અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/સ્વપ્નમાં

From Ekatra Wiki
Revision as of 10:22, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વપ્નમાં

કમલ વોરા

સ્વપ્નમાં
પિતા એમની આગવી કોઠાસૂઝથી
પૌત્રવધૂને ઓળખી જાય છે
પુત્રવધૂને પણ અણસાર આવી જાય છે
કારણ ઘરમાં એણે એમની છબિ જોઈ છે
દાદાની વાતો સાંભળી છે અને
મારા સ્મૃતિકોષોના દીર્ઘ પટને વળોટી
એ અહીં સુધી પહોંચી છે
હા, કોઈ વાર પિતા યુવાન હોય
ક્યારેક છબિ જેવું ખડખડાટ હસતા હોય
તો કદીક

હૉસ્પિટલના બિછાને નળીઓથી ઘેરાયેલા
એક એક શ્વાસ માટે
વલખાં મારતા હોય

સ્વપ્નમાં
એવો તરલ વિચાર આવે
પિતા હયાત નથી
તો એમની આંખોમાં
હું મને ઝલમલતો જોઉં છું તે શું?
એ કશું પૂછવાનું કે
હું કંઈ કહેવાનું ટાળું છું
કેમ કે નિદ્રાનો કાચો તાંતણો તૂટે નહિ
તેની અમને બન્નેને તકેદારી હોય છે
છતાં જાગી જાઉં ત્યારે
સપનું હંમેશાં યાદ રહી જતું હોય છે
સમસ્યા
સપનામાં વાસ્તવ વિસરાઈ જવાની છે
અને એ હવે પરદાદા બનવાના છે
એની મારે એમને જાણ કરવી છે
મારો આ હરખ પિતાની
કે મારી આંખોમાં ઉકેલાઈ જાય
તેની રાહમાં છું.
તથાપિ, સપ્ટે.-નવે.