અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/શૂન્ય કરતાં તો… (કેમ ભૂલી ગયા?)

Revision as of 08:50, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શૂન્ય કરતાં તો… (કેમ ભૂલી ગયા?)

અમૃત `ઘાયલ'

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઇમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિંદુ છું કિંતુ,
સપ્ત સિંધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચંદ્રની જેમ ચોડવાયો છું!

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!

એ જ છે પ્રશ્ન  : કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં `ઘાયલ',
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

(આઠોં જામ ખુમારી, પૃ. ૩૦૭)