અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એષા દાદાવાળા/તારા વિનાનું મારું પહેલું ચોમાસું


તારા વિનાનું મારું પહેલું ચોમાસું

એષા દાદાવાળા

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારં પહેલું ચોમાસું...!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું...!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખેથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળું
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું...!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે...
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું...!!