અમાસના તારા/કરુણ અનુભૂતિ


કરુણ અનુભૂતિ

સ્વિટ્ઝર્લેન્ડમાં અમારું મુખ્ય મથક મોંત્રો નામના એક હવા ખાવાના સ્થળને બનાવ્યું હતું. અને ત્યાં રહીને મોટર દ્વારા આખા દેશનું પરિભ્રમણ કરવાનું નક્કી કર્યું હતું. મોંત્રો લેમન સરોવરના સુરમ્ય કિનારાને છેક છેવાડે વસ્યું હતું. સામે કિનારે આલ્પ્સની ગિરિમાળા પથરાઈને પડી છે. અમે ઊતર્યા હતા એ મોંત્રો પૅલેસ હોટલ આખી દુનિયાની મશહૂર હોટલોમાંની એક હતી. જાણીતા રાજદ્વારીઓ, જુદાજુદા દેશના વડા અને પરદેશખાતાના પ્રધાનો, મહારાજાઓ અને મોટા માણસો જ આ હોટેલમાં ઊતરે એવો એનો ઇતિહાસ અને એની પ્રતિષ્ઠા હતાં. કારણ કે ત્યાં ઊતરવું એ બહુ જ ખર્ચાળ હતું. બસ આ જ એક વસ્તુ મહત્તાનો કીમિયો હતી. એટલે એટલા પૈસા ખર્ચીને જે ત્યાં ઊતરે તે મોટા માણસ કહેવાતા; પછી ભલે એઓ જે હોય તે.

હોટલના રજિસ્ટરમાં અમારી મંડળીના વડાનું નામ હિંદુસ્તાનના નીલમનગર રાજ્યના મહારાજ તરીકે નોંધાયું હતું. રોજ ભાડાની ટૅક્ષી વાપરીને મોંમાગ્યા પૈસા આપવા અને ગમે તેવી મોટર વાપરવી એના કરતાં કોઈ સારી ખાનગી મોટર ભાડેથી મળે તો રાખવી એ ઇરાદાથી અમે એક સારી ઊંચી બનાવટની મોટર ભાડે રાખી હતી. અને એમાં જ અમે મુસાફરી કરતા હતા. ટ્રેનનો ઉપયોગ તો ભાગ્યે જ કરતા.

એક વખત અમે અમારા હોટલના મૅનેજરને કહ્યું કે અમે શનિરવિ બર્ન જવા માગીએ છીએ. કોઈ સારી હોટલની વ્યવસ્થા કરાવી રાખજો. શનિ આવ્યો ત્યારે મહારાજાએ અસ્વસ્થ તબિયત હોવાથી ના પાડી એટલે હું અને મહારાજકુમાર અમારી આલીશાન મોટરમાં બર્ન જવા ઊપડ્યા. અમારો ડ્રાઇવર કાબેલ અને ચલતા પુર્જા હતો. બરાબર ધારેલે વખતે અમને એક ઉત્તમ હોટલમાં લઈ આવ્યો. મૅનેજર બહુ જ સદ્ભાવ અને સન્માનપૂર્વક અમને અમારા ઓરડામાં દોરી લાવ્યો. ઓરડાઓ સાચે જ સારા અને વ્યવસ્થિત હતા. ફનિર્ચર અને બધું જ રાચરચીલું ઊંચા પ્રકારનું હતું. અમે જરા સ્વસ્થ થયા ન થયા ત્યાં તો એ મૅનેજર કલાકે પછી પાછો આવ્યો અને નીચે ઘણા માણસો મળવા આવ્યા છે એવું કહ્યું. અમને બહુ આશ્ચર્ય થયું. અમારે બર્નમાં કંઈ જ ઓળખાણ નહોતી. મારા મનમાં કે અમારાં હિંદી નામો જોઈને કોઈ બીજા હિંદી મુસાફરો હળવા-મળવા માગતા હશે. એટલે મહારાજકુમારને મૂકીને હું કપડાં પહેરીન નીચે ગયો.

જોઉં છું તો હોટલના દીવાનખાનામાં દસબાર યુરોપિયન સ્ત્રીપુરુષો વાટ જોઈને બેઠાં હતાં. પેલા મૅનેજરે સૌની ઓળખાણ કરાવી. એઓ એક અથવા બીજી રીતે પત્રકારો અને પત્રપ્રતિનિધિઓ હતા. મેં રિવાજ પ્રમાણે મળવાનો આનંદ પ્રદશિર્ત કર્યો. એમણે હિંદ અને હિંદના દેશી રાજાઓ વિષે કેટલાક સવાલો પૂછ્યા. મેં જવાબો આપ્યા. બેત્રણ જણા મારા ફોટોગ્રાફ પાડી લીધા. મેં વળી મારી ઉદારતા અને રીતભાતનો દેખાવ કરવા સૌને થોડાંક પીણાં આપ્યાં અને સૌ વિખરાયા.

બીજે દિવસે મારા આશ્ચર્ય વચ્ચે સવારે વર્તમાનપત્રોમાં મારી તસવીર જોઈ અને મને ન સમજાય એવી ફ્રેન્ચ ભાષામાં આખાં બે કોલમ ભર્યાં હતાં. મેં અમારી હોટલના મૅનેજરને પેલી છપાયેલી હકીકત વિષે પૂછ્યું ત્યારે ભેદ ફૂટ્યો કે પેલા પત્રકારોએ મને જ મહારાજા ધારીને આખો હેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

રવિવારે રાતે પાછા મોંત્રો આવ્યા. સોમવારે સવારે ટપાલ આવી તેમાં પેલાં વર્તમાનપત્રો જેમાં મારી છબી અને હેવાલ આવ્યાં હતાં તેની નકલો હતી. મેં ફોડીને એ વર્તમાનપત્રો ફાડી જ નાંખ્યાં. મહારાજાને કે મહારાજકુમારને આ અકસ્માતની ખબર જ ના પડી. અજ્ઞાન એ આશીર્વાદ હોય છે અને અનુભવને આધારે મળેલું જ્ઞાન દુ:ખદ અને ક્યારેક હાસ્યાસ્પદ હોય છે એ કરુણ અનુભૂતિ કોઈને કહેવાય પણ શી રીતે?