અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/એલિફન્સ્ટન રોડ


એલિફન્સ્ટન રોડ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું સમુદ્રનો છું
હું અરબી સમુદ્રનો છું
હું મુંબઈનો છું
તમે કહી શકો કે હું વરલીનો છું
કારણ હું એલ્ફિન્સ્ટનનો છું
હું સરસ્વતીનિવાસનો છું.
હું મધરાતે આંખ ખૂલી જતાં
આવતી-જતી લોકલ ટ્રેનના અવાજ પરથી
એ અપ છે કે ડાઉનટ્રેન છે તે કહી શકું છું
ને વચ્ચે વચ્ચે ફાસ્ટ ટ્રેનને સડસડાટ દોડી જતી સાંભળું છું
કારણ, એલ્ફિન્સ્ટન પર કોઈ ફાસ્ટ ટ્રેન થોભતી નથી.
ઘડિયાળ ઘરમાં જોવા કરતાં
ચાલીને છેડે ઊભા રહી સ્ટેશનના દેખાતા ઘડિયાળમાં
સમય જોઉં છું
સ્ટેશનના સ્ટેરકેસ પર ચડતાં-ઊતરતાં માણસોને જોઉં છું.
ગમે ત્યાં રેલ-અકસ્માતને કારમે ઘવાયેલી તરફડતી
વ્યક્તિઓનાં સ્ટ્રેચરોને અનેક વાર ટ્રેનમાંથી ઉતારતાં જોઉં છું.
કારણ, KEM (King Edward Memorial) હૉસ્પિટલ અહીં છે.
ઘર પછવાડે આવેલી એલ્ફિન્સ્ટન મિલનું ભૂંગળું
હવે તો કેવળ સાંભરણમાં છે.
એ વાગતું, એની સાથે મિલમજૂરોની પાળી બદલાતી
અંદરના બહાર અને બહારના બધા મુખ્ય દરવાજેથી અંદર.
એલ્ફિન્સ્ટન અને પરેલ વચ્ચેનો ફૂટ ઓવરબ્રિજ તૂટી પડ્યો
ત્યારે હું બાલબાલ બચ્યો છું
એલ્ફિન્સ્ટન ઓવરબ્રિજના ઢાળને છેડે થોડેક દૂર
પહેલાં એક પોયબાવડી હતી,
ગામગામનાં ગાડાં ત્યાં છૂટતાં, બળદો પાણી પીતા
પણ પછી ત્યાં નજીકમાં પાટા નખાયા, માથે તાર બંધાયા
ટ્રામો શરૂ થઈ અને પરેલ ટી. ટી. (પરેલ ટ્રામ ટર્નિનસ) ઊભું થયું.
પોયબાવડી પછી શોધી ના જડે
જોકે અત્યારે તો પરેલ ટી. ટી. પણ
શોધ્યું જડે તેમ નથી.
પાંઉમસ્કા સાથે ઊકળતી ચાની ભેગી
ફિરદોસી ઈરાનીની હોટલ પણ વરાળ થઈ ગઈ.
શ્યામજીવનના સ્ટુડિયોમાં
મારી બાળપણની છબી કેદ છે.
એ ક્યારેય બહાર આવી શકે તેમ નથી.
દામોદર હૉલમાં શકુન્તલાનું પ્રત્યાખ્યાન હજી ભજવાયા કરે છે.
ગૌરીશંકર છીતરમલનો દૂધીનો હલવો
ફાસ્ટફૂડમાં ગૂંચવાઈ ગયો છે.
વાડિયા મેટરનિટી, વાડિયા ચિલ્ડ્રન
અને તાતા મેમોરિટલ કૅન્સરઃ
આ હૉસ્પિટલોને વધતાં જતાં દર્દીનું દરદ છે.
હા, એલ્ફિન્સ્ટનથી જ જવાય, નર્મટેકરી.
નર્મટેકરી સ્થળમાં નજીક છે
પણ સમયમાં ખૂબ દૂર છે.
ને નર્મટેકરી પરથી નર્મદને દેખાયેલાં
લીલોતરી અને ખેતરો તો ક્યારનાં ગુમ થઈ ગયાં.
પછી તો ત્યાં કોટનમિલો ઊગેલી.
એ બધી પણ જમીનદોસ્ત થઈ ગઈ.
હવે તો ત્યાં ખેતરના મોલને સ્થાને
ઊગેલી મિલોની જગ્યાએ
મલ્ટિપ્લેક્સ મોલ ઊગી ગયા છે.
આમ જુઓ તો
સિદ્ધિવિનાયક કાંઈ બહુ દૂર નથી
પણ એ ચાલીને મારી પાસે આવે એમ નથી
ને હું ચાલીને એની પાસે જાઉં એવો નથી.
ને વક્રતા તો જોઓ
સ્ટેશન ‘એલ્ફિન્સન્સન’ તો ગયું
અને એનું ‘પ્રભાદેવી’ થઈ ગયું
હવે હું પ્રભાદેવીનું શું કરું?
હું તો એલ્ફિન્સ્ટનનો છું.
સંદર્ભઃ ૧૯-૭-૨૦૧૮ના રોજ વેસ્ટર્ન લોકલ રેલવેનું સ્ટેશન એલ્ફિન્સ્ટન રોડ અધિકૃત રીતે ‘પ્રભાદેવી’માં ફેરવાઈ ગયું છે.