અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સાકિન' કેશવાણી/ક્યાં જઈ પહોંચ્યા?

ક્યાં જઈ પહોંચ્યા?

`સાકિન' કેશવાણી

પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા?
ન જાણે નાવ ક્યાં પહોંચી કિનારા ક્યાં જઈ પહોંચ્યા?

વરાળો થઈ તજ્યો સાગર ને વરસી જઈ બન્યાં ઝરણાં,
જીવન મીઠું બના'વા નીર ખારાં ક્યાં જઈ પહોંચ્યાં?

ઉલેચ્યાં રૂપ-કિરણોએ કોઈ અંતરનાં અંધારાં,
રવિ-કિરણોથી પણ આગળ જનારા ક્યાં જઈ પહોંચ્યા?

ખિલાવી ઉર-કળી યુગ યુગને મહેકાવી ગયું કોઈ,
જીવન-ખુશ્બૂ લઈને આવનારા ક્યાં જઈ પહોંચ્યા?

વસંતે લાલિમા વ્યાપી ગઈ મઘમઘતાં ફૂલો પર,
અધર પરથી કસુંબલ રંગ તારા ક્યાં જઈ પહોંચ્યા?

ખરી જાવું પડ્યું સુંદર ગગન છોડી સિતારાને,
તમારી આંખના મોઘમ ઇશારા ક્યાં જઈ પહોંચ્યા?

ઉષાની આંખમાં સૂરજ ઊગીને તરવર્યો `સાકિન'!
પ્રણય-સાગરમાં સાંજે ડૂબનારા ક્યાં જઈ પહોંચ્યા?

(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, ૧૯૯૬, સંપા. ચિનુ મોદી, પૃ. ૧૩૫)