અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/લઘુતમ સાધારણ અવયવ

Revision as of 16:52, 23 June 2021 by HardikSoni (talk | contribs)

અંધારાના ઢગલા જેવા
         વૃક્ષો ઝૂમે બંને હાથ;
વચમાં રસ્તો વળે સાંકડો,
         અકળાતાં રજનિની બાથ.
         મોટર-બત્તી તેજ કરું!
         પ્રકાશ-કેડી હું પ્રગટું!
વેગ વધાર્યો, ઢાળ આવતાં,
         આગળ કો મોટર દેખાય—
સરકંતા અંધારા જેવું
         કાળમુખમાં લબકું જાય.
         મુજ બત્તીનું તેજ ઝીલી!
         બારી આગળ જાય ખીલી!
મોટા શ્યામ ગુલાબ સરીખો
         અંબોડો રૂપકોર મઢ્યો.
બટમોગરની ચક્ર વેણીએ
         તિબેટ-શાલીગ્રામ જડ્યો.
         અર્ધ ઊંઘમાં એ દર્શન!
         થાતાં સ્મૃતિઓનાં થનગન!
કોણ હશે? ક્યાં જાતી આજે?
         ઘેર ભાઈને? કે અભિસાર?
જે મુખ અંબોડાએ ઢાંક્યું,
         કેમ પામવો એ આકાર?
         એવી વેણીવાળાં કૈં કૈં
         મુખનો મનમાં થાય ઉચ્ચાર!
વિહ્વળતા વધતાંની સાથે
         સુપ્ત સ્મૃતિના થર ઊખડ્યા.
ધુપેલ, વેણી, સો અંબોડા,
         સો સો ચિત્રો ત્યાં ખખડ્યાં.
         અમુખને મોઢું આપું!
         રુઝેલ સો ભીંગડ કાપું!
હશે શેવતી? — ભણતાં સાથે;
         બાળા? — સફર કરેલી એક;
         બીજ? — પાતળી? રાધા?—જાડી;
         પ્રેમી? — જેણે ના પાડી.
મૂરખ, કવિ! જો મોઢું દેવું,
         જગદંબા આદ્યા સર્જાવ!
અંબોડે અંબોડે ગૂંથ્યા
         લઘુતમ શા ઈશ્વરના ભાવ!
પ્રેમજોશ તો લઘુતમ અવ્યય
         જેનું ‘પ્રત્યેકા’ ભાજક.
કવિ કને જે વિશ્વવિજય તે,
         સંત મને પહેલું ત્યાજક.
શક્તિ સરખી, સંત, કવિની!
છે મ્હોંકાણ જ્વલંત છબીની!
૫-૯-’૫૦