અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઘનશ્યામ ઠક્કર/— (હજી કૈં યાદની...‌)


— (હજી કૈં યાદની...‌)

ઘનશ્યામ ઠક્કર

હજી કૈં યાદની લાશો સડે છે વિસ્મરણ ઓથે,
ઘવાયેલાં સપન જ્યાં તરફડે છે જાગરણ ઓથે.

હવે અંધારઓથે તેજનાં સ્વપ્નો રચી લઉં છું,
પહેલાં વારતા અંધારની લખતો કિરણ ઓથે.

જુઓ, રસ્તા બધા હાંફી ગયા મારા પ્રવાસોથી,
રહી બાકી મજલ દાટું હવે તેથી ચરણ ઓથે.

પહેલાં ચોતરફ કાજળની દીવાલો ચણી લે છે,
પછી પી જાય છે ફાનસ પ્રકાશો ખુદના ઓથે.

નવું કૈં પામવાના લોભમાં જે છેદતો ચાલ્યો,
નવાં બસ આવરણ પામ્યો, પુરાણાં આવરણ ઓથે.

ફરીથી જન્મ લેવાની મને શિક્ષા મળી એથી,
રચ્યું’તું જિંદગીનું કાવ્ય મેં બેસી મરણ ઓથે.