અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિસ્મતની દગાબાજી

From Ekatra Wiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કહીં તું જાય છે દોરી દગાબાજી કરી, કિસ્મત!
ભરોસે તેં લઈ શાને આ હર્‌રાજી કરી, કિસ્મત?

થવા નિજરૂપ દુનિયામાં ઊતરવાનું ઠર્યું, કિસ્મત!
કરી તુજરૂપ રંજાડી લપેટી ઘા કરે, કિસ્મત!

ચલાવી પુષ્પમાલા પર નીચે સર્પો ભર્યા, કિસ્મત!
સનમ-દીદારમાં નાખી પલક જુદાઈની, કિસ્મત!

લગાડી કાર્ય-કારણની બરાબર સાંકળો, કિસ્મત!
ભરાવ્યા ત્યાં શી રીતે તેં ઊલટના આંકડા, કિસ્મત!

પિછાની બે અને બેને કહીને ચાર, હે કિસ્મત!
લખાવ્યા હાથથી શાને તેં એ ને એક આ, કિસ્મત!

ગણી મારું વળી મારું ભર્યું દિલ પ્રેમથી, કિસ્મત!
તથાપિ ત્યાં ભર્યું શાને શી રીતે ઝેર તેં, કિસ્મત?

ધરી આશા તણો પાયો ચણાવી તે ઉપર, કિસ્મત!
કહીં ક્યારે લીધો તાણી એ પાયો તેં, અરે કિસ્મત?

મુકાવીને મીઠે ખોળે ભરોસે શીશ, હે કિસ્મત!
કપાવી શી રીતે ગરદન વહે ના ખૂન પણ, કિસ્મત?

ઉઠાવી અસ્તિથી દિલને લગાડ્યું નાસ્તિમાં કિસ્મત!
દરદદિલ રોવું ત્યાંયે તેં વગોવાવું ભર્યું, કિસ્મત!

વહે આંખો ગળી ધારે — ધુએ દિલદાગને, કિસ્મત!
ખુદાઈની મીઠાઈમાં ભરી ખારાઈ ક્યાં, કિસ્મત!

મુડાવી કે રંગાવીને કરાવ્યો ત્યાગ તેં, કિસ્મત!
તથાપિ ત્યાં બઝાડી શી ઉપાધિ બેવડી કિસ્મત!

મુખે અદ્વૈત ઉચ્ચારી લહી મનથી પૂરું કિસ્મત!
કવિતા આ બકા’વાનું કર્યું શેં દ્વૈત તેં કિસ્મત?

કહીં કહીં આ દગાબાજી કરે હા ના તું શું, કિસ્મત?
મને માલિકના કાને પડે ભણકાર ત્યાં, કિસ્મત!

રમાડ્યો આ દગાબાજી વિશે બહુ છું ખુશી કિસ્મત!
મળ્યો માલિક વેચાયો : કરી લે ચાહે તે, કિસ્મત!

(આત્મનિમજ્જન, પૃ. ૫-૬)