અનુનય/તમને, એટલે કે માણસને

તમને, એટલે કે માણસને

તમારે ગોળ ચહેરો
જરા લાંબો થાય
ત્યારે તમારા વદન ઉપર એક આભા છવાઈ જાય
વેદનાની :
માણસ છીએ એટલે વેદનાનું વાદળ
પહેરીને જ ફરવું પડે!

સૂર્યકિરણમાં ચમકતા જલના ઊંડાણ જેવી
તમારી આંખોમાંથી
એક બિંદુ ટપકે, અરે પાંપણ ઉપર લટકે
ત્યારે તમને માનવીય ગૌરવનો અનુભવ થાય
માણસ છીએ એટલે
મુખ આંસુથી ખરડાયેલું જ રાખવું પડે!

પણ ભલા,
એક માણસ તરીકે પૂછું?
તમે ઝંઝાવાતમાં હસી હસીને
બેવડ વળી જતા ઘાસને જોયું છે?
સરકતા સાપની સુંવાળપને સ્પર્શ કર્યો છે?
ખરી પડવાની કોર પર ઊભેલા
ફૂલને સૂંઘી જોયું છે?
ઊંડી ખીણને ફીણિયા અવાજથી ભરી દેતા
ધોધના દમામને સાંભળ્યો છે?
સુક્કા હાડકાને ચાટી ચાટીને
માખણ જેવું કરી
લ્હેરથી આરોગતા ઝરખને જોયું છે?
અહીં આપણી દુનિયામાં તો
આવું આવું પણ છે
ને તમે માણસ છે ––
તો તમારો આ લાંબો ચહેરો
જરા ગોળ થાય તો…
તમને એ ના જ શોભે?!

૫-૧૨-’૭૬