અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/છાયા ત્રિવેદી/આ રસ્તો


આ રસ્તો

છાયા ત્રિવેદી

કંઈ કેટલીયે કેડીઓ
વિલીન થાય ત્યારે
બને છે માંડ એક રસ્તો!

નિરંતર ચાલ્યા કરે છે
આ રસ્તો
અંદર-બહાર
બહાર-અંદર!

તે ક્યાં લઈ જાય છે, ખબર નથી!
એના એક-એક વળાંકમાં
કોઈક ને કોઈક સરનામું
છુપાયેલું છે.

પણ—
પગલાંને વાંચતાં આવડતું નથી.

કદીક એકદમ સીધો સટ્ટાક
ક્યારેક સાવ જ અળવીતરો!
કદી ધોમધખતો
ક્યારેક ગુલમહોરી છાયા ધરતો!

ભલભલા ભોમિયાને
ભૂલો પાડી દે છે
આ રસ્તો!
ક્યારેક
ટાપુ જેવા વટેમાર્ગુને
પાણીની જેમ વીંટળાતો રહે છે
આ રસ્તો!

સૂઝે નહીં દિશા તો
ચાલવા માંડતો એવો
જાણે હાથમાં હોય નકશો!
ક્યાંથી નીકળ્યો
ને ક્યાં જશે?
કાફલાના કાફલા લઈને
સતત દોડતો રહે છે જાણે અમસ્તો.

કોઈ પગલું ગમી જાય ત્યારે
એની નીચે
બેસી પણ જાય છે
આ રસ્તો!

રસ્તામાં કંઈ કેટલાયે નીકળે રસ્તા!
એના રંગ-ઢંગ અનોખા.

કહેવાય નહીં—
ક્યારે કોને લાવી દે રસ્તા પર?
ને—
ક્યારે કરી આપે માર્ગ કોના ઢૂંકડા!

તેની નામકરણ વિધિયે થાય
ને તેના પર શ્રીફળ વધેરાય!
તોય—
રસ્તો રહે છે
માત્ર રસ્તો જ!

તેણે સાચવેલી ભીનાશથી
આ રસ્તાની ધારે
ક્યારેક ઊગી નીકળે છે
ઘાસ!

રસ્તો ચાલે અંદર-બહાર
આગળ-પાછળ,
સાથોસાથ...!
માટીથી માટી સુધી
બસ,
આ રસ્તો!
શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર ૨૦૧૪