અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/ભરતી

From Ekatra Wiki
Revision as of 16:57, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સહસ્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે–હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા!

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી,
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ–હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે? અવનિ-આભ ભેગાં થશે?
ધડોધડ પડી–ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે!
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે!

(કોડિયાં, પૃ. ૧૯૪)