે,
કે સહિયર ઘેર વલોણું ગાજે,
કે તે તો મારા રુદિયામાં દાઝે,
કે જમુના જાવા દો પાણી!'

જેવી પંક્તિઓમાં તો રાધાની આ વિરહવિકલતાની પરાકોટિ અનુભવાય છે. સહિયરને ઘેર ગાજતાં વલોણાંના અવાજે પોતાનું રુદિયું દાઝે! સહિયર પ્રિયતમમિલનનું સુખ માણી શકે છે, જ્યારે એની પડખે જ રહેતી પોતે, એ મિલનસુખથી વંચિત છે એ વાત અહીં માર્મિક રીતે રજૂ થઈ છે. સહિયરને ત્યાં મહીનું મંથન કરતું વલોણું જાણે કે પોતાના મનનું મંથન કરે છે! આમ, પોતાની અને સહિયરની સ્થિતિની સહોપસ્થિતિ દ્વારા, રાધાની વિરહવેદનાની તીવ્રતા અહીં આબાદ રીતે દર્શાવાઈ છે. તો ‘વાલાજી’ શીર્ષકની બારમાસીમાં પ્રિયતમની પ્રતીક્ષા કરતી પ્રોષિતભર્તૃકા જોશીડા તેડાવવાની ને જોશ જોવડાવવાની વેતરણ કરે, ને જોશીડાને રૂડા જોશ જોઈ દેવાનું કહે –

ભાઈ, જોષીડા! જોજે રૂડા જોષ રે વાલાજી.’
આ કે
જે મારા કરમડિયાના દોષ મારા વાલાજી!'

પ્રિયતમવિરહને લીધે સર્જાયેલી પોતાની દારુણ સ્થિતિ માટે જવાબદાર પોતે અને પોતાનાં કર્મો જ છે એવું આશ્વાસન લેતી નાયિકા, પ્રિયતમાના નહીં, પરંતુ કરમના જ દોષ જોવાનું કહે છે, ત્યારે એની ગુણગ્રાહિતા ઉઘાડી પડે છે, તો અન્ય બારમાસીઓમાં મોટે ભાગે ભાદરવાની નદિયુંમાંથી ઊતરીને કંથ કેમ આવશે? એવી ચિંતાનો સૂર વ્યક્ત થાય છે, જ્યારે અહીં ભાદરવામાં ભરદરિયે ડૂબેલી નાયિકાને કંથ વિના કર ઝાલીને કોણ ઉગારશે? એવો પ્રશ્ન છેડાય છે. કારતકથી આસો માસ સુધીની સ્થિતિના વર્ણન પછી પણ કેટલીક પંક્તિઓમાં પિયુને આવવાની વિનવણી ક૨વામાં આવે છે. બારમાસીના સ્વરૂપ સાથે અસંગત જણાતા એવા આ ભાગમાં લોકસમાજના ભાવો વ્યક્ત થાય છે અને તેમાંથી પરંપરાગત પરિવારનો પરિવેશ પણ સર્જાય છે. અહીં ‘આવડલી', ‘કરમડિયા', ‘સાસુડી', ‘છોરુડા’ જેવા સ્વાર્થિક ‘ડ' કે ‘લડ' કે 'ડલ' લાગીને બનતા, લઘુતાસૂચક શબ્દો ધ્યાન ખેંચે છે, જે શબ્દપ્રયોગો પછીથી આપણને ન્હાનાલાલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ‘લાલજી'ને ઉદ્દેશીને નાયિકાની વિયોગી મનોદશાને વ્યક્ત કરતી ‘લાલજીના મહિના’ રચનામાં, ‘ઓ લાલ, વહેલા આવજો હો લાલ!' જેવી ધ્રુવપંક્તિ દ્વારા લાલને વહેલા આવવાનું કહેવાય, સાથે જ કારતકથી આસો સુધીની ‘લાલજી’ના વિરહે ગોપીની મનઃસ્થિતિ પણ વર્ણવાય; પરંતુ પછીથી ફૂલવાડીમાંનાં રંગીન બાવળના લાકડાંની ઘડાવેલી નવરંગ પાવડીઓ પહેરીને લાલજી આવશે એવો મિલનનો આશાવાદ પણ અહીં વ્યક્ત થાય છે. આમ, કેવળ કારતકથી આસો મહિના સુધીની વાત કરતી પરંપરિત બારમાસી કરતાં અહીં જુદી તરેહનો અનુભવ થાય છે. ‘સાંભળ સાહેલી'માં સાહેલી સમક્ષ અંતર ઉઘાડતી ગોપીની કેટલીક વાત તો સામાન્ય અને પૂર્વકથિત છે, પરંતુ આ સુખનાં સરોવર સૂકઈ જિયાં, મારે દુઃખનાં ઊજ્યાં ઝાડ, સાંભળ સાહેલી!’ જેવી પંક્તિમાં જે કાવ્યાત્મક સ્પર્શ અનુભવાય છે એ આસ્વાદ્ય છે. સુખ અને દુઃખ જેવાં અમૂર્ત તત્ત્વોનું ‘સરોવર’ અને ‘ઝાડ' દ્વારા થયેલું મૂર્તીકરણ અત્યંત ધ્યાનાકર્ષક છે. નાયિકાની ચિત્તસ્થિતિની આવી કલ્પનયુક્ત અભિવ્યક્તિ જવલ્લે જ જોવા મળે છે. એ જ રીતે ‘વિનતિ'માં કૃષ્ણના વિયોગને પરિણામે વ્રજની નારીનું ચિત્રણ છે. અહીં પ્રત્યેક માસના પરિપ્રેક્ષ્યમાં થયેલી વાત પરંપરાગત બારમાસીઓ કરતાં જુદી પડે છે અને નૂતન સ્પર્શ પામીને નિરૂપાય છે. દા.ત.

પોષે પ્રભુજી ગયા પરદેશ
નારીને મેલ્યાં એકલાં રે લોલ.'
(‘રઢિયાળી રાત-૨', પૃ. ૧૩૯)

જેવી પંક્તિની વર્ણસગાઈ તથા પોષમાં શોષ પડવાના પરંપરિત નિરૂપણ કરતાં નોખાપણું ધ્યાનપાત્ર છે. ‘વૈરાગના મહિના' શીર્ષકની રચનામાં પ્રત્યેક પંક્તિ/ચરણને અંતે ‘કહો હિર કેમ રહુ એકલી, મારો શો .અપરાધ?' એવો પ્રશ્ન છેડતી નાયિકાની સ્થિતિને વેધક વાચા મળી છે. અહીં, સમગ્ર રચનામાં વાત વૈરાગની નહિ, પણ નાયિકાના વિરહભાવની જ છે, તેથી આ રચનાને અપાયેલા ‘વૈરાગના મહિના' શીર્ષકને બદલે ‘વિજોગના મહિના' શીર્ષક જ સમુચિત જણાય છે. વળી અહીં, પોષ પછી સીધી ફાગણની વાત આવતાં એક મહિનો – મહા મહિનો ખંડિત થયેલો માલૂમ પડે છે. ‘કૃષ્ણના મહિના’ શીર્ષકની બંને બારમાસીઓમાં કૃષ્ણવિરહને પરિણામે ગોપીની દશા વર્ણવવામાં આવી છે. અહીં, પ્રથમ રચનામાં આસો માસ ખંડિત થતો હોઈ કારતકથી ભાદરવા સુધીની જ વાત છે. એવી જ રીતે, જમના જાવા દો પાણી રે'માં પણ આસો માસ ખંડિત થયેલો અનુભવાય છે. તો ‘મહિના', ‘રમવા આવો ને રે!', ‘આવો હિર', ‘બાર મહિના' તથા ‘રાધાવિરહ-૧' અને ‘રાધાવિરહ-૨' વગેરે બારમાસીઓમાં મોટે ભાગે પૂર્વકથિત ભાવો નિરૂપાયા છે અને એમાં મહદંશે પરંપરાનું અનુરણન સંભળાય છે. રાધા-કૃષ્ણવિષયક મોટા ભાગની બારમાસીઓમાં ભાવનિરૂપણની માફક વર્ણનમાં પણ એકવિધતા જોવા મળે છે, પરંતુ અપવાદરૂપ કેટલીક બારમાસીઓમાં ભાષાનો અર્વાચીન પાસ લાગેલો જણાય છે, મોરારને આણાં મોકલવાની વિનવણી કરતી ‘આણાં' રચના આરંભે વિરહિણીની વ્યથા અને અંતે આણાં આવ્યાંના સમાચારથી અનુભવતા આનંદને વ્યક્ત કરે છે. બાર માસ દરમ્યાનની નાયિકાની મનોગતિની વાત કર્યા બાદ –

ખાજાં તો ખરાં થિયાં ને લાડુડા ખારા ઝેર,
જલેબીએ તો જુલમ કર્યો, દહીંથરિયે વાળ્યો દાટ
કે આણાં મોકલને મોરાર!'

એવી ભોજનની કેટલીક સામગ્રીને આલેખીને ભોજનના પ્રાકૃત રસમાં કાવ્ય સરી ગયું છે, ને કવિકર્મ પણ નબળું બન્યું છે. વળી, બાર મહિનાની ગતિવિધિના આલેખન બાદ પંદરેક પંક્તિઓ સુધી કાવ્ય વિસ્તર્યું છે, જે બારમાસીના સ્વરૂપ સાથે સુસંગત બનવાને બદલે પરિશિષ્ટ રૂપે પાછળથી આવ્યું હોય એમ લાગે છે. તો નંદલાલને રમવા આવવાનું કહેણ મોકલાવતી ગોપીની મનોગતિને નિરૂપતી ‘નંદલાલના મહિના’ના આરંભે

કારતક તો કષ્ટ કહાડચો, ભરદરિયે જેમ જહાજ,
માગશર મારગડે મેલી, હવે મારું કોણ છે બેલી?'

(‘ગુજરાતી લોકસાહિત્યમાળા' : પૃ. ૩૪૧) જેવી પંક્તિમાં ‘જહાજ', ‘બેલી' જેવી મુસ્લિમપરંપરાની શબ્દરચના જોવા મળે છે. અલબત્ત, આ પરંપરાનું અનુસંધાન રચનાના અંત પર્યન્ત ચાલુ રહેતું નથી. પરંતુ પછીથી તો પરંપરિત બારમાસીઓના ભાવ અને ભાષાનું રૂપાંતર જ મળે છે, એટલે મુસ્લિમ પરંપરાના શબ્દોવાળો રચનાનો આગળનો ભાગ કોઈએ ઉમેર્યો હોય કે જોડી કાઢ્યો હોય એમ પણ બનવાજોગ છે. આમ, રાધા-કૃષ્ણવિષયક કેટલીક બારમાસીઓ વિષયગત અને અભિવ્યક્તિગત સૌંદર્યને કારણે આપણા આસ્વાદ અને અભ્યાસનો વિષય બની રહે છે. આ બારમાસીઓમાં એક બાજુ રાધા-કૃષ્ણના વિરહભાવની અભિવ્યક્તિ છે, તો બીજી બાજુ એમાંથી કેટલીક વખત સામાજિક સંદર્ભો અને પારિવારિક પરિવેશ પણ પ્રગટે છે. આવા ભાવને નિરૂપતી કેટલીક બારમાસીઓને ‘સામાજિક બારમાસી'ના અલગ જૂથમાં મૂકી શકાય તેમ છે. એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!' એ ધ્રુવપંક્તિવાળી ક્રમાંક ૧૯મી સામાજિક પ્રકારની બારમાસીમાં પરદેશ જતા પિયુને દરેક મહિને કોઈ ને કોઈ કારણોસર રોકવા મથતી અને સંભવિત વિયોગની કલ્પનાથી ફફડાટ અનુભવતી નાયિકાની સંવેદના વ્યક્ત થઈ છે. સંયુક્ત કુટુંબમાં રહેતી પતિવિહોણી પત્નીની સ્થિતિના ચિતારમાંથી આખોયે સામાજિક સંદર્ભ સ્ફુટ થાય છે :

“પોષે જે અબળાને પિયુડે પરહરી,
તે નારીનાં પૂરણ મળિયાં પાપ જો,
સાસરીએ રહીને તે શાં સુખ ભોગવે,
મઇયરમાં નવ ગાંઠે મા ને બાપ જો,
એ મહિને નવ જઈએ પિયુ પરદેશ જો!’

અહીં, સમગ્ર રચના દરમિયાન રાધા-કૃષ્ણના ઓઠા વિના જ, સામાન્ય પતિ-પત્નીના પ્રણયભાવનું નિરૂપણ, નિરાળી રીતે થયું છે. આ કૃતિમાં પરંપરાગત બારમાસીઓમાં વારંવાર પ્રયુક્ત શબ્દગુચ્છો કે પ્રાસો પડઘાતા નથી, પરંતુ ધર્મેતર એવા સ્ત્રી-પુરુષના પ્રણયની વાત આગવી રીતે આલેખાઈ છે. વળી, આ બારમાસીના ભાવનું -

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
ઝીણા ઝરમર વરસે મેહ
ગુલાબી નહિ જાવા દઉં ચાકરી રે!'

એ જાણીતા લોકગીતના ભાવ સાથેનું સામ્ય પણ ચીંધી શકાય તેમ છે. એવી જ રીતે રામદે ઠાકોર અને ઠકરાણાંના બારમાસ' શીર્ષકની રચનામાં યુદ્ધ માટે જતા પતિને, યુદ્ધમાં ન જવાની પત્ની દ્વારા થતી વિનવણી ફાવ્યવિષય બની છે. ક્ષાત્રધર્મની આ કૃતિમાં યુદ્ધમાં પ્રસ્થાન કરતા પિયુને – ઠાકોરને, કોઈ ને કોઈ બહાનું બતાવીને, રોકવાની ક્ષત્રિયાણીની મથામણ મુખ્યત્વે વ્યક્ત થઈ છે. સંક્રાન્તિકાળના આ લોકકાવ્યમાં સર્જકનું સભાન કર્તૃત્વ જણાય છે, ક્યાંક તત્સમ શબ્દોની છાંટ પણ અનુભવાય છે; દા. ત., શુભ શકુન જોવરાવશું, તમે હૃદે ન ધરશો રીસ.’ જેવામાં ‘શકુન’એ પાછળથી ઉમેરાયેલો સંસ્કારાયેલો પાઠ પણ હોય, કેમ કે લોકસાહિત્યમાં તો ‘શકુન'ને બદલે ‘શુકન' શબ્દ જ વિશેષ પ્રચલિત છે, તો

માહ માસે અમે ચાલશું મેગળ બાંધ્યા બહાર;
ઊંટે આથર ભીડિયા, કામની સજે શણગાર.”

- જેવી પંક્તિઓમાંનાં મેગડ ઊંટના ઉલ્લેખને લીધે અને ચોક્કસ પ્રકારના વર્ણનને કા૨ણે સૈન્યનો પરિવેશ પ્રત્યક્ષવત્ થાય છે. તો વળી, પ્રિય પાત્ર સાથેના સ્નેહસંપૃક્ત સંબંધની ઇન્દ્રિયસંવેદ્ય અભિવ્યક્તિ પણ એટલી જ આકર્ષક છે

ચિત્ત ચૂરમું, મન લાપસી, ઉપર ઘીની ધાર;
કોળિયે કોળિયે પોખતી, દિવસમાં દસ વાર.'

અહીં આપણને લોકસાહિત્યના ‘તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર' પ્રયોગનું સ્મરણ થઈ આવે છે. સંવેદનની માફક સંવિધાનની દૃષ્ટિએ પણ આ રચના અન્ય બારમાસીઓ કરતાં જુદી પડે છે. અહીં સર્જકનું સંવેદન દોહાબંધમાં રજૂ થયું છે. જોકે એમાં કવિ ક્યારેક કેટલીક છૂટછાટ લઈ લે છે

આસો નહીં દઉં ચાલવા, નવ દહાડા નવરાત;
દશમે ઇસરા પૂજશું, કાળી ચૌદશની રાત.’’

અહીં‘કાળી ચૌદશની રાત'માં લય તૂટે છે, હકીકતે તો અહીં ‘કાળી ચૌદશ રાત' પ્રયોગ જોઈએ. પણ વાતની વધુ સ્પષ્ટતા કરવા ખાતર જ કદાચ કવિ આ છૂટ લે છે. ‘ગુલાબી નહિ જાવા દઉં ચાકરી રે.' ગીતમાંના કાવ્યનાયકને, પરદેશ જવાનો ઇન્કાર કરતી નાયિકાના મનોભાવ સાથે, આ કાવ્યની મનઃસ્થિતિનું પણ પૂરેપૂરું મળતાપણું વાંચી શકાય છે. ‘આણાં મેલજો'માં સાસરિયેથી પિયર આવવા ઇચ્છતી બહેન ઋતુએ ઋતુએ પોતાના ભાઈને તેડવા આવવાનું કહેવરાવે, વળી પોતે ઉનાળે કાંતણાં કાંતશે, વર્ષાએ જૂઠડાં ખોદશે ને શિયાળે સાંધણાં સાંધશે એમ કહીને બધાં કામ કરી દેવાની ખાતરી આપે, પણ ભાઈ તો જુદાં જુદાં બહાનાં બતાવી બહેનને તેડાવવાને બદલે તમે તમારે સાસરે જ સારાં છો' એમ કહેવરાવે, ફરી પાછી બહેન પોતાના પિયરનાં બાળ-સાથીસમાં ઝાડવાં ને રસ્તા દેખાડવાનું કહે ત્યારે પણ એ ઝાડવાં ને રસ્તા હવે . રહ્યાં નથી એવો જૂઠાણાંવાળો જવાબ ભાઈ તરફથી મળે. અંતે પિયર જવાનું એક પણ નિમિત્ત ન મળતાં, પોતે મરી જઈને ચકલીનો અવતાર પામવાની કે કૂવાનો પથ્થ૨ બનવાની ઝંખના સેવે. આમ, સમગ્ર કાવ્યમાં બહેનની પિયર-દર્શનની તીવ્ર ઝંખના વ્યક્ત થઈ છે. પતિ-પત્ની કે પ્રિયતમ-પ્રિયતમાની વિયોગવ્યથા જ મોટા ભાગનાં બારમાસી કાવ્યોનો વિષય બને છે ત્યારે ભાઈ-બહેન વચ્ચેના આવા સંવાદને નિરૂપતાં વિરલ કાવ્યો પણ અત્યંત ધ્યાનપાત્ર બની રહે છે. ‘કણબીનાં દુઃખ'માં નાયક-નાયિકાની વિરહવેદનાને બદલે કૃષિજીવનની દુર્નિવાર વેદનશીલતા પ્રગટે છે. સાથોસાથ અહીં મહેનતકશ કૃષિકારોની વાતમાંથી ખેતીકામનું સમયપત્રક પણ મળે છે. ‘મહિના' શીર્ષકની રચનામાં વિશેષતઃ પ્રકૃતિના પરિપ્રેક્ષ્યમાં બાર માસનું વર્ણન છે. જે પ્રકૃતિનો લોકોને પ્રત્યક્ષ પરિચય છે એનું ચિત્રણ કરીને અહીં આખોયે પ્રાકૃતિક પરિવેશ સર્જાયો છે. તો ‘મહિના' શીર્ષકની અન્ય રચના અંતર્ગત કાન-ગોપીને નિમિત્તે દરિયાખેડુ દંપતીની વિરહવ્યથા વ્યક્ત થઈ છે. વળી, બારમાસીની સાથે સેળભેળ થયેલી આ રચનામાં કારતકથી માંડી જેઠ મહિના સુધીની જ વાત છે, એ બાબત પણ ધ્યાન ખેંચે છે. વિષય સંદર્ભે રાધા-કૃષ્ણવિષયક તેમ જ સામાજિક બારમાસીના જૂથ ઉપરાંત પ્રકીર્ણ એવી બારમાસીઓ પણ અલગ તારવી શકાય એમ છે. વિષય અને સંવિધાનની બાબતમાં પરંપરાગત બારમાસીને અનુસરવાને બદલે નિરાળી ચાલે ચાલતી આ પ્રકારની બારમાસીઓ, બારમાસી સ્વરૂપના ચુસ્ત દૃઢબંધને સ્વીકારતી નથી, તેમ છતાં તેના પર પડેલો બારમાસીના સ્વરૂપનો પ્રભાવ સ્વીકારવો પડે તેમ છે. એટલે બારમાસીનો આભાસ ઊભો કરતી આ પ્રકારની અલ્પસંખ્ય કૃતિઓ પણ ધ્યાનાર્હ બને છે. તુલસીને વિષય બનાવીને લખાયેલી ‘તુલસીની બારમાસી' નોખી જ ભાત પાડે છે. અષાઢથી આરંભીને જેઠ સુધી જુદા જુદા સંદર્ભોમાં તુલસીની વાત કર્યા બાદ અહીં તુલસીનું મહિમાગાન ગવાયું છે. બારમાસીનો આભાસ ઊભો કરતી ‘ગોવિંદ હાલ' રચનામાં કૃષ્ણજન્મ પૂર્વેની અને કૃષ્ણજન્મ પછીની સ્થિતિ શબ્દસ્થ થઈ છે. કૃષ્ણના જન્મ પહેલાંના નવ મહિનાના ઉલ્લેખ બાદ, દસમા મહિનામાં કૃષ્ણના જન્મ થયા પછી, કૃષ્ણની વિવિધ માગણીઓનું આલેખન અહીં થયું છે. તો ‘શ્રવણ લોકગીત' એ પણ બારમાસીનો આભાસ ઊભો કરતી કૃતક રચના છે. એના સંવિધાન ઉપર બારમાસીના સ્વરૂપની અસર વરતાય છે, પરંતુ અહીં વિષય તરીકે ગર્ભસ્થ શ્રવણની વાત આલેખાઈ છે.

‘(૩)

વિષયની માફક સંવિધાન અને પદબંધની બાબતમાં પણ આ બારમાસીઓમાં વૈવિધ્ય અનુભવાય છે. અહીં, ‘તુલસીની બારમાસી' જેવી રચનામાં એક પંક્તિની કડી : ‘લાલજીના મહિના', 'નંદલાલના મહિના, ‘જમના જાવા દો પાણી રે', ‘બાર મહિના', ‘સાંભળ સાહેલી', 'વાલા', ‘વાલાજી' જેવી અનેક રચનાઓમાં બે પંક્તિની કડી; ‘મહિના', ‘કણબીનાં દુ:ખ', ‘આણાં' વગેરેમાં ત્રણ પંક્તિની કડી; ‘વૈરાગના મહિના', ‘રાધિકાના મહિના’, ‘કૃષ્ણના મહિના' જેવી કેટલીયે કૃતિઓમાં ચાર પંક્તિની કડી; સામાજિક બારમાસી'માં પાંચ પંક્તિની કડી કે ‘રાધાવિરહ' જેવી રચનામાં ત્રણ, ચાર ને પાંચ એમ મિશ્ર કડીઓમાં બારમાસી રચાયેલી જોવા મળે છે. જોકે અહીં બે પંક્તિઓની કડીમાં ભાવાભિવ્યક્તિ કરવાનું વલણ વિશેષ રહ્યું છે. લોકસાહિત્યની બારમાસીની આપણી પરંપરામાં કેટલુંક પુનરાવર્તન વારંવાર નજરે ચડે છે. જેમ કે પોષે શોષ પડે, ફાગણે હોળી આવે, ચૈતરે ચિત્ત ચાળા કરે ને ચંપો, દાડમ ને ધ્રાખ મોરે, આસોમાં દિવાળી આવે ને સુંવાળી સેવ વણાય – આ તમામ વાતો મોટા ભાગની બારમાસીઓમાં પુનરાવર્તિત થાય છે. આમ, કેટલીક વાર થતા પદબંધના પુનરાવર્તનની જેમ ભાવનું પુનરાવર્તન પણ અહીં જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી બારમાસી રચનાઓની જ્ઞાનમાર્ગી ભક્તિમાર્ગી એમ. વિવિધ ધારાઓ છે. તે રીતે કંઠસ્થ પરંપરાની બારમાસીઓમાં ચારણી પરંપરાની તથા લોકસાહિત્યની પરંપરાની બારમાસીઓની બીજી ધારા છે. આ સ્વતંત્ર ધારાપ્રવાહની બારમાસીઓમાં પણ ભિન્ન ભિન્ન રીતે વિષયસામગ્રી પ્રયોજાઈ હોય એ સ્વાભાવિક છે. સમાન પ્રવાહની બારમાસી પણ કેવું વૈવિધ્ય ધારણ કરતી હોય છે અને સાથે સાથે પરંપરાનું અનુસંધાન કેવી રીતે જાળવતી હોય છે તેનો ખરો ખ્યાલ આ સ્વાધ્યાય દ્વારા મળી રહે છે. આમ, ગુજરાતીમાં થયેલો બારમાસીના સ્વરૂપવિષયક વિચારણાનો પરિચય, બારમાસીનું સ્વરૂપ, લોકસાહિત્યની સત્યાવીશ બારમાસીઓ તથા એનું વિશ્લેષણ એમ ચાર બાબતોવિષયક મારું સ્વાધ્યાયનિરીક્ષણો પ્રસ્તુત કર્યાના આનંદ સાથે વિરમું છું.