અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૧. ઊગી ઊષા

From Ekatra Wiki
Revision as of 12:58, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે,
આગંતુકે પુરમહેલઅગાશીઓમાં
ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવેશે.
ને ટેકરીશિખર રંગપરાગછાયું
પ્રેરી રહ્યું ઉર મહીં નવલા જ ભાવ.
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ.

આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્હેતી
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;
ઊંચે સર્યો ક્ષિતિજધુમ્મસ ભેદી સૂર્ય.
કોલાહલો પુર તણા ચગવા જતા, ત્યાં
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’

મુંબઈ, ૨-૯-૧૯૩૫