અમાસના તારા/મુક્ત ચેતનાનું કાર્ય


મુક્ત ચેતનાનું કાર્ય

નાની સરખી એક બાલિકા. એના ભાગ્યમાં બાપુની સેવા હતી. એમનો સ્નેહ હતો અને એમનો સહવાસ હતો. બાપુ જ્યારે પંચગનીથી નીકળવાના હતા ત્યારે કનુ ગાંધી પાસેથી એણે બાપુ અને બાની એક ભેગી છબી મેળવી. એના ઉપર એને બાપુના આશીર્વાદ જોઈતા હતા. છબી લઈને એ તો પહોંચી બાપુ પાસે. પાંચછ વરસની એ છોકરી કહે, બાપુ, આ છબી ઉપર ‘બાપુના આશીર્વાદ’ લખી આપો. બાપુ કહે એની તો કિંમત પડે. છોકરી કહે કે હું કિંમત આપીશ. બાપુએ કહ્યું : તો તારા કાનનાં એરિંગ કાઢી આપ. છોકરીએ કહ્યું કે કાઢી લ્યો. પણ બાપુએ શરત કરી કે તારાં એરિંગ ત્યારે જ લઉં જ્યારે તું મને વચન આપે કે હવે ભવિષ્યમાં તું કદી કાનમાં એ નહીં પહેરે. સાધના સંકોચ વિના તરત જ કબૂલ થઈ. ગાંધીજીએ સૌની હાજરીમાં એના કાનમાંથી એરિંગ કાઢી લીધાં. છબી ઉપર ‘બાપુના આશીર્વાદ’ લખી આપ્યા.

હમણાં ત્રણેક મહિના ઉપર એ છોકરી મુંબઈ ફરવા ગઈ હતી પોતાના ભાઈ સાથે. ત્યાં એના જેટલી ઉમ્મરની છોકરીઓને એણે બહુ જ ફૅશનવાળા એરંગિમાં જોઈ. એને મન થયું કે પોતે પણ એરિંગ પહેરે તો શું? પણ એને બાપુને આપેલું વચન યાદ આવ્યું. એણે એક બીજાં વડીલ બાઈ જેમનામાં એને શ્રદ્ધા હતી તેમની સલાહ લીધી. એમણે ગાંધીજીને પત્ર લખીને પુછાવવાની સલાહ આપી. પણ દરમિયાનમાં એ પાછી ઘેર આવી અને એરંગિની વાત ભુલાઈ ગઈ.

જ્યારે બાપુના અવસાનની વાત બધે પ્રસરી ત્યારે એણે પણ જાણ્યું. અમારા શહેરમાં સૌની સાથે એણે પણ ઉપવાસ કર્યો. એ ઉપવાસની સાંજે એણે પોતાની મેળે કહ્યું કે બાપુ તો હવે નથી. હવે પત્ર લખીને પુછાવી જોવાની સંભાવના પણ ચાલી ગઈ. એટલે હવે તો પોતે ભવિષ્યમાં એરંગિ નહીં પહેરીને જ બાપુને આપેલું વચન પાળશે.

ગાંધીજીના જીવતાં એમને આપેલા વચન વિષે ઢચુપચુ થયેલી એક નાની બાલિકા એમના જતાં વચનપાલનમાં મક્કન બની ગઈ. બાપુ જીવતા હતા ત્યારે જે શક્ય નહોતું બન્યું તે કદાચિત્ એમના મૃત્યુ પછી શક્ય બનશે એવી આશા કેમ ન રખાય? દેહનાં બંધનો અને મર્યાદાઓમાંથી છૂટેલી એમની ચેતના દેહવિલય પછી મુક્ત બનીને સમસ્ત માનવસદ્ભાવનાને સ્પર્શશે એવી શ્રદ્ધા મારા અંતરમાં ઊગી.