અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉપેન્દ્ર પંડ્યા/ઊગ્યું અનુપ પ્રભાત!


ઊગ્યું અનુપ પ્રભાત!

ઉપેન્દ્ર પંડ્યા

         ઊગ્યું અનુપ પ્રભાત!
કપૂરમાં ઘૂંટેલાં સુંદર કોમલ ભીનાં ગાત!
         ઊગ્યું અનુપ પ્રભાત!

વહેલી સવારે બળદો જાતા મંદ રણકતી સીમે,
ઝીણી ઝાકળની ઝરમરમાં મ્હેકે ધરતી ધીમે,
ગોરી ગાયનાં ગોરસમાંહી કેસરરંગી ભાત,
         ઊગ્યું અનુપ પ્રભાત!

લીલાં સૂકાં તૃણ પર ચળકે તડકો આ રઢિયાળો,
ઢેલડ સંગે રૂમઝૂમ નીકળ્યો મોર બની છોગાળો,
આકાશે ઊડતાં પંખીની રેશમી રંગ-બિછાત,
         ઊગ્યું અનુપ પ્રભાત!

વૃક્ષ પરેથી સરી પડ્યાં છે બોરસલીનાં ફૂલ,
ફરફરતું વનકન્યા કેરું શ્વેત સુગન્ધિ દુકૂલ,
લળી લળી કૈં સમીર કહેતો ઝરણાંને શી વાતે?
         ઊગ્યું અનુપ પ્રભાત!

કૃષ્ણઘેલી ગોપીનું મલકે શિશુ જાણે નવજાત!
         ઊગ્યું અનુપ પ્રભાત!