અમાસના તારા/એ ‘ચીજ’


એ ‘ચીજ’

દરેક શુક્રવારે વડોદરામાં ગુજરી ભરાય છે. ફતેહપુરાના રાજમાર્ગ પર ભરાતી આ ગુજરી શહેરના અને આસપાસનાં ગામોનાં શ્રમજીવી ભાઈબહેનો માટે આનંદ અને ઉત્સવની વસ્તુ છે. શહેરનો કેળવાયેલો શિક્ષિત અને ઊંચો વર્ગ આમાં ભાગ લેતો જ નથી. બહુ બહુ તો મધ્યમ વર્ગના નીચલા સ્તરનાં ભાઈબહેનો ભાગ લે. એટલે આ ગુજરીનાં રંગ અને વાતાવરણ સ્વાભાવિક, મુક્ત અને આકર્ષક લાગે છે. ભીડ, કોલાહલ, પૂછપરછ, ભાવ ઠરાવવાની કચકચ અને વેચનારના જુદાજુદા સંગીતમય અવાજને કારણે વાતાવરણમાં એક પ્રકારની સજીવનતા રસળતી હોય છે. આ ગુજરીમાં શાકપાંદડાંથી માંડીને ગાયબળદ અને ઘોડાના સેંકડો રૂપિયાનાં વેચાણ થાય છે. અહીં નવી વસ્તુઓની સાથે જૂની અને અવડ પડી રહેલી, નહિ વપરાયલી ચીજોના ઢગલા પણ પડ્યા હોય છે. સાત દિવસમાં નથી વેચાતા એટલા ચણામમરા શુક્રવારે એક દિવસમાં સાફ થઈ જાય છે. મરઘાં, બતકો, પોપટ, મેના, કાકાકૌવા અને બુલબુલતેતરના વિભાગમાં એના વેચનાર રંગીલાઓની ભાષા એવી તો ચુનંદી અને ચકોર હોય છે કે મોટા સાહિત્યકાર શરમાઈ જાય. આ ગુજરીમાં કાબેલ શહેરીઓ પોતાની લુચ્ચાઈ અને ચતુરાઈથી ભોળા અને ભલા ગામડિયાઓને આસાનીથી છેતરે છે. અહીં કોઈ ફરંદો મવાલી કોઈ બેખબર વટેમાર્ગુનું ખિસ્સું પણ હલકું કરી આપે છે, અને અહીં જ કોઈ જટાધારી સાધુ પિત્તળનું સોનું કરી આપવાને બહાને લોભી શહેરીને પણ ધૂતી જાય છે. આવું હોવાં છતાં જિંદગીની જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ એકી સાથે મળતી હોવાને કારણે આ ગુજરી અહીંના અને આસપાસના શ્રમજીવીઓનું મોટું આકર્ષણ છે.

એક દિવસ આ ગુજરીની વાત સદ્ગત પ્રો. બલવંતરાય ઠાકોરને કરી. મેં વળી વાતમાં જરા રંગ પૂર્યો. એટલે બલુકાકા કહે કે આપણે આ ગુજરી જોવા જોઈએ જ. ડોસાને આવી વાતોનો બહુ રસ. એટલે પછીના શુક્રવારે અમે જવાનું ઠરાવ્યું. શુક્રવારે સવારે આઠ સાડાઆઠે હું એમને ત્યાં પહોંચી ગયો. એ વખતે બલુકાકા રાવપુરામાં ખરચીકરના ખાંચામાં આવેલા ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના મકાનમાં રહેતા હતા. ઈ. સ. 1931ની આ વાત. અમે આમ તો રોજ બપોરે ચા સાથે પીતા. ડોસાએ દરમિયાન બીજા માણસો પાસે પણ આ શુક્રવારની ગુજરીની હકીકતો મેળવી રાખી. એમનો ઉત્સાહ જોઈ શકાય એવો અને એટલો હતો. મને કહે કે ચાલ ઉપર, હું કપડાં પહેરી લઉં. ચિરૂટને એમણે સળગતી જ રહેવા દીધી. વળી પાછા સળગાવવાની લમણાઝીંક કોણ કરે! કાકાએ કપડાં પહેરતાં પહેલાં પસંદગી શરૂ કરી. એક ચૂડીદાર પાયજામો કાઢ્યો, એમાં નોકર પાસે લાલ રંગનું જાળીદાર નાડું નંખાવ્યું. ખાખી રંગનું એક ખમીસ કાઢ્યું. ધોબીને ત્યાં ધોવાઈને જેનો રંગ ઓળખાતો નથી એવા લીલાભૂરા રંગની શેરવાની બહાર આવી. ડોસાએ કપડાં પહેર્યાં. રસોઇયા નટવરે બૂટની દોરી બાંધી આપી. નીચે આવીને એમણે માથે ખાસ્સી જાડી મિલિટરી ઢબની સનહેટ પહેરી. ખૂણામાંથી લાકડી લીધી. કદાચ વધારે તાપ લાગે તો સાથે છત્રી રાખી. પછી મને પૂછ્યું કે પહેરવેશનું મિશ્રણ કેવુંક છે! લોકોને આનંદ આપશે ને! બલુકાકાની મશ્કરીની રીત પણ પોતાની જ હતી. અમે દાદરો ઊતરી પડ્યા. બંબથાણા પાસેથી ઘોડાગાડી કરી. પેલો ગાડી હાંકનાર તો બલુકાકાને જોઈ રહ્યો તે બસ જોઈ જ રહ્યો. મને એણે પૂછ્યું કે આ દાદા સરકસના માણસ છે? મેં નાકે આંગળી મૂકીને એને વાર્યો પણ એનું મોઢું હાસ્યથી ભરાઈને ખૂલુંખૂલું થઈ રહ્યું. ચાંપાનેરને દરવાજે અમે ઊતરી પડ્યા. ત્યાંથી જ ગુજરી શરૂ થતી હતી. મેં ખાદીનું પહેરણ અને ધોતિયું પહેર્યાં હતાં. જોડે પૂરી સજાવટમાં બલુકાકા હતા. લગભગ સાડાનવ થયા હશે. ઉનાળાનું સવાર. તડકામાં તીખાશ શરૂ થઈ ગયેલી. એનો સામનો શરૂ કરવા ડોસાએ છત્રી ઉઘાડી અને અમારી બે જણાની સવારી પ્રવેશી ગુજરીમાં. બલુકાકાના એક હાથમાં છત્રી અને બીજા હાથમાં લાકડી. એટલે અમારો સંગાથ માત્ર મારે જ સાચવવાનો, એ જાય તેમ જવાનું, એ ચાલે તેમ ચાલવાનું. ચાલ્યા અમે તો ઊભી બજારે. અનેક આંખો અમારા તરફ વળી. લોકોએ ઇશારા કરવા માંડ્યા. ફૂટપાથ પર બેઠેલી કાછિયણોએ ડોસા તરફ આંગળી ચીંધી. હું એમને ગુજરીના વિભાગોનાં નામ કહેતો જાઉં. જે જે વસ્તુઓ ત્યાં હોવાની સંભાવના તે તે જણાવતો જાઉં. ક્યારેક વળી એ દુકાન ભણી વળે. વળી કોઈ દુકાન આગળ ઊભા રહે. ક્યારેક પૃચ્છા પણ કરે. કોઈ ઐતિહાસિક વસ્તુની માગણી કરીને વેચનારને નવાઈ પમાડે. આમ અમે પક્ષીઓના વેચાણવિભાગમાં આવી પહોંચ્યા. ત્યાર પછી પશુઓનો વિભાગ, પછી હરણીનો પુલ અને ગુજરીનો અંત. એકઠેકાણે આઠ-દસ પિંજરામાં પચીસ-ત્રીસ પોપટ હતા. ચાર-પાંચ પિંજરામાં આઠ-દસ મેનાઓ હતી. એક પિત્તળના ચળકતા પિંજરામાં લાલ ગરદનથી મગરૂર બનેલો એક કાકાકૌવો ડોલાડોલ કરતો હતો. એક વિશેષ પાંજરામાં બે તેતર અસ્વસ્થતાથી આમતેમ ફરતાં હતાં. મેં બલુકાકાને આ બધા પક્ષીઓની વાત કરતાં કરતાં તેતરની વાત પર જરા રંગ ચઢાવ્યો. લખનૌમાં તેતરની લડાઈમાંથી કેવાં હુલ્લડો થાય છે તેની એક વાર્તા હું કહેતો હતો અને ડોસા સાંભળતા હતા. એમની નજર પણ તેતરના પિંજરા પર હતી. એકદમ પાસે જઈને એમણે તેતરના માલિકને ઉર્દૂમાં પૂછ્યું કે એ આ તેતરની લડાઈ કરાવી શકે કે નહીં. તેતરનો માલિક મુસલમાન હતો. એણે ધાર્યું કે આ પુરાતન નવાબ પોતાના કારકુન સાથે શોખની ચીજવસ્તુ ખરીદવા નીકળ્યો લાગે છે. એણે તો એક મેલું ધોતિયું બિછાવી દીધું. તેતરની લડાઈ શરૂ થઈ. ડોસાએ બહુ જ રસપૂર્વક નિહાળી. પેલો તેતરબાજ રંગીન ઉર્દૂમાં શેરબાજી કરતો જાય અને એક પછી એક બન્ને તેતરને ઉશ્કેરતો જાય. બેટા, દિલબર, યાર, શાગિર્દ, શાયર, મિસ્કીન, બહાદુર વગેરે સંબોધનો છૂટતાં જાય. આખર કાકાએ બસબસનો ઉદ્ગાર કાઢ્યો. ખિસ્સામાંથી પાકીટ કાઢીને પેલા તેતરબાજને એક રૂપિયાની નવાજેશ કરી, અને પછી આગળ જઈ પશુવિભાગમાં માણસો અને ઢોરોને અથડાઈને અમે પાછા ફર્યા. બરાબર ગુજરીના મધ્ય ભાગમાં પહોંચ્યાં ત્યાં નવીજૂની ચીજો બેચાતી હતી. અમે આવી એક ભંગારની દુકાનની બાજુમાં ઊભા રહ્યા. બલુકાકાએ ચિરૂટ ચેતાવી. છત્રી બંધ થઈ ગઈ અને એમની આંખોએ ડાબેજમણે દૃષ્ટિ ફેંકીને ગુજરીનું માપ કાઢી લીધું. એટલામાં એક આઘેડ વયનો મુસલમાન ત્યાંથી નીકળ્યો. એની આંખોમાં રસિકતા અને ચકોરતાના મેળથી સુગઠિત થયેલી નખરાંબાજી રમતી હતી. સુરમાથી અંજાયેલાં એ નયનો કાતિલ હતાં અને કમનીય પણ. એની સખીને મળવા નીકળ્યો હશે! નહીં તો નેત્રોમાં આટલી નમણાશ નીતરે ખરી! અમારી પાસે આવીને એણે બલુકાકા તરફ આંગળી બતાવીને ધીરેથી મને પૂછ્યું: ‘આ જૂનીપુરાણી ચીજ વેચવાની છે?’ હું જવાબ આપું તે પહેલાં તો છલકાતા હાસ્યમાં આળોટતા શબ્દો ડોસાના મુખમાંથી બહાર કૂદી પડ્યા: ‘આ ચીજ વેચાઈ ગઈ છે.’ અને એવી તો હાસ્યની છાલક ઉડાવી કે પેલો રસિકચતુર એના છાંટા પોતાની આંખોમાં ઝીલીને ચાલતો થયો.

મધ્યાહ્ને ચાંપાનેર દરવાજે આવીને અમે ઘેર આવવાની ઘોડાગાડી કરી.