અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/પક્ષીતીર્થ


પક્ષીતીર્થ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદૃશ્ય થઈ ગયો છે
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદૃશ્ય થઈ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી
શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો અધવચ
અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર
જડ્યું નથી.
મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું...
હમણાં જ...
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.