અમાસના તારા/પ્રેમચંદ અને પ્રસાદ

From Ekatra Wiki
Revision as of 01:12, 25 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રેમચંદ અને પ્રસાદ

બનારસની સ્મરણયાત્રા ચાલે છે એટલે ત્યાંનો જ એક બીજો પ્રસંગ સાંભરે છે. શાંતિનિકેતનથી હું ભદન્ત આનંદ કૌસલ્યાયન સાથે કાશી આવ્યો હતો. એમની સાથે સારનાથ જોઈને સાંજે હું સ્વ. શ્રી પ્રેમચંદજીને મળવા ગયો. ઓક્ટોબરનો મહિનો હતો. શાંતિનિકેતનમાં ઊજવાયલા વર્ષામંગલના ઉત્સવનાં સંભારણાં મારા મનમાં હજી તાજાં જ હતાં. શક્ય હોય તો સાંજે ગંગામાં નાવડી લઈને ફરવા જવાની ઇચ્છા મેં પ્રેમચંદજીને કહી. એટલે એ તો શિવરાણીદેવીને કહીને તરત જ લાકડી લઈને નીકળ્યા. મને લઈને પહોંચ્યા શ્રી જયશંકર પ્રસાદને ત્યાં. ‘કામયની’ના આ કવિ વિષે મેં ઘણી વાતો સાંભળી હતી. એમના ગુલાબી સ્વભાવ વિષે ભાઈ ‘નિરાલા’, બહેન મહાદેવી વર્મા અને ભાઈ શાન્તિપ્રિય દ્વિવેદીએ ઘણી વાતો કહી હતી. અમે ગયા ત્યારે એમના ઘરના અંદરના આંગણામાં ઉઘાડે શરીરે માત્ર એક રંગીન પાતળો ‘ગમછો’ નાખીને પલાંઠી લગાવીને પાનની ઉજાણી કરતા બેઠા હતા. પ્રેમચંદજીએ મારી ઓળખ કરાવી અને મારી ઇચ્છા પણ કહી દીધી. પ્રસાદજીએ તરત જ પોતાના એક અંતેવાસીને ગંગાકિનારે જઈને બધી તૈયારી કરવાનું કહ્યું. થોડી વારમાં તો અમે એક એક્કામાં નીકળ્યા. ગંગાકિનારે એક નાવડી તૈયાર હતી. પેલો અંતેવાસી અંદર ભાંગ લસોટતો હતો. અમે ગયા એટલે સામો આવ્યો. નાવડી છૂટી મુકાઈ. પ્રેમચંદ અને પ્રસાદજીની વાતચીતનો વિસ્તાર વૈવિધ્યપૂર્ણ હતો. એના વળાંકો અને અંત ક્યારેક રોમાંચક અને ક્યારેક શાંત આવતાં. ક્યારેક તુલસી, સુર અને કબીરની ચર્ચા ચાલતી; વળી બિહારી, મતિરામ અને દાસ પદ્માકર વચ્ચે આવતા; અને ક્યારેક વળી સુમિત્રાનંદન પંત અને મહાદેવી વર્મા સુધી વાત પહોંચતી. નાવડી ચાલતી હતી. ભાંગ તૈયાર થઈને આવી. ગંગાજળની તૈયાર થયેલી આ હરિયાળીને પ્રસાદજીએ ‘શિવસંહિતા’ કહીને બિરદાવી. હું જરા સંકોચાયો, પણ વડીલોની ઓથ અને આજ્ઞા આગળ હું પણ એમની સાથે ઘસડાયો. બનારસી મીઠાઈ અને સમોસાનો રંગ આજ ગંગાજળી ભાંગ ઉપર બરાબર દીપશે એ પ્રેમચંદજીની વાતનો હવે મને અનુભવ થયો. એમની વાતચીત તો ચાલુ હતી. એટલામાં પ્રસાદજીએ મને પૂછ્યું કે ‘તમે મારી ચોપડીઓ વાંચી છે?’

મેં જરા દબાઈને કહ્યું : “હા જી, વાંચી છે.” બીજો પ્રશ્ન થયો કે ‘સરળતાથી સમજાય છે મારી વાત? “થોડી સમજાય છે, થોડી સમજાયા વિનાની જ રહી જાય છે.”

“અને પ્રેમચંદજીને તો તમે વાંચ્યા હશે?” ત્રીજો સવાલ થયો.

“હા જી,” મેં જવાબ આપ્યો.

“એમની વાત બરાબર સીધી સમજાય છે?”

મારાથી ‘હા’ કહેવાઈ ગઈ. અને તરત જ પ્રસાદજી હસી પડ્યા. બોલ્યા : “બસ, આ જ અમારા બન્નેની વચ્ચેનો ભેદ છે. અમારે કહેવી છે માનવહૃદયની એ ગૂઢ મર્મકથા. મારી વાત વાચકના અંતરમાં અટકાય છે અને પ્રેમચંદજીની વાત સીધી રીતે પોતાનો મર્મ કહીને વાચકહૃદયના મર્મને મળે છે.”

થોડીક શાંતિ પછી પ્રેમચંદજી બોલ્યા : ‘પણ પ્રસાદજી, તમારી કલ્પનાનું ઉડ્ડયન હું ક્યાંથી લાવું?’

“પ્રેમચંદજી, તમારા સંવેદનની સરળતા પામું તો ધન્ય થઈ જાઉં!” પ્રસાદજીના હોઠ પર પાછું સ્મિત રમી રહ્યું.

“માટે તો હિંદી સાહિત્યને પ્રસાદ અને પ્રેમચંદ બંને જોઈએ. એ બન્ને હરીફો નથી, એકબીજાનાં પૂરકો છે, પરમ મિત્રો છે,” પ્રેમચંદજી પોતાના સ્વભાવ પ્રમાણે ખડખડાટ હસી પડ્યા અને હાથ આગળ કરીને મારી તાળી લઈ લીધી.

નાવડી પાછી કિનારે આવી અને પ્રસાદજી મને અને પ્રેમચંદજીને કાશી વિદ્યાપીઠમાં ઉતારી હેતથી ભેટીને ચાલ્યા ગયા.