અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કવિતા-સંગીત વસો ચિરકાળ - અમર ભટ્ટ

"કવિતા-સંગીત વસો ચિરકાળ"

અમર ભટ્ટ

2020 માર્ચમાં શ્રી મધુસૂદનભાઈ કાપડિયાનો અમેરિકાથી ફૉન આવ્યો. કહે કે એકત્ર ફાઉન્ડેશનના ઉપક્રમે "અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા"ના વિજાણુ પુસ્તકનું સંપાદન કરવાની જવાબદારી એમને સોંપાઈ છે અને એમની એવી ઈચ્છા છે કે એમાં ગેય કાવ્યો ગેય સ્વરૂપે મુકાય અને એનું સંપાદન હું કરું. આ તો ગમતી વાત હતી. એટલે એમનું આમંત્રણ મેં તરત સ્વીકાર્યું. છપાયેલ કરતાં બોલાયેલ શબ્દ અને બોલાયેલ શબ્દ કરતાં ગવાયેલ શબ્દ વધારે અસરકારક છે તેમ હું માનું છું. એટલે જયારે આ આમંત્રણ મળ્યું, અને તે પણ મધુસૂદનભાઈ જેવા વિદ્વાન અને નિષ્ઠાવાન વિવેચક પાસેથી, ત્યારે આપણી કવિતા સંગીતના માધ્યમથી ભાવકો સુધી પહોંચે છે તેવી મારી શ્રદ્ધાને સમર્થન મળ્યું હોય તેવું લાગ્યું. એટલે સૌપ્રથમ તો ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પીરસવાના આ યજ્ઞના આયોજનમાં સંગીતને અને મને સામેલ કરવા બદલ મધુસૂદનભાઈ, અતુલભાઈ રાવલ અને એકત્ર ફાઉન્ડેશનનો આભાર માનું છું. કેટલીક વાત કાવ્યગાનની મારી પ્રવૃત્તિ વિષે કરવાનું મન છે. અમદાવાદમાં રાયખડમાં મારું મોસાળ (નરસિંહરાવ દિવેટિયા- મારાં મમ્મીના પ્રપિતામહ- નું ઘર). નાનપણમાં મારા મોસાળમાં યોજાતી કવિતા-સંગીતની અનેક મહેફિલો માણી છે. ગાયક-સ્વરકારો પુરુષોત્તમ ઉપાધ્યાય, ક્ષેમુભાઈ દિવેટિયા, દક્ષેશ ધ્રુવ, રાસબિહારી દેસાઈ- આ બધાની રાતોની રાતો ચાલે એવી આ બેઠકો હતી. એમાં કવિઓ પણ કાવ્યપઠન કરે. કવિ પ્રહલાદ પારેખની કવિતા 'અમારી મહેફિલો'ની આ પંક્તિઓ મારી કાવ્યગાનની પ્રવૃત્તિનું આબેહૂબ વર્ણન કરે છે:

‘અમે પીનારા એ અદ્ભુત રસોના ફરી ફરી,
અમે ગાનારા એ રસ અસરને સૌ અનુભવી'.

કવિ ન્હાનાલાલની પંડિત ઓમકારનાથ ઠાકુરે ગાયેલી અમર કૃતિ ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ' એ મારી ૧૨ વર્ષની ઉંમરે મારાં મમ્મી પાસે શીખેલી કાવ્ય-સંગીતની પ્રથમ રચના. આમ જ નાનપણથી કવિતા અને સંગીત સાથે જાય એવી સમજણ મળી. સંગીતને લીધે હું કવિતાની વધુ નિકટ આવ્યો છું. કવિતા-સંગીત જીવવા માટેનું બહાનું ક્યારે બની ગયાં એ ખબર નથી.ભણવામાં આવતી છંદોબદ્ધ કવિતાઓ હું છંદના ઢાળમાં ગાઈને યાદ રાખતો. કાવ્યનો લય અને એના શબ્દોનો ધ્વનિ ખૂબ ગમતો ને એટલે કાવ્ય યાદ રાખવામાં સરળતા રહેતી. કવિતા વાંચવાનું વ્યસન હોવાને લીધે પ્રસંગને અનુરૂપ કાવ્યપંક્તિઓ ટાંકવાનો પણ મારો શોખ છે.કદાચ આ લેખ પણ પંક્તિઓનાં અવતરણોથી ભરપૂર લાગે, પણ હું એટલું જ કહેવા માંગું છું કે એ તમામ મારા જીવનમાં,મારા કવિતા-સંગીત-વકીલાત અંગેના વિચારોમાં આપમેળે ગોઠવાયેલાં છે, પ્રયત્નપૂર્વક એ ગોઠવ્યાં નથી.

સંગીતના કાર્યક્રમોમાં કાયમ મારી ઓળખાણ આપતી વખતે મારા વકીલાતના વ્યવસાય વિષે વાત થાય છે. ક્ષેમુભાઈ કાયમ કહેતા કે અમર વકીલ હોવા છતાં ગાવા જેવું સારું કામ કરે છે. આપણી ભાષાની કવિતા ગાવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું હોવાથી હું કવિ દલપતરામની આ પંક્તિ યાદ કરું છું- ‘રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.' રમૂજમાં કહું તો જો કાળો કોટ પહેર્યો હોય તો જ હું સારું સ્વરાંકન કરી શકું છું. એકવાર બેઠો બેઠો વિચારતો હતો કે કોઈ વકીલ સંગીતકાર હોય એવા દાખલા ઇતિહાસમાં છે? ઈન્ટરનેટ પરથી જાણવા મળ્યું કે પ્રખ્યાત રશિયન કમ્પોઝર ચેકોસ્કી વકીલ હતા. આપણું શાસ્ત્રીય સંગીત જેમણે લિપિબદ્ધ કરવામાં મોટો ફાળો આપ્યો તે પંડિત ભાતખંડે પણ વકીલ હતા. સ્વરકાર દક્ષેશ ધ્રુવ સોલીસીટર હતા એ તો સૌ જાણે છે જ. ફરીથી રમૂજ કરું ? મને લાગે છે કે કદાચ મારું પણ નામ એ લીસ્ટમાં ઉમેરાશે! પણ ગંભીરતાથી કહું તો વકીલાત અને કાવ્યગાન બંનેમાં અર્થઘટનની પ્રક્રિયા છે- એકમાં વાણીથી તો બીજામાં સૂરથી શબ્દનો અર્થ શોધવાનો પ્રયાસ છે. અલબત્ત, કાવ્ય અર્થને ઓળંગીને હૃદય સોંસરું ઉતરે એ અપેક્ષિત છે. વળી, બંનેનો અંતિમ હેતુ વિસંવાદ દૂર કરી સમાજને સુરીલો બનાવવાનો છે. કહે છે કે કવિતા, સંગીતમાં રસ લેનારી વ્યક્તિ પોતાની નવરાશ શણગારે છે. મેં પણ મારી નવરાશ શણગારી છે. સૈફ પાલનપુરી કહે છે એમ-

‘મળી થોડી ધન્ય પળો જિંદગીમાં
મને ગીત ગાવાની ફુરસદ મળી'તી.'

સંગીત સાંભળવાના શોખમાંથી કેવળ નિજાનંદ માટે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરુ કર્યું. શબ્દવિહીન સંગીત માણવાના આનંદની અભિવ્યક્તિ શબ્દ્પ્રધાન ગાયન દ્વારા કરું છું એમ મને લાગે છે. કાવ્યગાનની પ્રવૃત્તિને ‘સુગમ સંગીત' કહેવામાં આવે છે. મોટે ભાગે એ નામનો સ્થૂળ અર્થ કરવામાં આવે છે ને એટલે જ 'સુગમ સંગીત' એટલે હલકું ફૂલકું સંગીત એ રીતે એને જોવામાં આવે છે. કવિતા અને સંગીત બંને કલાઓ છે અને કોઈ પણ કલા સુગમ નથી જ. નરસિંહરાવ દિવેટીયાએ પોતાનાં ‘કુસુમમાળા'નાં કાવ્યોને 'સંગીતકાવ્ય' એવું નામ આપેલું. ૧૮૯૮માં નરસિંહરાવ દિવેટિયાએ 'કવિતા અને સંગીત' વિષય પર એક નિદર્શન-વ્યાખ્યાન આપેલું. એ પ્રવચન આપે ને એમના ભાઈ ભીમરાવ કવિતા ગાઈને નરસિંહરાવે કહેલી વાત નિદર્શિત કરે. નરસિંહરાવે શબ્દપ્રધાન સંગીત માટે "પ્રયોજિત સંગીત"-Applied music - એવો શબ્દપ્રયોગ કરેલો અને શુદ્ધ શાસ્ત્રીય સંગીતને એમણે "અલિપ્ત સંગીત"-Pure music- કહેલું- જેમ Pure Physics અને Applied Physics હોય છે તેમ.ગાયક રાસબિહારી દેસાઈ અને કવિ રાજેન્દ્ર શુક્લ ‘કાવ્યસંગીત' નામના હિમાયતી છે, કારણકે એમાં કાવ્યની પૂર્વ ઉપસ્થિતિનો સ્વીકાર છે. રાજેન્દ્ર શુક્લ એટલે સુધી કહે છે કે 'કાવ્યસંગીત' એટલે ‘કાવ્ય અને સંગીત' એવો દ્વન્દ્વ સમાસ નથી;'કાવ્યનું સંગીત' એવો ષષ્ઠિ તત્પુરૂષ સમાસ પણ નથી; પણ 'કાવ્ય એ જ સંગીત' એવો કર્મધારય સમાસ છે. હમણાં જ, યુરોપમાં પ્રચલિત 'આર્ટ સોન્ગ' વિષે અમેરિકાનાં સંગીતશાસ્ત્રી મેરી એન મેલોયનો એક લેખ વાંચ્યો, જેમાં આમ કહ્યું છે- 'An Art Song might be defined as "a poem set to music, usually for trained voice and piano accompaniment with a duration of about three minutes." The German word for such classical song is Lied (singular) and Lieder (plural), so that you will hear the terms "Art Song," "lied" and "lieder" used interchangeably. In France the term is Melodie, and in Italy, Romanza. Thankfully, Art Songs are still being written, performed and recorded today. In fact, some people view the present as another golden age of Art Song performance. What to Listen for in Art Song? We mentioned above a quartet aspect of Art Song: the poet inspires the composer, and the resulting musical product is interpreted by the singer and the accompanist. The goal of Art Song performance is direct and simultaneous communication of tone and word, with the word-painting and feelings of the poet and composer both touching and palpable. The accompanist should provide the harmonic significance of the sung melody, and is not merely background to support the singer! The interplay between accompanist and singer is on many levels. Dynamics should be applied carefully to focus attention on dramatic or intimate moments. The singer's diction should be keen, with appropriate dynamics and shadings of words regardless of whether the song is in his or her native language. He or she should project joy in singing, and possess sufficient charisma to convince the audience of complete technical mastery and emotional identification with every song. Just as a good song should progress harmonically, build in intensity and change emotionally throughout its performance, the overall program should be constructed with a variety of well-known and lesser-known songs, and it should engage the audience through contrasting scenes and emotions whenever possible. An art song strives to be the perfect combination of music and literature, based on four elements: poet, composer, singer and accompanist. The composer uses the full resources of the art form to embellish the poet's text, sometimes even realizing potential interpretations that were not explicit in the poet's words. In well-realized Art Song, the composer creates a duet between the accompanist and the vocalist. That is, the Art Song paints for us a picture of what the poet might have envisioned. The performance of an Art Song literally breathes life into this picture through a complementary, coordinated partnership among the four significant elements.' આ સંપાદનમાં આપણી ભાષાનાં કલાત્મક ગીતો (Art Songs) છે.

પંડિત ઓમકારનાથ ઠાકુર- ગુજરાતના અને ભારતના સુખ્યાત શાસ્ત્રીય ગાયક.1943માં ગુજરાત સાહિત્ય સભાએ પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપીને એમનું બહુમાન કર્યું ત્યારે એમણે આપેલા સ્વીકાર પ્રવચનમાં એમણે સાહિત્ય અને સંગીતના સંબંધ વિષે કેટલીક રસપ્રદ વાતો પણ કરેલી: "સાહિત્ય અને સંગીતને હું તો સદૈવ સહોદર જ માનતો આવ્યો છું, કારણ ‘સંગીતમથ સાહિત્યં સરસ્વત્યા: કુચદ્વયમ્'.......સાહિત્યકાર અને સંગીતકારને માટે માજણ્યા ભાઈ સિવાય અન્ય કયો સંબંધ યોગ્ય ગણાય?.....એક બીજી દ્રષ્ટિ. સાહિત્યનું ઉન્નત અંગ એટલે કાવ્ય અને કાવ્યનો આત્મા એટલે સંગીત કારણ કાવ્યનું વૈશિષ્ટ્ય એની ગેયતામાં છે એમ વેદ પ્રતિપાદે છે." 8મી જાન્યુઆરી થી 12મી જાન્યુઆરી 1962 દરમિયાન મુંબઈ યુનિવર્સીટીના પદવીદાન સમારંભખંડમાં એમણે "ગુજરાતકા સંગીતસત્વ" વિષય પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતી લોકસંગીતમાં નિહિત ઝુમરા તાલ (14 માત્રાનો તાલ જે સાધારણ રીતે શાસ્ત્રીય ગાયનમાં વિલંબિત ખયાલમાં પ્રયોજાય છે), હંસકિંકિણી રાગ, નરસિંહનાં પ્રભાતિયાંમાં આપોઆપ બેસી ગયેલો રાગ શુક્લ બિલાવલ - આ બધું જ એમણે સદૃષ્ટાન્ત રજૂ કરેલું. (કહે છે કે "કાનુડો કામણગારો", "કાળજ કોર્યું તે કોને કહીએ" જેવી દયારામની રચનાઓ અને ન્હાનાલાલનું "વિરાટનો હિંડોળો " એમણે ત્યારે ગાયેલાં.)

સર્જન માટે જેમ કવિ શબ્દનો આધાર લે છે તેમ સ્વરકાર સૂરની પાંખે શબ્દને વિહાર કરાવે છે. સૂફી સંત અને સંગીતકાર હઝરત ઇનાયત ખાને પુસ્તક 'The Heart of Sufism' માં સ્વરકાર દ્વારા થતા સર્જન વિશે સૂચક રીતે આમ કહ્યું છે: "Composition is an art rather than a mechanical arrangement of notes. A composer of music performs his small part in the scheme of nature as a creator. His work is not a labor—it is a joy, a joy of the highest order."

અર્વાચીનોમાં આદ્ય દલપતરામ અને નર્મદનાં કાવ્યોથી આ સંપાદન શરૂ થાય છે. 1850ના અરસાથી લઈને અત્યાર સુધીની ગુજરાતી કવિતામાં આવેલા વળાંકો શબ્દ અને સંગીત બંને દ્રષ્ટિએ જોવા સાંભળવા મળશે. નર્મદની વર્ષગાંઠે (24 ઑગસ્ટ) આ વિજાણુ સ્વરૂપમાં આ પુસ્તકનો પ્રથમ ભાગ આપ સુધી પહોંચશે એનો આનંદ છે. કેટલાંક પારંપરિક સ્વરનિયોજનો ઉપરાંત કંચનલાલ મામાવાળાથી લઈને અત્યાર સુધીના સ્વરકારોનાં સ્વરનિયોજનોનો સમાવેશ કરવાનો પ્રયત્ન છે. એક જ કાવ્યનાં એકથી વધારે સ્વરાંકનો પણ અહીં છે જેથી તે સ્વરકારની શબ્દનું સાંગીતિક અર્થઘટન કરવાની પ્રક્રિયા સહૃદયી ભાવક સમજી શકે, માણી શકે. કેવળ ભાષાપ્રેમથી પ્રેરાઈને, આ અભિયાનમાં પોતાની સ્વરરચનાઓ લેવાની મંજૂરી આપવા બદલ સૌ સ્વરકારોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. યુવા ગાયક અને સહૃદયી ઋષભ કાપડિયાએ ખંતપૂર્વક ઑડિયો ફાઇલ્સ એકત્ર કરી આપી. આપણી યુવા પેઢી માતૃભાષામાં આટલો રસ લે છે તે જોઈ-જાણી આનંદ થાય છે.

અંતે, ગુજરાતીના સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયાએ કવિતા અને સંગીતના સાયુજ્ય માટે કહેલા શબ્દો કહીને અટકું?

"વાસ કરીને અનંતતાને દ્વાર
કવિતા સંગીત વસો ચિરકાળ "

અમર ભટ્ટ