અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/જલપરીઓનો ગરબો


જલપરીઓનો ગરબો

ઉદયન ઠક્કર

જલપરીઓનું એવું, બાઈ, જલપરીઓનું એવું  :
ફરરર ફરરર તરવું, જામે દરિયાનું પારેવું!

એક જલપરી વડવાનલની સ્મૃતિઓ જેવું હસતી
કદીક, એકલ રાતોમાં આંખેથી મોતી ઝરતી
જલપરીઓનું એવું, બાઈ.

બિનવિશ્વાસુ, પીળી જલપરી, રાતના સાડા બારે
જુદા જુદા કોળી જવાનનાં સમણાંઓ શણગારે!
જલપરીઓનું એવું, બાઈ.

અળગી થઈ ટોળાથી, લીલી પરી વિચારે છાનું  :
`શું છે આ દરિયો ને ટોળું? શું છે આ તરવાનું?'
જલપરીઓનું એવું, બાઈ.

છીપલું સમજી, તળિયે એણે નાખી દીધું જેને,
હતું રતન અણમોલ — એટલું સોનપરીને કહે ને!
જલપરીઓનું એવું, બાઈ.

શિશુવૃંદને જણે, તરે, ને પરપોટાથી ખેલે…
એક જલપરી આવી રીતે જીવનને સંકેલે!
જલપરીઓનું એવું, બાઈ.

સુંદર પરીઓ ચાલી, સમદરતટ પર રમવા ગરબો,
વૃદ્ધ પરીના હૃદયે, રૂમઝૂમ રાતે, સ્હેજ ઉઝરડો…
જલપરીઓનું એવું, બાઈ.

શ્વેત પરીને નદી-ડુંગરો જોવાના બહુ કોડ…
ચાલ, જલપરી! જોવી હો દુનિયા, તો દરિયો છોડ!
ફરરર ફરરર તરવું, જાણે દરિયાનું પારેવું!
જલપરીઓનું એવું, બાઈ, જલપરીઓનું એવું.
(એકાવન, પૃ. ૨૧-૨૨)