અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિંદ દરજી 'દેવાંશુ' /મુઠ્ઠી ભરીને...


મુઠ્ઠી ભરીને...

ગોવિંદ દરજી 'દેવાંશુ'

મુઠ્ઠી ભરીને અમે ગ્યા'તા સીમાડે અને
ગાડાં ભરીને આજ આવ્યા!
હૈયામાં સૂર એવો હિલ્લોળા લેતો કે
નદીયુંના દરિયા થૈ આવ્યા!

લીલું તે સાવ અમ જીવતરનું વંન
અને કોયલના મીઠા ટૌકાર;
આંબે આવેલ મૉર લૂમઝૂમ થાય અને
વસંતનો જાણે લલકાર,
કોના તે સમ આજ ખાઈએ? અમારા તો
જાણે જીવતરનાં રાજ આવ્યાં!
મુઠ્ઠી ભરીને અમે ગ્યા'તા સીમાડે અને
ગાડાં ભરીને આજ આવ્યા!

વન છો ને હો ને વેરાન તોય અંતરમાં
ઝાઝા ગુલમોરની માયા!
લાવ રે ચટ્ટાક પેલાં કેસૂડાં ખીલ્યાની
જાણે ઘડાઈ અમ કાયા!
આટલા તે નાના કૈં ગીત મહીં ગુંજતા એ
ભમરા બનીને આજ આવ્યા;
મુઠ્ઠી ભરીને અમે ગ્યા'તા સીમાડે અને
ગાડાં ભરીને આજ આવ્યા!
(કંઈક, ૧૯૯૬, પૃ. ૩૦)