અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રાબહેન એસ. શ્રીમાળી/અછૂત કન્યા

Revision as of 11:29, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અછૂત કન્યા|ચંદ્રાબહેન એસ. શ્રીમાળી}} <poem> હું એક સુકન્યા! પણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અછૂત કન્યા

ચંદ્રાબહેન એસ. શ્રીમાળી

હું એક સુકન્યા!
પણ અછૂત, તેથી જ’સ્તો ધોળે દહાડે
અભડાઈ જાઓ છો તમે...
પણ એ જ ક્ષણ અંધારું ઓઢે તો?
કાળી મજૂરીએ જવા
પસાર થાઉં છું ત્યારે, ચોરે ચૌટે કે ઊભી બજારે
આડા ફંટાઈ જાઓ છો તમે...
’ને ભેટી જાઓ જો કદીક ભીડમાં
છળી જાઓ છો તમે, છટકી જાઓ છો તમે...
’ને વળી ભેટી જાઓ કદીક જો
વારિઘાટે કે ઊભી વાટે, ભાગી જાઓ છો તમે...
’ને અંધારે મળો ત્યારે
છકી જાઓ છો તમે... બહેની જાઓ છો તમે...
ધોળે દહાડે, ઊભી બજારે, ભેટી જાઓ ત્યારે
આ ધગધગતા સૂરજની શાખ નડે છે તમને...
કહી દો — આ ફરફરતા પવનને કે,
મારી ઓઢણી ના ઉડાડે કદી...
તમને ભારોભાર પ્રપંચ ’ને દંભ છે...
આ અજવાળાની બીક છે તમને...
બાકી લૂગડાં તળે તમો સૌ...
જવા દો, દોસ્ત બનીને આવો છો
અંધારે લપકડાં, સરકતાં, મરકતાં, ટપકતાં,
લવીકતાં, ઢળકતાં અંધ બનીને
મારી લાચારીની મજૂરી ચૂકવવા,
ત્યારે અભડાતાં નથી તમે કાળોતરાઓ!
હું માત્ર હું છું, હું અછૂત નહીં,
એક સુકન્યા છું... સુકન્યા...