અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/છેલકડી

From Ekatra Wiki
Revision as of 11:43, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> નાનકડી શેરીને છેલકડી પહેરાવો એવી આ ડેલી એક લાગશે. અણિયાળી મોજડી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નાનકડી શેરીને છેલકડી પહેરાવો એવી આ ડેલી એક લાગશે.
અણિયાળી મોજડીમાં ચમક્યો સૂરજ:
                           એમાં પાલવ સફાળો મારો જાગશે.

         લ્હેરિયાતા સાફાનું છોગું છકેલ
                  મારી ભીની પાંપણમાં મરકે,
         પોતીકા થડકારા ભૂલીને દલડું તો
                  રોઝડીના ડાબલા શું ફરકે:
ગરકેલો મોર મારો પીંછાંના માંડવડે
                  એકાદો ટહુકો તો માગશે!

         આંખોમાં આમતેમ પારેવાં ઊડે
                  ને કમખામાં દીવડાની જ્યોત,
         હુક્કાની જેમ મને પી જાજો વા’લમા
                  કે હું જ કરું મારી ગોતાગોત:
તારા આવતાંની સાથે અહીં કોણે જાણ્યું કે
                  મારું આયખું પરાયું થઈ ભાગશે!