અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/ક્યાં?


ક્યાં?

કમલ વોરા

થાકેલ આકાશે, રાતના ખોળામાં,
મોં છુપાવી
આંખો મીંચી દીધી.
ને સૂરજ પણ
દરિયાને ઓઢી સૂઈ ગયો.
પાંદડાંઓ વચ્ચેના પોલાણમાં
પડખું ફેરવતો પવન
ધીમેધીમે જંપવા માંડ્યો
ડાશની પથારી પર.
પંખીઓ
વાતાવરણને સૂનકારથી ભરી દઈ
પેસી ગયાં નીડમાં.
વૃક્ષોના પડછાયાને ટેકે
રસ્તાઓએ પણ લંબાવ્યું...
ને ભીતરમાં
સતત એક પ્રશ્ન ઘૂમરાતો રહ્યો:
ક્યાં છે મારો દરિયો?
મારું વૃક્ષ...?
મારું ઘર...?