અનુનય/નદીકાંઠે

From Ekatra Wiki
Revision as of 02:52, 26 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નદીકાંઠે

ગામનો આરો મૂકી
ઉપરવાસ, નદીના પટમાં ચાલતાં
પાતળી પાણીસેર
પડખામાં ઘસરકો મૂકી જાય;
રેતીમાં પગલાં ખૂંપી જાય;
પથરા પથને રોકે
ચરણોને ઠોકર ટોકે;
ગામનો આરો મૂકી
ઉપરવાસ ચાલવાનું, પેલા
ધુમાડામાં ઢંકાયેલા સ્મશાન સુધી –
પછી તો —
ભૂત જેવી ઊંચી અંધારી ભેખડો,
ભેંકાર વગડો,
દૂર દૂર નદીનું મૂળ,
તપમાં બેઠા ટેકરાં-ઋષિનું કુળ
– ને આકાશનું ભૂરું ભૂરું મૌન.

૧૦-૨-’૭૧