અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમીન' આઝાદ/રાત ચાલી ગઈ!


રાત ચાલી ગઈ!

`અમીન' આઝાદ

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ!

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો,
તમે જોયું અને એક ઇશારે રાત ચાલી ગઈ.

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો 'તો,
હજી સાંજે તો આવી'તી, સવારે રાત ચાલી ગઈ.

જુઓ રંગભેદથી બે નારીઓ ન રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.

તમારા સમ `અમીન' ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

(રાત ચાલી ગઈ, ૧૯૯૩, પૃ. ૧)



આસ્વાદ: રાત ચાલી ગઈ વિશે – ઉદયન ઠક્કર

જશે, ચાલી જશે, ગઈ એ વિચારે રાત ચાલી ગઈ, ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ!

સિગ્નલમાં એક પથી એક લાલ, પીળી અને લીલી બત્તી બદલાય, ગાડી પસાર થાય, તમે શાયર અહીં ત્વરાથી ત્રણ ક્રિયાપદ મૂકે છે. જશે, ચાલી જશે, ગઈ… અને રાત ચાલી જાય છે. ‘ચપટી વગાડતાંક રાત ગઈ’ એમ લખીને અટક્યા નથી, ગતિ પ્રત્યક્ષ કરી આપી છે.

અમીન આઝાદ, મરીઝ અને રતિલાલ અનિલ જેવા શાયરોના ગુરુ. આ પંક્તિમાં તેમની ઉસ્તાદીનો અણસાર મળ્યો.

જશે, હમણાં જશે, એમ મન મનાવી-મનાવીને વીતાવી છે, એટલે રાત દુઃખની જ હશે. મરીઝનો શેર સરખાવો.

ગયો ને જાય છે દુઃખનો સમય એક જ દિલાસા પર, કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

પછી શેર સૌંદર્યલક્ષી — તગઝઝુલનો — છે. તમારી આંખો ઝળતાં જગત ઝંખવાયું, અને દૃષ્ટિ પડતાં હળહળ્યું. પ્રિયતમાની પલક સાથે સુબહોશામને સાંકળવાનો પ્રયોગ નવતર તો ન કહેવાય. તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ, યે ઉઠે સુબહ ચલે. યે ઝુકે શામ ઢલે. સેમ્યુઅલ જ્હોનસને રાતના આકાશને સ્ત્રીના ચહેરા સાથે રમૂજવૃત્તિથી સરખાવ્યું હતું.

હર ફેસ, ધ નાઈટ વિથ ડાર્કનેસ ડાઈઝ શી ઈઝ સ્ટાર્ડ વિથ પિમ્પલ્સ ઓવર, હર નિમ્બલ ટંગ લાઈક લાઇટનિંગ પ્લાઈઝ એન્ડ કેન વિથ થંડર રોર!

(તેના ચહેરાની કાળાશમાં રાત ડૂબી મરી, ગણ્યા ગણાય નહિ એવા તારલિયા — શા તેને ખીલ, તેની જીભ ત્રાટકવામાં વીજળી ને ગરજવામાં વાદળી.)

રૂપકડી ચીજો ટકાઉ હોય કંઈ? ચાંદીનો ઢોળ ચડાવેલી રાત ચાલી ગઈઃ રાતોરાત!

ધવલ ઉષાની સામે કંઈક નાનપે અનુભવતી શામળી શર્વરી દબાતે પગલે ચાલી ગઈ.

આ બે શેરમાં શાયરે તેમને જે કાંઈ કહેવું હતું તે કહી દીધું. કશુંક કહ્યા વિનાયે કહ્યું હોતે, તો સાંભળવું કેટલું ગમતે!

ઊંઘાયું નથી, ખ્વાબોમાં રાત કાઢી છે. કેમ નથી ઊંઘાયું? ખ્વાબ કોનાં જોવોયાં? મગનું નામ મરી પાડે તો કવિ શાનો? ‘તમારા સમ’ દઈને સાનમાં સમજાવ્યું છે. આવી પ્રયુક્તિથી શૂન્ય પાલનપુરીએ એક યાદગાર શેર કહ્યો હતો.

ડોલતા ભુજંગ માથે હાથ પસવાર્યો અમે, આપની જુલ્ફોના સોગંદ, યમને પડકાર્યો અમે.

(‘જુગલબંધી’)