અનુનય/કાગળ

From Ekatra Wiki
Revision as of 00:57, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાગળ

વાલમનો વારવાર કાગળ વાંચું ને
હું તો સોનેરી શાઈ જોઈ રાચું;
અણભાળી આંગળીના મીઠા મરોડમાં
મરડાતું મન મારું કાચું.

કાગળની કટકી તે ચટકી, ઊડાઊડ
અખ્ખરના અંજાણ્યા ભમરા!
ગડીઓમાં ભાયગની રેખા લખાણી
મારે ઊઘડ્યા કરમના કમરા!

મૂંગા તે બોલમાં શા મંતર મૂક્યા તે
મારા કાનમાં વજાડી જાય વેણુ;
કોરે તે કંઠ મારે ઝગમગતું ઝાઝેરું
ગમતીલું ગીતનું ઘરેણું!

છાતીમાં સંતાડી છાનો રાખું ને તોય
હોઠે જાતોક ને એ બોલે!
અમને અંજાણ એવા લાગણીના લાડનો
કમખો ધીમેશાથી ખોલે!

૮-૧૦-૧૯૭૨