અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/સાવ લગોલગ


સાવ લગોલગ

કૃષ્ણ દવે

અણસારોયે ન આવ્યો ને સો સો જોજમ છેટેથી,
આ કોણ અચાનક આવી બેઠું સાવ લગોલગ?
ખોદી કાઢી આખું ભીતર પળભરમાં તો મન જેવું
આ કોણ અચાનક વાવી બેઠું સાવ લગોલગ?

ડાળે ડાળે, પર્ણે પર્ણે એક ઉડાને ભમી વળ્યો હું ભમરા જેવું
છતાં એક પણ કળી મળી ના
અને ત્યાં જ તો કઈ ડાળે આ ફૂલ અચાનક મધરાતે ઊઘડીને
આખા ઉપવને મ્હેકાવી બેઠું સાવ લગોલગ?

નહિ ગાજ કે વીજ તણો ચમકાર સ્હેજ પણ, ના જોયાં વાદળ કે ના
અંધાર સ્હેજ પણ, ના આવી એવી મોસમ કે ના અણસાર સ્હેજ પણ
અને છતાંયે બે કાંઠે ભરપૂર બધું આ ક્યાંથી આવી એક જ ક્ષણમાં
સઘળુંયે છલકાવી બેઠું સાવ લગોલગ?

હળવે પગલે આંખોમાં થઈ નસનસમાં આવીને પેઠાં સાવ નિરાંતે,
પછી હૃદયના બંધ નહીં અકબંધ દ્વારને ખોલી એમાં એક પ્રવેશી બેઠાં
જામે જેમ બપોરે ઘટાટોપ કો વૃક્ષ ઉપરની નજર પડે ના એવી ડાળે
વિહગ નિરાંતે પાંખોને પ્રસરાવી બેઠું સાવ લગોલગ?

એક મજાની સાંજે મનમાં એમ થયું કે ચાલ હવા થઈ ફરતો આવું
ખુલ્લા નભમાં
અને નકળી પડ્યો ત્યાં જ તો ધજા જેમ આ કોણ શિખર પર
પોતાને ફરકાવી બેઠું સાવ લગોલગ?
(પ્રહાર, ૧૯૯૨, પૃ. ૪૪)