અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/વરસે ખાંડાધાર


વરસે ખાંડાધાર

ઊજમશી પરમાર

ગોળ ગોળ ચાંદરણાં કેરાં
ભોંય પતીકાં પડતાં,
છાનાંછપનાં હરફર હરફર
અહીંથી તહીં આથડતાં.

વરસે ખાંડાધાર ચાંદની
નેવ-નેવ ઢોળાતી,
ફળી ફળી રહબોળે,
માથાબોળ શેરીઓ ન્હાતી;

શીળા શીળા તેજ-ધૂધવા
ઠેર ઠેર દડદડતા.

ઘટાટોપ અંધાર સંઘરી,
વડ મલકાતો મ્હાલે,
ફરતે ફરતે ફાલ ઊજળો,
ઘમ્મર ઘેરા ઘાલે;
સીમેસીમ નગારાં એનાં
રાત બધી ગડગડતાં.
(પરબ, એપ્રિલ)