અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/એક ટેલિફોન ટૉક


એક ટેલિફોન ટૉક

ચન્દ્રકાન્ત ટોપીવાળા

હલ્લો સાગર
કાંઠાના વેલા ફાંસામાં ગળાડૂબ મોઢે ફરતા ફૂંફવતા
ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર હું
તમારું પાણી બોલું છું હલ્લો હલ્લો સાગર હું
તમારું પાણી બોલું છું તમારી વાણી અહીં સુધી
નથી પહોંચતી તમારું પાણી બોલું છું તમારી
વાણી નથી બોલી શકાતી
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર રેતીનો
ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય તમારાં પાણીને
પાણી પાણી કરી નાખે છે તમારી વાણી નથી
બોલી શકાતી ઠાલાં છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે
હલ્લો સાગર હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પામી વડવાનલની
જીભે જલતું હું તમારું પાણી ચૌદ રત્નના ઘામાં
ગભરુ તમારું પાણી બોલું છું



આસ્વાદ: હલ્લો સાગર વિશે – હસિત બૂચ

જો માત્ર શીર્ષક કે મુદ્રણ રીતિની નવીનતા જ હોત, તો આ રચના કાવ્ય થઈ શકી ન હોત. અહીં તો કૃતિ સળંગ અને નખશિખ કે રૂંએ-રૂંવાડે કાવ્યાનુભૂતિ પ્રેરે છે. આ ‘ટેલિફોનિક ટોક.’ એક અવાજ જ ધરાવતી હોવા છતાં, એની ભંગિ માત્ર નહિ, પરંતુ એની માર્મિકતા પણ એવી અજબ નીવડી છે, કે શ્રોતાભાવક મનમાં ઝંખે કે હજી કંઈક ‘ટોક’ વહેતી રહે તો? કવિકર્મની ખૂબી જ એ છે કે અહીં, કે વિસ્તાર સાતે સમાપનના બિંદુને ય એ બરાબર કળી લે છે.

જરા અમથી ચાલફેર-ઠેરફેર, ક્યાંક કળાય-ન કળાય; પણ, ‘ટોક’ આખી કટાવના લયે જ આંદોલિત ઝૂમતી-ઝૂલતી નિર્ઝર્યે જતી હોય એવી આકૃતિની આબોહવામાં ‘સાગર, હું’ જેવો મનમાં ઊઠતો પડઘો, ‘તમારું પાણી’ જેવી ઓળખવાણી, ‘ખીલ્લો ખીલ્લો’ કે ‘ઠેલ્લો’ કે ‘નીલ્લો’ જેવાં ઉચ્ચારણોમાંનું વળગૂંથણ, ‘હલ્લો સાગર’નો સાગરહિલોળી એકતાનો સતત હેર્યા કરતો મમત્વસૂચક ઉદ્બોધનરવ, રચનામાં ભારે આકર્ષણ રચ્યે જાય છે. એ સર્વની અપીલ એકાગ્ર થઈ મર્મસ્પર્શી બની છે એમાં જ રચનાની સિદ્ધિ છે.

આ રચના કવિતાની સાહજિક એવી કેટલીક રિદ્ધિ હૃદયંગમ રૂપે લેતી આવી છે. એની વિશદતા સાથેની એની ગહારઈ યા સૂચકતા જોઈએ; એની વાણીમાંનો સંગીત સંસ્કાર કે વાતચીતનો સળંગ દોર જોઈએ; એમાંની લાગણીથી ઊંડેથી આવતી આરત કે પછી બૌદ્ધિક-સજગ સૂઝ જોઈએ; રચના અવનવી, એવી જ સંગીન થઈ છે.

‘કાંઠાના વેલા ફાંસામાં ગળાડૂબ’ અને ‘મોઢે ફરતા ફૂંફવતા ફીણના હલ્લા’ની વચમાં રહેલું પાણી, સાગરનું જ એ રૂપેબદ્ધ-ગ્રસ્ત જળ, અહીં સાગરને જ ‘હલ્લો સાગર’નો ટેલિફોનિક સાદ પાડે છે, ઉઠાવમાં આવતાં બેઉ આ ચિત્રો તાદૃશ, સદાય બૃહદ્ વિશાળ એવું જીવન? એવી કળાતાસીર? કે પછી જીવન એટલે જળ અને ફલતઃ રૂઢાર્થ તે જીવનસાગર, સંસારસાગર, ભવ સાગર? ‘કાંઠા કે’ ફૂંફવતા ફીણ’માંથી યે શું આપણી ગ્રંથિઓ, રૂઢિવશતા-ભૌતિક મર્યાદાત્રુટિઓ-અલ્પતાનો અર્થ તારવવો? પરંતુ એવું બધું સ્પષ્ટ કરવાનીયે જરૂર જ શી છે? રચના કાવ્ય રૂપે જ જો ઊપડતાં વેંત એના ચિત્રથી, એના ઇશારાથી, એના રવથી અને એની ફૂટી ઊઠતી સાહજિક સમસ્તતાથી ચિત્તને અડી જ લે છે, તો એવી બધી આળપંપાળે મન વળગે જ શેનું?

‘હલ્લો સાગર હું/તમારું પાણી બોલું છું’ – આ ‘ટોક’નો લય લાડથી હિલોળતો લાગવાનોજ. અહીં ‘હું/તમારું પાણી–’ એ શબ્દો આવતાં જ રચનામાંનું આકર્ષણ-ઊંડાણ સીધું મનમાં અડી જાય છે. વાણીના લયહિંડોળે મન ઝૂલતું થતાંની સાથોસાથ જ જાણે કોઈ ઊંચું ઊંડું તત્ત્વ કલ્પનારશ્મિએ ચીંધી આપ્યાનું આપણે અનુભવીએ એમ છીએ. આ ઉદ્ગાર જ, ‘ટેલિફોનિક’ ‘ટોક’માં પાછો દોહરાવાય છે. પણ પેલો ‘હલ્લો’ સાદ બેવડાવાઈને જ એ સરસ થયું છે. ‘તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી’ કે ‘તમારી/વાણી નથી બોલી શકાતી’ એ ઉદ્ગારો વચ્ચે ‘તમારું પાણી બોલું છું–’ની ગુંથાઈ જતી ઉદ્ગાર-આરત-રટણોક્તિ ઘડીએકમાં જાણે બોલનારની સંવેદના સાથે ભાવકની તન્મયતા સાંધી આપે છે.

‘નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર’ની આરત પણ એ જ રીતે વેધક નીવડે છે. અછાંદસ જ નહિ, ગદ્યનો આભાસ અહીં છે તે આંખપૂરતો. કાન તો સતત અહીંની લયલહરે જ મંડાતો રહે છે. એમાં શબ્દાનુપ્રાસની રીતિ કવિએ સવિવેક ખપમાં લીધી છે. એની કરી ખૂબી તો ‘ખીલ્લો ખીલ્લો’નું ઉચ્ચારરૂપ કાને પડતાં જ વરતાઈ આવે છે. ‘રેતીનો’ ખીલો-ખીલો બાંધી રાખે છે,’ સાગરનાં ‘પાણીપંથા અશ્વોને.’ તરંગસમૂહને ‘બાંધી રાખતા’ એ ખીલાઓ; ‘પાણી-પોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય/તમારાં પાણીને/પાણી પાણી કરી નાખે છે.’–આ લીટીઓમાં એક ‘પાણી’ શબ્દની જે જાતભાતની સૂરત, એને ઔચિત્ય-સૂઝપૂર્વક ઉપસાવી અપાઈ છે. આ ‘ટૉક’ સાગરજળની, સાગરને સંબોધાઈને વહે છે; એ ખયાલમાં રહેતાં જ, એમાંનો મર્મ પણ ભાવકચિત્તે સ્ફુર્યા કરે એમ છે.

ખાલી–ખોખાં સમી ‘છીપોના દ્વીપો’ ‘ઠેલ્લો મારે છે’, તે સાગરના ‘પાણીપંથા અશ્વો’ને? તમારી વાણી/નથી/બોલી શકાતી’ એવું એકરારતા સાગરજળને ખુદને? બેઉ રીતે ચિત્ર ઘટાવાય એવું અને સાર્થક. ‘નીલ્લો તમારો કિલ્લો તૂટે તો’ રેતીનો ખીલો–એ ખીલો છૂટે જ, તો ‘હલ્લો સાગર’ એ કિલ્લો તોડીને ‘આવો બહાર’—એમાં જીવનની મુક્ત પ્રચંડ શક્તિનું આવાહન તો છે, કિંતુ એમાં પ્રાર્થના–આરત–લાગણીભર્યો સાદ વધુ છે, કારણ આ વાણી છે સાગરની જ. માત્ર કાંઠાના વેલ-ફાંસામાં ગ્રસ્ત એવા જળની કે ‘મોઢે ફરતા ફુંફવતા/ફીણના હલ્લા’માં આવી ગયેલા જળની જ નહિ, એથી યે કંઈક વધુ ઊંડા જળની. એનો દ્યોતક નિર્દેશ છે ઉપસંહારની લીટીઓમાં. ત્યાં જ રચના પોતામાંના ઊંડાં સંકેતસ્થાનો ચીંધીને પણ કાવ્યને બાધક એવી વાચ્યતાથી અલગ-દૂર રહે છે. અગસ્ત્યના ઉદરમાંનું જળ વડવાનલની જીભે જલતું જળ, ‘ચૌદમા રતન’ કે પછી ચૌદ રત્નોના ઘા-હલ્લા વચ્ચે ગભરું થએલું જળ, —સાગરનું આવું જળ આ ‘ટેલિફોનિક ટોક’–માં બોલે છે. પુરાકથા-લોકકથાનીના સ્રોતમાંથી કવિસૂઝે રચેલો આ સંદર્ભ, રચનાને સ્પષ્ટ સાંકેતિક રૂપ આપે છે. ગતની કોઈ ભવ્યતા કે સ્વપ્નિલતા, સાંપ્રત-બદ્ધ-ગ્રસ્ત સાંપ્રતને ખીલામાંથી મુક્ત થવામાં જાણે કારગત થતી નથી. સાંપ્રત કળાનોયે એમાં સાદ અણસારી શકાય. તેથી જ રચનાની આરત-સંવેદનની ઉત્કટતા અહીં વધુ સઘન સ્વરૂપે સૂચિત થાય છે. (‘ક્ષણો ચિરંજીવી'માંથી)



આસ્વાદ: ઍપિક સ્કેલ પર પરિણમતી ટૉક – રાધેશ્યામ શર્મા

‘એક ટેલિફોન ટૉક’ શીર્ષકવાળી કાવ્ય-આકૃતિ, સ્વરમંડલયુક્ત, પ્રાસમંડિત શબ્દઘટકોની એક વિરલ રચના છે. કર્તા નાયકનાં આત્મલક્ષી સંબોધન અને ભાવવમળોનાં કોલાજ અભિનયજાયકો પીરસે છે.

‘હલ્લો’, ‘નીલ્લો’, ‘ખીલ્લો’, ‘કિલ્લો’ શબ્દોના પુનરાવૃત્ત ધ્વનિ–સામ્યોનો વિનિયોગ, પદાવલિના પ્રત્યેક વળાંકના લયોમાં પરોવાયેલો છે.

ટેલિફોન ટૉક વન–વે–ટ્રાફિક છે; કોઈ વ્યક્તિને નહીં, પ્રકૃતિવિશ્વના તત્ત્વાંશ સાગરને સંબોધી પ્રસરી છે. સાગરફીણના હલ્લાથી ધક્કેલાયેલ નાયક સાગરને હલ્લો કહે છે, પ્રચલિત હેલો, કે એલાવ કરતો નથી.

ટૉકની બે પરિસ્થિતિ તાદૃશ્ય થઈ છે:

એક, ‘હલ્લો સાગર હું તમારું પાણી બોલું છું.’

બે, ‘તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી…તમારી વાણી નથી બોલી શકતી.’

સાગર અબોલ હોય, કદાચ એની ભાષા ફીણના હલ્લા મનાય!

રચનાનો પ્રથમ ગુચ્છ ચિત્ર દૃશ્યાત્મક વર્ણનથી ઉદ્ભાસિત છે આ પંક્તિમાં –

કાંઠાના વેલા ફાંસામાં ગળાડૂબ મોઢે ફરતા ફૂંફવતા ફીણના હલ્લા…

ફીણ ભેળા ‘ફાંસા, ફરતા, ફૂંફવતા’નું ધ્વન્યાત્મક સંકલન યાદગાર..

‘હલ્લો’ પછી બીજા ગુચ્છમાં ઓચિંતો ચમકતો ‘નીલ્લો’ શબ્દ કેટલો સાભિપ્રાય છે. ‘નીલ્લો’, નીલ વર્ણ આસમાની–કાળો આકાશની જેમ સાગરને પણ ઊંડળમાં લે. આવાહનના ટોનમાં કહે છે: ‘તમારો કિલ્લો તોડી આવો બહાર, રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો.’ કિલ્લાની રેતી પાણીપંથા અશ્વોને ખીલે જકડી રાખે એ તદ્દન અણધાર્યો વિસ્મય વેરતી પંક્તિ છે.

એથીય આગળ સર્જનકળાનું સ્તર લક્ષ્યતી પદાવલિ આ રહી:

પાણીપોચાં વિશ્વનાં સપનાંઓનો ભય તમારાં પાણીને પાણી પાણી કરી નાખે છે.

સમુદ્રજળને પણ, પાણી પાણી કરતો પ્રયોગ નવતર નથી? વિલક્ષણ આવાહન શા કાજે કરવું પડ્યું? ‘પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓના ભય’ને કારણે! આ લખનાર અદના ભાવકને પાણી પાણી કરતી કાયનેટિક ઇમેજરિ આ રહી:

ઠાલાં છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે

મોતીવંધ્ય ઠાલાં છીપોના દ્વીપો, સર્જક પ્રકાશથી તાદૃશઃ કોઈ વૉર મિનિસ્ટર વડાપ્રધાન જેવા અધિકારીને સલાહસૂચનની પરિભાષામાં બોલતો હોય તેમ કાવ્યનાયક કહે છે: નીલ્લો તમારો કિલ્લો તૂટે તો / રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે હલ્લો સાગર / નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર…

આ કૃતિની પરાકાષ્ઠા કહો કે પૂર્ણાહુતિ, અનોખા પૌરાણિક સંદર્ભથી નાયક ગળે આવી જઈ દારુણ દશાના વર્ણનથી સાગરને જાણે ઢંઢોળે છે:

‘અગત્સ્યના પેટસૂતું હું તમારું પાણી વડવાનલની જીભે જલતું હું તમારું પાણી ચૌદ રત્નના ઘામાં ગભરુ તમારું પાણી બોલું છું.’

‘અગત્સ્યના પેટસૂતું પાણી’ પાણિનીના સમાસસમું લાગે, પણ અનુગામી પંક્તિઓમાં વડવાનલ–સમુદ્રઅગ્નિની જીભે જલતું તેમજ ચૌદ રત્નના વ્રણમાં વસેલું, ગભરુ પાણી નાયકને મહાભારતના કર્ણ કે અશ્વત્થામાની કક્ષાદશામાં મૂકી આપે. આ જળ જીભે જલતું અને ગભરુ પણ છે. સમુદ્રમંથન–ઉત્પન્ન ચૌદ રત્નના જખ્મમાં રહેલું પાણી… ક્યા બાત હુઈ….

કાવ્યકલાની પરિણતિ, રચનાની પ્રક્રિયામાં છેલ્લી ત્રણ પંક્તિ જે રીતિવિશેષથી સર્જક ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ઍપિલ સ્કેલ પર રચી એનાં ‘દિલ સે’ અ–ભિ–નં–દ–નમ્…

‘ટૉક’ તથા સાગરને અનુલક્ષતી, ‘લેવિસ કૅરોલની પંક્તિઓ પેશ કરું…

ધ ટાઇમ હેઝ કેમ, / ટુ ટૉક ઑફ મૅની થિંગ્ઝ: ઑફ વ્હાય ધ સી ઇઝ બૉયલિંગ હૉટ / ઍન્ડ વેધર પીગ્‌ઝ હેવ વિન્ગ્‌ઝ‘ (રચનાને રસ્તે)