અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સેટાયર : તેનું સ્વરૂપ : વિદેશી ને ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ

From Ekatra Wiki
Revision as of 09:34, 9 April 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''૮. સેટાયર તેનું સ્વરૂપ : વિદેશી ને ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ '''</big></big></center> <center><big>'''ડૉ. મધુસૂદન પારેખ'''</big></center> {{Poem2Open}} સેટાયર આમ તો સાહિત્ય જેટલો પ્રાચીન છે. સાહિત્યનો ઉદ્ભવ થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. સેટાયર તેનું સ્વરૂપ : વિદેશી ને ગુજરાતી સાહિત્યમાં તેનું ખેડાણ
ડૉ. મધુસૂદન પારેખ

સેટાયર આમ તો સાહિત્ય જેટલો પ્રાચીન છે. સાહિત્યનો ઉદ્ભવ થયો લગભગ તેની સાથોસાથ સેટાયર પણ પ્રગટવા માંડ્યો છે. પણ તેની બહુ પ્રતિષ્ઠા નથી. એને ઊંચા આસને કોઈ પ્રજાએ સ્થાપ્યો હોય એમ દેખાતું નથી. પ્રાચીન કાળથી શું પરદેશમાં કે શું આપણા દેશમાં કટાક્ષ અને કટાક્ષકારને ટાળવાની, એનાથી દૂર રહેવાની વૃત્તિ-પ્રવૃત્તિ ધ્યાન ખેંચે છે. પ્રજાઓએ એ સાહિત્યપ્રકારને અથવા એ ‘સ્પિરિટ’કે ‘ટોન'ને પૂર્વગ્રહથી નિહાળ્યો છે. વિવેચકોએ કટાક્ષકારને ભાંગફોડ-નિષ્ણાત; સર્જક નહીં પણ ઉચ્છેદક ને બેજવાબદાર એવા ખિતાબો આપ્યા છે. એક વિવેચકે કહ્યું છે, [1] સેટાયર ઇઝ ચીક’ સેટાયર એ નફટાઈ, ધૃષ્ટતા છે. પ્રજા નિરાંતે પ્રમાદભરી નિદ્રા માણતી હોય ત્યાં સેટાયરકાર એમની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. એમને ઝબકાવીને જગાડી મૂકે છે. સમાજની સ્થાપિત પરંપરાને તે આઘાત આપે છે, જે રૂઢ છે તેનું તે ખંડન કરે છે, પણ પછી તે અવકાશ પૂરી આપતો નથી, એ નવી પરંપરા સ્થાપતો નથી, (અલબત્ત, સેટાયર-લેખક એ માટે બંધાયેલો છે ખરો? - એવો પ્રશ્ન પૂછી શકાય.) એટલે સ્વાભાવિક રીતે રૂઢિની શય્યા પર આરામથી પોઢેલા લોકોને એ અણગમતો છે. એને દંભીઢોંગી ગણી કાઢવામાં આવે છે, કારણ એ પોતે સમાજ કરતાં નૈતિક રીતે ઊંચો છે, પ્રગતિશીલ છે એવો એનો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ દાવો હોય છે. બીજાઓને ઊંચા સ્થાનેથી ચાબુક ફટકારવાની અને એમાં આનંદ કે સંતોષ માનવાની એની વૃત્તિ પણ એના માટે દ્વેષ કે પૂર્વગ્રહ પ્રેરે છે. સેટાયરિસ્ટ હંમેશાં લઘુમતીમાં હોય છે. છેક પ્રાગૈતિહાસિક કાળથી સેટાયર પ્રજામાં ભય અને ચમત્કારતા પ્રગટાવતો રહ્યો છે. અતિ પ્રાચીન પરંપરા મુજબ સેટાયરનો સંબંધ જાદુ સાથે મનાયો છે. ધાર્મિક વિધિમાં સેટાયરનો પ્રયોગ થતો. ગ્રીસમાં ભૂમિની ફળદ્રુપતા અને સમૃદ્ધિ માટે Phallus નામના દેવની આરાધના થતી અને એ સમયે જે કેટલાક લોકોએ મહેસૂલ કે ધર્મવિધિમાં ફાળો ના આપ્યો હોય તેવાઓનાં નામોનો નિર્દેશ કરીને એમના પર આયમ્બિક છંદમાં રચના દ્વારા કટાક્ષ અથવા પ્રહાર કરવામાં આવતો. એ ગીતો આ ગ્રીક દેવતા ફૅલસના નામ પરથી ફૅલિક ગીતો કહેવાતાં. તદુપરાંત અનિષ્ટ તત્ત્વોની અસર નાબૂદ કરવા માટે પણ આ ગીતોમાં અશ્લીલ ભાષા આમ્બિક છંદમાં પ્રયોજાતી હતી. આમાંથી ધીમે ધીમે સેટાયર પ્રચલિત થવા માંડ્યો. એ સેટાયરમાં મંત્રોચ્ચાર હતો અને એ સેટાયરની વાણીની દુશ્મનોને હણી નાખવાની શક્તિમાં લોકોને શ્રદ્ધા હતી. ઈ. સ. પૂર્વેની સાતમી સદીમાં થઈ ગયેલો આર્કિલોસ પરંપરા પ્રમાણે ગ્રીસનો આદિ સેટાયરકાર મનાય છે. એના આયમ્બિક છંદમાં રચાયેલા સેટાયરમાં શબ્દશઃ વિરોધીને હણી નાખવાની શક્તિ હતી. એવી લોકમાન્યતા છે. આર્કિલોસના પિતા મોભાદાર અને માતા ગુલામ જાતિની હતી. એના વિવાહ એક ઉમરાવની દીકરી સાથે થયા પણ પાછળથી એ ઉમરાવે કંઈક કારણસર (કદાચ એની માતા ગુલામ હોવાને કારણે) એ વિવાહ ફોક કર્યા. એટલે અત્યંત રોષે ભરાયેલા આર્કિલોકસે એમના પર આયમ્બિકમાં એવા સેટાયર રચ્યા કે પિતા-પુત્રીએ આત્મહત્યા કરી લીધી! ‘આર્કિલોક્સનો ગુસ્સો' એ શબ્દપ્રયોગ જમાનાઓ સુધી સાહિત્યમાં જળવાઈ રહ્યો છે. આર્કિલોકસના આયમ્બિક એ પ્રાથમિક રૂપના સેટાયર ઇન્વેસ્ટિવ હતા. એ પરંપરાનો નિર્દેશ વીસમી સદીમાં પણ રૉય કેમ્પબેલના ઉદ્ગારોમાં મળે છે : જેમ સિંહ જિરાફની કમર તોડી નાખે તેમ હું મારી કવિતારચનાથી મારા પ્રતિસ્પર્ધી કવિઓને ખતમ કરીશ. આમ ઈ. સ. પૂર્વેના સમયમાં સેટાયરમાં જાદુઈ શક્તિ વિશે લોકો સભાન હતા. કવિના આયમ્બિક અથવા ઇન્વેક્ટિવથી દુશ્મન અવશ્ય મરણશરણ થાય. અને જો મૃત્યુદંડથી ઓછો દંડ એને વેઠવાનો આવે તો તે કવિકીર્તિને માટે લાંછન ગણાતું! પ્લૅટોએ એમના યુગના આયમ્બિક રચનારાઓને જાદુઈ પ્રક્રિયા કરનારાઓને સખત સજાની હિમાયત કરી હતી. સેટાયરમાં દુશ્મનને મહાત કરવાની જાદુઈ શક્તિ વિશે માત્ર ગ્રીસની પ્રજાને નહીં, ગ્રીસથી ભિન્ન સંસ્કૃતિ ધરાવતી અરબસ્તાન અને આયર્લેન્ડની પ્રજાને પણ શ્રદ્ધા હતી. અરબસ્તાનમાં સેટાયર માટે ‘હીજા' શબ્દ પ્રચલિત હતો. દુશ્મનો સામે યુદ્ધસમયે સેટાયર રચનારા કવિનો ખાસ ઉપયોગ થતો. એ ઇન્વેસ્ટિવથી દુશ્મનોને મહાત કરી શકાતા. આરબોની ટોળીઓ અંદરોઅંદર ઇન્વેક્ટિવની સ્પર્ધા પણ યોજતી અને એમાંથી કેટલીક વાર આંતરયુદ્ધો પણ ફાટી નીકળતાં. અરબસ્તાનમાં સ્ત્રીઓ પણ સેટાયર/ઇન્વેક્ટિવ લખતી. એના નેણકટાક્ષ કરતાં વેણકટાક્ષ જરાયે ઓછા ઊતરે એવા નહોતા. મોટા શાસકો પણ તેમનાથી ગભરાતા. અરબસ્તાનના આ કટાક્ષ-હીજામાંથી આગળ ભંડલેખ (લૅમ્પૂન)નો ઉદય થયો. આયર્લૅન્ડમાં કવિ જાદુગર મનાતો. એની કવિતામાં વિષમય શક્તિ મનાતી. ત્યાં કવિ માટે Fillel શબ્દ છે. એમાં Fi એટલે ઝેર, li એટલે પ્રશંસા. પ્રશસ્તિ અને નિંદા-ઇન્વેક્ટિવ બંનેમાં તે કુશળ ગણાતો. ત્યાં ઉંદરની વસ્તી ખૂબ હતી અને ઉંદર મારવા માટે પણ પ્રાસયુક્ત રચના કામે લગાડવામાં આવતી. બેન જૉન્સન, સ્વિફ્ટ, પોપ, ડન અને વીસમી સદીમાં રૉબર્ટ બ્રાઉનિંગ આ પરંપરાથી વાકેફ હતા, સાહિત્યમાં ‘રાઇમ ધ આયરિશ રેટ'નો પ્રયોગ પ્રચલિત હતો. ગ્રીસમાં સેટાયર લખાતા હતા પરંતુ એની કોઈ વ્યવસ્થિત પરંપરા નહોતી. એરિસ્ટોફેનિસનાં સેટિરિક લખાણો પ્રસિદ્ધ છે. તદુપરાંત ગ્રીસમાં ‘ઓલ્ડ કૉમેડી'માં પણ સેટાયરના અંશો હતા. ગ્રીસમાં વિવિધ વસ્તુઓના અવયવ માટે satyr શબ્દ હતો. નિશ્ચિત કાવ્યસ્વરૂપ માટે તે પ્રયોજાતો હતો. રોમન કટાક્ષકારોએ વ્યવસ્થિત રીતે એ પ્રકાર ખેડ્યો. લ્યુસિલિયસ,હોરેસ, પર્સિયસ, જુવેનલ વગેરે લેખકોએ સેટાયરની એક સમૃદ્ધ પરંપરા રચી. એટલા માટે જ વિન્ટિલિયન નામનો લેખક સેટાયરને રોમન સાહિત્યનો પ્રકાર ગણે છે અને નોંધે છે : ‘લ્યુસિલિયસે સંશોધેલો હેકઝામીટરમાં અમુક વિષયોનું નિરૂપણ કરતો અને લ્યુસિલિયસ-હોરેન્સનો સૂર (ટોન) જાળવતો સાહિત્યપ્રકાર તે સેટાયર.’ [2] ૨ ગ્રીક શબ્દ satyr ઉ૫૨થી રોમન શબ્દ satura અને તેમાંથી અંગ્રેજી શબ્દ satire પ્રચલિત થયો અને તેનો અર્થવિસ્તાર થયો. સેટાયરકારોના સમયથી સેટાયરના છંદ અને લયમાં પરિવર્તન આવ્યું. સેટાયરમાં જાદુઈ શક્તિને બદલે પ્રતીતિ કરાવવાની શક્તિ(પર્વેશન)નો ખ્યાલ સ્થાપિત થયો અને કટાક્ષને હેટોરિકની શાખા તરીકે સ્થાન મળ્યું. સેટાયરની સુબદ્ધ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. ડૉ. જ્હૉન્સને એની ટૂંકી વ્યાખ્યા આપી છે દુષ્ટતા કે મૂર્ખતા પર પ્રહાર કરતી કવિતા.' આ વ્યાખ્યા ભાગ્યે જ પર્યાપ્ત હોય. બીજી વધારે વિસ્તૃત વ્યાખ્યાઓ પણ અપાતી રહી છે; પરંતુ એથી તો વધુ ગૂંચવાડો ઊભો થાય તેમ છે. એનું કારણ છે : સેટાયર એક તરફ સાહિત્યના પ્રકાર રૂપે પ્રચલિત છે, બીજી તરફ સાહિત્યમાંનાં અનેક સ્વરૂપોમાં એ સૂર (ટોન) રૂપે કે તત્ત્વ (સ્પિરિટ) તરીકે પ્રગટે છે. [3] વીસમી સદીનો એક પ્રસિદ્ધ સેટાયરકાર વિન્ધમ લેવિસ કહે છે, કટાક્ષનું માધ્યમ હાસ્ય ખરું, પણ એ પંચ'માં આવેલું કે પેરડીમાં પ્રગટતું કે અંગ્રેજીનું વિશિષ્ટ હાસ્ય નહીં એ હાસ્ય તો કઠોર, ટાઢું, ને કરુણ હાસ્ય; કટાક્ષકારની ઉગ્રતા અને સંહારાત્મકતા સાથે સુસંગત થાય તેવું હાસ્ય. સેટાયર એ તો કૉમેડી અને ટ્રેજેડી વચ્ચેનું વર્ણસંક૨ મિશ્ર (હાયબ્રીડ) રૂપ છે. સેટાયરને સાહિત્યનો ઉચ્ચ પ્રકાર લેખવામાં આવ્યો નથી. ટ્રેજેડી કે મહાકાવ્યની કક્ષાએ તે કદી પહોંચી શકે નહીં. રોમન સેટાયરકારો જુવેનલ અને હોરેસની પરંપરા હેઠળ અંગ્રેજીમાં સેટાયરનું સાહિત્ય મબલખ ખેડાયું છે, ડ્રાયડનનો સમય (૧૬૮૧થી ૧૭૪૨) એ તો સેટાયર-સાહિત્યનો સુવર્ણકાળ હતો, તેમ છતાં અંગ્રેજી વિવેચનમાં પણ એ સાહિત્યપ્રકાર પ્રત્યે ગંભીર લક્ષ અપાયું દેખાતું નથી અને સામાન્ય રીતે પ્રજા સેટાયર પ્રત્યે અણગમો સેવતી આવી છે. સેટાયરકાર જો પ્રજાને અણગમતો છે તો શાસક-વર્ગને તો તે આંખના કણાની જેમ કઠે છે. આર્કિલોસની કવિતા પર સ્પાર્ટીમાં પ્રતિબંધ હતો. એથેન્સમાં તો લોકશાહી અને વાણી-સ્વાતંત્ર્યના યુગમાં પણ એરિસ્ટોફેનિસને રાજ્યની ટીકા કરવા માટે ન્યાયાધીશ સમક્ષ ખડો કરવામાં આવ્યો હતો. હોરેસ શાસકવર્ગ તરફથી આવી પડનારાં જોખમોથી પૂરતો સભાન હતો. બીજા એવા જ એક સમર્થ રોમન સેટાયરિસ્ટ જુવેનલની પણ આવી જ મનોદશા હતી. એના જમાનાનાં અનિષ્ટોથી અને રોમન પ્રજાની રીતરસમોથી તે વાજ આવી ગયો હતો. સેટાયર માટે તેની કલમ સજ્જ હતી. એણે નોંધ્યું છે ‘અનિષ્ટ તત્ત્વોની આવી સમૃદ્ધ ફસલ અગાઉ ક્યારેય હતી ખરી?' અને એ આક્રોશથી ઉદ્ગાર કરી ઊઠ્યો હતો : સેટાયર ન લખવો એ ઘણું દુષ્કર છે.’ [4] પર્સિયસને પણ અસહ્ય પરિસ્થિતિથી પરેશાન થઈને કહેવું પડ્યું હતું કે, ‘એ મૂંગો રહેશે તો ફાટી પડશે. [5] અને છતાં શાસકોનો ડોળો તેમના પર મંડાયેલો જ રહેતો. જુવેનલને લાચારીથી કહેવું પડેલું કે વિદ્યમાન વ્યક્તિઓ પર સેટાયર નહીં લખી શકાય. એ લખવામાં શાસકો તરફથી જોખમ હતું. એણે નોંધ્યું કે, પોતે મૃત પાત્રોનાં નિરૂપણ દ્વારા જ સાંપ્રત વ્યક્તિ અને સમાજ પર સેટાયરનાં તીર ચલાવશે. રાણી એલિઝાબેથના સુવર્ણયુગના ઈંગ્લૅન્ડમાં પણ સેટાયર રચવા પર કડક પ્રતિબંધ મુકાયો હતો. હૉલ, માર્સ્ટન અને નેશના સેટાયરની હોળી કરવામાં આવી હતી. અલબત્ત, સેટાયરકારોએ કૉમિક સેટાયરનાં નાટકો રચીને શાસકોનાં ફરમાનોમાંની છટકબારી શોધી કાઢી. આજે પણ જ્યાં એકહથ્થુ સત્તાવાદ જામ્યો છે એવા દેશોમાં સેટાયર-લેખકો માટે જાનહાનિનું જોખમ છે જ; અને લોકશાહીવાળા દેશોમાંય એમનું નામ સરકારના બ્લેક લિસ્ટમાં ના હોય તો જ નવાઈ! (આપણા દેશમાં કટોકટી લાદવામાં આવી તે સમયમાં કેટલાક સેટાયકારો ચૂપ થઈ ગયા હતા, કેટલાક સકારી સકંજામાં સપડાવાય નહીં તે રીતે પોતાનો હેતુ સાધતા હતા.) કેનેથ બર્કનો અભિપ્રાય એવો છે કે કલાત્મક સેટાયર શાસકોનાં નિયંત્રણો નીચે જ ખીલતા હોય છે. સેટાયરને એક તરફ પોતાનો હેતુ સિદ્ધ કરવાની ને બીજી તરફ સરકારી તંત્રની કે કાયદાની ચુંગાલમાં ન સપડાવાય તેની એમ બેવડી કુશળતા દાખવવાની હોય છે. એનાં ફળ સારાં આવી શકે. કેટલાક સમર્થ લેખકો પણ સેટાયર પ્રત્યે પોતાની અરુચિ અને ‘કટાક્ષવૃત્તિ’ પ્રગટ કરતા રહ્યા છે. પાથેર બેઇલ નામના એક ડિક્ષનરી લેખકે સેટાયરિસ્ટને ‘વધાવતાં' નોંધ્યું છે કે, એ હડકાયા કૂતરા જેવો છે. લોકોને કરડવાનું જ તે જાણે છે. એણે સેટાયર લખીને સામાજિક ગુના કેટલા રોક્યા અથવા કેટલા સુધારા સમાજમાં પ્રવર્તાવ્યા એ તો કોઈ બતાવો! ડૉ. જ્હૉન્સન કહેતા કે સેટાયર એ તો બુદ્ધિચાતુર્ય અને દુષ્ટતાના અનૈતિક સમાગમનું ફળ છે.' એડિસને નોંધ્યું છે કે સેટાયર એટલે મુખ પર સ્મિત ધરી વસ્ત્રોમાં ખંજર છુપાવનારી સુંદરી.' સેટાયરકાર ભલે સમાજના કલ્યાણની ભાવનાથી કે અન્ય કોઈ ઉચ્ચ હેતુથી પ્રવર્તતો હોય પણ વણિકવૃત્તિવાળો શાણો સમાજ તેના પ્રત્યે શંકાથી ને અણગમાથી જ જોવાનો! અને છતાં જ્યારે જ્યારે સમાજજીવન રૂઢિના કૂપમાં કે કાસારમાં બંધિયાર બની રહ્યું હોય, એને લીલ બાઝી હોય, ધાર્મિકતા અવળે માર્ગે ફંટાતી હોય, ધર્મગુરુઓ દંભી અને દુરાચારી બન્યા હોય; અથવા રાજકીય જીવનમાં મૂલ્યો ઊથલી પડ્યાં હોય, ભ્રષ્ટાચારની ગંગામાં જ પ્રજાને પાવન થવાનું ભાગ્ય પેદા થયું હોય ટૂંકમાં, સમાજમાં કે રાષ્ટ્રમાં સદાચારને સ્થાને સડાચાર વ્યાપેલો હોય ત્યારે સમાજીવનમાં કે રાષ્ટ્રજીવનમાં મૂલ્યોની પુનઃસ્થાપના માટે, સ્વસ્થતા ને સમતુલા પ્રગટાવવા માટે જેમ સમાજસુધારકો તેમ સેટાયરકારો પણ યુગે યુગે સંભવવાના જ. સેટાયર-લેખક પણ સમાજસુધારક છે. પણ સમાજસુધારક સીધા ઉપદેશથી પ્રજાને પોતાની ભાવનાની પ્રતીતિ કરાવે છે, સેટાયર-લેખક એ જ વસ્તુ પોતાની આગવી કળાથી સિદ્ધ કરવા મથે છે. પોતાના સમાજની વાસ્તવિક પરિસ્થિતિ અને આદર્શ પરિસ્થિતિ વચ્ચે સર્જાયેલી મોટી ખાઈ જોઈને સેટાયરકારનું આખું હૃદય અત્યંત સંવેદનશીલ અને વ્યથિત બને છે; હવે ચૂપ નહીં રહેવાય, એવી આત્મપ્રતીતિ તેને થાય છે. એટલે સમાજનું અનિષ્ટ, રૂઢ માળખું તોડવા માટે, સમાજની સમતુલા પાછી લાવવા માટે તેમ જ સમાજની ઉન્નતિને રૂંધનારા જડ સ્વાર્થી વર્ગને ચાબુક ફટકારવા એ સજ્જ બને છે. જેમ વિશ્વનાં કેટલાંક સમર્થ ઊર્મિકાવ્યો કવિના ચિત્તના અનાયાસ પ્રબળ ક્ષોભમાંથી ઉદ્ભવેલાં છે તેમ વિશ્વનું કેટલુંક ઉત્તમ સેટાયર-સાહિત્ય પણ નિઃસંશય સમાજહિત-ચિંતક એવા સેટાયરકારના ચિત્તમાં, સમાજની વરવી પરિસ્થિતિ જોતાં અનાયાસ ઉદ્દભવેલા પ્રબળ પુણ્યપ્રકોપના ઊભરામાંથી જન્મ્યું છે. સેટાયર એની ઊર્મિઓના કૈથાર્સિસનું નિમિત્ત બને છે. કવિ અને સેટાયર-લેખક વચ્ચે મોટો ભેદ છે. કવિ એક ઝબકારામાં સત્ય પામે છે અને સમગ્ર સત્ય પ્રગટ કરે છે. કવિ એ દ્રષ્ટા છે. સેટાયર-લેખક સમગ્ર સત્ય નહીં પણ સત્યનું એકાદ જ પાસું રજૂ કરે છે. તેય દ્રષ્ટાથી હેસિયતથી નહીં, પણ કુશળ વકીલની કળાથી. એ ચતુરસુજાણ છે. સામાજિક પ્રણાલિકાઓના દુર્ગમાં ગાબડું પાડવું અથવા તંત્રને હચમચાવવું એ કેવું દુષ્કર કાર્ય છે તેની તેને ખબર છે. બૃહદ્ જનસમાજની મનોવૃત્તિ રૂઢિના કિલ્લામાં શાંત સલામત જીવન જીવવાની છે એની તેને જાણ છે. વિશાળ જનસમાજ મહદંશે એનાં મંતવ્યો પ્રત્યે કાં ઉદાસીન રહેશે કાં ઉપેક્ષાથી જોશે. એને સહકાર કે સમભાવ મળે તો એક નાનકડા વર્ગનો જ મળે એ હકીકતનો પણ તેને ખ્યાલ છે. કટાક્ષકાર જે પરંપરા કે પ્રણાલિ પર કુઠારાઘાત કરવા સજ્જ થયો છે એ પરંપરા કે પ્રણાલિ અનિષ્ટ છે, સામાજિક પ્રગતિમાં અવરોવધરૂપ છે, એવી પ્રતીતિ ભલે નાનકડા સમાજવર્ગને પણ થવી જ જોઈએ. સેટાયરની કળા એ પ્રતીતિ કરાવવાની કળા છે એટલે એની વાણી વાચકને કે શ્રોતાને આકર્ષે, મુગ્ધ કરે, પ્રભાવ પાડે અને પ્રતીતિ કરાવે એવી વિશિષ્ટ અથવા વિલક્ષણ હોવી જોઈએ. સેટાયર એ અેટોરિકની શાખા ગણાઈ છે અને અેટોરિકની વ્યાખ્યા ઑક્સફર્ડ અંગ્રેજી ડિક્ષનરીમાં આ પ્રમાણે આપી છે – પ્રતીતિકર કે પ્રભાવક ભાષાના વિનિયોગની કળા. સેટાયરકાર માટે શું કહેવું એ પ્રશ્ન નથી; કઈ રીતે કહેવું એ પ્રશ્ન છે. સત્ય હકીકત પ્રગટ કરવાથી જ એનો હેતુ સિદ્ધ થતો નથી; પરંતુ અત્યાર સુધી જનસમાજ જે સાચી હકીકત પ્રત્યે આંખ મીંચી રાખતો, દુર્લક્ષ સેવતો હતો તે હકીકત પ્રત્યે તેનું લક્ષ દોરવાનું છે. પોતાને થયેલી પ્રતીતિમાં સમાજના વર્ગોની પ્રતીતિ પણ ભળે, એમની સંમતિ મળે એ હેતુથી કઈ હકીકત છાવરવી, કઈ રીતે વાત રજૂ કરવી એ તરફ તે ખાસ ધ્યાન રાખે છે. આખરે તો તે પોતાનો કેસ રજૂ કરતો કુશળ વકીલ છે. વાણીની મોહિની તો તેનામાં છે જ. રમૂજ અને ‘વિટ' તેનાં અમોઘ શસ્ત્રો છે. [6] સેટાયર એ સામાજિક કે ધાર્મિક-રાજકીય રૂઢ વલણોના વિરોધમાંથી અથવા નૈતિક અધઃપતન સામેના આક્રોશમાંથી જન્મે છે. આયન જેક કહે છે : ‘સેટાયર ઉદ્ભવ્યો છે વિરોધવૃત્તિમાંથી, ને એ કલામાં પરિણમેલો વિરોધ છે.’- અંગ્રેજ કવિ પોપે પણ ઉચિત રીતે જ સેટાયરને સત્યના રક્ષણ માટેનું પવિત્ર શાસ્ત્ર ગણ્યો છે. [7] અલબત્ત, દરેક સારી વસ્તુનો દુરુપયોગ થતો રહ્યો છે તેમ સેટાયરના પવિત્ર ગણાયેલા શસ્રનો પણ વ્યક્તિગત વેરલાલસા સંતોષવા માટે દુરુપયોગ થયો છે. સેટાયર જ્યારે અણઘડ અથવા અધમ કક્ષા દાખવે છે ત્યારે તે કાં નિંદાખોરી (ઇન્વેક્ટિવ) અથવા ભંડલેખ (લૅમ્પૂન) બને છે. આ બંનેમાં સેટાયરનું પ્રાથમિક અપક્વ રૂપ છે. સેટાયર સિદ્ધ કરવો એ સહેલી વાત નથી. સેટાયરકાર પોતાની સુપિરિયૉરિટી સિદ્ધ કરવા, અંગત પૂર્વગ્રહોથી પ્રેરાઈને પોતાના સંતોષ ખાતર વ્યક્તિઓ ૫૨ નિંદાનો ચાબુક વીંઝે તો એ પોતે હાસ્યાસ્પદ બને છે. જુવેનલ એના છઠ્ઠા કટાક્ષમાં ગ્રીક-લૅટિન શીખતી મહિલાઓની નિંદા કરે છે. ત્યાં એ પોતે હાંસીપાત્ર બને છે અથવા તિરસ્કૃત થાય છે. રમણભાઈના ‘ભદ્રંભદ્ર'માં પણ જ્યાં નિંદાના અંશ આવે છે ત્યાં રસિક ને વિદગ્ધ વાચકવર્ગ અકળાયો છે. [8] સેટાયર, અગાઉ કહ્યું તેમ, ઉચ્ચ કલાસ્વરૂપ નથી. એના વિશે કહેવાયું છે તેમ ઇટ ડઝ નૉટ એક્ઝાલ્ટ, ઇટ ડિફલૅટ્સ. ભવ્ય વિષયો મોટે ભાગે સેટાયરના પ્રદેશમાં સમાય નહીં. મૃત્યુ કે દિવ્ય પ્રેમ કટાક્ષનો વિષય બને તો બેહૂદું લાગે. અલબત્ત, મૃત્યુના નિરૂપણ દ્વારા જીવનની વિકૃતિ કે વ્યર્થતા પર સેટાયર રચી શકાય. બાયરને એમ કર્યું છે એના વિઝન ઑવ જજમેન્ટ'માં. પ્રેમની દિવ્યતા દ્વારા તકલાદી કે તુચ્છ-ચંચળ પ્રેમવૃત્તિની મજાક જરૂર કરી શકાય. મુનશીએ ‘બ્રહ્મચર્યાશ્રમ' નાટકમાં બ્રહ્મચર્ય જેવા ભવ્ય વિષયને કેન્દ્રમાં રાખીને બ્રહ્મચર્યના દંભ પર સબળ સેટાયર રચ્યો છે. સેટાયરલેખક ભવ્ય કે મહાન મૂલ્યોની નહીં, પણ મૂલ્યોની વિડંબનાની ઠેકડી કરતો હોય છે. એટલે ખરી રીતે તો એ સ્થાપિત મૂલ્યોનું જતન કરનારો સનાતની' છે. સેટાયરનો કાર્યપ્રદેશ વિશાળ છે. જુવેનલ કહે છે તેમ, માણસ જે કંઈ કાર્ય કરે અથવા કરવાનું ચૂકે, તેનો ગુસ્સો, ગભરાટ, રઘવાટ, સંકલ્પ બધું જ સેટાય૨નો વિષય બની શકે. એના સેટાયરમાં રોમની જીવનપદ્ધતિ, સ્ત્રી-ચરિત્ર, માણસની અભિલાષાઓનું મિથ્યાપણું એ સર્વનું નિરૂપણ છે. કોઈ કોઈ વાર પરિણીત નપુંસક (મેરિડ ઇમ્પૉટેન્ટ), વ્યાયામવી૨ સન્નારી (ઍથ્લેટિક લેડી) અને બીજા અનેક શેખીખોર, જડાત્માઓ તેના હાંસીના વિષય બન્યા છે. ડ્રાયડન કહે છે તેમ, સેટાયર નૉનસેન્સના રાજ્યનો સમ્રાટ છે. બીજા એક લેખકે કહ્યું છે કે સેટાયરિસ્ટની ઘંટીમાં ગમે તે પદાર્થ દળાઈ શકે છે. વ્યક્તિ અગર તો સમાજ પ્રમાણભાન ચૂકે અથવા અતિશયતામાં સરી પડે ત્યારે સેટાયરકાર પ્રવૃત્ત થાય છે અને સૂર્યપ્રકાશ જેવું ઉજ્જ્વળ હાસ્ય અથવા કટુતાભર્યું સ્મિત પ્રેરીને તેમને સાચી વસ્તુનો વિચાર કરવા પ્રેરે છે. આમ સમાજને સ્વસ્થ બનાવવામાં સેટાયરકાર પોતાનો ભાગ ભજવે છે. અલબત્ત, સમાજને સ્વસ્થ કરવા જતાં સેટાયરકાર પોતે ક્યાંક અસ્વસ્થ બની જાય એ જોખમ પણ તેને છે. સેટાયર બહુરૂપી છે. એ વિવિધ સ્વાંગ સજીને પ્રગટ થાય છે. કોઈક વાર કડવા ટીકાયુક્ત લખાણમાં ‘ડાયાટ્રાઇબ' રૂપે કે નિંદા રૂપે ‘ઇન્વેક્ટિવ’ દ્વારા ગ્રામ્ય વેશ ધરીને ચમકાવી મૂકે છે. એ ભંડલેખ (‘લૅમ્પૂન') તરીકે આવીને આઘાત પણ આપી જાય. એ વળી વ્યાજસ્તુતિ રૂપે ‘આયુરની’ દ્વારા કે કડવા કટાક્ષ રૂપે ‘સાર્કેઝમ' દ્વારા પણ સ્મિત પ્રેરે, વિસ્મિત કરે અને મૂંઝવી પણ નાખે. ઘણી વાર પ્રતિકૃતિનો, પૅરોડી'નો ઝમકદાર વેશ લઈને એ આનંદની રેલ રેલાવી જાય. એ પૅરોડીમાં પણ પાછું મનહર વૈવિધ્ય કૉમેડી, ફારસ, બર્લેસ્ક, વ્યાજવીર મૉક-હીરોઇક, મૉક-એપિક, રોમાન્સ, નાટક, મૉક-લિરિક, સેટાયર પ્રાણીકથા રૂપે કે હોક્સ રૂપે – બનાવટ, છેતરપિંડી રૂપે પણ ફૂટી નીકળે. એ પદ્યમાં પણ આવે ને ગદ્યમાં પણ આવે. ઠઠ્ઠાચિત્રોનો વેશ સજીને પણ આવે. સેટાયરની લીલા અનેરી અને અપાર છે. માણસને એ રીઝવે, ખીજવે, મૂંઝવે, પજવે, સ્મિત પ્રેરે, ખખડાટ હસાવી મૂકે, વિસ્મિત કરે, વ્યાકુળ કરી મૂકે. સેટાયર-લેખકનું સામર્થ્ય અદ્ભુત છે. એના ભાથામાં શસ્ત્રો પાર વિનાનાં છે. ગમે ત્યારે ગમે તે શસ્ત્ર એ પ્રયોજે છે. સેટાયર ભલે સાહિત્યમાં અણમાનીતો કે ઓરમાયો પ્રકાર ગણાયો હોય પણ છેક પ્રાચીન કાળથી આર્કિક્લોક્સ તો ઠીક, પણ એરિસ્ટોફેનિસથી માંડીને લ્યુસિલિયસ, જુવેનલ, હોરેસ, ડ્રાયડન, પોપ, સ્વિફ્ટ, સ્ટિલ, એડિસન, ડિકન્સ, બટલર, બાયરન, ફિલ્ડિંગ, બર્નાર્ડ શૉ, જ્યૉર્જ ઑરવેલ, મૅક્સ બીરબૉમ, આયનેસ્કો, ટૉમસ બૅકેટ તથા ગુજરાતીમાં દલપતરામ, નવલરામ, રમણભાઈ, મુનશી, ચંદ્રવદન, જ્યોતીન્દ્ર, ગગનવિહારી મહેતા, નટવરલાલ બૂચ અને છેલ્લા બે દસકામાં ચીનુભાઈ પટવા (ફિલસૂફ), રમણ પાઠક, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, નાથાલાલ દવે, લાભશંકર, સિતાંશુ, રાવજી... કેટકેટલા લેખકોએ સેટાયરનો પ્રકાર સબળ અને સફળ રીતે ખેડ્યો છે! સેટાયર ભલે ગ્રીસમાં – નાટકોમાં તેમ જ અન્ય રૂપે – પ્રગટ થયો હોય તોપણ તેનો પ્રથમ શુદ્ધ આવિષ્કાર રોમમાં થયેલો જણાય છે. હોરેસ અને જુવેનલ એ બે રોમના પ્રસિદ્ધ સેટાયરકારો છે. જોકે હોરેસ એની પૂર્વે થઈ ગયેલા લ્યુસિલિયસ નામના લૅટિન સેટાયરકારનો નિર્દેશ કરે છે. એણે જ સેટાયરનું પ્રયોજન સાધ્યું અને તેને દિશા આપી. હોરેસે એક આઠ કાવ્યનો અને બીજો દસ કાવ્યોનો એમ પઘસેટાયરના બે ગ્રંથો આપ્યા છે. તેમાં પોતાના સમકાલીન મહાનુભાવો પર સમર્થ કટાક્ષ છે. ‘મૉકરી’નો ઉત્તમ પ્રયોગ તેમાં મળે છે. અંગ્રેજી સેટાયર-ધારા મુખ્યત્વે જુવેનલ અને હોરેસના અનુકરણ રૂપે પ્રગટી છે. જુવેનલ કડવો સેટાયરિસ્ટ છે. એની દૃષ્ટિમાં માનવજાતની મૂર્ખામી અને નિર્બળતા પ્રત્યે તિરસ્કાર અને આક્રોશ છે. એ તેમને ઠપકારે છે, દઝાડે છે, ગભરાવે છે. હોરેસ પણ લોકોની મૂર્ખામી અને બેવકૂફીઓ સમજે છે, પણ એ તેની ‘મૉકરી' દ્વારા રમૂજ કરે છે. એના સેટાયરમાં કટુતા નથી. એના સેટાયરનું પ્રયોજન સુધારણાનું છે. જુવેનલને માનવજાતની સુધારણા માટે કોઈ ઇલાજ દેખાતો જ નથી. એટલે એ કઠોરતાથી કે નિર્દયતાથી પ્રહાર કરે છે. આવો સેટાયરકાર ટ્રૅજેડીકારની નજીકનો બંધુ ગણાય. અંગ્રેજી સાહિત્યમાં મધ્યયુગમાં મોટે ભાગે ઇન્વેક્ટિવ કે ડાયાટ્રાઇબ કે લૅમ્પેન લખાતા હતા. સાચો સેટાયર ભાગ્યે જ સિદ્ધ થતો દેખાય છે. અમુક વ્યક્તિ કે જૂથ પ્રત્યેના અંગત દ્વેષમાંથી ઇન્વેક્ટિવ અથવા લૅમ્પૂન ઉદ્ભવતા હોય છે. સેટાયર અને ઇન્વેક્ટિવ અથવા લૅમ્પૂન પ્રહાર તો કરે છે જ; પણ સેટાયર પ્રહાર દ્વારા સુધારણાનું નિશાન તાકે છે. ઇન્વેક્ટિવ અને લૅમ્પૂન વેરલાલસાની તૃપ્તિમાં જ રાચે છે. દાખલા તરીકે ડ્રાયડનનું ‘મેક ફ્લેક્નો’ લૅમ્પૂનકક્ષાની કટાક્ષકૃતિ છે. આપણા સાહિત્યમાં કોઈ લેખકે કોઈનું સીધેસીધું નામ લઈને ભંડલેખ લખ્યો હોવાનું ધ્યાનમાં નથી, અલબત્ત, ‘વિનોદની નજરે’માં અમુક વ્યક્તિઓનાં ચિત્રણમાં ભંડલેખના અંશો દેખાય ખરા. પણ વિનોદ એકંદરે રમૂજ-ઠઠ્ઠાનો આશ્રય લે છે. ‘ભદ્રંભદ્ર', 'સધરા જેસંગનો સાળો' જેવી નવલકથાઓમાં વ્યક્તિઓનાં નામ પાડીને તેમને ભાંડવામાં આવી નથી. પણ એ વ્યક્તિઓ સહેજે ઓળખી શકાય તેમ છે. એટલે એમાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે લૅમોનની છાયા આવે છે. રમણભાઈના ‘ભદ્રંભદ્ર'ના પ્રત્યાઘાત રૂપે જે ‘ભ્રમણચંદ્ર' નવલકથા લખાઈ તે પરોક્ષપણે લૅમ્પૂન જ છે. સેટાયરનું એક અલ્પખ્યાત રૂપ તે હોક્સ છે. ‘હોક્સ' એટલે છેતરપિંડી, બનાવટ. એને મળતો બીજો શબ્દ છે ‘સ્વિન્ડલ'. એ જાણીતો શબ્દ છે. આ આ બંને શબ્દો લોકોની છેતરપિંડી, ઠગાઈ કે બનાવટ માટે વપરાય છે. પણ હોક્સર છેતરપિંડી દ્વારા કશુંક પુરવાર કરવા અને છેવટે પ્રગટ થઈ જવાનું ઇચ્છે છે. પોતાની મજાક પકડાઈ જાય તેમાં તેને રસ છે. સ્વિન્ડલર બધાને કાયમ માટે પોતાના અંગત લાભ સારુ અંધારામાં રાખવા પ્રયત્ન કરે છે. હોક્સરની મજાક એ પ્રગટ થાય ત્યારે ખડખડાટ હસાવે છે. અલબત્ત, જેની સાથે બનાવટમાં કરવામાં આવી છે એ ભોળો શિકાર ભાગ્યે જ એ હાસ્ય માણી શકે છે. હોક્સરની રીત તાતા કટાક્ષની રીત છે. ઑક્સફર્ડ ડિક્શનેરીમાં ‘હોક્સ'નો અર્થ આવો છે : ‘સેટાયરનું લક્ષ્ય શિકાર બનનારના ભોળપણના હાસ્ય જૂની બનાવટ રમૂજભરી કે અળવીતરી એટલે બનાવટમાં મોજમસ્તી કે ઠઠ્ઠો છે કે નહીં તેના પરથી એ સેટાયર બને છે કે નહીં તે નક્કી થઈ શકે. રાબેલા નામના એક ફ્રેંચ લેખકે હવામાનના ને દેશકાળના વર્તારા વિશે પંચાંગ બહાર પાડ્યું હતું : Almanac for ૧૫૩૨ – ૧૫૩૨ના વર્ષનો વર્તારો. અને પોતે ડૉક્ટર અને જ્યોતિષીનો સ્વાંગ ધરીને વીસ વર્ષ બનાવટ કરી હતી. લોકો આ મશ્કરીને વીસ વર્ષ સુધી સાચી વાત માનતા રહ્યા! હોક્સનો એક સરસ કિસ્સો એક અંગ્રેજ મોચીનો છે. એણે જ્હૉન પેર્રિજ નામ ધારણ કરીને પંચાંગ બહાર પાડવા માંડ્યાં. [9] કટાક્ષકાર સ્વિફ્ટે આઇઝેક બીકરસ્ટાફ નામ ધારણ કરી યોજનાપુરઃસર હોક્સની રચના કરી હતી. પેર્ટિજે ઈ. સ. ૧૭૦૭ની સાલમાં ઈ. સ. ૧૭૦૮નો વર્તારો બહાર પાડ્યો. સ્વિફ્ટે ઈ. સ. ૧૭૦૮માં પેર્રિજ ૨૯મી માર્ચે રાત્રે ૧૧ વાગ્યે મરણ પામશે એવી આગાહી કરી. ૩૦મી માર્ચે એ ભવિષ્યવાણી સિદ્ધ થઈ તેની પુસ્તિકા પણ સ્વિફૂટે (બીકરસ્ટાફે) પ્રગટ કરી અને તે સાથે એના મરણની કરુણપ્રશસ્તિ પણ. આ તો વ્યક્તિગત કિસ્સાની વાત થઈ. પણ અમેરિકામાં ઈ. સ. ૧૯૦૦ અને ૧૯૨૦ની વચ્ચેના સમયગાળામાં સાહિત્યનું મબલખ ઉત્પાદન અને એનું આસ્વાદનવિવેચન કરવાની ફૅશન ચાલી હતી. ઇમેઝિઝમ, વૉર્ટિસિઝમ, કોરિઝમ એવી કવિતાની સ્કૂલો શાળાઓ સ્થપાઈ હતી. તેમાં એક સ્પેક્ટ્રિઝમ નામની નવી સ્કૂલ પણ ભળી. એ સ્કૂલ તરફથી ઓછાવત્તા મુક્ત પદ્ય(ફ્રી વર્સ)માં પચાસેક ઊર્મિકાવ્યો પ્રગટ થયાં. એના બે સંપાદકો : ઇમેન્યુઅલ મૉર્ગન અને એન નીશ. પુસ્તકનું શીર્ષક સ્પેકટ્રા : એ બુક ઑવ પોએટિક એક્સપેરિમેન્ટ'. કેટલાકે આ નવીન પ્રયોગો વધાવી લીધા, કેટલાકે એને ઉતારી પાડ્યા. એના વિશે ગંભીરને લાંબી ચર્ચાઓ ચાલી. ખરું જોતાં આખી બનાવટ વિટર બિન્ની અને એના મિત્ર આર્થર ડેવિસને કરી હતી. દસ જ દિવસમાં આ બંનેએ પચાસ ઊર્મિકો ઘસડી માર્યાં હતાં અને પ્રકાશકને મોકલેલાં. પ્રકાશકે તેને સાચેસાચ ઉત્તમ ગણીને વધાવી લીધાં ને છાપી નાખ્યાં. પછી તો સામયિકોએ આવાં કાવ્યો મેળવવા માટે પડાપડી કરવા માંડી. નસીબજોગે ધ ન્યૂ રિપબ્લિક' નામના પત્રે એ ઊર્મિકાવ્યોના સંપાદનનું અવલોકન કરવાનું પેલા બનાવટ કરનારા વિટર બિન્નીને જ સોંપ્યું. પ્રકાશકને તો આ બધો બિન્નીનો જ પ્રપંચ હોવાની ગંધ પણ ક્યાંથી હોય? બિન્નીએ લખી નાંખ્યું : ‘વર્તમાન સાહિત્યની પ્રભાવક ઘટનાઓમાં એ એક પડકારરૂપ સ્થાન ધરાવે છે.’ [10] સેટાયરનું એક મજાનું અસરકારક રૂપ અને માધ્યમ પૅડી છે. અનુકરણવૃત્તિમાંથી અને હાસ્યવૃત્તિમાંથી એ ઉદ્ભવે છે; પણ એ માત્ર નકલમાં કે હાસ્યમાં જ રાચનારું સ્વરૂપ નથી. એ જો અનુકરણ દ્વારા માત્ર રમૂજ કરાવે પણ મૂળ કૃતિની વિકૃતિ તરફ ધ્યાન ન દોરી શકે, ઉપહાસની લાગણી પ્રેરી ન શકે તો એ પૅરોડી નથી. ‘પૅરોડી' વિનોદ પ્રેરીને કંઈક નવું દર્શન કરાવે છે. એ માત્ર પુનર્રચના નથી, એ ઠઠ્ઠાચિત્ર છે. પૅરોડી એટલે મજાકભર્યું વિવેચન. મૂળ રચનામાં કાંઈક બંધારણની ખોડખાંપણ, વિચારની કે લાગણીની અપૂર્ણતા કે અભિવ્યક્તિમાં કશુંક જડબેસલાક મૅરિઝમ હોય એ પૅરોડી માટે જરૂરનું છે. કેટલાકના મતે પૅરોડી એ મૂળ કૃતિને ઉતારી પાડનાર, તુચ્છ, ગ્રામ્ય નકલ સિવાય બીજું કાંઈ નથી. કટાક્ષ સાથે તેનો કંઈક સંબંધ છે. પૅરોડી મૂળ કૃતિના સ્વરૂપની તેમ જ વસ્તુની પણ થઈ શકે. અલબત્ત, બંને પ્રકાર એકબીજામાં સહેલાઈથી ભળી જાય છે. એ. જી. હાઉસમૅનકૃત ‘ફ્રેગમેન્ટ ઑવ ગ્રીક ગ્રૅજેડી' ટ્રેજેડીના સ્વરૂપની સમર્થ પૅરોડી છે. એમાં ગ્રીક ટ્રેજેડીનાં જે આત્યંતિક તત્ત્વો છે, જે વિલક્ષણતાઓ છે તેને એવી રીતે ગોઠવ્યાં છે કે એમાંથી ઍબ્સર્પિટી ઊપસી આવે. રૉબર્ટ બર્નની હોલી વીલીઝ પ્રેયર'માં કાવ્યના વસ્તુની પૅરોડી છે. મૂળ પ્રાર્થનાને એમાંના વિચારને – વિકૃત (ડિસ્ટૉર્ટ) કરી, એમાં પ્રયુક્તિ કરી અને આડંબર દાખવી કૃતિને મજાનો ઘાટ આપ્યો છે. કોઈ ભુલાવામાં પડી એને સાચી કૃતિ પણ માની લે એવી એ રચના છે. ગ્રીસમાં ઈસવીસન પૂર્વેની પાંચમી સદીમાં થઈ ગયેલા કોઈ અજાણ લેખકની ધ બૅટલ ઑવ ફ્રૉગ્ઝ ઍન્ડ માઇસ' એ મહાકવિ હોમરના ‘ઇલિયડ'ની અદ્ભુત સમર્થ પૅરોડી છે. અંગ્રેજી કવિતામાં પોપનું ‘ડેન્સિઅડ’ કાવ્ય અને બાયરનનું ‘વિઝન ઑવ જજમેન્ટ' એ પૅરોડીનાં નોંધપાત્ર ઉદાહરણો છે. નવલકથા, નાટક, ચરિત્ર એમ અનેક સાહિત્યસ્વરૂપોની પૅરોડી અંગ્રેજીમાં વિપુલપણે લખાઈ છે. ગુજરાતી સાહિત્યમાં એ પ્રકાર ખેડનારામાં કવિ ખબરદાર, જ્યોતીન્દ્ર દવે, નટવરલાલ બૂચ, રમણ પાઠક, વિનોદ ભટ્ટ એ બધા લેખકો તરત જ સ્મરણમાં આવે છે. કવિ ખબરદારે ન્હાનાલાલનાં ડોલનશૈલીનાં કાવ્યોની, ન્હાનાલાલ કવિ પોતે પણ પ્રશંસાના ઉદ્ગાર કાઢે તેવી, સમર્થ પૅરોડી રચી છે. ન્હાનાલાલની ડોલનશૈલી એમાંની વાક્છટા ને અલંકારની અતિશયતાને કા૨ણે પૅરોડી માટે પ્રેરણારૂપ બની હતી. કવિ ખબરદાર તો એ અછાંદસ હોવાને કારણે પણ આક્રોશપૂર્વક એની પૅરોડી કરવા પ્રેરાયા હતા. ‘પ્રભાતનો તપસ્વી', ‘કુક્કુટદીક્ષા' વગેરે એમણે કરેલી પૅરોડીનાં સમર્થ દૃષ્ટાંતો છે. એમણે રા.વિ. પાઠક તેમ જ અન્ય કવિઓની રચનાની પણ પૅરોડી કરી હતી. ખબરદારમાં ગુજરાતના એક અગ્રણી સમર્થ પૅરોડીકારનો પરિચય થઈ શકે. જ્યોતીન્દ્ર દવેએ પણ ડોલનશૈલીની સ-રસ પૅરોડી કરી છે. એમાં કટાક્ષ કરતાં વ્યાજવીર --‘મૉક-હીરોઇક' વધુ ધ્યાન ખેંચે છે. એમની એવી એક રચનાનું શીર્ષક છે ‘એ કોણ હતી?' થોડીક પંક્તિઓ ટાંકું છું :

કોક કહેશો
એવી એ કોણ હતી?
કોક મહાકવિની વાણી સમી સંકુચિતચરણા
ક્વચિત્ ક્વચિત્ એ ડોલન આદરતી
X X X
સારાય જગતને પોષતી
માનવભાગ્યની કલ્યાણવિધાત્રી મસ્તક વડે પ્રેરણા પ્રેરતી
એ તો હતી મહિષી
એક મીઠી ભેંસલડી.

‘અશોક પારસી હતો' એ લેખમાં પારસી ગુજરાતી બોલીની સરસ પૅરી છે. છેલ્લાં પચીસેક વર્ષમાં આપણા સાહિત્યમાં ટૂંકી વાર્તાની વિભાવના બદલાઈ. ઘટનાતત્ત્વનો શક્ય તેટલો હ્રાસ, વિલક્ષણ આઘાતકારક પ્રતીકો, વિચારોમાં અસંગતિઓ આ બધાં તત્ત્વોથી ટૂંકી વાર્તા સિદ્ધ કરી નાખવા કેટલાક કલમ લઈને કાગળ પર તૂટી પડ્યા. એ નવી કહેવાતી ટૂંકી વાર્તાનું જે સ્વરૂપ બંધાયું અને એમાં જે મૅનરિઝમ પ્રવેશ્યું તેની ઉત્તમ પૅરોડી રમણ પાઠકે કરી છે. એમના ‘વ્યંગવાઙ્મય'માં એમણે ‘અકસ્માત' નામની નવી ટૂંકી વાર્તા પોતે જ લખીને તેનો આસ્વાદ કરાવ્યો છે. નવી નવલિકાની રૂઢતા પર અને તેના વિવેચન પર એમાં પૅરોડી દ્વારા મઝાનો કટાક્ષ છે. એમનું એ સમગ્ર પુસ્તક આપણી સાંપ્રત સાહિત્યસૃષ્ટિનાં લક્ષણોની વિલક્ષણતા પર સફળ કટાક્ષ કરે છે. વિનોદ ભટ્ટે પણ પૂરા સામર્થ્યથી રમણ પાઠકની જેમ જ ટૂંકી વાર્તાના સ્વરૂપની અને તેના વિવેચનની પૅરોડી એક ઍબ્સર્ડ વાર્તા વિવેચન સાથે’ એ શીર્ષકથી કરી છે. એમણે ઍબ્સર્ડને નામે ચાલતા ‘નૉનસેન્સ' પર કટાક્ષ કર્યો છે. ‘કાગડો, કફન અને પેટ્રોમેક્ષ' એ આખી ઍબ્સર્ડ વાર્તા તેમણે ઉપજાવી કાઢી છે. એમાં નવી ટૂંકી વાર્તામાં આવતા મૅનરિઝમના તેમણે બરાબર ચાળા પાડ્યા છે પ્લાસ્ટિકિયા હોઠથી તે હસ્યો. આંખનું નેજવું કરી તારલાએ ચંદ્ર સામે જોયા કર્યું. આંખમાંના મોતિયાને કારણે દૃષ્ટિવૈફલ્ય. રેડિયો પર જાહેરખબર સંભળાઈ : આંખનું ટૉનિક જીવદયા નેત્રપ્રભા...ટ્રીન...ટ્રીન... નટવરલાલ બૂચે પણ મેઘાણીની તેમ જ અન્ય કવિઓની કવિતાની પૅરોડી કરી છે. એમાં હળવો વિનોદ નોંધપાત્ર છે. કેટલીક વાર મૂળ કૃતિ જાણ્યા વિના પણ પૅરોડીની રમૂજ માણી શકાય એમ બને. બાયરનની 'ધ વિઝન ઑવ જજમેન્ટ'માં સ્વતંત્ર રીતે પણ કટાક્ષ માણી શકાય છે. નવાઈની વાત એ છે કે અંગ્રેજ કવિ સધેએ જ્યૉર્જ ત્રીજાના સ્વર્ગપ્રવેશ વિશે જે કૃતિ રચી તેની બાયરને એ જ શીર્ષકથી પૅરોડી રચી, પણ પૅરોડી કાળના વ્હેણમાં ટકી રહી ને મૂળ કૃતિ ડૂબી ગઈ છે. પૅરોડી એ મુખ્યત્વે સાહિત્યિક રચનાનું સેટાયરિક વિવેચન છે. પૅરોડી નવલકથા, રોમાન્સ અને નાટકોની પણ થતી આવી છે. એ મુખ્યત્વે બે પદ્ધતિએ થઈ છે એક તો મૉક-હીરોઇક. રમણભાઈ નીલકંઠે તેને માટે ‘વ્યાજવીર’ શબ્દ પ્રયોજ્યો છે ને બીજી પદ્ધતિ બર્લેસ્કની છે. બર્લે એટલે વિડંબન. રમણભાઈએ નોંધ્યું છે તેમ, વ્યાજવીરમાં કવિત્વમય ઉત્કર્ષને રૂપે પરિહાસ કરવામાં આવે છે. જૂના અલંકારો, જૂની અતિશયોક્તિઓ અને પ્રાચીન ભાષાઓમાં રૂઢ થયેલી રીતિની ઉક્તિઓ અર્વાચીન ભાષામાં વાપરવી એ વ્યાજવી૨૨સ ઉપજાવવાનો એક પ્રકાર છે. તેમણે આ મૉક-હીરોઇકનું એક દૃષ્ટાંત આપ્યું છે

ઊંચો કરીને ભુજદંડ તેણે,
એકાગ્ર ચિત્તે અનિમેષ નેને,
ચાંચલ્યધારી પ્રતિઅંગ વ્યાપ્યું,
છરી વતી દૂધીનું દીંટું કાપ્યું.

જે ક્રિયા શૌર્યવાળું પરાક્રમ કરવામાં થાય તે ક્રિયા શાક સમારવામાં વાપરેલી વર્ણવ્યાથી અહીં વીરરસ મશ્કરી ખાતર વપરાયો છે અને તેથી આ ઉક્તિ વ્યાજવીર-રસની છે. મૉક-હીરોઇકમાં લેખક ગંભીરપણાનો ડોળ કરે છે. મહાકાવ્યમાં હોય તેવી વાક્છટાયુક્ત ઉદાત્ત શૈલીમાં, ઉત્તમ ને ભવ્ય પ્રતીકો દ્વારા ને ગૌરવભર્યા છંદમાં તે તુચ્છ વસ્તુને ભવ્ય રીતે નિરૂપે છે. મહાકવિઓની જેમ તે ઊંચા કલ્પનાવિહાર કરવાનો આડંબર રચે છે. 'ધ બેટલ ઑવ ધ ફ્રૉગ્સ ઍન્ડ માઇસ'માં વિષય છે દેડકાં અને ઉંદરો વચ્ચેની લડાઈ. પણ કવિ એ બંને પક્ષના યોદ્ધાઓને હોમરના મહાકાવ્યમાં આવતા યોદ્ધાઓનાં નામોથી વિભૂષિત કરે છે. ઉંદરો અને દેડકાં એકબીજાને તીણા દાંતથી કરડે, ઉઝરડા પાડે, અવાજો કરે એ બધી ક્રિયાઓને મહાન યોદ્ધાઓની ગર્જના, એમની શત્રુનો ઘાત કરવાની પ્રવૃત્તિ વગેરેની જેમ વર્ણવવામાં આવી છે. અને હોમરના મહાકાવ્યમાં જેમ દેવતાઓ પણ અવકાશમાંથી યુદ્ધ નિહાળે તેમ ઉંદરો અને દેડકાંઓનું યુદ્ધ સર્ચિત મને દેવતાઓ આકાશમાંથી નિહાળે છે. આમ લેખકે વીરકાવ્યની પૅરોડી કરી, તુચ્છ વિષયને મહાન ઘટાવવાનો આડંબર કર્યો છે. ગુજરાતીમાં નવલરામે જનાવરની જાનમાં’

જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે;
બકરીબાઈનો બેટડો પરણે છે આજે.

એવી પંક્તિઓ દ્વારા વ્યાજવીરનો આરંભ કર્યો છે; પણ તરત જ એમની એ રચના સામાન્યતામાં સરી પડી છે અને એ સ્વરૂપ સિદ્ધ થયું નથી. નવલકથામાં આપણા સાહિત્યમાં વ્યાજવીરના ઘણા અંશો ‘ભદ્રંભદ્ર’માં અને થોડાક ‘સધરા જેસંગનો સાળો'માં મળે છે. ભદ્રંભદ્રને ચુસ્ત સનાતની હીરો તરીકે નિરૂપીને રમણભાઈએ મૉક-હીરોઇક, બર્લેસ્ક, આયર્ની, વિટ એમ સેટાયરનાં અનેક રૂપો સિદ્ધ કર્યાં છે. એક જ કૃતિમાં મૉક-હીરોઇક અને બર્લેસ્ક બંને રૂપો સિદ્ધ થઈ શકે. બંને વચ્ચેનો તફાવત વર્ણવતાં એક વિવેચકે નોંધ્યું છે કે મૉક-હીરોઇક એટલે કોઈ ઠીંગણો માણસ ફૂલસાઇઝનો પોશાક પહેરે તે અને બર્લેસ્ક એટલે ડફણું લઈને ગધેડા પર સવારી કરતો કોઈ ગ્રામીણ. એ કદાવર હોય પણ અણઘડ હોય, મૂર્ખ હોય. સર્વાન્સિસનું ‘ડૉન કિહોટે' એ મૉક-હીરોઈક છે. બટલરનું ‘ઘુડીબ્રાસ' બર્લેસ્ક છે. બર્લેસ્કમાં ગંભીર વસ્તુ-વિષય અથવા શૈલીનું રમૂજી, તુચ્છ અનુકરણ હોય. વસ્તુ અને શૈલી વચ્ચે વિસંગતિ હોય. અથવા તુચ્છ વસ્તુ કે વિષયનું ભવ્ય શૈલીમાં નિરૂપણ હોય. પોપના રેઇપ ઑવ ધ લૉક'માં એક યુવતીના કેશની લટ કાતરી લેવાના તુચ્છ વિષયનું ભવ્ય શૈલીમાં નિરૂપણ છે. ફિલ્ડિંગની ‘શામેલા' પણ (રિચાર્ડસનની ‘પામેલા' નવલકથા પરથી) એ જ પદ્ધતિની કૃતિ છે. ‘ઘુડીબ્રાસ'માં તુચ્છ વસ્તુમાં ભવ્યતાનું આરોપણ છે. ઘુડીબ્રાસ એક પ્યુરિટન સરદાર છે. એના મૂર્ખાઈભર્યાં પરાક્રમો ભવ્ય શૈલીમાં નહીં પણ સાવ સામાન્ય, ગ્રામભાષામાં બટલરે વર્ણવ્યાં છે. ભદ્રંભદ્ર મૂર્ખનો સરદાર છે. સુધારાનો કટ્ટર વિરોધી અને ચુસ્ત સનાતની છે. રમણભાઈએ એનામાં માત્ર દેખાવની જ નહીં, ભાષાની અને વક્તવ્યની છટાની પણ ભવ્યતા આરોપી છે અને બીજી તરફ એનાં તુચ્છ, ક્ષુદ્ર કાર્યોનું અને એની મૂર્ખાઈભરેલી પ્રવૃત્તિઓનું, ક્રિયાઓનું ભવ્યતાની કક્ષાએ નિરૂપણ કર્યું છે; પ્રાચીન ભાષાની ઉપમાઓ, રૂપકો અને શૈલી એમણે પૂરા સામર્થ્યથી કામે લગાડ્યાં છે. આમ ‘ભદ્રંભદ્ર' એક તરફ બર્લેસ્ક ને બીજી તરફ મૉક-હીરોઇક બંનેના ઉત્તમ નમૂના પૂરું પાડતું પુસ્તક છે. ભદ્રંભદ્રની મનઃસ્થિતિ સર્વાન્સિસના ડૉન કિહોટે જેવી છે. ડૉન કિહોટેને સર્વત્ર શત્રુઓ અને રાક્ષસો જ દેખાતા હતા અને સુંદરીની રક્ષા માટે તે તૂટી પડતો હતો. ભદ્રંભદ્ર આર્યધર્મની રક્ષા માટે તૂટી પડે છે. કિહોટેને સાન્કોપાન્ઝા સાથીદાર છે. ભદ્રંભદ્રને અંબારામ જેવો શિષ્ય છે. ભદ્રંભદ્રમાં અપ્રસ્તુત ઘણુંબધું હોવા છતાં રૂઢિજડ મનોદશા ધરાવનાર વર્ગ ૫૨ એ એક નમૂનારૂપ સમર્થ ને સચોટ સોશિયલ સેટાયર છે. રમણભાઈના ‘ભદ્રંભદ્ર' પછી બીજી સમર્થ ને સાદ્યંત કટાક્ષ-નવલકથા તે ચુનીલાલ મડિયાની ‘સધરા જેસંગનો સાળો' અને ‘સધરાના સાળાનો સાળો' છે. એ રાજકીય સેટાયર છે. મડિયાની વિશેષતા એ છે કે એમણે સેટાયર અને નવલકથા બંનેનો સમન્વય સાધ્યો છે. ‘ડૉન કિહોટે', ‘હ્યુડીબ્રાસ’, ‘ભદ્રંભદ્ર’ એ બધી કૃતિઓમાં જે નાયક છે તે ફરતારામ છે...એ જુદાં જુદાં સ્થળે પ્રવાસ કરે છે ને પ્રવાસ દ્વારા તેની વિલક્ષણતાઓ ને વિસંગતિઓ પ્રગટે છે. આ ભ્રમણવીર નાયકને કારણે નવલકથા પિકારેસ્ક બને છે એમાં મુખ્ય પાત્ર ફ્લૅટ હોય છે. એ વિકાસ પામતું દેખાતું નથી. ‘સધરા જેસંગનો સાળો' રાજકીય પ્રપંચ અને કાવાદાવાની કટાક્ષકથા છે. લેખકે સત્તાસ્થાને ગમે તે ભોગે સતત ચીટકી રહેવા મથતી સરકાર અને એ સરકારને ગમે તે ભોગે ઉથલાવી સત્તાનું સિંહાસન કબજે કરવા ગલીચ પ્રયાસો કરતા કહેવાતા સિદ્ધાંતવાદીઓની સખત ખબર લીધી છે. શાક વેચનારામાંથી પ્રધાનપદે આરૂઢ થઈ જતો સધરો અને સિદ્ધાંતને નામે સતત સ્વાર્થ જ શોધતા રહેતા સેવકરામ, અને એ સેવકરામનાં સોગટાં ઉથલાવવા આકાશપાતાળ એક કરતો સધરાના સાળાનો સાળો આ બધાં નવલકથાનાં બેનમૂન પાત્રો છે. લેખકે એને બર્લેસ્ક કે મૉક-હીરોઈક બનાવવાનો હેતુ રાખ્યો નથી. અલબત્ત, ‘સિદ્ધાંતવાદી’ સેવકરામમાં અને શાકવાળા સધરાના પ્રધાન તરીકેના વ્યવહારમાં એના અંશો મળે ખરા. સેવકરામના રાજકીય તેમ જ નૈતિક દંભનો પડદો ચીરીને લેખકે આજના આપણા કહેવાતા નેતાઓનું નગ્ન રૂપ છતું કરી આપ્યું છે. રાજકારણમાં મૂલ્યોનો જે અધઃપાત થયો છે તેનું, આપણા દેશના ભ્રષ્ટ રાજકારણનું આવું વાસ્તવિક ને સમર્થ ચિત્ર અન્યત્ર જોવા મળતું નથી. મડિયાએ દયાહીન થઈને દંભીઓ પર ચાબખા વીંઝ્યા છે અને સમાજના મોટા સમુદાયનું આ સેટાયર-લેખકને અવશ્ય સમર્થન મળે તેમ છે. સેટાયરિક નૉવેલમાં ત્રીજી એક સ્મરણીય ‘પંચપુરાણ' છે. એમાં પણ મુખ્યત્વે સાંપ્રત રાજકારણની ભ્રષ્ટલીલા જ સેટાયરનું નિશાન બની છે, પરંતુ આ નવલકથામાં ભૂમિકા રૂપે પંચ નામનું નાનકડું ગામ છે. એટલે સેટાયર અહીં સીમિત ક્ષેત્રમાં પ્રવર્તે છે. સરકાર ભલે ગ્રામસુધારણાની યોજનાઓની સફળતાનાં બણગાં ફૂંકે અને ભાવનાશાળી યુવાનો ભલે ગ્રામસેવા માટે શહેરનો મોહ તજીને ગામડામાં વસવાટ કરે, પણ ભૂંડ જેવા ત્રિકમકાકા, શંકરદા જેવા તકવાદી ને મગન જેવા નઘરોળ શ્રીમંતો કે સત્તાધીશોની જ પક્ડ ગામલોક પર રહેશે; રમેશ જેવા યુવાનની ભાવના ક્યારેય સાકાર નહીં થાય, ગ્રામલક્ષ્મી નહીં પ્રગટે અને ભગા જેવા તરવરાટવાળા યુવાનો લક્ષ્મી અને સત્તાના જોડાણથી જન્મેલા ને વિકસતા રહેલા છાતી કાઢીને દમામભેર કદમ માંડતા ભ્રષ્ટાચારને જોઈને નિરાશાથી સિનિક વાંકદેખા થઈ જવાના. આ નવલકથામાં રેલ૨ી-વિનોદ-ના ચમકારા છે, પરંતુ એકંદરે અહીં સેટાયરમાં રહેલો તિરસ્કારનો, પ્રકોપનો ભાવ વધુ ઊપસે છે. લેખકનું દર્શન નિરાશાનુ છે. અહીં સેટાય૨ ઉગ્ર છે; હાસ્ય ઉદ્વેગભર્યું, મ્લાન અને કઠોર છે. લેખકને પ્રતીતિ થઈ ચૂકી છે કે ગ્રામસુધારણામાં થવું જોઈએ તે થતું નથી; ન થવું જોઈએ તે થતું રહે છે. ગામડાની આ જ નિયતિ છે. આ પ્રકારની સેટાયરિક નૉવેલોમાં સ્વરૂપ વિશે, મુખ્ય પાત્રની માવજત વિશે, સંકલના અંગે ચર્ચા થઈ શકે; સમગ્ર નવલકથા કટાક્ષમય ન હોય, અમુક અંશોમાં કટાક્ષમય હોય, તેની વાત પણ થઈ શકે. સેટાયરનું એક રૂપ ફારસનું છે. (અહીં હું કૉમેડીને વિચારણામાં લેતો નથી.) એમાં પણ સેટાયર પ્રગટે છે પણ એ સ્વરૂપમાં બીજી આળપંપાળ છે તેની ચર્ચા ટાળું છું. ફારસ પ્રાચીન કાળમાં અને અર્વાચીન કાળમાં પણ જેટલું વખણાયેલું નહીં તેટલું વગોવાયેલું નાટ્યરૂપ છે. પ્રશિષ્ટ સાહિત્યમાં તેનો પ્રયોગ સ્વીકૃત મનાતો ન હતો. ફારસનાં બીજ ગ્રીસમાં ઈસવીસન પૂર્વેના પાંચમા સૈકામાં જોવાયાં છે. ગામડાંમાં ભજવાતાં નાટકોની પરંપરામાં પછી ધીમે ધીમે નાટકોમાં બે અંકોની વચમાં કૉમિક રીલીફ માટે ફારસનો ઉપયોગ થવા માંડ્યો. પછી કૉમેડીમાં પણ ફારસનાં તત્ત્વો વિકસ્યાં. એક ફ્રેંચ વિદ્વાન ગુસ્તાવ લેન્શનના મતે મૉલિયરની કૉમેડી, ફારસનાં તત્ત્વોને કારણે સમૃદ્ધ બની છે. ‘ફારસ' શબ્દ લૅટિન ‘farcire to stuffમાંથી ઊતરી આવ્યો છે. Farce(ફારસ)ની વ્યાખ્યા પણ ઉમંગથી કોઈએ ભાગ્યે જ આપી હશે. એની નકારાત્મક વ્યાખ્યાઓ તો છે જ. એરિક બેન્ટર કહે છે : ફારસ કોઈ ગુણવત્તાથી નહીં પણ ક્ષતિઓથી રચાય છે. [11] એલ. જે. પૉટ્સ – કૉમેડી સ્વરૂપનો જાણીતો લેખક કહે છે ઃ ફારસ એ કૉમેડીના મર્મ વિનાની કૉમેડી છે એટલે એમ પણ કહી શકાય કે એ કૉમેડી વિનાની કૉમેડી છે. [12] ફારસનાં સામાન્ય લક્ષણો છે. ઠઠ્ઠાચિત્ર જેવાં પાત્રો, અણઘડ યોગાયોગ અને સસ્તી રમૂજો. અંગ્રેજી સાહિત્યમાં મોટે ભાગે ફ્રેંચ ફારસોનાં અનુકરણ રૂપે ફારસો લખાવા માંડ્યાં. ઈ. સ. ૧૮૪૦ પછી અંગ્રેજી પ્રકૃતિ તેમાં વરતાવા માંડી. ઑસ્કર વાઇલ્ડે ધ ઇમ્પૉર્ટન્સ ઑવ બિઇંગ અર્નેસ્ટ' લખીને ફારસને નવો ઓપ આપ્યો. બર્નાર્ડ શૉના ફારસમાં બીજા લોકોની પ્રતિષ્ઠા કે મુશ્કેલીઓને ભોગે શયતાની હાસ્ય હોય છે. એણે ‘ઓલ્ડ થિયેટર ઇન ધ નાઈન્ટીઝ'માં લખેલું કે ગામડાના મૂર્ખ ખેડૂતોના હાસ્યમાં કે ગુનેગારને ચાબુકના ફટકાના પ્રસંગના હાસ્યમાં લોકો ભળતા નથી. ફારસમાં પણ એ પ્રકારનું હાસ્ય હોય છે. ફારસ, તદુપરાંત, બુદ્ધિ અને ગાંભીર્યની ઉપેક્ષા કરે છે એવો પણ આક્ષેપ તેના પર છે. પરંતુ ફારસને ઉપેક્ષિત પ્રકાર ગણવો ઠીક નથી. કૉમેડીની જેમ એ પણ સમાજની રૂઢ પરંપરા કે રીતરસમ પર જોરદાર પ્રહાર કરે છે. એમાં જુનવાણી પરિબળો અને પ્રગતિવાદ વચ્ચેનો સંઘર્ષ હોય છે. અલબત્ત, કૉમેડી કરતાં ફારસમાં સામાજિક નિષેધો તરફનું આક્રમણ ઉગ્ર હોય છે. અંગ્રેજીમાં રેસ્ટોરેશન કાળમાં ફારસો ઠીક લખાયાં હતાં. બર્નાર્ડ શૉમાં પણ યુ કેન નેવર ટેલ’ (૧૮૯૯), ‘ગૅટિંગ મેરિડ’' (૧૯૦૧) પ્રયોગો ધ્યાનપાત્ર છે. ગુજરાતીમાં દલપતરામનું ‘મિથ્યાભિમાન’ અને નવલરામનું ‘ભટનું ભોપાળું' (રૂપાંતર) એ અમુક અંશે સોશ્યલ સેટાય૨' જ છે. પહેલા નાટકમાં શિકાર જીવરામ ભટ્ટ છે. એનો દંભ, એનું મિથ્યાભિમાન લેખકના હાસ્ય-કટાક્ષનું નિશાન બને છે. જીવરામ ભટ્ટ એ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રતિનિધિરૂપ છે. એટલે એના પાત્ર દ્વારા એ જ્ઞાતિની ફિશિયારી અને એના છીછરા લોભી સ્વભાવની પણ તેમાં સજ્જડ મજાક છે. અલબત્ત, અંત ભાગમાં એ ટ્રેજિક થવા જાય છે અને સીધી બોધકતામાં સરકે છે. પણ સમાજની એક પ્રતિષ્ઠિત જ્ઞાતિના જડત્વ પર તેમાં વેધક પ્રકાશ છે. જીવરામ ભટ્ટ ભદ્રંભદ્રના પુરોગામી છે. નવલરામ પંડ્યાના ‘ભટ્ટનું ભોપાળું’ નાટકમાં તત્કાલીન સામાજિક પ્રશ્ન કન્યાવિક્રયનું નિરૂપણ છે. એમાં ભોળા ભટ પણ બ્રાહ્મણ છે. એ પણ દંભી અને શેખીખોર છે, પરંતુ લેખકના સેટાયરનું નિશાન ભોળા ભટ નથી. એને તો લેખકે કન્યાવિક્રયની પ્રથાનો શિકાર બની રહેલી ચંદાનો તારણહાર બનાવીને એની દ્વારા એક અનિષ્ટ સામાજિક રૂઢિ પર ફટકો માર્યો છે. ફ્રેંચ નાટ્યકાર મૉલિયેરના ‘મૉક ડૉક્ટર’ ઉપરથી નવલરામે સમાજસુધારણાનું નિશાન તાકીને સાદ્યંત ખડખડાટ હસાવે તેવું ફારસ રચ્યું છે. એમાં અનિષ્ટ રૂઢિ અને સામાજિક પ્રગતિ વચ્ચેનો સંઘર્ષ છે. એમાં ઝૂમખા શાહ, ચંદાનો લોભી એ શિકાર છે બાપ અને ચંદાને વૃદ્ધ વયે પરણવા નીકળેલો નથ્થુ શાહ અને ભોળા ભટની ધૂર્તતા તેમને બેવકૂફ ઠરાવે છે. બધાં ફારસોની ચર્ચા અહીં શક્ય નથી પણ મુનશી અને ચંદ્રવદનનાં ફારસોમાં રહેલા સેટાયરનો વિચાર કરવો પડે. મુનશીના ‘કાકાની શશી' નાટકમાં કૉમેડી અને ફારસનું મિશ્રણ છે. દલપતરામના કે નવલરામના યુગમાં કન્યાકેળવણી કે કન્યાવિક્રયનો જે પ્રશ્ન હતો તે મુનશીના યુગમાં નથી. વાત તો વિપરીત બની છે. કેળવણી પામેલી કન્યા સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા આચરી રહી છે અને સમાજની પરંપરાને હલાવવા ઉત્સુક બની છે એટલે મુનશીનો સેટાયર પોતાને પ્રગતિવાદી ગણાવતી શિક્ષિત યુવતીના સ્વેચ્છાચાર પર છે. અલબત્ત, એમાં રસરુચિનાં કજોડાં અને વેવલા પ્રેમની પણ કવિના પાત્ર દ્વારા એમણે ઠેકડી ઉડાડી છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’મુનશીએ પ્રગટ કર્યું ત્યારે, આવું લખતાં મુનશીનો હાથ કેમ ન કપાઈ ગયો, એવી સખત ટીકાઓ થઈ હતી. કેટલાક ગાંધીભક્તોને તો એમાં ગાંધીજીની જ વિડંબના દેખાઈ હતી. સેટાયર-લેખકને ભાંગફોડિયો કહેવાય છે તે આ પ્રકારના અજ્ઞાનથી. કટાક્ષકાર જૂનાં મૂલ્યો તોડે છે, સ્થાપિત પરંપરા પર પ્રહાર કરે છે એમ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે કટાક્ષકાર મૂલ્યો ૫૨ કે પરંપરા પર નહીં, મૂલ્યોના આડંબર ૫૨, પરંપરામાં પ્રવેશી ગયેલી જડતા પર પ્રહાર કરે છે. કટાક્ષકાર તો સાચા અર્થમાં રૂઢિનો રખવાળ છે. મુનશીએ ‘બ્રહ્મચર્યાશ્રમ’માં ગાંધીજીની કે બ્રહ્મચર્યની નહીં પણ બ્રહ્મચર્યના વિડંબનની મશ્કરી કરી છે. ચંચળ મનના સ્ત્રીલોલુપ ‘બ્રહ્મચારીઓ’ પર તેમનો સમર્થ કટાક્ષ છે. ચંદ્રવદનના ‘પાંજરાપોળ' પ્રહસનમાં આપણી લગ્નસંસ્થા જે ઉચ્ચ આદર્શથી પ્રેરાઈને સ્થાપિત થઈ હતી તેનો કેવો વિનિપાત થયો છે અને એણે કેવું વરવું રૂપ ધારણ કર્યું છે એ દર્શાવવામાં આવ્યું છે. લગ્નોમાં આચરવામાં આવતી બીભત્સતાથી મહાત્રાસ પામેલા નાટ્યકારના આક્રોશમાંથી આ પ્રહસન ઉદ્ભવ્યું છે અને એમાં આજનાં લગ્નોની નિષ્ફળતા દર્શાવી લગ્નસંસ્થા પાંજરાપોળ' બની ચૂકી છે એ વાત તરફ તેમણે લાલ ફાનસ ધર્યું છે. આ બધાં પ્રહસનો થોડાક ફેરફારથી ટ્રૅજેડીનું રૂપ પામી શક્યાં હોત. પ્રહસન એ ટ્રેજેડીએ કરેલું શીર્ષાસન છે એમ યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે. પ્રહસનોમાં જે પ્રશ્નો રજૂ થયા છે એ માનવજાતની પ્રકૃતિની જડતામાંથી કે મતલબમાંથી ઉદ્દભવ્યા છે. સામાજિક નિર્બળતાઓ તેમાં ઘેરી કરુણતા પ્રગટ કરી શકે. પ્રહસનકાર આ બધાં અનિષ્ટો પ્રત્યે રુદન કરવાને બદલે એમને ચાબુકથી ફટકારવામાં સંતોષ માને છે. વાચકોને કે સામાજિકોને લગ્નસંસ્થાની ભીતરનાં અનિષ્ટો પ્રત્યે ઘૃણા ઉપજે એટલે લેખકનું પ્રયોજન સફળ થઈ ગયું. યુરોપમાં ‘ચેઇન્જ ઇન ટેમ્પો'ની તરકીબ ઍબ્સર્ડ નામે ઓળખાતાં થિયેટરોમાં અજમાવાઈ છે. આયનેસ્કોએ તો ‘પાર્સ ટ્રેજિક’ એવું ઉપશીર્ષક પણ નાટક માટે પ્રયોજ્યું છે. ટૉમસ જૅકેટ, પિન્ટર, જેને એ નાટકકારોએ આ પ્રકારનાં નાટકો રચ્યાં છે. એમાં પ્રશ્ન કોઈ વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે એની બેવકૂફીઓ દર્શાવવાનો નથી. અસ્તિત્વ એ આખી માનવજાત પ્રત્યે કોઈ દુષ્ટ તત્ત્વ નિર્મલી ક્રૂર વાસ્તવિક મજાક (પ્રેક્ટિકલ જોક) છે એટલે એ પછી મજાકનો પ્રશ્ન જ રહેતો નથી. હવેથી સેટાયર વ્યક્તિમાંથી સમગ્ર માનવજાત પ્રત્યે આવે છે. માણસ તો માત્ર એનો પ્રતિનિધિ છે અને સિમ્બૉલિક સિગ્નિફિકન્સ ધરાવે છે. આવાં નાટકોનો પ્રકાર ફારસનો લાગે, પરિસ્થિતિ હાસ્યાસ્પદ લાગે ઍબ્સર્ડ દેખાય, પરંતુ એ પરિસ્થિતિની નીચે ટ્રેજિક વહેતો હોય જીવનમાં શૂન્યતા, માનવપ્રવૃત્તિની વ્યર્થતા, પોકળતા એમાંથી ઈંગિત થતી હોય. આપણે ત્યાં પણ નવી પેઢીના ગણાતા અનેક લેખકોએ આ પ્રકારનાં ફાર્સટ્રેજિક રચ્યાં છે. અત્યારે મને લાભશંકરનાં નાટકો યાદ આવે છે. એક છે ‘મરી જવાની મઝા' અને બીજું છે ‘નૉનસેન્સ’. ‘મરી જવાની મઝા'માં એક તરફ ભૂખની પીડાથી ક્ષણે ક્ષણે મોત તરફ ધકેલાઈ રહેલો એક છાપાં વેચનારો છોકરો અને બીજી તરફ ભોજન તરફ અત્યંત અભાવ પ્રગટ કરતી ભૂલી પડેલી રાજકુમારી. આ બે પાત્રોની મુલાકાતનાં દૃશ્યો રમૂજ પમાડે તેવાં છે, પરંતુ આ બે વૃત્તિ વચ્ચેનો જે સંઘર્ષ ભૂખની પારાવાર વેદના, કણકણ માટે તરફડતા માનવીની વૃત્તિ અને ભોજનથી અતિતૃપ્ત રાજકુમારીનું ભૂખ અને મૃત્યુ પ્રત્યેનું વિસ્મય એમાંથી ગાઢ કરુણ નિષ્પન્ન થાય છે. છાપાંવાળો ખરેખર મરી રહ્યો છે ને રાજકુમારી મરી જવાની મઝા કેવી હોય તે સમજવા માગે છે! ઍબ્સર્ડ લાગતી પરિસ્થિતિમાંથી સરસ વ્યંગ નાટ્યકારે પ્રગટાવ્યો છે. ‘નૉનસેન્સ'માં જિંદગીની અર્થશૂન્યતા ને વિશ્વ, વ્યક્તિ, પ્રવૃત્તિ બધું નૉનસેન્સ, અર્થહીન છે એ ભાવ સેટાયર રૂપે પ્રગટ્યો છે. એમાં નાટકમાં નાટક ભજવવાનો કીમિયો અજમાવાયો છે, અને નાટક ભજવવા તખ્તા પર ભેગાં થયેલાં પાત્રો નાટ્યલેખકના નૉનસેન્સમાંથી છૂટવા મથે છે; પણ એમને સમજાય છે કે એમની ચર્ચા, ઉશ્કેરાટ, બકવાસ બધું જ નૉનસેન્સ છે, મરવાનું પણ હાથની વાત નથી અને નિરુદ્દેશ જીવ્યે જવાનું છે! સેટાયરના અનેકાનેક રૂપોમાંથી હવે કટાક્ષ વ્યાજસ્તુતિ, આયનીનું રૂપ જોઈએ. આની એટલે ‘કહેવાની એક વાત ને અર્થ થતો હોય એનાથી બરાબર વિરોધી. [13] આ તેનું સાવ સામાન્ય લક્ષણ છે. કટાક્ષ એટલે દેખાવ બાહ્ય દેખાવ (એપિયરન્સ) અને વાસ્તવિકતા (રિયાલિટી) વચ્ચેની વિષમતા. કટાક્ષકાર એક આભાસ રજૂ કરે છે. પોતે વાસ્તવિકતાથી અજાણ હોય તેવો ડોળ કરે છે, જ્યારે કટાક્ષકારનો બલિ, કટાક્ષકારના બાહ્ય આલેખનથી છેતરાય છે, અને વાસ્તવિક પરિસ્થિતિથી તે અજ્ઞાત રહે છે. કટાક્ષકાર તેને મૂર્ખ બનાવે છે તેની પણ તેને ખબર રહેતી નથી. કટાક્ષમાં આભાસ અને વાસ્તવિકતા વચ્ચે જે વિરોધ છે તેમાં હાસ્ય અને આઘાત બંને રહેલાં છે. એરિસ્ટોટલના મતે આયરની એટલે બનાવટી વિનમ્રતા, છળ અને જાતે જ કરેલું અવમૂલ્ય. ‘સૉક્રેટિક આયુરની'માં આ લક્ષણો જોવા મળે છે. પોતાના માટે અજ્ઞાનનો આભાસ ઊભો કરી, વિનમ્રતાનું મહોરું પહેરી તે બીજાઓને પ્રશ્ન પૂછ્યા જ કરતો. જાણે બધા નિષ્ણાત અને પોતે સિમ્પલટન (ટનબંધી સામાન્યતાવાળો)! અને અંતે વાત ઊલટી જ પુરવાર થતી. એની આ પદ્ધતિ કેટલાકે વખાણી, પણ સત્તાધીશોને તે ખતરનાક લાગી. એરિસ્ટોફેનિસે એના ‘ધ કલાઉડ્ઝ' નાટકમાં સૉક્રેટિસના પાત્રને આનિકલ દેખાડ્યું છે. એની ફિલસૂફી પર કટાક્ષ કર્યા છે. સૉક્રેટિક આયર્ની ગ્રીસમાંથી રોમમાં અને રોમનો પાસેથી ઇંગ્લૅન્ડમાં આવી અને સેટાયરના એક શસ્ત્ર તરીકે અંગ્રેજી સાહિત્યમાં તે સમર્થ રીતે વિપુલપણે ખેડાઈ. એ સેટાયરનું સ્વરૂપ પણ છે અને શસ્ત્ર પણ છે. સાર્કેઝમ આયર્નીનો જ એક પ્રકાર છે; પણ એમાં કઠોર અને કરડકણી વાણી હોય. એ સામી વ્યક્તિને વાગ્યા વિના રહે નહીં. કટાક્ષમાં એવું નથી. એ કટુ પણ હોય ને મધુર પણ હોય. (‘જેન્ટલ' પણ હોય ને ‘બીટર’ પણ હોય.) દરેક વિકસિત દેશના સાહિત્યમાં, વ્યક્તિ, વૃત્તિ, વિચાર, તંત્ર વગેરે પર મૃદુ અથવા કઠોર કટાક્ષ રચાતા રહ્યા છે. અંગ્રેજી સાહિત્યના આદિ કવિ ચોસરની ‘કૅન્ટરબરી ટેઇલ્સ'નો પ્રોલોગ હળવા કટાક્ષથી સભર, માણવા જેવો છે. એ કટુ બન્યા વિના હળવાશથી ટકોરો જ મારે છે, થપ્પડ લગાવતો નથી. એના કટાક્ષ નિર્દેશ અને મૃદુ છે. મધ્યકાળમાં મોટે ભાગે ધર્મસંસ્થાઓ અને તેમના વડા ઉપર કટાક્ષનું સાહિત્ય રચાતું. જાતીય વૃત્તિ પણ કટાક્ષ માટે હંમેશાં આકર્ષક વિષય રહ્યો છે. ચૉસરના ‘વાઇફ ઑવ બાથ'માં બાથની સ્ત્રી, પોતે એના સંખ્યાબંધ પતિઓને વારાફરતી કેવી રીતે લપટાવ્યા અને બધાને કેવા ઠેકાણે રાખ્યા છે, એ વિશે જે બણગાં ફૂંકે છે તેમાં તેના વ્યક્તિત્વ વિશે અને જાતીય વૃત્તિ વિશે સરસ કટાક્ષ છે. રેસ્ટોરેશન સમયની કૉમેડીમાં અને ફારસોમાં જાતીય વૃત્તિ પર કટાક્ષ કરવાનું વલણ સહેજે જણાય છે. રાબેલા જાતીય વૃત્તિ કાબૂમાં રાખવા પ્રીસ્ક્રિપ્શન આપે છે – ડ્રિંક, ડ્રગ્ઝ, વર્ક, સ્ટડી એન્ડ સેક્સ! પણ દાંત ખાટા કરી નાખે, અકળાવી મૂંઝવી નાખે એવો અંગ્રેજ કટાક્ષકાર તો સ્વિફ્ટ. એનો ‘મોડેસ્ટ પ્રપોઝલ'નો એક જ કટાક્ષ એની લાજવાબ કટાક્ષકલાની પ્રતીતિ કરાવશે. એ કટાક્ષની વિગત જરા જોઈએ. એ કહે છે : આ દેશની મુલાકાતે આવતા પ્રવાસીઓ અથવા રસ્તા પર આવનારા લોકોને કે ઘોડાગાડીમાં જનારાઓને ત્રણત્રણ, ચારચાર કે છછ છોકરાં સાથે ચીંથરેહાલ હાલતમાં ભીખ માગવા દોડતી સ્ત્રીઓને જોઈને આઘાત લાગશે. આવું સામાન્ય નિરીક્ષણ કર્યા પછી વાચકને જાણે ચોંકાવવાની તૈયારીની પૂર્વભૂમિકા રૂપે કહે છે : બાળક જન્મ્યા પછી માના દૂધ પર એકાદ વર્ષ ઊછરી શકે. વાચકને આશ્ચર્ય થાય કે આ લેખક ક્યાં લઈ જવા માગે છે? પછી તરત ઉમેરે છે : અંદાજે બે લાખ યુગલ એવાં છે, જેમની સ્ત્રીઓ ધાવ (બ્રીડર) હોય. અંતે તરત જ વાચકને કટાક્ષકારના ઇન્જેક્શનની સોય ઘોંચાય છે; મારા એક મિત્રની ગણતરી છે કે દૂધ ૫૨ સરસ રીતે ઊછરેલું બાળક એ ઉકાળીને, પકવીને કે શેકીને ખાવા માટે ઉત્તમ ખોરાક છે. ઇંગ્લૅન્ડના ધનવાનોના ભોજનટેબલ પર આયાનાં બાળકો સરસ વાનગી તરીકે પીરસી શકાય. સ્વિફ્ટ આયર્લૅન્ડનો વતની હતો અને આયર્લૅન્ડ અંગ્રેજોના આધિપત્ય હેઠળ હતું. આઇરિશ પ્રજાને અંગ્રેજો ઢોરની જેમ રાખતા હતા અને આયર્લૅન્ડની વસ્તી વધતી જતી હતી; ભિખારીઓ ઊભરાતા જતા હતા. એટલે સ્વીટ આ વિનીત પ્રસ્તાવ (મોડેસ્ટ પ્રપોઝલ) મૂકે છે. આ એવો ભયાનક કટાક્ષ છે કે કોઈ એ સહી શકે નહીં. ‘ગલિવર્સ ટ્રાવેલ્સ’ સ્વિફ્ટનું બહુ પ્રસિદ્ધ પુસ્તક છે. હંસાબહેન મહેતાએ એનો અનુવાદ ‘ગોળીબારની મુસાફરી' નામથી કર્યો છે. એમાં ગલિવર શબ્દ જ કટાક્ષમાં પ્રયોજાયી છે. ‘ગલ' એટલે મૂર્ખ અને છતાં ગલિવર સ્નાતક થયેલો શિક્ષિત છે. એને લેખક કલ્પિત દેશોના પ્રવાસે મોકલીને એ પ્રદેશોની સંસ્કૃતિનાં વર્ણનો દ્વા૨ા ઇંગ્લેન્ડની પ્રજાની રૂઢિ, પરંપરા, રીતરસમ પર કટાક્ષ કરે છે. એ કટાક્ષો પ્રતીતિકર બને તે માટે એકેએક પ્રદેશનાં અને સ્થાનનાં તે વિગતવાર ભૌગોલિક વર્ણનો આપે છે. એના એ ટેઇલ ઑવ ટબ', ‘એ બૅટલ ઑવ બુક્સ' પણ મઝાના કટાક્ષો છે. અઢારમા સૈકામાં સ્વિટ-સમોવડ કટાક્ષકાર કોઈ નથી. બધા જ કટાક્ષકારો વિશે અહીં વાત નહીં કરી શકાય; પણ પત્રકારો તરીકે પ્રસિદ્ધ એડિસન, સ્ટીલના હળવા મર્માળા ને સમાજને સુધારવાના પ્રયોજનથી લખાયેલા કટાક્ષ યાદ કરવા પડે. નવલકથાનો ઉદય થયા પછી ફિલ્ડિંગની ટૉમ જોન્સ’એ સમગ્રપણે કટાક્ષનવલ નથી, પણ એમાં ખાસ કરીને પોતાને જે સંસ્કારી સોફિસ્ટિકેટેડ ગણાવે છે એ વર્ગની સાંસ્કારિક પોકળતા તેણે કટાક્ષપૂર્વક બરાબર ખુલ્લી પાડી છે. વીસમી સદીના બે-ત્રણ સમર્થ કટાક્ષકારો એટલે જ્યૉર્જ ઑરવેલ, આલ્ડસ હકસલી, યુર્જિન આયનેસ્કો, જ્યૉર્જ ઑરવેલે પ્રાણીકથાનું સ્વરૂપ પસંદ કરીને ઍનિમલ ફાર્મ' નવલકથા રચી. પેટાશીર્ષકમાં તેણે એને પરીકથા ગણાવી છે તે એક સેટાયર જ છે, સમગ્ર કૃતિ હકીકતનિષ્ઠ સામાજિક ઉત્પાત (રિયલિસ્ટિક સોશ્યલ જ કેટાસ્ટ્રૉફ) દર્શાવે છે. એણે સામ્યવાદી ક્રાંતિને પહેલાં તો વધાવી લીધી પણ પછી સ્ટેલિન અને તેની સામ્યવાદી અમલદારશાહીએ જે રાજકીય જુલમો વંરતાવવા માંડ્યા તેનાથી નિરાશ થઈને તેણે સામ્યવાદ પર પ્રહાર કર્યો. એ કથામાં ખેતરનાં પ્રાણીઓ એમના માલિક સામે બળવો પોકારીને સત્તા ઝૂંટવી લે છે. ડુક્કરો સત્તાધીશ બને છે અને સામ્યવાદની ઘોષણા કરનારાં એ ડુક્કરો સગવડ મુજબ પોતાના આદેશો કમાન્ડમેન્ટ્સમાં ફેરફાર કરતા જાય છે; જેમ કે પહેલાં આદેશ હતો કે પશુઓએ પથારીમાં સૂવું નહીં. હવે સત્તાધીશો પોતાના લાભાર્થે તે સુધારે છે કોઈ પશુએ ચાદરવાળી પથારીમાં સૂવું નહીં. છેલ્લો આદેશ એવો છે કે બધા જ પ્રાણીઓ સમાન છે સામ્યવાદના સૂત્રમાં સત્તાધીશો ફેર કરે છે બટ સમ આર મૉર ઇક્વલ ધેન અધર્સ! માણસનાં વૃત્તિવલણો પર અહીં સજ્જડ સેટાયર છે. લેખકની નિરાશા નકારાત્મકતામાં પરિણમે છે ઘેટાં બેં બેં કર્યાં કરશે અને ટોળામાં દોડતાં રહેશે, મરઘાં કૉ કૉ કર્યાં કરશે, ઈંડાં મૂક્યાં કરશે ને એ ઈંડાં ચોરાયાં કરશે. ઢોર એના ધણીની આજ્ઞા પ્રમાણે જ વર્ત્યાં કરશે કૂતરાં ને ભૂંડ પ્રજા પર સત્તા ભોગવશે. ટૂંકમાં, ક્રાંતિ પછી માણસના હાલ જે હતા તે જ રહેશે. ઑરવેલની બીજી એક સેટાયર કૃતિ ‘૧૯૮૪'માં દુનિયા કેવી દુર્દશામાં મુકાઈ જશે અને માણસજાત પર કેવા જુલમો ગુજરશે તેની આગાહી છે. દા.ત., બારી વિનાના એક ભયાનક કિલ્લામાં ત્રાસ માટેનાં વૈજ્ઞાનિક સાધનો હશે. વાર્તાનો નાયક વિન્સ્ટન સ્મિથ એ સાધનોને પ્રતાપે આપમેળે બધી કબૂલાતો કરતો દ્રોહી અને ચીસો પાડતું જંતુ બની જાય છે. એના મકાનનું નામ ‘મિનિસ્ટ્રી ઑવ લવ' અને એની ધરપકડ થયા પૂર્વે એ સરકારી નીતિને સુસંગત થાય તે રીતે જૂના રેકર્ડો બદલવાનું, ગઈ કાલનું જ એ વર્તમાનપત્ર હોય તો તેનો પણ હેવાલ બદલવાનું કામ કરે છે – એ મકાનનું નામ ‘મિનિસ્ટ્રી ઑવ ટ્રુથ.' માણસ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેસશે, યાંત્રિકતા વધી જશે. એવી બધી આગાહી તેણે કરી હતી. રમણલાલ દેસાઈએ ‘પ્રલય'માં યુદ્ધો અને દુનિયાના નાશની આગાહી કરી હતી, પણ એ ખોટી પડી છે. યુજિન આયનેસ્કોનું ‘રાઇનોસિરસ’ (ગેંડો) નાટકમાં આખું શહેર, આખી માનવવસ્તી ગેંડાઓમાં પલટાઈ જાય છે. આ રાજકીય કટાક્ષાત્મક રૂપક છે. એકહથ્થું સત્તાની જમાવટ કરનારા સત્તાધીશો પોતાનાં વલણો પ્રજા પર કેવાં ઠસાવે છે અને પ્રજા પણ ‘કલેક્ટિવ હિસ્ટીરિયા'માં કેવી સપડાય છે તેનું વેધક કટાક્ષમય નિરૂપણ આ નાટકમાં છે. નાઝીવાદ પરનો કટાક્ષ સ્પષ્ટ છે. લેખક એમાં બુદ્ધિવાદની વિકૃતિ માને છે. એ કહે છે, વિચારધારાઓમાં મૂર્તિપૂજા આવી એટલે માણસ અમાનુષ થવાનો જ. માણસ ભલે પોતાને બુદ્ધિવાદી ગણાવતો હોય, છેવટે એ આખા સામૂહિક હિસ્ટીરિયામાં ગેંડો થઈને જ રહેવાનો! આલ્ડસ હકસલીના બ્રેવ ન્યૂ વર્લ્ડ'માં પણ વૈજ્ઞાનિક સંશોધનો પછી માનવજાત કેવી વિચિત્ર, વિષમ, ઘાતક પરિસ્થિતિમાં મુકાશે તેનું કટાક્ષમય આલેખન છે. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં સમર્થ સેટાયર અખાના છપ્પામાં મળે છે. એમાં સોળ ઊઠે તેવા ચાબખા છે અને કઠોર હાસ્ય છે. પ્રેમાનંદ હાસ્યકાર છે, સેટાયરિસ્ટ નથી. દલપતરામના ‘વેનચરિત્ર'માં હળવો સેટાયર વિનોદસહિત મળે છે, પણ અંગ્રેજ કવિ ચૉસરની જેમ તેમણે મૃદુ કટાક્ષયુક્ત રચનાઓ પણ સારી એવી આપી છે. પ્રાણીકથા દ્વારા ‘અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે’ તેમણે કાચના ઘરમાં રહીને બીજાના ઘર પણ પથ્થર નાખનારા સામે કટાક્ષ (આયૂરની) કર્યો છે. રમણભાઈના ‘ભદ્રંભદ્ર'માં સેટાયરનાં વિવિધ રૂપો મળે છે. એ આપણે એ અગાઉ જોયું. એમાં સેટાયરનું આ ધારદાર શસ્ત્ર આયરની કટાક્ષ રમણભાઈએ ભારે કુશળતાથી પ્રયોજ્યું છે. એમની ઉચ્ચ સર્જનશક્તિ પણ આ કટાક્ષોની યોજનામાં વરતાય છે. રમણભાઈ પછી આયરનીનું સ્વરૂપ જ્યોતીન્દ્રમાં મબલખપણે પ્રગટ થાય છે. એ જેન્ટલ આયુની પ્રયોજે છે. વસ્તુને અવળી રીતે રજૂ કરીને ઇન્વર્ઝન કરીને એ હળવો માર્મિક કટાક્ષ કરે છે. એમના કટાક્ષમાં સ્વિફ્ટ કે પોપમાં છે તેવી કટુતા નથી. એમના કટાક્ષ કોમળ ને પ્રફુલ્લ હોય છે. એમાંથી કે વિનોદ સહેજે પ્રગટે છે. કવિતા અને વનિતામાં'થી એક દૃષ્ટાંત જોઈએ : “નવીન કવિતા ને નવીન વનિતા બંનેએ કેવળ લાલિત્ય, સુકુમારતા કે માધુર્યમાં રાચવાનું માંડી વાળી તેને બદલે રુક્ષતા, કઠોરતા અને ક્લિષ્ટતા પોતાના સંપર્કમાં આવનારને કલેશ ઉપજાવવાની શક્તિ – ધારણ કર્યાં છે. મીઠી મીઠી વાણી બોલી મનહરણ કરવાને બદલે એ હવે ભારે ન કઠોર શબ્દોથી પ્રહાર કરવાનું શીખી છે. અસલની કવિતા ને વનિતા બંને આંસુ પાડતી, આજની કવિતા ને વનિતા આંસુ પડાવે છે.’ (જ્યોતીન્દ્રતરંગ, પૃ. ૧૪૨)
‘સાહિત્ય પરિષદ’ નામના એક લેખમાંથી એમની મર્માળી આયરનીનું એક દૃષ્ટાંત નોંધીએ : (પ્રમુખ તરીકે ભાષણ કરવા લેખક ઊભા થાય છે.) ‘તો હું ઊઠ્યો! જાણે સૂર્ય ઊગ્યો! (ન્હાનાલાલભાઈ ખરું ને? હું ધારું તો ન્હાનાલાલ જેવું, નરસિંહરાવ જેવું, ગોવર્ધનરામ જેવું બધા જેવું લખી શકું. પણ આપણાથી ઊતરતા લેખકોની નકલ શા માટે કરવી? પછી મેં બોલવાનો પ્રારંભ કર્યો –) વાચક! તેં સુણ્યો છે કદીયે કર્ણહારી કલરવકા૨ી કોકિલાનો કર્ણરસાયન શો કુહૂરવ? સુણ્યો હશે તો આછો – ખ્યાલ તને આવી શકશે. મારા ભાષણમાં રહેલી માધુરીનો કંઈક સાહિત્યપ્રેમ અને તજ્જન્ય આવેગ મારા હૃદયમાં માઈ શક્યા નહીં, એટલે તેણે મારા ધ્રૂજતા હાથપગ દ્વારા મૂર્ત સ્વરૂપ લેવા માંડ્યું. મુખમાંથી નીકળતાં નીકળતાં વાણી પણ ધ્રૂજતી હતી. તમે કહેશો ‘ક્ષોભને લીધે', પણ ના, મારા હૃદયમાં એવો અવર્ણ્ય જુસ્સો વ્યાપી રહ્યો હતો કે વાણી પણ ભયને લીધે કંપી ઊઠતી. એનું જ નામ ઇન્સ્પિરેશન (પ્રેરિતતા), જોકે પરિણામે પસ્પિરેશન (પ્રસ્વેદમયતા) મને પ્રાપ્ત થઈ. કવિઓના આડંબર પર પોતાની જાતને ભોગે અહીં સરસ મૃદુ ને માર્મિક કટાક્ષ થયો છે. જ્યોતીન્દ્રના લેખોમાં સાટકાનો સુસવાટ નથી. બરડા પર જાણે મીઠા ધબ્બાનો મૃદુ અવાજ છે. ધબ્બો મારનાર અને ખાનાર બંને એનો આનંદ માણી શકે છે. ‘સ્વૈરવિહારી’ રામનારાયણ વિ. પાઠકમાં ક્યારેક ચાબુક વીંઝાય છે, જેમ કે ‘હિંદુઓનું ખાસ સાયન્સ'. તેમાં અસ્પૃશ્યતાવાદીઓના દંભને તેમણે જરા સમસમે તેવા કટાક્ષથી નિરૂપ્યો છે, પરંતુ ખરાબ કરવાની કળા'માં હાસ્ય મૃદુ ને સૂર્યપ્રકાશ જેવું ચમકતું છે. ‘હાસ્ય ખાતર હાસ્ય’માં એ માનતા નથી. એમનો કટાક્ષ સમાજહિતચિંતકનો કટાક્ષ છે. સુન્દરમાં કોયા ભગતની કડવી વાણી' સંભળાય છે જ. એમનો કટાક્ષ સમાજમાં પ્રચલિત અસમાનતા અને વર્ગભેદ સામે છે. આપણા એક સમર્થ કટાક્ષકાર તે જયંતિ દલાલ. એમના કટાક્ષ રાજકારણના ‘ખેલાડીઓ' અને તેમની ‘નટલીલા' પર છે. એમનામાં અખાનો આક્રોશ વરતાય છે. દુર્બોધતા પણ અખાની દેખાય. જયંતિ દલાલનો વ્યંગ્ય અધિકારીજનો માટે છે. એમાં વિટનો પણ સમર્થ ઉપયોગ છે. ઇન્વેસ્ટિવ એ સેટાયરનું અતિ પ્રાથમિક, અણઘડ રૂપ છે; વિટ એ સેટાયરનું પરિપક્વ સૂક્ષ્મ ધારદાર શસ્ત્ર છે. તલવારની પટાબાજી ખેલનારા સૈનિક જેવી ચપળતા, સાવધતા અને ગતિ તેનામાં હોવાં જોઈએ. વિટમાં વીજચમકાર છે. એ જેના પર ત્રાટકે છે તેને ઘડીભર પેરેલાઇઝ (લકવાયેલો) કરી નાખે એવી તેનામાં શક્તિ છે. જયંતિ દલાલ પછી વિટનું શસ્ત્ર બકુલ ત્રિપાઠી, રઘુવીર ચૌધરી અને વિનોદ ભટ્ટમાં સફળ રીતે પ્રયોજાયું છે. ચીનુભાઈ પટવાએ રાજકીય કટાક્ષ દ્વારા પ્રસિદ્ધિ (કીર્તિ) પ્રાપ્ત કરી હતી. એમના ‘ગોરખ અને મત્સ્યકેન્દ્ર' પુસ્તકે સત્તાધીશોને દઝાડ્યા હતા. ગુરુ અને ચેલાના સંવાદનું માળખું યોજીને તેમણે સાંપ્રત યુગની રાજકીય ઘટનાઓ અથવા શૈક્ષણિક ઘટનાઓ પર કટાક્ષનાં તાતાં તીર ચલાવ્યાં હતાં. બકુલ પણ અનેક વાર ગુરુ અને શિષ્યના સંવાદનું માળખું યોજીને એ જ રાજકીય કટાક્ષની પ્રવૃત્તિ કદાચ વધારે કુશળતાપૂર્વક કરી રહ્યા છે. બકુલમાં નૈસર્ગિક હાસ્યવૃત્તિ છે. માત્ર રાજકીય ઘટનાઓ પર જ નહીં, આપણા જીવનવ્યવહારના પ્રસંગોમાંથી પણ તે વૈચિત્ર્ય શોધી લાવે છે. સ્થૂલ અને સૂક્ષ્મ બંને પ્રકારનું હાસ્ય અનાયાસે તે નિષ્પન્ન કરી શકે છે. એમના ‘સોમવારની સવારે’ પુસ્તકમાંથી ટેલિફોન વિશેનો; લેખકો, પરિષદ અને ભોજન વિશેનો; મુરબ્બીઓ વિશેનો વગેરે લેખો વાંચવાથી એમની આ શક્તિનો તરત પરિચય મળી જશે. એમની કટાક્ષકલા રાજકીય બનાવોને લક્ષ કરવામાં પણ એવી જ સમર્થ રીતે ખીલે છે. એમના જેવા જ બીજા ‘લાઈવ વાયર' તે વિનોદ ભટ્ટ. એમના કટાક્ષ-સાહિત્યમાં ઇન્વેક્ટિવથી માંડીને વિટ સુધીનાં સેટાયર-સ્વરૂપોનો પરિચય મળી જાય છે. આપણા વિનોદસાહિત્યમાં એમણે જેટલા પ્રકારો અને તેય દમ અને દમામથી ખેડ્યા છે એટલા બીજા કોઈ કટાક્ષલેખકે ખેડ્યા જાણ્યા નથી. પૅરોડીના પ્રયોગ શામળ ભટ્ટની કથાઓ પૅરોડી રૂપે એનું વૈવિધ્ય ચિત્તાકર્ષક છે. રેખાચિત્રો' આપણે ત્યાં લખાયાં છે, પણ ‘વિનોદની નજરે’ જેવાં કોણે લખ્યાં છે? વિનોદનાં રેખાચિત્રોમાં અનેક પ્રકારની મર્યાદાઓ છતાં તે ચિત્રો આસ્વાદવાં ગમે તેવાં છે. જ્યોતીન્દ્ર કે ચંદ્રવદનનાં રેખાચિત્રોમાં નરવો વિનોદ પ્રગટે છે. પ્રિયકાન્ત જેવાના રેખાચિત્રમાં કટાક્ષલેખક કવિની કોટિએ પહોંચ્યા છે. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો'માં બીજો એક નવીન પ્રકાર પૅરોડી રૂપે આવે છે. એમણે એમાં સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રતિનિધિરૂપ વ્યક્તિઓના પત્ર વિલક્ષણ વિનોદી શૈલીમાં રજૂ કર્યા છે. એ બધા પત્રોમાં હળવા કટાક્ષ અને રંગભરી રમૂજ છે. ફ્રેંચ ફિલૉસૉફર બર્ગસાંએ માણસની જડતા (ઇલેસ્ટિસિટી)ને હાસ્યના એક કારણ રૂપે દર્શાવી છે. વ્યક્તિને પોતાના વ્યવસાયનો રંગ કેટલી હદે રંગી નાખે છે અને વાણીવર્તનમાં પણ એ વ્યવસાયની જ ભાષા પ્રયોજતો થઈ જાય છે. આ જડતા અહીં હાસ્યનો વિભાવ બને છે. એક શિક્ષકના પત્રમાંથી થોડોક અંશ રજૂ કરવાનું મન થાય છે. શિક્ષણના વ્યવસાયની શિક્ષકના સમગ્ર વ્યક્તિત્વ પર કેટલી બધી અસર પડી છે અને રૂંવે રૂંવે શિક્ષકગીરી કેવી પ્રસરી ગઈ છે તે વિનોદે બતાવ્યું છે. તેમણે શિક્ષકનાં વાણી અને વર્તનની સૂક્ષ્મ ખાસિયતો પકડી પાડી તેને હળવા કટાક્ષનું નિશાન બનાવી છે : ‘છ ને સત્તાવીસ મિનિટ અને ત્રેપન સેકન્ડ સુધી તમારી રાહ જોઈ. વિદ્યાર્થીઓ શાળા છૂટવાના ઘંટ વાગવાથી રાહ જોઈ રહે એટલી, બલકે એનાથીય વધુ અધીરાઈથી, તમારા આવવાની રાહ જોતો ઊભો રહ્યો, પણ તમે ન આવ્યાં. મન નારાજ થઈ ગયું. કોઈ વિદ્યાર્થીને વાલીએ ટ્યૂશનફી પાંત્રીસ રૂપિયા નક્કી કરી હોય અને મહિનો ભણાવ્યા પછી ત્રીસ રૂપિયા હાથમાં મૂકે ત્યારે થઈ જાય એવું દિલ ખાટું થઈ ગયું. વિનોદનાં ઇદમ્ તૃતીતમ્', ‘ઇદમ્ ચતુર્થમ્' જેવાં પુસ્તકોમાંની લઘુ કટાક્ષકથાઓ આપણા હાસ્યસાહિત્યમાં એક આગવું અર્પણ છે. એમની ‘વહેલ માછલીનું આક્રમણ' એ નાનકડી કથામાં વહેલ માછલી એક સ્ટીમર પર હલ્લો કરે છે પહેલાં ખુરશી ગળી જાય છે, પછી સ્ટીમરમાં પ્રવાસ કરનારા (આ શક્ય છે?) પ્રધાનોને ગળી જાય છે. એ વહેલ માછલીને છેવટે મારી નાખવામાં આવે છે અને સ્ટીમરનો કપ્તાન માછલીના મુખમાં બેટરીનો પ્રકાશ નાખીને જુએ છે તો એના પેટમાં પેલી ખુરશી માટે પ્રધાનો ઝપાઝપી કરતા હતા! ભારોભાર અત્યુક્તિ છે, પણ આપણા પ્રધાનોની મેન્ટાલિટી પર કેવો વેધક કટાક્ષ છે! અહીં રાવજી, લાભશંકર, સિતાંશુ વગેરેનાં હુંશીલાલ, લઘરો ને મગન વિશેનાં કટાક્ષકાવ્યોનું સ્મરણ થાય છે. એમાં ફાર્સિકલ તત્ત્વો, મૉકરી અને આય્રની ઊપસી આવે છે. સાહિત્યના માધ્યમની અને સામાજિક રૂઢ મનોદશાની નિષ્ઠુરપણે અહીં જે ઠઠ્ઠા-મજાક થઈ છે તે આપણા કાવ્યસાહિત્યમાં વિરલ ગણાય. નાથાલાલ દવે આપણા સમાજની અને રાજકારણની ઘટનાઓ પર પદ્યમાં યથાશક્તિ કટાક્ષવિવેચન દ્વારા ઉપદ્રવ' પ્રગટ કરી રહ્યા છે તેની પણ નોંધ અહીં લેવી યોગ્ય ગણાશે. ઉપસંહાર રૂપે એટલું કહેવું બસ થશે કે અત્યારે સમગ્ર માનવજાતનું ભાવિ હોડમાં મુકાયું છે અને માણસ ભય અને નિરાશામાં, આશંકામાં જીવી રહ્યો છે... બધાં જ જીવનમૂલ્યો ઊથલી પડ્યાં છે. ત્યારે સેટાયરકાર હાથમાં કલમ લઈને કપાળે કરચલી પાડતો ઊભો છે ખરો. ઘા કરવો છે, પણ એ પોતે જ દ્વિધામાં છે વાર કરવો કે નહીં તેની. કટાક્ષ કરવાથી શું – એવી અશ્રદ્ધાપ્રેરી મૂંઝવણમાં એ છે. એ હતપ્રભ થઈ ગયો છે. એનું જ દર્શન ખોવાયું છે. કટાક્ષ હવે શેને કટાક્ષ માટે? કોને માટે? કટાક્ષ માટે હવે કોઈ વિષય મળે તેમ નથી...એ પણ એક મોટો કટાક્ષ નથી?


  1. A demolition expert, a man not of town-planning but of slum-clearance, uncreative, destructive, irresponsible.
  2. 'invented' by Lucilius written in hexameters on certain appropriate themes dominated by Lucilian Horotian tone.
  3. And when was there a richer crop of vices?
  4. It is difficult not to write satire.
  5. He must speak out or burst.
  6. The art of Satire, then, is an art of persuation.
  7. Art of using language so as to persuade or influence others.
  8. Satire is born of the instinct to protest, it is protest become art.
  9. A humorous or mischievous deception with which the credulity of the victim is imposed.
  10. It takes a challenging place among current literary impressionistic phenomena.
  11. Farce consists of defects without qualities.
  12. Farce is comedy with the meaning left out, which is as much as to say with the comedy left out.
  13. Saying one thing, but meaning the opposite.