અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/કન્યાવિદાય

From Ekatra Wiki
Revision as of 07:32, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કન્યાવિદાય|અનિલ જોશી}} <poem> સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કન્યાવિદાય

અનિલ જોશી

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત.

પૈડું સીંચતાં રસ્તો આખો કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો દીવડો થર થર કંપે,
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.