અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/નિશીથ

From Ekatra Wiki
Revision as of 15:32, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|'''૧'''}} નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય! સ્વર્ગંગનો સોહત હાર કંઠે, કરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય!
સ્વર્ગંગનો સોહત હાર કંઠે,
કરાલ ઝંઝા-ડમરુ બજે કરે,
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ,
તેજોમેઘોની ઊડે દૂર પામરી.
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય!

ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો;
વિશ્વાન્તર્‌ના વ્યાપતો ગર્ત ઊંડા.
પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી.
પીઠે તેની પાય માંડી છટાથી
તાલી લેતો દૂરના તારકોથી.

ફેલાવી બે બાહુ, બ્રહ્માંડગોલે
વીંઝાઈ ર્‌હેતો, ઘૂમતી પૃથ્વી સાથે.
ઘૂમે, સુઘૂમે ચિરકાલ નર્તને,
પડે પરંતુ પદ તો, લયોચિત
વસુંધરાની મૃદુ રંગભોમે;
બજંત જ્યાં મંદ્ર મૃદંગ સિંધુનાં.


પાયે તારે પૃથ્વી ચંપાય મીઠું
સ્પર્શે તારે તેજરોમાંચ દ્યૌને.
પ્રીતિપ્રોયાં દંપતીઅંતરે કો
વિકારવંટોળ મચે તું-હૂંફે.


નિહારિકાનાં સલિલે ખેલનારો,
લેનાર જે તાગ ઊંડા ખગોલના,
રંકાંગણે તું ઊતરે અમારે.
દીઠો તને સ્વૈર ઘૂમંત વ્યોમે;
અગસ્ત્યની ઝૂંપડીએ ઝૂકંતો,
કે મસ્ત પેલા મૃગલુબ્ધ શ્વાનને
પ્રેરંત વ્યોમાંત સુધી અકેલ.
સપ્તર્ષિનો વા કરીને પતંગ
ચગાવી ર્‌હેતા ધ્રુવ-શું રમંતો.
પુનર્વસુની લઈ હોડલી જરી
નૌકાવિહારે ઉરને રિઝાવતો.
કે દેવયાની મહીં જૈ ઝૂલંતો.
દીઠેલ હેમંત મહીં વળી, મઘા
તણું લઈ દાતરડું નિરંતર
શ્રમે નભક્ષેત્ર તણા સુપક્વ
તારાગણો — ધાન્યકણો — લણંતો.
ને વર્ષામાં લેટતો અભ્ર ઓઢી.
હે રૂપોમાં રાચતા નવ્ય યોગી!


નિશીથ હે! શાંતમના તપસ્વી!
તજી અવિશ્રાંત વિરાટ તાંડવો
કદીક તો આસન વાળી બેસતો
હિમાદ્રિ જેવી દૃઢ તું પલાંઠીએ.
ઉત્ક્રાંતિની ધૂણી ધખે ઝળાંઝળાં,
ઉડુસ્ફુલિંગો ઊડતા દિગંતમાં;
ત્યાં ચિંતવે સૃષ્ટિરહસ્ય ઊંડાં
અમાસઅંધારતલે નિગૂઢ તું.
અને અમે માનવ મંદ ચેતવી
દીવો તને જ્યાં કરીએ નિહાળવા,
જૃમ્ભાવિકાસ્યું મુખ જોઈ ચંડ
તારું, દૃગોથી રહીએ જ વીંટી
નાની અમારી ઘરદીવડીને.
ને ભૂલવાને મથીએ ખીલેલું
સ્વરૂપ તારું શિવરુદ્ર વ્યોમે.


સંન્યાસી હે ઊર્ધ્વમૂર્ધા અઘોર!
અંધાર અર્ચેલ કપોલભાલે,
ડિલે ચોળી કૌમુદીશ્વેતભસ્મ,
કમંડલુ બંકિમ અષ્ટમીનું
કે પૂર્ણિમાના છલકંત ચંદ્રનું.
કરે રસપ્રોક્ષણ ચોદિશે, જે
સ્વયં ચરે નિ :સ્પૃહ આત્મલીન,
દ્વારે દ્વારે ઢૂકતો ભેખધારી.
પ્રસુપ્ત કોઈ પ્રણયી યુગોનાં
ઉન્નિદ્ર હૈયાકમલો વિશે મીઠો
ફોરાવતો ચેતનનો પરાગ.
સ્વયં સુનિશ્ચંચલ. અન્ય કેરાં,
રાચે કરી અંતર મત્ત ચંચલ.
ખેલન્દા હે શાંત તાંડવોના!


મારા દેશે શાશ્વતી શર્વરી કશી!
નિદ્રાઘેરાં લોચનો લોક કેરાં,
મૂર્છાછાયાં ભોળુડાં લોકહૈયાં,
તે સર્વ ત્વન્નીરવનૃત્યતાલે
ન જાગશે, દ્યૌનટ, હે વિરાટ?

મારે ચિત્તે મૃત્યુઘેરી તમિસ્રા,
રક્તસ્રોતે દાસ્યદુર્ભેદ્ય તંદ્રા.
પદપ્રપાતે તવ, હે મહાનટ,
ન તૂટશે શું ઉરના વિષાદ એ?
તાલે તાલે નૃત્યના રક્તવ્હેણે
સંગીત આંહીં શું નહીં સ્ફુરે નવાં?

શ્રાન્તોને તું ચેતના દે, પ્રફુલ્લ
શોભાવતો તું પ્રકૃતિપ્રિયાને,
ને માનવોની મનોમૃત્તિકામાં
સ્વપ્નો કેરાં વાવતો બી અનેરાં.
તું સૃષ્ટિની નિત્યનવીન આશા.
ન આટલું તુંથી થશે? કહે, કહે,
નિશીથ, વૈતાલિક હે ઉષાના!

(સમગ્ર કવિતા, પૃ. ૧૨૯-૧૩૨)