અનુનય/વણજારી વાવ

વણજારી વાવ

મારે ગામ, નજીકમાં સાવ
વગડે ચત્તીપાટ પડી વણજારી વાવ;
રોમાંચક સો સો વરસોનાં ઊગી ગયાં છે ઝાડ;
લીલાં કચ પાણીમાં તરતાં પાંદ;
કોઈ ચાંદની રાતે નાનો થઈ ન્હાય છે ચાંદ.
પગોથિયાંના પથરે પથરે ઝાંઝર ઝણકે
કંકણ રણકે
હવામાં હજી તરે છે પનિહારીના
અંબોડાનો ગંધ!
ગોખલે સતીઓને શણગાર
કંકુના થાપા
આપા તેપા તરશૂળ ખોડ્યાંના
સિંદૂરિયા રંગ!
સમયના વણુજારાએ સંતાડેલી
અહીં અતીતની થાપણ—
સાચવવા મૂકેલી પળની સળવળ સાપણ.

૨૦-૬-’૭૧