અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊંડી રજની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(No difference)

Latest revision as of 01:32, 18 June 2021

આ શી ઊંડી રજની આજની
ભણે ઊંડા ભણકાર!
ઘેરી ગુહા આકાશની રે
માંહિં સૂતો ઊંડો અંધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ
ગૂઢ સંદેશ વ્હેનાર રે;
:આ શી ઊંડી રજની! ૧

શાન્તિપૂર રેલી રહ્યું રે
ઊંડું, અદ્ભુત, સહુઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી
છાનો અનિલ રમે સુકુમાર રે;
આ શી ઊંડી રજની! ૨

ડૂબી ઊંડી એ પૂરમાં રે
તરુવરકેરી હાર,
મોહમંત્રથી મૂઢ બની એ
કાંઈ કરે ન ઉચ્ચાર રે;
આ શી ઊંડી રજની! ૩

મૂઢ બન્યો એહ મંત્રથી રે
સ્તબ્ધ ઊભો હું આ વાર;
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ
કરે ચોગમ ઘોર ઝંકાર રે;
આ શી ઊંડી રજની! ૪

જાગી ઊઠી એ ઝંકારથી રે
અનુભવ્યું દિવ્ય ઓથાર;
ભરાયું ભેદ અસંખ્યથી રે
મ્હારું હૃદય ફાટે શતધાર રે
આ શી ઊંડી રજની! ૫

ગૂંથાયું એ શત ધારથી રે
એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ
સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.
આ શી ઊંડી રજની! ૬