અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર

From Ekatra Wiki
Revision as of 17:21, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}મધરાતે સાંભળ્યો મોર આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર. વાદળાંય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         મધરાતે સાંભળ્યો મોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.

વાદળાંય નહોતાં ને ચાંદોય નહોતો
         ઝાકળનો જામ્યો’તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીંજણો
         છેતરાયો નટવો નઠોર. — આજ મેં.

આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
         જોતી’તી રજનીનું જોર;
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
         રંગોનો રઢિયાળો ચોર. — આજ મેં.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
         કાજળની કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
         સંકેલી લીધો કલશોર. — આજ મેં.