અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/સદ્ ગત પિતા માટે

From Ekatra Wiki
Revision as of 11:19, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સદ્ ગત પિતા માટે| કમલ વોરા}} <poem> હજુ હમણાં તો આપણે વાતો કરતા હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સદ્ ગત પિતા માટે

કમલ વોરા

હજુ હમણાં તો
આપણે વાતો કરતા હતા
ને એકાએક સોપો પડી ગયો
કોઈ એક ક્ષણે
સરી ગયા તમે ક્ષણ સો ંસ ર વ ા
ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ
પછી પછી ક્ષણરહિત સમયમાં
કદાચ સમય સોંસરવા
હું અવાક્ ઊભો જોઈ રહું છું
શબ્દોને
ઘડિયાળની ટિક્...ટિક્...માં ઝૂલતા...ઝિલતા
વિલાતા
રાત્રિના
પ્રગાઢ અંધકારમાં
સૂના, શાંત સરોવરે
આપણે એકમેકના હાથ છોડી દીધા હોય એમ
ઝબકી જાઉં છું
આમ, છૂટી જતા હશે હાથ?!
ઓસરી રહેલા વમળના વેગે ધ્રૂજતી
હથેળીઓમાં
મોં છુપાવી દઉં છું
હમણાં હમણાં
અરીસામાં જોઉં છું તો
હોઠોનો મરોડ
નાકનો ઘાટ
અરે... ચહેરાની એખ એક રેખા
તમારા ચહેરાને મળતી આવે છે
સમયનો
વિશૃંખલ સૂનકાર
શ્વાસમાં, રક્તમાં, છાતીમાં સર...સરતો
સાંભળું છું
સાંજની સૂન વેળાએ
યુવા પુત્રના
માથામાં હાથ ફેરવતો
દાદાજીની વારતા માંડું છું.