અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગીતા નાયક/બસ હવે


બસ હવે

ગીતા નાયક

પાંચીકા અધ્ધર ઉછાળી દીધા
તે અધ્ધર જ રહી ગયા!

આંગણાની ઉઝરડાયેલી ધરતી
દૂરનાં દૂર રહી ગયાં પાણી
છોડવાને ભરખી જતી જીવાત
સૂકાં ડાળ-ડાંખળાં ઊખડેલી મહેંદીની વાડ
ચિમળાયેલા તુલસીક્યારે
ભાંગેલી માટીની દીવી
એટલામાં જ ક્યાંક ધરબાઈ ગયેલી ઝાંઝરની જોડ
માટીમાં માટી બની ગયેલા રણકાર!
બહુ થયું,
બસ હવે.
હવે તો ફરીથી ખેડી છે
સૂર્યસળીએ આંગણાંની ધરતી
મન મૂકી વરસશે વરસાદ
ઝીણેરાં તૃણાંકુરોથી મહેકશે સવાર
હીરાકણી સરીખો તડકો ઝિલાશે મહેંદીએ
ફરીથી દેવભૂમિ થાશે તુલસીક્યારા
દુરિતને નિકટ ફરવાની આણ
જડી ગઈ પેલી ઝાંઝરની જોડ
સાબુદ બજશે એના રણકાર!

હવે પાંચીકા તારલા થયા
ખોબલે ખોબલે મબલક ઢોળાય.
(વહી, જાન્યુ.-મે.-સપ્ટે.)