અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ચાતક પીએ એઠું પાણી


ચાતક પીએ એઠું પાણી

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
         ચાતક પીએ એઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
         એની પરબ મંડાણી;
સોનેરી દોરેથી ને હેમલા હેલથી
         રૂપેરી ધાર રેલાણી :
હે સંતો તોય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એઠું પાણી.
માનસર છોડીને આવ્યો શું હંસલો
         માછલીએ મન આણી!
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
         આગિયે આંખ ખેંચાણી!
હે સંતો, આતમ-જ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એઠું પાણી.

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા
         સંતની નિષ્ફળ વાણી;
દાસીય ન્હોતી મનમ્હોલમાં એ થઈ
         માયા આજ મહારાણી!
હે સંતો, આવે પ્રલય લો જાણી
કે ચાતક પીએ એઠું પાણી.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૫૯)



આસ્વાદ: અવગતની એંધાણી કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

દુનિયામાં ‘જિસકે તડમેં લડ્ડુ ઈસકે તડમેં હમ’ કહીને ચાલતી ગાડીએ ચડી બેસનાર તકસાધુઓનો તોટો નથી. એવાં માણસોને નથી પડી હોતી દેશની, નથી પડી હોતી દુનિયાની, નથી પડી હોતી સિદ્ધાંતોની, ને નથી પડી હોતી આબરૂની પણ. એમનું લક્ષ્ય તો એક જ હોય છે, વર કે કન્યા, કોઈનો કશો પણ વિચાર કર્યા વિના, પોતાનું તરભાણું ભરી લેવું તે. ભૌતિક સફળતાને જ જેમણે જીવનના મૂલ્ય તરીકે સ્વીકારી હોય તેવા માણસોને તો પવન જોઈને પીઠ ફેરવ્યા સિવાય છૂટકો જ નથી હોતો. એવા માણસોને પેટનો ખાડો દુર્ભર થઈ પડ્યો હોય ને તેમાં ગમે તેટલું ઓરે તોયે ખાલીનો ખાલી જ રહેતો હોય તેમાં નવાઈ નથી, ને તેમને ધન, સત્તા કે લોકપ્રિયતા પાછળ ભુરાયા થઈને ભમતા જોઈને, નથી કોઈને નવાઈ લાગતી, નથી કોઈને ચીડ ચડતી, નથી કોઈને દુઃખ થતું.

દુઃખ તો થતું હોય છે, ઉત્તમ પુરુષોને–હૃદયના બ્રાહ્મણોને, નિઃસ્પૃહ અને સ્વમાનશીલ પુરુષોને લાલચમાં લપસીને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરતા જોઈને. રોગ, બેકારી, ગરીબી, યુદ્ધ, મહામારી, દેહધારણ કે અન્યની રક્ષા જેવા કોઈ વિરલ અને અપવાદરૂપ પ્રસંગોએ કેવળ આપદ્ધર્મ તરીકે તેમને કશીક બાંધછોડ કરવી પડે તો તે હજી કદાચ નિર્વાહ્ય ગણાય, પણ એમનું યોગક્ષેમ સરળતાથી ચાલતું હોય અને છતાં કાળબળને વશ થઈને એવા પુરુષો ધન કે સત્તાની માયામાં લપટાય અને નીચ અને અધમ પુરુષોનાં પડખાં સેવીને એમની કૃપા યાચતા કે ઝંખતા થઈ જાય એ તો આડો આંક વળ્યો ગણાય. વાવાઝોડામાં ઝાડવાં તો ડોલે, ન ડોલે તો જ નવાઈ. પણ પર્વતો ડોલવા લાગે તો પૃથ્વીનો પ્રલયકાળ દૂર ન હોય.

આજે પર્વતો ડોલવા લાગ્યા છે, ભલભલા માણસોનાં મન ભમવા લાગ્યાં છે, ઉત્તમ અને સ્વમાની પુરુષો આપધર્મ ખાતર નહિ, પણ કાળબળને વશ થઈને સિદ્ધાન્તભ્રષ્ટ થતા અને ધનમાયાદિને માટે હલકાં માણસોનાં તળિયાં ચાટવા લાગ્યા છે ને અવગતિની–અધોગતિની–નિશાની છે એમ કવિને લાગે છે ને તેથી એ કહે છેઃ

ચાતક એઠું પાણી પીએ, સ્વમાનશીલ વ્યક્તિ પોતાની ટેક છોડીને કોઈનો એઠવાડ ચાટે, કોઈ એને પોતાનું વધ્યુંઘટ્યું આપે તે ખાઈને રાજી થાય તે તો અવગતિની એંધાણી છે; માત્ર એ વ્યક્તિની જ નહિ, પણ જગત આખાની અધોગતિની એંધાણી છે. વ્યવહારના કીડાઓથી તો આ જગત ખદબદી રહ્યું જ છે. એમને તો માન શું કે અપમાન શું, કશાની દરકાર કર્યા વિના, જેને ગાડે ગોળ હોય તેના પર ચડી બેસીને, પોતાનું ઘર ભરી લેવાની આદત જ હોય છે. એવા માણસો લૌકિક દૃષ્ટિએ સફળ પણ થતા હોય છે તે એવા સ્વાર્થસાધુ તકવાદીઓને લીધે નહિ, પણ થોડાક સન્નિષ્ઠ, સત્યનિષ્ઠ, સિદ્ધાન્તનિષ્ઠ સ્વમાનશીલ શિષ્ટજનોને લીધે છે. એવા શિષ્ટજનો જ્યારે પોતાની ટેક છોડીને સામાન્ય સંસારીઓની માફક વરતવા લાગે ત્યારે જગતને માટે આશા જ રહે ક્યાં?

અત્યારે એ પરિસ્થિતિ ઊભી થઈ છે. ધન સાચેસાચા અર્થમાં ધરણીધર બની ગયું છે. અને એની લાલચમાં ભલભલા લપટાયા છે. ચાતક એઠું પાણી પી રહ્યું છે તે અનાવૃષ્ટિને લીધે નહિ, સંજોગોના બળને લીધે નહિ. રાજાનો રાજા મેઘરાજા એને માટે પરબ માંડીને બેઠો જ છે. હજાર હાથવાળો વિશ્વંભર એના યોગક્ષેમનું વહન કરી જ રહ્યો છે અને છતાં એની તરસ છીપતી નથી. તૃષ્ણા શમતી નથી ને એ સત્તાધારીઓએ અને શ્રીમંતોએ કૃપા કરીને ફેંકેલાં ટુકડા-બટકાં ભેગાં કરવામાં પડ્યો છે.

માનસરોવરના હંસની, સાચાં મોતીના ચરનારની જાણે માછલી જોઈને દાઢ ન સળકી હોય! ચકોર પક્ષી આમ તો હોય છે ચકોર, ચતુરઃ પણ એમ જામે ગોથું ખાઈ ગયું હોય ને ચન્દ્ર સામે મીટ માંડવાને બદલે આગિયાને તાકી રહ્યું ન હોય.

ચાતકનું આત્મતેજ ઓલવાઈ ગયું છે. ને એ બની ગયો છે માત્ર દેહધારી જીવ. વિદ્યાનિધિ અને તપોનિધિ બ્રાહ્મણધર્મીઓ આત્મનિષ્ઠા અને આત્મદીપ્તિ ગુમાવીને, આજે બની ગયાં છે સુખવસ્તુ પામર દેહધારીઓ. આ છે કાળબળનો મહિમા. કાળ જ એવો આવ્યો છે કે મુનિવ્રતીઓનાં મન ચળી જાય ને ત્યાગ અને તિતિક્ષાના આજન્મ આરાધકો પડી જાય પરિગ્રહ વધારવામાં ને બની જાય સુખસેવી, આ કળિકાળમાં સંતોની વાણી જૂઠી પડી છે. ચાતક મેઘની ધારાને સીધેસીધી જ ઝીલે, બીજા જળને મોં પણ અડાડે નહિ, ઉત્તમ પુરુષો અન્નપૂર્ણાના પ્રસાદથી પરિતુષ્ટ રહીને, લોકકલ્યાણનાં કાર્યોને પોતાનું આયુષ્ય આપી દે, એ વાણી આજે ખોટી ઠરી છે. ને એ મનસ્વી પુરુષો જેનો વિચાર પણ નહોતા કરતા, જેને પોતાની દાસી તરીકે પણ નહોતા સ્વીકારતા, લોકકલ્યાણના સાધન તરીકે પણ જેનો સ્વીકાર નહોતા કરતા તે માયા-લક્ષ્મી-આજે બની બેઠી છે મહારાણી ને તેઓ આજે બની ગયા છે તેના ગુલામ. આ તો પ્રલયકાળ આવી પહોંચ્યો છે. મનુષ્યજાતિના ઉત્તમ મેધાવીઓએ હજારો વર્ષની ભગીરથ તપશ્ચર્યાને અંતે જે જીવનમૂલ્યોનું દર્શન અને સંસ્થાપન કર્યું તે મૂલ્યો થઈ રહ્યા છે નષ્ટ અને લુપ્ત. અને મનુષ્યે જીવવાયોગ્ય જગતનો થઈ રહ્યો છે પ્રલય. ચાતક જેવું ચાતક એઠું પાણી પીએ તેથી વિશેષ કળિકાળની નિશાની બીજી શી હોઈ શકે?

(‘આપણો કવિતા-વૈભવ’)